Get The App

દિલ્હીની વાત : આપમાંથી ભાજપમાં ગયેલા સાંસદો ભયભીત

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : આપમાંથી ભાજપમાં ગયેલા સાંસદો ભયભીત 1 - image

નવીદિલ્હી : આપમાંથી ભાજપમાં ગયેલા ૭ સાંસદોમાંથી ૬ સાંસદો પંજાબના છે. હવે સ્વાભાવીક રીતે બને છે એમ એમના પ્રત્યે રાજકીય કિન્નાખોરી રાખીને પંજાબ સરકાર એમને યેનકેન પ્રકારે હેરાન કરે છે. સાંસદ સંદીપ પાઠક સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. એફઆઇઆરમાં કેટલીક કલમો બીનજામીન પાત્ર છે. એમને પકડવા પંજાબ પોલીસ દિલ્હી પણ પહોંચી હતી. એજ રીતે ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ હરભજન સિંહની સિક્યુરીટી પંજાબ સરકારે પાછી ખેંચી લીધી છે. થોડા સમય પહેલા રાઘવ ચઢ્ઢાની સિક્યુરીટી પણ પાછી ખેંચી લેવામાં આવી હતી. હરભજન સિંહ અને એના પરિવારની સિક્યુરીટી પાછી ખેંચાતા તેઓ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં ગયા હતા. એમની અરજીની સુનાવણી કરતા જસ્ટીસ જગમોહન બંસલની બેન્ચે પંજાબ સરકારને હુકમ કર્યો છે કે કેસની સુનાવણી ચાલે ત્યાં સુધી હરભજન સિંહ કે એમના પરિવારના કોઈપણ સભ્યને શારીરિક નુકસાન પહોંચવું જોઈએ નહીં.

મતદાનની ગણતરી પહેલા ટીએમસી - ભાજપ કેમ્પમાં શું થયું?

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીની ગણતરી પહેલા જ ટીએમસી અને ભાજપના નેતાઓ સક્રિય થઈ ગયા છે. સામાન્ય રીતે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભારે હિંસા થાય છે, પરંતુ આ વખતે છુટી છવાઈ હિંસા જ થઈ હતી. બંને પક્ષના નેતાઓમાં પરીણામ માટે આત્મવિશ્વાસ છે. કોલકત્તા ખાતે આવેલા તૃણમુલ કોંગ્રેસની ઓફિસમાં મોટા ટોળાઓ ભેગા થયા હતા. ટીએમસીના નેતાઓએ એક્ઝિટ પોલને માન્ય રાખ્યો નથી. બીજી તરફ ભાજપના નેતાઓ માને છે કે, પશ્ચિમ બંગાળમાં જીત ભાજપની છે. ભાજપના ઉમેદવાર દિલીપ ઘોષએ કહ્યું હતું કે બીજેપી બહુમતી સાથે જીતશે. ચુંટણી પ્રચારમાં બંને પક્ષના નેતાઓ અને કાર્યકરો થાકી ગયા હોવા છતાં ચૂંટણી પુરી થયા પછી પણ સક્રીય દેખાતા હતા. સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ સ્પર્ધામાં નહીં હોવાથી એમની ઓફિસોમાં કાગડા ઉડી રહ્યા છે.

રાહુલ ગાંધી સામે એફઆઇઆર કરવાની અરજી ફગાવાઈ

અલ્હાબાદ હાઇકોર્ટે રાહુલ ગાંધી સામે એફઆઇઆર કરવાની માંગણી ફગાવી દીધી છે. આ અરજી રાહુલ ગાંધીએ કરેલા વિવાદીત નિવેદન પછી દાખલ કરવામાં આવી હતી. જસ્ટીસ વિક્રમ ડી ચૌહાણની બેન્ચે આ હુકમ કર્યો હતો. હિન્દી શક્તિદળના સભ્ય સિમરણ ગુપ્તાએ અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીના ભાષણને કારણે દેશભરના લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. ૨૦૨૫માં એઆઇસીસીની ઓફિસનું ઉદ્ધાટન કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'હવે અમે ભાજપ, આરએસએસ અને ભારતીય રાજય, ત્રણે સામે લડી રહ્યા છીએ.' આ પહેલા એફઆઇઆર દાખલ કરવાની અરજી નીચલી કોર્ટે પણ ફગાવી દીધી હતી. ત્યાર પછી અરજી કરનારે હાઇકોર્ટ પાસે દાદ માંગી હતી.

ચૂંટણી પરિણામ પહેલા મમતાએ અચાનક અગત્યની બેઠક બોલાવી

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા રાજ્યમાં ઉત્તેજના છે. ચૂંટણીના પરિણામના થોડા કલાકો પહેલા મમતા બેનર્જી  અને ટીએમસીના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જીએ એક અગત્યની બેઠક બોલાવી હતી. વર્ચુઅલ બેઠક તમામ કાઉન્ટીંગ એજન્ટો સાથે કરવામાં આવી હતી જેથી મતગણતરીને દિવસે કોઈ ભૂલ થાય નહીં. આ મીટીંગમાં તમામ ૨૯૧ બેઠકોના એજન્ટોએ ભાગ લીધો હતો. આ તમામ બેઠકો પર ટીએમસીએ પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. બાકીની ત્રણ બેઠકો પર એમનો સાથીદાર પક્ષ ભારતીય ગોરખા પ્રજાતાંત્રીક મોરચા (બીજીપીએમ) દાર્જીલિંગ હિલ્સથી ચૂંટણી લડે છે. એજન્ટોને કહેવામાં આવ્યું હતું કે, મતગણતરી પુરી થાય એ પહેલા સેન્ટરમાંથી બહાર નિકળવું નહીં. જ્યાં સુધી જીતેલા ઉમેદવારને સર્ટીફિકેટ આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ત્યાં જ રહે.

