નવીદિલ્હી : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ છે. ભારતના વળતા પ્રહારની ચિંતામાં પાકિસ્તાનીઓ ધ્રૂજી રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાનને બીજો પણ એક ડર સતાવી રહ્યો છે. આ ડર છે આઇએમએફ (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ)ની મીટીંગનો ૯મી તારીખે આઇએમએફની એક્ઝીક્યુટીવ બોર્ડની અગત્યની મીટીંગ મળવાની છે જેમાં પાકિસ્તાનના ભવિષ્યનો ફેંસલો થશે. પાકિસ્તાને આઇએમએફ સાથે ૭ અબજ ડોલરની બેલઆઉટ પેકેજ ડીલ કરી હતી. ૩૭ મહિનાની આ ડીલમાં ૬ વખત રીવ્યુ કરવાના છે. હવે પહેલા રીવ્યુનો સમય થઈ ગયો છે. જો આ રીવ્યુમાં પાકિસ્તાન પાસ થાય તો એને ૧ અબજ ડોલરની લોન મળશે. એમ મનાય છે કે, મોટે ભાગે આઇએમએફ પાકિસ્તાનને રીવ્યુમાં નાપાસ કરશે.
ઉત્તર પ્રદેશમાં આરએલડીને ફટકો, મુસ્લિમ નેતા રાજીનામુ આપીને સપામા જોડાયા
એનડીએના સાથી પક્ષ રાષ્ટ્રીય લોકદલ (આરએલડી)ને મોટો ફટકો પડયો છે. જયંત ચૌધરીની નજીક ગણાતા યુવા મોરચાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ ચૌધરી વસીમ રઝાએ પક્ષ છોડી દીધો છે. એમણે આરએલડી પર ખેડૂતો, મુસ્લિમો અને બેરોજગારી જેવા વિષયો પર ચૂપ રહેવાનો આરોપ મૂક્યો છે. વસીમ રઝા પોતાના ટેકેદારો સાથે સમાજવાદી પક્ષમા જોડાઈ ગયા છે. સપાના પ્રમુખ અખિલેશ યાદવની હાજરીમાં તેઓ પક્ષમાં જોડાયા હતા. રઝા ચૂંટણીમાં આરએલડીના સ્ટાર પ્રચારક રહ્યા હતા. રઝાનું કહેવું છે કે એમને આરએલડીમાં ગૂંગળામણ થતી હતી. આરએલડીમાં ખેડૂતો અને યુવાનો વિરુદ્ધ કામ થાય છે. જયંત ચૌધરી અગ્નીવીર યોજના બાબતે પણ ચૂપ રહ્યા છે.
અરજકર્તાની કઈ માગણીને કારણે સુપ્રિમ કોર્ટના જજ ભડક્યા
પહેલગામ આતંકી હુમલાને લઈને સુપ્રિમ કોર્ટે એક અરજીકર્તાને ઠપકો આપ્યો છે. અરજીકર્તાને સુપ્રિમ કોર્ટે પૂછયું હતું કે શું તેઓ સૈન્યનું મનોબળ તોડવા માંગે છે? આ મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે. આ સમય ખૂબ અગત્યનો છે. આજે દેશનો દરેક નાગરીક આતંકવાદ સામે લડવા તૈયાર છે. જસ્ટીસ સૂર્યકાંતે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આ એક ગંભીર બાબત છે, ગંભીરતા બતાવો. એક અરજીકર્તાએ એવી માગણી કરી હતી કે, પહેલગામ હુમલાની તપાસ માટે રીટાયર્ડ જજના અધ્યક્ષસ્થાને કમિશન બનાવવામાં આવે. સુપ્રિમ કોર્ટે અરજીકર્તાને પૂછયું હતું કે શું રીટાયર્ડ જજ આ બાબતના એક્સપર્ટ છે? શું તેઓ તપાસ કરી શકશે?
