Get The App

દિલ્હીની વાત : દિલ્હીમાં વધતા ભ્રષ્ટાચારથી પરેશાની

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : દિલ્હીમાં વધતા ભ્રષ્ટાચારથી પરેશાની 1 - image

નવીદિલ્હી : દિલ્હી સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કેન્દ્રીય ખરીદી એજન્સી (સીપીએ) પર વિજિલન્સના દરોડા પછી સત્તાધીશો ચોંકી ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને માથે માછલા ધોવાયા પછી એમણે પગલા લેવા પડયા છે. સીપીએ પ્રમુખ ડો. વિનોદકુમાર રંગાને એમના હોદ્દા પરથી દુર કરવાની સાથે બીજા ૪૦ થી વધારે મેડિકલ, પેરા મેડિકલ અને બીજા વહીવટી કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે. વિજિલન્સના દરોડા પછી દિલ્હી હેલ્થ સર્વિસના ડિરેક્ટર ડો. વત્સલા અગ્રવાલની હકાલપટ્ટી કરવામાં આવી હતી. દિલ્હી સરકારના દરેક વિભાગોમાં જ્યારે ખરીદી થાય છે ત્યારે મોટી કટકી થતી હોવાના આક્ષેપ છે. સૌથી વધુ ખાયકી હેલ્થ ડિપાર્ટમેન્ટમાં થાય છે. ૧૦ જેટલા ડોક્ટરોની બદલી પણ કરવામાં આવી છે જેમાં ડો. વિનોદકુમાર રંગા મુખ્ય છે.

સીજેપી સામે તપાસ કરવા અલ્હાબાદ હાઇકોર્ટનો ઇન્કાર

અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચે 'કોકરોચ જનતા પાર્ટી' અને એના સ્થાપક અભિજીત દિપકે સામે નેશનલ ઇન્વેસ્ટીગેટીવ એજન્સી (એનઆઇએ) અને ઇડીની તપાસ કરવાની માંગણી પર સૂનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે. જસ્ટીસ શેખર બી સરાફ અને જસ્ટીસ અભદેશકુમાર ચૌધરીની બેંચે કહ્યું હતું કે, અરજી કરનાર એસ વિઘ્નેશ શિશિર કર્ણાટકના બેંગ્લુરના રહેવાસી છે. આ કારણે એમણે સૌથી પહેલા કર્ણાટક હાઇકોર્ટમાં દાદ માંગવી જોઈએ. કોર્ટના જણાવ્યા પ્રમાણે આ કિસ્સાને ઉત્તર પ્રદેશ સાથે કોઈ સીધો કે આડકતરો સંબંધ નથી. બેંચે કહ્યું હતું કે, 'ફોરમ નોન કન્વીન્યન્સ'ના સિદ્ધાંત હેઠળ આ અરજી એમની સમક્ષ સુનાવણી માટે યોગ્ય નથી. જોકે કોર્ટે યોગ્ય કોર્ટ સમક્ષ અરજી કરવાની સહમતી આપી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોકરોચ જનતા પાર્ટીના વિદેશી શંકાસ્પદ સંગઠન સાથે સંબંધ છે. ભારત વિરોધી તત્વો દેશની સુરક્ષા અને અખંડીતતાને નુકસાન પહોંચાડી શકે છે.

બંગાળમાં ટીએમસી સાથે જોડાયેલી તમામ કમીટીઓનું વિસર્જન

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન પછી તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) સાથે જોડાયેલી તમામ કમીટીઓ અને સંગઠનોનું વિસર્જન કરવામાં આવ્યું છે. ટીએમસીમાં મોટા પાયે તડ પડવાની વાત વચ્ચે આ જાહેરાત થઈ છે. ટીએમસીના સોશ્યલ મીડિયા એક્સ હેન્ડલ પર આ જાણકારી આપવામાં આવી છે. 'લાંબો વિચાર કર્યા પછી નક્કી કરવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસની તમામ કમીટીઓ અને એની સાથે જોડાયેલા સંગઠનોનું વિસર્જન કરવામાં આવે છે. પક્ષ હવે દરેક સ્તરે આત્મમંથન તેમજ કામકાજની સમીક્ષા કરશે. આ પ્રક્રિયાના પરિણામ જે આવશે એ આધારે નવી કમીટીઓ અને સંગઠન ફરીથી બનાવવામાં આવશે. પક્ષ સંગઠન મજબૂત કરવા માટે અને આવનારા પડકારોનો સામનો કરવા તૈયાર છે.'

ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગણી પાછળનું રાજકારણ

મુસ્લિમ ધર્મગુરુઓએ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગણી કરી છે. આ બાબતે ભાજપ ચિંતીત છે. ભાજપના કોઈપણ નેતાએ આ માંગણીનો સ્વીકાર કર્યો નથી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, 'ગાય અમારી માતા છે અને શું મા અને પુત્ર વચ્ચેના સંબંધો જાહેર કરવાની જરૂર છે ખરી?' કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂનરામ મેઘવાલ પહેલેથી જ કહી ચૂક્યા છે કે, ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવાની કોઈપણ માંગણી પરત્વે વિચાર કરવામાં આવ્યો નથી. હિન્દુ ધર્મગુરુ રામભદ્રાચાર્યએ પણ યોગી આદિત્યનાથની વાતને સમર્થન આપીને કહ્યું છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગણી નર્યુ રાજકારણ છે. હિન્દુવાદી નેતાઓની દલીલ છે કે, હિન્દુઓ ગાયને માતા માને છે અને એને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે તો ગાયને પશુની કક્ષામાં મૂકવા માટેનું કાવતરૃં છે.

સોનમ વાંગચુક સીજેપી સાથે તન, મન, ધનથી જોડાયા

લદ્દાખના ચળવળકર્તા સોનમ વાંગચૂકને વિવિધ કલમો હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર માને છે કે સોનમ વાંગચૂક વિરોધીઓની પંગતમાં બેસી ગયા છે. વાંગચૂકને જેલમાંથી મુક્ત કર્યા પછી વાંગચૂક પરત લદ્દાખ પહોંચી ગયા હતા અને મોકાની રાહ જોતા હતા. સોશ્યલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ર્ટી બનાવવામાં આવી અને સ્થાપક અભિજીત દિપકે ભારત પરત ફરવાની જાહેરાત કરી ત્યારે સોનમ વાંગચૂકે તરત જ પોતાનો ટેકો જાહેર કર્યો હતો. વાંગચૂકના કહેવા પ્રમાણે ૫ જૂન સુધી જો શિક્ષા મંત્રી રાજીનામું નહીં આપે તો તેઓ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે. સોનમ વાંગચૂક ઘણા સમયથી યોગ્ય પ્લેટફોર્મની રાહ જોતા હતા. શરૂઆતમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય એવી વાત હતી, પરંતુ રાજકીય રીતે આમ આદમી પાર્ટીને વિવિધ રાજ્યોમાં મળેલી હાર પછી સોનમ વાંગચૂકે રાહ જોવાનું નક્કી કર્યું હતું.

બિછડે સભી બારી બારી

પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા પછી ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલી વખત શુભેંદુ અધિકારીની સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરવાનું નક્કી કર્યું હતું. ટીએમસી કાર્યકરો પર વધી રહેલા હુમલાનો વિરોધ કરવા માટે મમતાએ કોલકત્તાના વાય ચેનલ પર ધરણા કર્યા હતા. ટીએમસીએ રાની રાશમોની રોડ પર વિરોધ પ્રદર્શન કરવા માટે પરવાનગી માંગી હતી જેનો ઇન્કાર કોલકત્તા પોલીસે કર્યો હતો. નવાઇની વાત એ છે કે એક સમયે મમતા બેનર્જીની આસપાસ ફરતા ગ્લેમરસ નેતાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોવા મળ્યા નહોતા. મમતા બેનર્જીએ માંડ ૧૫-૨૦ જૂનિયર કાર્યકરો સાથે ધરણા કર્યા હતા. એક જમાનાના મમતાના ખાસ જોડીદાર સાંસદ મોહવા મોઇત્રા અને સાયોની ઘોષ પણ ગાયબ થઈ ગયા છે. યુસુફ પઠાણ, શત્રુઘ્ન સિંહા, સાગરીકા ઘોષ.... જેવા આગળ પડતા સાંસદો એકાએક જાહેર જીવનથી દુર થઈ ગયા હોય એમ લાગે છે.

ખાન સર કોચિંગ સેન્ટર બહાર શું થયું હતું

'ખાન સર'ના નામે ઓળખાતા બિહારના શિક્ષક અને યુટયુબરના પટણા ખાતે આવેલા કોચિંગ સેન્ટરની બહાર ફાયરીંગ થયું હોવાની વાત છે. પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે. હુમલામાં એક સુરક્ષા કર્મચારી ઘાયલ થયો છે. પોલીસના કહેવા પ્રમાણે જોકે ફાયરીંગની વાત ખોટી છે. કોચિંગ સેન્ટરની બહાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને ભીડને કાબુમાં રાખવા પોલીસ બોલાવવી પડી હતી. ખાન ગ્લોબલ સ્ટડીઝ કોચિંગ સંસ્થા પર કેટલાક લોકોએ ઇંટ અને પથ્થરો લઈને તોડફોડ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી યુટયુબ પર કોચિંગ સેન્ટર ચલાવનારા શિક્ષકો વિશે વિવાદ ચાલી રહ્યો છે. કેટલાકની માંગણી છે કે આવા ફૂટી નીકળેલા યુટયુબરો પર કાબુ રાખવો જરૂરી છે. બિહારમાં આવા અરધો ડઝન જેટલા યુટયુબરો કમ શિક્ષકો વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા હોવાનું પણ કહેવાય છે.