Get The App

સપા સાંસદને ક્રિકેટર સાથેની સગાઈ મોંઘી પડી

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
સપા સાંસદને ક્રિકેટર સાથેની સગાઈ મોંઘી પડી 1 - image


નવીદિલ્હી: મછલી શહેરની સપા સાંસદ પ્રિયા સરોજએ ક્રિકેટર રિન્કુ સિંહ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. હવે ચૂંટણી કમિશને એમના પર કડક કાર્યવાહી કરી છે. ક્રિકેટરને મતદાતા જાગૃતિ સંબંધીત સ્વિપ અભિયાનમાંથી દુર કરવામાં આવ્યા છે. ચૂંટણી કમિશનએ જિલ્લા તંત્રને ચેતવણી આપી છે કે, સ્વિપ અભિયાન સંબંધીત રિન્કુ સિંહના જ્યાં પણ પોસ્ટર, બેનર કે હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા હોય એમને તાત્કાલીક દુર કરે. આ માટેનું એવું કારણ આપવામાં આવ્યું છે કે ક્રિકેટરે સપા સાંસદ સાથે સગાઈ કરી છે જેને કારણે હિતોનો ટકરાવ થાય છે. જૂન મહિનામાં સાંસદની સગાઈ રિન્કુ સિંહ સાથે થઈ હતી. સ્થાનિક મેચો દરમિયાન એમને રિન્કુ સિંહ સાથે જોવામાં આવ્યા હતા. જોકે એ પહેલા સરકાર ક્રિકેટરને સ્વિપ અભિયાનમાં જોડી દીધા હતા.

આપ બાંસુરી સ્વરાજ સામે શા માટે કેસ કરવા માંગે છે

આમ આદમી પાર્ટીએ ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ સામે કેસ ચલાવવાની માંગણી કરી છે. પક્ષનું કહેવું છે કે તેઓ પોતે વકીલ છે તેમ છતાં એમણે મીડિયામાં ખોટુ નિવેદન આપ્યું છે એ બદલ એમની સામે કેસ ચલાવવો જોઈએ. દિલ્હી આમ આદમી પાર્ટીના પ્રમુખ સૌરભ ભારદ્વાજએ કહ્યું હતું કે, 'ઇડીએ સત્યેન્દ્ર જૈનને ત્યા દરોડો પાડયો હતો. એ વખતે એમને ત્યાંથી કંઈ મળ્યું નહોતું. જોકે ઇડીએ લખ્યું હતું કે સત્યેન્દ્ર જૈન અને બીજાઓને ત્યાંથી રોકડ અને સોનું મળ્યું છે.' સૌરભ ભારદ્વાજનો આરોપ છે કે ઇડીએ કાવતરૂ કરીને આવું લખ્યું હતું. બીજેપીના સાંસદ બાંસુરી સ્વરાજે પણ એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈનને ત્યાંથી સોનુ અને રોકડા રૂપિયા મળ્યા છે. આ બાબતે કોર્ટે પણ ઇડીને ઠપકો આપ્યો છે.

સાંસદ કંગના રનૌતને આંચકો

બોલિવુડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી મત વિસ્તારથી સાંસદ તરીકે ચૂંટાયેલા કંગના રનૌતને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આંચકો આપ્યો છે. કંગના સામે બઠીંડાની કોર્ટમાં બદનક્ષીનો કેસ ચાલી રહ્યો છે. આ કેસ રદ કરવા માટે કંગનાએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં દાદ માંગી હતી. જસ્ટીસ ત્રિભૂવન દહિયાની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ એમની સામે કલમ ૪૯૯ અને ૫૦૦ આઇપીસી હેઠળ ગુનો બને છે. મેજીસ્ટ્રેટે કાઢેલુ સમન્સ બરાબર છે. સમગ્ર વિવાદ એક ટ્વિટને કારણે ઉભો થયો હતો જેને કંગનાએ ખેડૂત આંદોલન વખતે પોસ્ટ કર્યું હતું. એમણે એક ટ્વિટને રિટ્વિટ કરીને લખ્યું હતું કે, 'હા હા હા આ એજ દાદી છે જે ટાઇમ મેગેઝિનમાં સૌથી પ્રભાવશાળી ભારતીય વ્યક્તિ તરીકે પસંદ થઈ હતી... આ તો ૧૦૦ રૂપિયામાં ખરીદાય જાય છે.'

