દિલ્હીની વાત : ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટના વર્તનથી ઓમ બિરલા નારાજ
નવી દિલ્હી : લોકસભાના સ્પિકર ઓમ બિરલા થોડા દિવસો પહેલા મસુરી ગયા હતા. એ વખતે એમને કેટલીક જાણકારીની જરૂર હોવાથી સ્પિકરના સ્ટાફએ ડીએમ સાવિન બંસલનો સંપર્ક કર્યો હતો. ડીએમ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. હવે વિવાદ વધી ગયો છે અને ઉત્તરાખંડ સરકારે પણ ડીએમ પાસે ખૂલાસો માંગ્યો છે. પ્રોટોકોલ વિભાગના સચિવ વિનોદકુમાર સુમનએ ડીએમને એક પત્ર લખ્યો છે. પ્રોટોકોલ વિભાગને જાણકારી આપવામાં આવી હતી કે ડીએમએ લોકસભાના સ્પિકરના પ્રવાસ દરમિયાન નિયમોનું પાલન નથી કર્યું. સ્પિકરને જે સહકારની જરૂર હતી એ સહકાર પણ નથી આપવામાં આવ્યો. ઓમ બિરલાના પદની ગરીમા જળવાઈ નથી. ડીએમને ઘણી વાર ફોન કરવામાં આવ્યા છતા એમણે જવાબ આપ્યો નહોતો. ત્યાર પછી સ્પિકરના અધિકારીઓએ સીએમ ઓફિસનો સંપર્ક કર્યો હતો અને ડીએમએ ઓમ બિરલાના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો.
નિતિશ પર દબાણ લાવવા તેજસ્વી યાદવએ વીસ સૂત્રી પ્લાન જાહેર કર્યો
બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે. વિરોધ પક્ષે પોસ્ટર યુદ્ધ શરૂ કરીને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવએ મુખ્યમંત્રી નિતિશકુમાર પર સીધુ નિશાન તાંકીને વીસ સૂત્રી પ્લાન જાહેર કર્યો છે. ચૂંટણી ઢંઢોરો તો પાછળથી જાહેર થશે, પરંતુ તેજસ્વી યાદવના આ વીસ સૂત્રી પ્લાનને કારણે બિહારના રાજકારણમાં ગરમી વધી છે. તેજસ્વી યાદવએ સોશ્યલ મીડિયા પર નિતિશના ૨૦ વર્ષના શાસનની ત્રુટીઓ ૨૦ મહિનામાં સુધારવાનું વચન આપ્યું છે. પોસ્ટર દ્વારા એમણે કહ્યું છે કે જે કામો ૨૦ વર્ષમાં નહીં થયા તે કામો તેજસ્વી યાદવ ૨૦ મહિનામાં કરીને બતાવશે. જે ૨૦ મુદ્દાઓ પર કામ કરવાના છે એની લંબાણપૂર્વક સમજ આપવામાં આવી છે.
ભાજપ પ્રમુખની ચૂંટણી માટે જરૂરી કોરમ પૂરુ થયું
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત આ મહિનામાં થઈ શકે છે. મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ સહીત કુલ છ રાજ્યોના પ્રદેશ પ્રમુખના નામો નક્કી થઈ ગયા છે. આ સિવાય બીજા બે રાજ્યોના પ્રમુખોની જાહેરાત પણ થઈ ગઈ છે. આ રીતે પક્ષે ૫૦ ટકા પ્રમુખો જરૂરી હોવાનું કોરમ પૂરુ કર્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે આ કોરમ જરૂરી હતું. ભાજપએ કુલ ૩૭ યુનિટ્સમાં દેશનું વિભાજન કર્યું છે જેમાંથી ૨૦ના પ્રમુખો નક્કી થઈ ચૂક્યા છે. ઉત્તર પ્રદેશ અને બંગાળ જેવા રાજ્યોના પ્રમુખ ચૂંટવાના બાકી છે જે પણ હવે ટૂંક સમયમાં નક્કી થઈ જશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખપદની રેસમાં મનોહરલાલ ખટ્ટર, ભૂપેન્દ્ર યાદવ અને શિવરાજ સિંહ ચૌહાણના નામો આગળ છે. આ ત્રણે મોદી સરકારમાં કેબીનેટ મંત્રી છે. સંગઠનની લગામ જે કોઈ નેતાને મળશે એમણે મંત્રીપદેથી રાજીનામું આપવું પડશે.
