નવીદિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં નક્સલવાદના સફાયા વિશે લાંબુ સંબોધન કર્યું હતું. અમિત શાહનું ટૂંકમાં કહેવું એવું હતું કે, ભાજપ સરકાર સત્તામાં આવ્યા પછી નક્સલવાદનો સફાયો થયો છે. આ બાબતે કોંગ્રેસ સાંસદ મણીકમ ટૈગોરએ અમિત શાહની ટીકા કરી છે. એમણે કહ્યું છે કે, તમામ શ્રેય ગૃહમંત્રીને નહીં, પરંતુ સુરક્ષા કર્મીઓને પણ મળવો જોઈએ. સામ્યવાદી ઉગ્રવાદને ખતમ કરવાના પ્રયાસો પરની ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે આરોપ મૂક્યો હતો કે છત્તીસગઢમાં સત્તા પર રહેલી કોંગ્રેસ સરકારે નક્સલવાદીઓને રક્ષણ આપ્યું હતું. કોંગ્રેસ શાસન વખતે બનેલી નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ (એનએસી) નક્સલ સમર્થકોથી ભરેલી હતી. કોંગ્રેસ સાંસદે વળતો જવાબ આપતા કહ્યું હતું કે શાહનું નિવેદન સાચું નથી. શાહે એક ગૃહમંત્રીને બદલે ભાજપના નેતાની જેમ ભાષણ આપ્યું છે. નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં દરેક પક્ષે બલીદાન આપ્યું છે.
ભારત - પાકિસ્તાન વચ્ચે ખાનગીમાં ચાલુ છે ટ્રેક-૨ વાતચીત
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા વર્ષોથી રાજકીય સંબંધો ઠંડાગાર છે. જોકે જાણકારોના કહેવા પ્રમાણે બંને દેશો વચ્ચે અનૌપચારીક 'ટ્રેક-૨' ચેનલ સક્રિય છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દોહા (કતર) ખાતે ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓની એક અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં બંને પક્ષો વચ્ચે અનૌપચારીક વાતચીત થઈ હતી. પાકિસ્તાની આતંકવાદીઓએ પહેલગામ પર કરેલા હુમલા પછી બંને દેશોના સંબંધો વધુ બગડયા છે. જોકે દોહામાં થયેલી વાતચીત પહેલી નહોતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટ્રેક-૨ દ્વારા કુટનીતિ ઘણા વર્ષોથી ચાલી રહી છે. એક સમયે બંને દેશો વચ્ચે ૨૦ જેટલી વાતચીત એક સાથે ચાલતી હતી. જ્યારે બે દેશ વચ્ચે સત્તાવાર સંબંધ તૂટી જાય છે ત્યારે આ પ્રકારની વાતચીત મદદરૂપ થાય છે. આવી બેઠકોની જાહેરાત સત્તાવાર થતી નથી.
ખાડી યુદ્ધની અસર કેરળની ચૂંટણી પર કેટલી થશે
કેરળના લગભગ ૨.૪૨ લાખ એનઆરઆઇ મતદારોમાંથી મોટા ભાગના આ વખતે મતદાન નહીં કરી શકે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વિમાનની ટિકિટના વધી ગયેલા ભાવને કારણે પ્રવાસીઓ વતન આવશે નહીં એવી શક્યતા છે. કેટલાક એરસ્પેસ બંધ કરી નાખ્યા હોવાથી હવાઇ યાત્રાનો માર્ગ લંબાઈ ગયો છે. સામાન્ય દિવસોમાં મળતી ૨૪ હજાર રૂપિયાની ટિકિટનો ભાવ ૧ લાખ રૂપિયા સુધી થઈ ગયો છે. મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગ શ્રમીકો માટે આ ભાવ પોસાય એવો નથી. કેરળમાં ચૂંટણી માટે હજારો પ્રવાસીઓ મતદાન માટે ખાસ ચાર્ટર્ડ વિમાનમાં આવતા હતા. હવાઇ માર્ગ બંધ હોવાથી તેઓ આવી શકશે નહીં. ઉત્તર માલાબાર અને મધ્ય કેરળના મુસ્લિમ બહુમતિ વિસ્તારમાં પ્રવાસી મતદારો વધુ છે. આવા મતદારો યુએઇ, સાઉદી અરબ, કુવેત, કતર, બહેરીન અને ઓમાન જેવા દેશોમાં કામ કરે છે. આ મતદારો સામાન્ય રીતે કોંગ્રેસ અથવા યુડીએફને વફાદાર હોવાનું મનાય છે.
પ્રિયંકા ચતુર્વેદી પણ ગુંલાટ મારવાની તૈયારીમાં
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદી રાજ્યસભામાંથી નિવૃત્ત થયા છે. એક જમાનામાં પ્રિયંકા ચતુર્વેદી વડાપ્રધાન મોદીની તીખી ટીકા કરતા હતા. છેલ્લા થોડા સમયથી તેઓ રાજ્યસભામાં પણ શાંત થઈ ગયા હતા. રાજ્યસભામાં નિવૃત્તી લીધા પછી તેઓ વડાપ્રધાનને મળવા ગયા અને એમનો આભાર પણ માન્યો. વડાપ્રધાન સાથેની એમની તસવીર સોશ્યલ મીડિયામાં વાયરલ પણ થઈ. જાહેરમાં તો પ્રિયંકાએ એવું કહ્યું છે કે તેઓ વિપક્ષના એક મુખ્ય વ્યક્તિ બની રહેશે. દેશને એક મજબૂત વિપક્ષની જરૂર છે. પ્રિયંકાએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'હું માનનીય વડાપ્રધાન મોદીનો આભાર માનું છું કે એમણે મને મળવા માટે સમય આપ્યો અને રાજ્યસભાના મારા અનુભવો સાંભળ્યા. આ મારા માટે ખુબ અગત્યનું છે. હું દેશ માટે ઉભી રહીશ અને દેશ માટે અવાજ ઉઠાવીશ. જય મહારાષ્ટ્ર. જય હિન્દ.' રાજકીય વર્તુળોમાં એમ મનાય છે કે, પ્રિયંકા ચતુર્વેદીનું વલણ જોતા તેઓ ભાજપમાં જોડાય તો નવાઈ નહીં.