રાજ્ય સભામાં ભાજપની સેન્ચુરી

ઉપરાશ્ચ્પપતિ પદની ચૂંટણી સમયે જ ભાજપ માટે એક સારા સમાચાર આવ્યા છે. ભાજપએ રાજ્યસભામાં ફરીથી સેન્ચુરી મારી છે. એટલે કે ગૃહમાં ભાજપના સાંસદોની સંખ્યા ૧૦૦થી વધીને ૧૦૨ સુધી થઈ ગઈ છે. હાલમાં જ ત્રણ સાંસદો ઉજ્વલ નીકમ, હર્ષવર્ધન શ્રુંગલા અને સિંહ સદાનંદન માસ્ટરની નિમણૂક કરવામાં આવી છે. ભારતના રાજકારણમાં ભાજપ એવો બીજો રાજકીય પક્ષ બન્યો છે કે રાજ્યસભામાં તેની સંખ્યા ૧૦૦ કરતા વધારે હોય. આ પહેલા ૧૯૮૮ અને ૧૯૯૦ની વચ્ચે કોંગ્રેસનો આવો દેખાવ રહ્યો હતો. જોકે આ પહેલા એટલે કે મે ૨૦૨૨માં પણ રાજ્યસભામાં ભાજપના ૧૦૧ સાંસદો હતા. એનડીએ પાસે રાજ્યસભામાં ૧૩૪ સભ્યો છે. બહુમતિ માટે રાજ્યસભામાં ૧૨૩ સાંસદો હોવા જરૂરી છે.

એ ફોર અખિલેશ, ડી ફોર ડિમ્પલ...

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા પીડીએ શિક્ષણ અભિયાન ચલાવી રહ્યા છે. આ સ્કૂલ શિક્ષણના નવા નવા પ્રયોગો માટે ચર્ચામાં છે. અહીં અંગ્રેજી આલ્ફાબેટ શીખવતી વખતે બાળકોને એ ફોર અખિલેશ યાદવ, ડી ફોર ડિમ્પલ યાદવ અને એમ ફોર મુલાયમસિંહ યાદવ શીખવવામાં આવે છે. આની સાથે જ બી ફોર ભીમરાવ આંબેડકર અને સી ફોર ચૌધરી ચરણસિંહ પણ ભણાવવામાં આવે છે. અગત્યની વાત એ છે કે દરેકને બાળપણમાં શીખવવામાં આવ્યું છે કે એ ફોર એપલ અને બી ફોર બનાના. હવે સમાજવાદી પાર્ટીની આ શાળામાં અખિલેશ, મુલાયામ અને ડિમ્પલ યાદવને શીખવવામાં આવે છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીના કાર્યકરો પીડીએની સ્કૂલો શરૂ કરીને બાળકોને શીક્ષા આપશે.

ધારાસભ્ય ચેતન આનંદ અને પત્ની પર એફઆઇઆર

બિહારના રાજધાની પટણાની એઇમ્સ હોસ્પિટલમાં મારામારીના બનાવમાં શિવહરના ધારાસભ્ય ચેતન આનંદ અને એમના પત્ની સહિત ત્રણ જણા સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. એમના પર એઇમ્સના સુરક્ષા કર્મચારીઓ સાથે મારામારી કરવી તેમજ હોસ્પિટલમાં હથિયાર બતાવવાનો આરોપ છે. બીજી તરફ ચેતન આનંદએ પણ એઇમ્સના સુરક્ષા કર્મચારીઓ તેમ જ ડોક્ટરો સામે ફુલવારી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. ડોક્ટરો સામે થયેલી ફરિયાદને કારણે એઇમ્સના રેસિડન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. ડોક્ટરોના કહેવા પ્રમાણે એઇમ્સના ટ્રોમા વિભાગના એક દર્દી સાથે ધારાસભ્ય ચેતન આનંદ, એમના પત્ની ડો. આયુષિ સહીત ઘણા લોકો આવી ગયા હતા. નિયમ પ્રમાણે દર્દીની સાથે ફક્ત એક વ્યક્તિ જ રૂમમા રહી શકે.

ઝુપડપટ્ટીને લઈને ભાજપ - આપ વચ્ચે ટકરાવ

દિલ્હી ભાજપના પ્રમુખ વિરેન્દ્ર સંચદેવાએ વૈકલ્પિક રહેઠાણ આપ્યા બાદ જ ઝુપડપટ્ટી તોડવાના મુખ્યમંત્રીએ આપેલા આદેશનું સ્વાગત કર્યું છે. એમણે એવું નિવેદન આપ્યું હતું કે ભાજપની દિલ્હી સરકાર ઝુપડપટ્ટીવાસીઓને પાકા મકાન આપવા માટે તૈયાર છે. જ્યાં પણ ઝુપડપટ્ટીના રહેવાસીઓ જોખમી પરિસ્થિતિઓ જેવી કે રેલવે લાઇન કે નાળાના કિનારે રહે છે એમને સુરક્ષીત ઘર આપવાની સરકારની જવાબદારી છે. આગલી સરકાર હવે તો ઝુપડપટ્ટીવાસીઓને વોટ બેન્ક જ સમજ્યા હતા અને નર્ક જેવી જિંદગી જીવવા માટે મજબૂર કર્યા હતા. બીજી તરફ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને એમનો પક્ષ છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હીના ગરીબ લોકો સાથે બનાવટ કરી રહ્યા છે.


Tags :