રાબડી દેવી કેરી મોકલે છે, લાલુ સાથે વાત નથી થતી
લાલુ પ્રસાદ યાદવના મોટા પૂત્ર તેજપ્રતાપ યાદવને છ વર્ષ માટે પક્ષ અને કુટુંબમાંથી દુર કરવામાં આવ્યા છે. પક્ષ અને કુટુંબમાંથી કાઢયા બાદ તેજપ્રતાપ યાદવ સતત ચર્ચામાં છે. કયારેક તેઓ સોશ્યલ મીડિયા એક્સ પર મા-બાપ માટે લાગણીશીલ સંદેશો લખે છે તો ક્યારેક પોતાના નિવાસસ્થાને બોલાવેલા જનતા દરબારની તસવીરો મૂકે છે. બિહારના લોકો તેજપ્રતાપ યાદવનું નિરીક્ષણ ખૂબ ઝીણવટપૂર્વક કરી રહ્યા છે. તેજપ્રતાપ પણ પોતાના કુટુંબ સાથેના સંબંધો વિશે હવે ખુલીને વાત કરી રહ્યા છે. તેજપ્રતાપના માતા રાબડી દેવી એમને કેરી મોકલે છે. જોકે પિતા લાલુ પ્રસાદ એમની સાથે વાત કરતા નથી. આમ છતા તેજપ્રતાપ કહે છે કે, પિતાનો નિર્ણય આખરી છે અને તેઓ એને માન આપે છે.
કંવરલાલ મીણાની દયા અરજી બાબતે રાજ્યપાલએ સરકારનો ખુલાસો માંગ્યો
રાજસ્થાનના ભૂતપૂર્વ ધારાસભ્ય કંવરલાલ મીણાની સજા માફી બાબતે રાજ્ય સરકારે રાજ્યપાલ હરીભાઉ બાગડેને દયા અરજી મોકલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યપાલએ આ બાબતે સરકારનો ખુલાસો માંગ્યો છે. એક સરકારી અધિકારીને બંદૂક કાઢી ધમકાવવાના કેસમાં હાઇકોર્ટે મીણાને ત્રણ વર્ષની સજા કરી છે. સજા જાહેર થતા જ તેઓ હવે ધારાસભ્ય તરીકે રહ્યા નથી. ઝાલાવાડ પોલીસની ઓફિસ તરફથી સરકારને દયા અરજી મોકલવામાં આવી હતી. આ બાબતે વિરોધપક્ષો સરકારની સતત ટીકા કરી રહ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોટ અને વિરોધપક્ષના નેતા ટીકારામ જુલીએ આ બાબતે સરકાર સામે આક્ષેપો કર્યા છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે, મીણાને ધારાસભ્ય તરીકે ગેરલાયક શા માટે ઠેરવવામાં આવ્યા નહોતા.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખને કેટલો પગાર અને ભથ્થા મળે છે
દેશના સૌથી મોટો રાજકીય પક્ષ ભાજપ હવે જેપી નડ્ડાને બદલે નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી કરશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનો હોદ્દો શક્તિશાળી ગણાય છે. લોકોને કયારેક સવાલ થાય છે કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનવાથી શું સુવિધા મળી શકે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનું પદ સરકારી નહીં હોવાથી સરકાર તરફથી એમને કોઈ પગાર મળતો નથી. ભાજપ પ્રમુખને પક્ષ પોતાના ફંડમાંથી પગાર આપે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય પ્રમુખને દર મહિને એક થી દોઢ લાખ રૂપિયાનો પગાર મળે છે. આ સિવાય બીજા ખર્ચા અને ભથ્થાઓ પણ એમને આપવામાં આવે છે. પક્ષ તરફથી એમને મોટુ મકાન તેમજ સિક્યુરીટી આપવામાં આવે છે. ડ્રાયવર સહિત એમને બે મોટર પણ મળે છે. પક્ષ પ્રમુખને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવે છે.
