Get The App

દિલ્હીની વાત : દિલ્હીમાં કેજરીવાલની વાપસી થવાના એંધાણ

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : દિલ્હીમાં કેજરીવાલની વાપસી થવાના એંધાણ 1 - image


નવીદિલ્હી : દિલ્હી નગર નીગમ (એમ.સી.ડી)ની ૧૨ બેઠકો પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપે આમ તો ઠીક ઠીક દેખાવ કર્યો છે. પક્ષે ૧૨માંથી ૭ બેઠકો જીતી છે. જો કે પહેલા કરતા ૨ બેઠકો ભાજપને ઓછી મળી છે. આમઆદમી પાર્ટીને ૩ બેઠકો, કોંગ્રેસને ૧ તેમજ અપક્ષને ૧ બેઠક મળી છે. કેન્દ્ર અને રાજ્યમાં સત્તા પર હોવા છતાં ભાજપ તમામ ૯ બેઠકો જાળવી શક્યું નથી એનું દુઃખ ભાજપને છે. બીજી તરફ આમઆદમી પાર્ટીનો દેખાવ ખરાબ રહ્યો નથી. કોંગ્રેસ તો એક બેઠક મળવાથી રાજી થઈ ગઈ છે. આપના નેતા અરવિંદ કેજરીવાલ આજકાલ પંજાબ રહે છે. પંજાબની પેટાચૂંટણીઓમાં આપનો દેખાવ સારો રહ્યો છે. દિલ્હીના મતદારો પણ હજી કેજરીવાલને ભૂ્લ્યા નથી એમ લાગે છે. આ પરિણામોથી અરવિંદ કેજરીવાલ ફરીથી આપને મજબૂત બનાવવા પર ધ્યાન આપે એવી શક્યતા છે. 

સિધ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે સમાધાન કઈ રીતે થયું 

છેલ્લા કેટલાક સમયથી કર્ણાટક કોંગ્રેસમાં ચાલી રહેલા ધમાસાણનો અંત આવ્યો છે. ઘીના ઠામમાં ઘી પડી રહ્યુ છે. ડી.કે શિવકુમારના ઘરે બ્રેકફાસ્ટ મિટિંગ પછી બન્ને નેતાઓ એક થઈ ગયા છે. ડી.કે શિવકુમાર પોતે શુધ્ધ શાકાહારી છે, જ્યારે સિધ્ધારમૈયા બિનશાકાહારી ભોજન પસંદ કરે છે. મુખ્યમંત્રી જ્યારે શિવકુમારના રહેઠાણે પહોચ્યા હતા ત્યારે શિવકુમાર અને તેમના ભાઈ ડી.કે સુરેશે તેમનું સ્વાગત કર્યું હતું. સિધ્ધારમૈયા માટેની બિનશાકાહારી વાનગી શિવકુમારના પત્ની ઉષાએ મૈસુર સ્ટાઈલમાં બનાવી હતી. સ્થળ પર હાજર એક મહિલા પત્રકાર સાથે સિધ્ધારમૈયાએ હળવી વાતચીત પણ કરી હતી. મહિલા પત્રકાર સંપુર્ણ શાકાહારી હોવાથી સિધ્ધારમૈયાએ ટકોર કરી હતી કે  તમે ઘણું બધુ ગુમાવી રહ્યા છો. જે રીતે સિધ્ધારમૈયા અને ડી.કે શિવકુમાર સાથે સમાધાન થયું છે એ જોતા ભાજપ હવે કર્ણાટકમાં સત્તા પરિવર્તન કરી શકે એમ નથી. 

