નવીદિલ્હી: કર્ણાટક હાઇકોર્ટે મૈસુર સીટી ડેવલપમેન્ટ કોર્પોરેશન (મુડા) જમીન ગોટાળા મામલે એમયુડીએના ભૂતપૂર્વ કમિશનર ડીબી નટેશ સિવાય તમામ આરોપીઓ સામે ઇડી તપાસની મંજૂરી આપી છે. આ કૌભાંડમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ આરોપી તરીકે છે. હવે ઇડી તપાસ કરશે ત્યારે સ્વાભાવીક છે કે સિદ્ધારમૈયા કોંગ્રેસના હોવાથી એમને ફસાવવાના તમામ પ્રયત્નો પણ થશે. કર્ણાટક હાઇકોર્ટના ચિફ જસ્ટીસ એન વી અંજારીયા અને જસ્ટીસ કે વી અરવિંદની બેન્ચે ચૂકાદો આપ્યો છે કે, કાયદા અનુસાર ઇડીને બીજા આરોપીઓ સામે તપાસ કરવાની સત્તા છે. સિંગલ જસ્ટીસની બેન્ચે આપેલા ચૂકાદા પર સ્ટે માંગવા માટે ઇડીએ બે ન્યાયાધિશોની બેન્ચને અપીલ કરી હતી.
ગ્રામ્ય વિસ્તારની જરૂરિયાત માટે 25 ટકા બજેટ રાખો : સુપ્રીમ
રાજ્ય સરકારોને સૂચના આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે, દેશની સંપૂર્ણ પ્રગતિ માટે બજેટનો ૨૫ ટકા હિસ્સો ગ્રામ્ય વિસ્તારની મૂળભૂત જરૂરીયાત માટે વપરાય. જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ એન કોટીશ્વરસિંહની બેન્ચે આરોગ્ય, શિક્ષણ, પીવાનું પાણી અને સ્વચ્છતાને અગત્યની જરૂરીયાત ગણાવી હતી અને આ બાબતો પર સરકારે વધુ ધ્યાન આપવાની જરૂર છે એમ પણ કહ્યું હતું. બેન્ચે કહ્યું છે કે, યોગ્ય બાબતો માટે બેન્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારને દીશા નિર્દેશન આપી શકે છે. મૂડોના ગ્રામીણ વિકાસ ફાઉન્ડેશનએ કરેલી જાહેરહિતની અરજી પર સુનાવણી કરતી વખતે બેન્ચે આ ટીપ્પણી કરી હતી. અરજીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારને ગ્રામ પંચાયતો તેમ જ ગ્રામ્ય વિસ્તારમાં પુસ્તકાલય બનાવવાનો આદેશ આપવાની માંગ પણ કરવામાં આવી હતી.
બનાવટી પાસપોર્ટથી ભારત આવનારાઓને 7 વર્ષની કેદ થશે
ઇમિગ્રેશન અને ફોરેન બીલ ૨૦૨૫ લોકસભામાં પસાર થઈ ગયું છે. વિરોધ પક્ષોના વિરોધ છતાં રાજ્યસભામાં બહુમતિથી આ બીલ પસાર થઈ ગયું છે. બીલની જોગવાઈ પ્રમાણે કોઈપણ વ્યક્તિ ભારતમાં પ્રવેશ કરવા, દેશમાં રહેવા કે દેશની બહાર જવા માટે બનાવટી પાસપોર્ટ કે વિસાનો ઉપયોગ કરતો પકડાશે તો એને ૭ વર્ષ સુધીની સજા અને ૧૦ લાખ રૂપિયાનો દંડ થશે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયના કહેવા પ્રમાણે એવા તમામ વિદેશી નાગરીકો સામે કડકાઈથી કામ લેવાની જરૂર છે જેઓ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ બીલનો વિરોધ કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસે કર્યો હતો અને એમના સભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા.
વકફ સુધારણા બિલ પસાર થતાં વિવિધ નેતાઓએ શું કહ્યું
વકફ સુધારણા બીલ સંસદમાં પસાર થયા પછી અલગ અલગ રાજકીય પક્ષોના સાંસદો અને નેતાઓએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું છે કે, 'આ બીલ ગેરબંધારણીય છે. આ બીલને કોર્ટમાં પડકારવામાં આવશે. મુસ્લિમ સમુદાયના લોકો માટે આ બીલ જોખમી છે. આ બીલ પસાર કરવાની કિંમત ભાજપએ ચૂકવવી પડશે.' સંયુક્ત સંસદીય કમિટિ (જેપીસી)ના સભ્ય અને કોંગ્રેસના સાંસદ ઇમરાન મસુદે કહ્યું છે કે, 'દેશ માટે આ કાળો દિવસ છે. અમારા અધિકારો પર આ સીધો હુમલો છે. મુસ્લિમ સમુદાય અને વકફ બંનેને નુકશાન થશે. આ બીલ સામે અમે કોર્ટમાં જઈશું.' કોંગ્રેસના સાંસદ કીરણકુમાર રેડ્ડીએ કહ્યું છે કે, 'તેઓ ફક્ત આ બીલ પસાર કરાવવા માંગતા હતા. એમનો એક માત્ર એજન્ડા બીલ પસાર કરવાનો જ હતો. સંસદમાં બુલડોઝર રાજ ચાલી રહ્યું છે.'