હાલમાં કર્ણાટકના મુખ્યમંત્રી નહીં બદલાય
કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસોથી એવી વાત ચાલી રહી હતી કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને બદલેની ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ પણ આડકતરી રીતે નૈતૃત્વ પરિવર્તનની વાતને સમર્થન આપ્યું હતું. જોકે હવે આ વાત પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. કોંગ્રેસ હાઇકમાન્ડે ચોખવટ કરી છે કે હાલ પૂરતા તો મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને બદલવાનું કોઈ આયોજન નથી. આ ખુલાસો પક્ષના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ રણદીપસિંહ સુરજેવાલા તરફથી આવ્યો છે. સુરજેવાલા કર્ણાટકના પ્રભારી પણ છે. પરિસ્થિતિનું આંકલન કરવા તેઓ બેંગલુરુ પણ ગયા હતા. જોકે સુરજેવાલાનું આ નિવેદન જાહેર થતા જ શિવકુમાર જૂથના ધારાસભ્યો અને નેતાઓ નારાજ થઈ ગયા છે. આ જૂથની નારાજગી કઈ રીતે દુર કરવી એ હવે હાઇકમાન્ડે નક્કી કરવાનું છે.
બંગાળમાં નવા ભાજપ પ્રમુખ પર નજર
ભાજપના રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા સમિક ભટ્ટાચાર્ય પશ્ચિમ બંગાળ ભાજપના નવા પ્રમુખ બની રહ્યા છે. બુધવારે તેમણે આ પદ માટે બિનહરીફ ઉમેદવારીપત્ર ભર્યું હતું. કોલકત્તામાં સોલ્ટ લેક ખાતે આવેલી પ્રદેશ કચેરી ખાતે તેમણે ફોર્મ ભર્યું ત્યારે વિદાય લેનારા પ્રદેશ પ્રમુખ સુકાંતા મજમુદાર અનેે રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી પણ તેમની સાથે હતા. સમિક ભટ્ટાચાર્ય આરએસએસના જૂના સ્વંયસેવક છે. ૨૦૧૪ સુધી ભાજપને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એક પણ બેઠક મળી ન હતી. ૨૦૧૪માં સમિક ભટ્ટાચાર્યએ પહેલીવાર પક્ષનું ખાતું ખોલાવ્યું હતું. બસિરહટ સાઉથ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પહેલીવાર તેમણે અહીં ભગવો લહેરાવ્યો હતો. ભાજપના નેતાઓ કહે છે કે ભટ્ટાચાર્યને મળેલી બઢતી ૨૦૨૬માં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી ટાણે સંઘની ભૂમિકા કેવી અગત્યની રહેશે તે દર્શાવે છે.
પિતાના પગલે પુત્ર પણ ભાજપ પ્રમુખ
ભાજપે આંધ્ર પ્રદેશમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં મૂળિયાં ધરાવતા પાર્ટીના વફાદાર નેતા પી.વી.એન. માધવની વરણી કરી છે. આંધ્રમાં લાંબા સમયથી ભાજપ પોતાનો આધાર વિસ્તારવા મથે છે. માધવની વરણી સાથે કોંગ્રેસ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલાં અને તેલુગુ દેશમ પાર્ટીના સ્થાપક એનટી રામારાવનાં પુત્રી દગુબાટ્ટી પુરંદેશ્વરીનાં કાર્યકાળનો અંત આવ્યો છે. આંધ્રમાં ભાજપ ચન્દ્રાબાબુ નાયડુના વડપણ હેઠળની સરકારમાં ટીડીપી અને જન સેના પાર્ટી સાથે ભાગીદાર છે. સર્વાનુમતે પ્રદેશ પ્રમુખ બનેલા માધવે મંગળવારે પક્ષનાં નવાં વડાંમથકે કાર્યભાર સંભાળી લીધો હતો. તેલંગાણાની જેમ અહીં પણ પ્રદેશ પ્રમુખ બનવા માટે સંખ્યાબંધ વરિષ્ઠ પાર્ટી નેતાઓ હોડમાં હતા પરંતુ પાર્ટીએ એક બહુ જ સંનિષ્ઠ પાર્ટી નેતાની પ્રદેશ પ્રમુખ તરીકે પસંદગી કરી છે. તૅલંગાણાના નવા ્પ્રદેશ ભાજપ પ્રમુખ રામચંદર રાવની જેમ માધવ પણ વિધાન પરિષદમાં એમએલસી તથા પક્ષના સંસદીય દળના નેતા રહી ચૂક્યા છે.