સંઘપ્રમુખે રામમંદિર પછી બીજા મંદિરનો મુદ્દો પણ છેડયો 

થોડા મહિના પહેલા રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે એવી વાત કહી હતી કે હવે રામ મંદિર બની ગયા પછી બીજા કોઈ મંદિર-મસ્જીદનો વિવાદ થવો જોઈએ નહીં.  જો કે સંઘપ્રમુખ હવે કદાચ એમને કહેલી વાત ભૂલી ગયા લાગે છે. એક કાર્યક્રમમાં એમણે કહ્યું હતું કે હવે આપણે એક શાનદાર, શક્તિશાળી અને સુંદર રાષ્ટ્રિયમંદિર બનાવવાનું છે. આ કાર્યક્રમમાં જગદગુરુ શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતિ સ્વામી, આદિત્ય પ્રતિસ્થાનના પ્રમુખ શંકર અભ્યંકર અને અપર્ણા અભ્યકંર પણ હતા. ડો. ભાગવતના કહેવા પ્રમાણે સંઘમાં કોઈ અભિમાન કે જવાબદારીની ભાવના હોતી નથી કારણ કે સંઘ સમાજ માટે નિઃસ્વાર્થ ભાવથી કામ કરે છે. ભાગવતે એમ પણ કહ્યું હતું કે જો સમાજ મજબૂત હશે તો દેશ પણ મજબૂત બનશે. સમિક્ષકો જો કે કહી રહ્યા છે કે મોહન ભાગવત હંમેશા વાત તો એકતાની કરે છે પરંતુ એમના શિષ્યો કંઈક અલગ જ માને છે. 

'હું આતંકવાદી નથી'

૨૦૨૦ના દિલ્હી હુલ્લડના આરોપી સર્જીલ ઈમામે સુપ્રિમ કોર્ટમાં પોતાનો પક્ષ રજુ કર્યો છે. ઈમામે નારાજગી બતાવી છે કે કોઈપણ સુનાવણી વગર કે ગુનો સાબિત થયા વગર એને જોખમી બૈધ્ધિક આતંકવાદી જાહેર કરી દેવામાં આવ્યો છે. ઈમામ વતી હાજર થયેલા સીનીયર વકીલ સિધ્ધાર્થ દવેએ કહ્યું હતું કે મારું કહેવું છે કે હું આતંકવાદી નથી પરંતુ પોલીસે આવું કહી રહી છે. 

હું રાષ્ટ્ર વિરોધી નથી પરંતું રાજ્યએ આવું મને કહ્યું છે. હું આ દેશનો નાગરીક છું. હું જન્મથી જ આ દેશનો નાગરીક છું. એમણે જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટીસ એમ.વી અંજારીયાની બેન્ચ સમક્ષ દલીલ કરી હતી. સર્જીલની ધરપકડ  ૨૦૨૦ની ૨૮મી ફેબુ્રઆરીએ કરવામાં આવી હતી. સર્જીલ સિવાય બીજા ૭ આરોપીઓને પણ હજી સુધી જામિન મળ્યા નથી. એક પ્રવચનમાં સર્જીલે ભારતના  પૂર્વ ભાગને ભારતથી અલગ કરવા આહવાન કર્યું હતું. 

મને હિન્દી શિખવાની તક કેમ આપવામાં આવતી નથી

બિન હિન્દીભાષી રાજ્યોના ભાજપનું પ્રતિનિધિત્વ કરતાં સાંસદો જ્યારે દિલ્હી આવે છે ત્યારે ભાજપ હાઈકમાન્ડને ખુશ કરવા અલગ રાગ આલાપે છે. 

કેન્દ્રીય સુચના અને પ્રસારણ તેમજ સંસદીય બાબતોના રાજ્યમંત્રી એલ.મુરુગન પણ આમાના એક છે. એમણે કહ્યું હતું કે તામિલનાડુમાં રાજકારણને લીધે તેઓ હિન્દી શીખી શક્યા નથી. 