ગડકરીના કહેવા પ્રમાણે શિવાજી મહારાજ 100 ટકા ધર્મનિરપેક્ષ હતા
મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કટ્ટરતા વિશે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું છે કે છત્રપતિ શિવાજી મહારાજ ૧૦૦ ટકા ધર્મનિરપેક્ષ શાસક હતા. શિવાજીએ ઘણા યુદ્ધો જીત્યા હતા છતાં કોઈ મસ્જિદ તોડી નહોતી. મહારાષ્ટ્રની બહાર કેટલાક લોકોમાં શિવાજી મહારાજ વિશે ગેરસમજ છે. ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 'શિવાજી મહારાજ એક આદર્શ શાસક, આદર્શ પિતા હતા...' નિતિન ગડકરીએ ભાજપના કેટલાક નેતાઓને આડકતરો ટોણો મારતા કહ્યું હતું કે, કેટલાક નેતાઓ મોટા બની ગયા પછી જાતિ અને ધર્મની વાત કરવા માંડે છે. હું આવા નેતાઓને ચેતવણી આપું છું કે જાતિ અને ધર્મની વાત કરવાની બંધ કરે.
બિહારમાં ભાજપ એમપી-રાજસ્થાનની ફોર્મ્યુલા અજમાવશે
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એમના વરિષ્ઠ નેતાઓને ચૂંટણી લડાવે એવી શક્યતા છે. લોકસભાની ચૂંટણીમાં હારેલા કેટલાક ચહેરાઓને પણ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવશે. પક્ષની આ ફોર્મ્યુલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સફળ રહી હતી. હવે બિહાર ચૂંટણીમાં પણ આ ફોર્મ્યુલા રીપીટ થાય એવી શક્યતા છે. જો વરિષ્ઠ નેતાઓ ચૂંટણી લડશે તો વિરોધ પક્ષોના સમીકરણ બગડી શકે છે. આ પહેલા મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષે પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ નરસિંહ તોમર, પ્રહલાદસિંહ પટેલ અને ફગ્ગનસિંહ કુલસ્તેને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. આ સિવાય કૈલાસ વિજય વર્ગીય તેમ જ બીજા સાંસદોને પણ ચૂંટણી લડાવી હતી. રાજસ્થામાં પણ પુર્વ કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોર, દીયા કુમારી, બાલક નાથ અને કિરોડીલાલ મીણાને ચૂંટણી લડાવી હતી.
ગુનેગારોને પણ કાયદાકીય રક્ષણ મળવું જોઈએ
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ ગુનેગાર હોય તો પણ એને કાયદાકીય રક્ષણ અને સન્માન મળવું જોઈએ. કોર્ટે આ બાબતે તમામ રાજ્યો અને યુનિયન ટેરેટરીના ડીજીપીઓને આ સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જેમની ધરપકડ થઈ હોય એવી વ્યક્તિઓના કાયદાકીય અધિકારોનું રક્ષણ થવું જોઈએ. ન્યાયાધિશ અહસાનુદ્દીન અમાનઉલ્લાહ અને ન્યાયાધિશ પ્રશાંતકુમાર મિશ્રાની બેન્ચે પોલીસને રાજ્યની એક મહત્ત્વની શાખા ગણાવી છે અને કહ્યું છે કે, સમાજ અને વ્યક્તિઓની સુરક્ષા માટે લોકોનો ભરોસો પોલીસ પ્રત્યે રહે એ જરૂરી છે. હરિયાણાની એક વ્યક્તિએ પોતાને ખોટી રીતે ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં શારીરિક અત્યાચાર કર્યો હોવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી જેની સુનાવણી બેન્ચે કરી હતી.