બિહારમાં પંચ સામે વિપક્ષ આકરા પાણીએ
કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ તથા સીપીઆઈએમએલ સહિતના ૧૧ વિપક્ષી પાર્ટીઓના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ બુધવારે ચૂંટણી પંચને મળ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણી પહેલાં બિહારમાં હાથ ધરાયેલી મતદાર યાદી સુધારણાની કામગીરી ભારતનાં બંધારણના મૂળભૂત સ્વરુપ પર સૌથી આકરો પ્રહાર છે. બિહારમાં સાથે મળીને ચૂંટણી લડનારી આ પાર્ટીઓએ એવો આરોપ મૂૂૂક્યો હતો કે બિહારમાં રવિારથી જે સઘન મતદાર યાદી સુધારણા હાથ ધરાઈ છે તે વાસ્તવમાં આ વર્ષના અંતે થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં કોઈ વ્યક્તિ મતદાર તરીકે પાત્ર છે કે કેમ તે નક્કી કરવાની આડમાં ેએક પ્રકારે નાગરિકત્વની ચકાસણી જ છે. ચૂંટણી પંચ સાથે તેમની બેઠક ત્રણ કલાક ચાલી હતી. હાલ એક એક મત મહત્વનો છે. જો તમે ખોટી રીતે એક પણ મતદારનું નામ કાઢી નાખશો તો તે કૃત્ય ચોક્કસ પક્ષ માટે પક્ષપાત સમાન હશે અને તેનાથી ચૂંટણી તથા લોકશાહી પ્રક્રિયા જે બંધારણના મૂળભૂત સ્વરુપનો ભાગ છે તેના પર માઠી અસર થશે એમ તેમણે જણાવ્યું હતું.
ખડગે પરિવારને સંઘનો જવાબ
કેન્દ્રમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકાશે તેવું નિવેદન કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર તથા કર્ણાટક સરકારના મંત્રી પ્રિયાંક ખડગેએ કર્યું હતું. આ નિવેદનના થોડા કલાકોમાં જ સંઘે ૨૦૦૨માં મલ્લિકાર્જુન ખડગે સંઘના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હોવાનો વિડીયો પોસ્ટ કર્યો હતો. સંઘ દ્વારા મિડીયાને મોકલાયેલી વીડિયો ક્લિપ સાથેના કેપ્શનમાં જણાવાયું હતું કે ૨૦૦૨માં પચ્ચીસથી ૨૭ મી જાન્યુઆરી દરમિયાન સંઘ દ્વારા બેંગલુરુના નાગવારામાં યોજાયેલી શાંતિ પરિષદમાં અન્ય મહાનુભવો સાથે મલ્લિકાર્જુન ખડગેએ પણ ભાગ લીધો હતો. ૩૭ સેકન્ડની આ વિડીયો ક્લિપ બહુ ઝાંખી છે પરંતુ તેમાં મલ્લિકાર્જુન ખડગે જેવા એક નેતા નજરે ચઢે છે. માઈક પર બોલી રહેલી એક વ્યક્તિ ખડગેને સંઘના પ્રશંસક તરીકે ઓળખાવે છે તેવું પણ સાંભળવા મળે છે.
- ઈન્દર સાહની