પાંચ વર્ષ દરમિયાન વિદેશમાં 37 હજારથી વધુ ભારતીય શ્રમીકોના મૃત્યુ
વિદેશમાં ભારતીય શ્રમીકોની સ્થિતિ બાબતના સરકારી આંકડા ચોકાવનારા છે. છેલ્લા પાંચ વર્ષમાં વિદેશની ધરતી પર દરરોજ સરેરાશ ૨૦ થી વધુ શ્રમીકોના મૃત્યુ થાય છે. આમા ૮૬ થી વધુ મૃત્યુ ખાડી દેશોમાં થાય છે. વિદેશમાં ૨૦૨૧ થી ૨૦૨૫ની વચ્ચે કુલ ૩૭,૭૪૦ ભારતીય કામદારોના મૃત્યુ થયા હતા. આ મૃત્યુ કયા કારણોને લીધે થયા એની કોઈ જાણકારી સરકારે આપી નથી. તુલનાત્મક રીતે જોઈએ તો ખાડી દેશોમાં થયેલા મૃત્યુની ટકાવારી ૨૦૧૨-૨૦૧૮ની સરખામણીમાં બમણી વધી છે. સંયુક્ત યુએઇમાં સૌથી વધારે એટલે કે ૧૨,૩૮૦ મૃત્યુ થયા છે. ત્યાર પછી સઉદી અરબ, કુવેત, ઓમાન અને કતરનો નંબર આવે છે. મલેશિયામાં ૧,૯૧૫ શ્રમીકોના મૃત્યુ થયા છે જ્યારે અમેરિકામાં ૭૫૪ અને સિંગાપોરમાં ૪૫૧ શ્રમીકોના મૃત્યુ થયા છે.
લોકસભામાં મંત્રીઓ ગાયબ થવાથી સ્પિકર બગડયા
લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન એમએસએમઇ મંત્રી જીતનરામ માંઝી અને રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ સરકારની આબરુ કાઢી છે. સવાલ પૂછવાના ક્રમમાં જ્યારે એમના મંત્રાલયનો વખત આવ્યો ત્યારે બંને મંત્રીઓ ગૃહમાં નહોતા. ઉભી થયેલી પરિસ્થિતિને કારણે સ્પિકર ખૂબ નારાજ થઈ ગયા હતા અને એમણે ટીકા કરી હતી કે ભવિષ્યમાં આવી સ્થિતિ કોઈપણ હાલતમાં ચલાવી લેવામાં આવશે નહીં. પ્રશ્નોત્તરી દરમિયાન આ મંત્રાલયનો નંબર આવ્યો ત્યારે ટીએમસીના સાંસદે પરંપરા પ્રમાણે પ્રશ્નનો નંબર વાંચ્યો હતો. એ વખતે સ્પિકરે જવાબ આપવા માટે મંત્રીના નામનો પોકાર કર્યા હતો. એ વખતે કોઈએ જવાબ આપ્યો નહોતો. એટલે સ્પિકરે બીજી વખત પોકાર કર્યો હતો. પછી એમણે પૂછયું હતું કે આ મંત્રાલયના રાજ્યમંત્રી કોણ છે? ખબર પડી કે રાજ્યમંત્રી કરંદલાજે પણ ગૃહમાં હાજર નહોતા.
હવે આપના નેતાઓનો રાઘવ ચઢ્ઢા પર સામુહિક પ્રહાર
આમ આદમી પાર્ટીમાં સાઇડ ટ્રેક કરાયેલા આપના સાંસદ રાઘવ ચઢ્ઢાને ટાર્ગેટ કરવાનું આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે. રાઘવ ચઢ્ઢાની ઇમેજ સારા વક્તા તરીકેની હોવાથી એમની પાસે રાજ્યસભામાં સારા સંબોધનની અપેક્ષા હોય. જોકે અરવિંદ કેજરીવાલ એ બાબતે નારાજ છે કે રાઘવ ચઢ્ઢા ભાજપના સિનિયર નેતાઓના સંપર્કમાં છે. આપના નેતા અનુરાગ ઢાંડાએ ચઢ્ઢા પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તમે ડરી ગયા છો રાઘવ ચઢ્ઢા, અસલી મુદ્દા પર બોલવાથી ડરો છો. સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, રાઘવ ચઢ્ઢાએ મુખ્ય મુદ્દાઓ પર બોલવાને બદલે લોકો ખુશ થાય એવા સોફટ પીઆર પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પંજાબના અટકાવેલા ફંડ બાબતે ચઢ્ઢા કદી બોલ્યા નહોતા. અરવિંદ કેજરીવાલ જ્યારે જેલમાં ગયા ત્યારે પણ ચઢ્ઢા ચૂપ રહ્યા હતા.