એમણે જે હિન્દી શીખ્યું છે એ દિલ્હી આવ્યા પછી શીખ્યું હતું. એમણે એમ પણ કહ્યું હતું કે હિન્દી શીખવી એમનો અધીકાર છે. ભાજપની નેતાગીરીને વ્હાલા થવા માટે એમણે કહ્યુ હતું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી શિક્ષણનીતિ લાગુ કરી છે. જો કે અમારે ત્યા તામિલનાડુમાં કટ્ટર રાજકારણને કારણે હું હિન્દી શીખી શક્યો નથી.' 

આ સાંભળીને ભાજપના જ કેટલા કાર્યકરો ગુસપુસ કરતાં હતાં કે મુરુગન પરત તામિલનાડુ જશે ત્યારે તામિલનાડુમાં પણ આવી રીતે જ હિન્દીના વખાણ કરશે ખરા?  

ચૂંટણી કમિશનર અંગે પ્રશાંત ભુષણની ટિપ્પણીથી સુપ્રીમ લાલચોળ 

સુપ્રિમ કોર્ટમાં થયેલી એક અરજી સંદર્ભે એવું કહેવામાં આવ્યું હતું કે મતદાર યાદી સુધારણા માટે એસઆઈઆરનું અભિયાન ચાલે છે એને માટે ચૂંટણી કમિશન ઝડપથી થતા શહેરીકરણ અને સતત પ્રવાસ જેવા કારણો આપે છે.

 જો કે આ કારણો ટકી શકે એવા નથી. ચૂંટણી કમિશનને આવો અધિકાર આપી શકાય નહી. આ દલીલ જાણિતા વકીલ પ્રશાંત ભુષણે કરી હતી. એમણે પોતાની દલીલમાં ઈલેક્શન કમિશનરને નિરંકુશ કહ્યા હતા. 

સુપ્રિમ કોર્ટે આ બાબતે કડક વાંધો લીધો હતો. સીજેઆઈ સુર્યકાંત અને જસ્ટીસ  જોય માલ્યા બાગચીની બેન્ચ સમક્ષ બીજા એક સીનીયર વકીલ અભિષેક સિંઘવીએ પણ દલીલ કરી હતી. સિંઘવીએ દલીલ કરી હતી કે દેશમાં શહેરીકરણ તો ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. કોઈક ક્ષેત્ર ગ્રામિણ વિસ્તારમાંથી શહેર ક્યારે બની જાય છે એની ખબર પડતી નથી. એ આધારે એસઆઈઆરની પરવાનગી આપી શકાય નહીં. આ બાબતે સીજેઆઈએ કહ્યું હતું કે વિષય બહારની દલીલો નહીં કરો અને તમારી દલીલો સિમિત રાખો. 

બંગાળના સાંસદોને મળીને મોદીએ પ્રચાર માટેની ટીપ્સ આપી 

બિહારની જીત પછી ભાજપના ટોચના નેતાઓ પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે તેયારી કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના સાંસદોને સામેથી મળવા બોલાવે છે. 

મિટિંગમાં મોદીએ સાંસદોને સલાહ આપી છે કે બંગાળ જઈને ત્યાની કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતે લોકોને જાગૃત કરે. ફક્ત આ બાબત પર જ વધુ જોર આપે. સાંસદોને એમણએ કહ્યું હતું કે ભાજપના નેતાઓ અને કાર્યકરો પર થતા હુમલાઓ વિશે લોકોને જણાવે. 

સાંસદ ખગેન મુર્મુ પર થયેલો હુમલો ચિંતાજનક છે. તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો જે હુમલો કરે છે એ બાબતે મતદારોને જાગૃત કરે. બંગાળમાંથી ભાજપના ૧૨ સાંસદો છે, જ્યારે ૨ રાજ્યસભાના સભ્યો છે. મોદીની માન્યતા એવી છે કે જે રીતે બિહારમાં લાલુના જંગલરાજની યાદ અપાવીને મતદારોને રીઝવ્યા હતા એ રીતે બંગાળમાં પણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને કેન્દ્રમાં રાખીને ચૂંટણી પ્રચાર થાય.

Tags :