'ટીવીકેને બહુમતી મળવાનો વધુ એક દાવો'

તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા રાજકીય નીવેદનબાજી વધી ગઈ છે. તમિલાગા વેટ્રી કડગમ (ટીવીકે)ની કાર્યકારી સમિતિના સંયોજક કે એ સેનગોટ્ટેયનએ એવો દાવો કર્યો છે કે એમના પક્ષને ૨૩૪માંથી ઓછામાં ઓછી ૧૮૦ બેઠકો મળશે. એમના દાવા પ્રમાણે ટીવીકે ફક્ત બહુમતિ નહીં મેળવશે, પરંતુ ટીવીકેનું લક્ષ્ય ૧૮૦થી ૨૦૦ સીટો જીતવાનું છે. પક્ષને તામિલનાડુના લોકોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. ટીવીકેના પ્રમુખ વિજય માટે લોકોમાં જબરો ક્રેઝ છે. ઘણા વિરોધ અને ચેલેન્જ હોવા છતાં વિજયએ પોતાની રાજકીય યાત્રા ચાલુ રાખી છે. સરકાર બનાવવા માટે અમને કોઈના ટેકાની જરૂર પડશે નહીં. ટીવીકેના પ્રવક્તા વધુ પડતા આત્મવિશ્વાસથી વાત કરે છે કારણ કે મોટા ભાગના એક્ઝિટ પોલે ટીવીકેને મામુલી બેઠકો મળવાની આગાહી કરી છે.

ભારતમાં શરૂ થયેલી સેલ બ્રોડકાસ્ટ સેવા શું છે

દેશની ઇમર્જન્સી કોમ્યુનીકેશન વ્યવસ્થા મજબૂત કરવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ)એ મોટો નિર્ણય લીધો છે. આજે આખા દેશમાં સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું પરિક્ષણ થયું હતું. નાગરીકોના મોબાઇલ ફોન પર એક ઇમર્જન્સી એલર્ટ (નોટીફિકેશન) મોકલવામાં આવ્યું હતું. આ ડ્રિલ વખતે ફોન પર આવનાર મેસેજની સાથે ખૂબ મોટો અવાજ અને વાયબ્રેશન પણ અનુભવી શકાયા હતા. અધિકારીઓએ જનતાને અપીલ કરી હતી કે આ કોઈ ઇમર્જન્સી નથી, પરંતુ એક મોકડ્રીલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફોન પર આવા એલર્ટ મળતા લોકોએ ગભરાવું જોઈએ નહીં. આ મેસેજ જોયા પછી તમારી તરફથી કોઈ જવાબ આપવાની જરૂર નથી. આ સિસ્ટમને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન (ડીઓટી) અને એનડીએમએએ મળીને તૈયાર કરી છે. સંકટ સમયે લોકો સુધી સાચી માહિતી પહોંચે એ માટે આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.

'ખાલિસ્તાન વિવાદ બાબતે ઓસ્ટ્રેલિયા ભારતને પડખે'

છેલ્લા કેટલાક વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની તત્વોની કાર્યવાહી વધી રહી છે. આ બાબતે ભારતે ચિંતા પણ વ્યક્ત કરી છે. ભારતની ચિંતાનો પ્રતિઉત્તર આપતા ઓસ્ટ્રેલિયાના રાજદુત ફિલિપ ગ્રીનએ કહ્યું છે કે એમનો દેશ ભારતની ક્ષેત્રીય અખંડતાનું પુરુ સન્માન કરે છે. એમણે ખાલિસ્તાનીઓને કડક સંદેશો આપતા કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયા લોકશાહી દેશ છે અને શાંતિથી થતા વિરોધ પ્રદર્શનને મંજૂરી આપશે, પરંતુ કોઈપણ પ્રકારની હિંસા ચલાવી લેવામાં આવશે નહીં. ઓસ્ટ્રેલિયાની પોલીસ અને જાસુસીતંત્ર ભારતની ચિંતાને ગંભીરતાથી લઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાનું  જાસુસીતંત્ર તેમજ ત્યાની પોલીસ અને વિદેશનીતી સાથે સંકળાયેલી એજન્સીઓ સાથે મળીને આ બાબતે ચર્ચા કરે છે. છેલ્લા થોડા વર્ષોમાં ઓસ્ટ્રેલિયામાં શીખ અને હિન્દુ વચ્ચે તણાવ વધી ગયો છે. આ તણાવનું મુખ્ય કારણ ખાલિસ્તાનવાદી તત્વો છે.