સંઘના કાર્યકરો અન્ય પાર્ટીઓમાં પણ કામ કરવા તૈયાર : હોસબોલે
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબોલેએ સંઘના કન્નડ ભાષાના મુખપત્રને આપેલા ઈન્ટરવ્યૂમાં બહુ જ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હોસબોલેએ કહ્યું કે ભાજપ સિવાયની પાર્ટીઓ જો તેમના દરવાજા ખોલે તો સંઘના કાર્યકરો એ પાર્ટીઓમાં પણ કામ કરવા તૈયાર છે. સંઘના કાર્યકરો એટલે માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જાય છે, કારણ કે આ એક જ પાર્ટીમાં તેમના માટે દરવાજા ખુલ્લા છે. બીજી પાર્ટીઓ સંઘને અનટચેબલ માને છે અને સંઘના કાર્યકરો માટે દરવાજા ખોલતા નથી. સંઘે ક્યારેય એવું નથી કહ્યું કે તે કોઈ એક પાર્ટીને જ સમર્થન આપશે. સ્વયંસેવકો કોઈ પમ રાજકીય-સામાજિક સિસ્ટમમાં કામ કરી શકે છે. જો બીજી પાર્ટીઓ તેમના સભ્યો માટે સંઘના દરવાજા ખોલશે તો સંઘ તેમના કાર્યકરો માટે પણ એ પાર્ટીના દરવાજા ઓપન કરશે. બીજી પાર્ટીઓ સંઘના કાર્યકરોને પરવાનગી આપશે તો તેમની પાસે ખૂબ જ સમર્પિત કાર્યકરોની ટીમ બનશે. હોસબોલેનું આ નિવેદન ખૂબ સૂચન માનવામાં આવે છે. સંઘ રાજકીય રીતે ભાજપનો વિકલ્પ તૈયાર કરવાની પેરવીમાં હોય એવી ચર્ચા થઈ રહી છે.
ચિરાગ અને કાકા પારસ વચ્ચે બે માળના બંગલાનો વિવાદ વધ્યો
પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનના પરિવારમાં ભારે કલહ ચાલી રહ્યો છે. પાસવાનના રાજકીય વારસા માટે એક તરફ તેમના પુત્ર ચિરાગ પાસવાન અને કાકા પશુપતિ પારસ વચ્ચે તીવ્ર ખેંચતાણ ચાલી રહી છે. બીજી તરફ હવે પ્રોપર્ટીનો વિવાદ પણ વકર્યો છે. રામ વિલાસ પાસવાનની પ્રથમ પત્ની રાજકુમારી દેવીએ પોલીસ ફરિયાદ કરી છે કે તેની બે દેરાણીઓ શોભાદેવી અને સુનયના દેવીએ બોડીગાર્ડ સાથે ઘરમાં આવીને ધાંધલ મચાવી હતી. શોભાદેવી પશુપતી પારસની પત્ની છે. જ્યારે સુનયના દેવી રામવિલાસના ભાઈ રામચંદ્રની પત્ની છે. પશુપતી પારસનો આ મકાન પર દાવો છે. બીજી તરફ ચિરાગ પાસવાન અને તેમના પરિવાર પાસે આ બંગલાનો કબજાહક છે. રામવિલાસ પાસવાનની પ્રથમ પત્ની રાજકુમારી દેવી અને તેમનો પરિવાર ચિરાગની સાથે છે.
સીપીઆઈએમ ભાજપનો વિકલ્પ બનશે : કરાતના શેખચલ્લીના વિચારો
સીપીઆઈએમનું વાર્ષિક અધિવેશન મદુરાઈમાં મળ્યું હતું. પાર્ટીના નેતાઓએ એક તરફ ભાજપ અને સંઘ સામે લડવા માટે ડાબેરીદળો જ સૌથી વધુ સક્ષમ છે એવી બડાઈ હાંકી, તો બીજી તરફ સંમેલનમાં યુવા નેતૃત્વનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો. સીપીઆઈએમના કોર્ડિનેટર પ્રકાશ કરાતે કહ્યું હતું કે ડાબેરી પક્ષોએ એકતા બતાવવી જોઈએ. ધર્મનિરપેક્ષ પાર્ટીઓને એક કરવાની જરૂર છે. ડાબેરી પાર્ટીમાં ભાજપનો વિકલ્પ બનવાની ક્ષમતા છે. જોકે, આ બધી વાતો વચ્ચે સંમેલનમાં વયસ્ક નેતાઓનો મેળાવડો જામ્યો હતો. યુવા નેતૃત્વનો પાર્ટીમાં સ્પષ્ટ અભાવ દેખાતો હતો. પાર્ટીમાં યુવાનોની સેકન્ડ કેડર ન હોવાથી ગ્રાઉન્ડ લેવલે પાર્ટી ખૂબ નબળી પડી ગઈ હોવાનું સિનિયર નેતાઓ સ્વીકારી રહ્યા છે. લોકસભામાં એક-એક બેઠક માટે ફાંફાં થઈ પડે છે તે છતાં કરાત હજુય ભાજપને ટક્કર આપવાના રંગીન સપનામાં રાચ છે.
- ઈન્દર સાહની