પાકિસ્તાનનું એરસ્પેસ બંધ થવાથી એર ઇન્ડિયાને 60 કરોડ ડોલરનું નુકશાન થશે
ભારત સાથે તણાવ પછી પાકિસ્તાને પોતાની એરસ્પેસ ભારતીય એર લાઇન્સો માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે એર ઇન્ડિયાને દર વર્ષે આશરે ૬૦ કરોડ ડોલરનું નુકશાન થવાની શક્યતા છે. એરસ્પેસ બંધ થવાથી ભારતીય વિમાનોએ હવે નવા રૂટ પરથી ઉડાન ભરવી પડશે. આગલા વર્ષે આ નુકશાન વધી શકે છે. આની અસર પ્રવાસીઓ પર પણ પડશે. જ્યાં સુધી એરસ્પેસ પર પ્રતિબંધ રહેશે ત્યાં સુધી એર લાઇન્સનું નુકશાન વધતુ રહેશે. એર ઇન્ડિયાએ સરકાર પાસે સબસીડી પણ માંગી છે. એર ઇન્ડિયાનું કહેવું છે કે પરિસ્થિતિમાં સુધારો થાય ત્યારે સરકાર આ સબસીડી પાછી લઈ શકે છે. દેશની બીજી એરલાઇન્સોને પણ એરસ્પેસ બંધ થવાની અસર થશે પરંતુ સૌથી વધુ અસર અરે ઇન્ડિયાને થવાની શક્યતા છે.
આવો ભંગાર આર્મી ચીફ જોયો નથી : ગુલામ નબી આઝાદ
બીજા કાશ્મીરી નેતાઓ કરતા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ પ્રમાણમાં મવાળ મનાય છે. પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાથી આઝાદ ખૂબ વ્યથિત છે. એમનું કહેવું છે કે, દરેક રાજકીય પક્ષે નિવેદનબાજીથી દૂર રહેવું જોઈએ અને આપણા દુશ્મનોને ફાયદો ઉઠાવવાનો કોઈ મોકો આપવો જોઈએ નહીં. આઝાદે વધુમાં કહ્યું હતું કે, 'મે પાકિસ્તાનના આર્મી ચીફનું નિવેદન સાંભળ્યું હતું જે એકદમ નકામુ હતું. જે રીતે તેઓ હિન્દુ - મુસ્લિમને અલગ કરી રહ્યા હતા અને ધર્મને આધારે દુશ્મનાવટ ઉભી કરવા માંગતા હતા એ જોતા મને અત્યાર સુધીના તેઓ સૌથી ભંગાર આર્મી ચીફ લાગ્યા છે. આર્મી ચીફ જે રીતે કહ્યું હતું તે રીતે જ આતંકવાદીઓએ હુમલો કર્યો છે.'
દિલ્હીમાં ચર્ચા, જ્ઞાતિ આધારીત વસ્તિ ગણતરીનો જશ કોને મળશે
મહિનાઓ સુધી જ્ઞાતિ આધારીત વસ્તિ ગણતરીનો વિરોધ કર્યા પછી નરેન્દ્ર મોદીએ એકાએક એની મંજૂરી આપી દેવાથી રાજકીય નિરિક્ષકો ચોંકી ઉઠયા છે. રાહુલ ગાંધીએ સરકારના આ પગલાને કોંગ્રેસના દબાણથી લેવામાં આવેલું પગલું ગણાવ્યું છે. ભાજપના નેતાઓએ આઝાદી પછી પહેલી વખત જ્ઞાતિ આધારીત વસ્તિ ગણતરી કરાવવાનો શ્રેય નરેન્દ્ર મોદીને આપ્યો છે. કોંગ્રેસ, સપા, આરજેડી સહિત તમામ વિપક્ષો આ પગલાને ભાજપની પીછેહઠ ગણી રહ્યા છે ત્યારે ભાજપના નેતા એને વડાપ્રધાનનો માસ્ટર સ્ટ્રોક ગણાવે છે. જોકે રાજકીય નિરિક્ષકો કહી રહ્યા છે કે જ્ઞાતિ આધારિત વસ્તિ ગણતરીને ટેકો આપીને ભાજપએ વાઘની સવારી કરી છે. જેના પર ચઢવુ આસાન છે, પરંતુ ઉતરે તો શિકાર થઈ જવાનો ભય રહે છે.
પહેલગામ હુમલા પછી પાકિસ્તાન 57 મુસ્લિમ દેશોના સંગઠન સામે રડયું
ભારત સાથે વધેલી તાણ પછી પાકિસ્તાન હવે મુસ્લિમ દેશોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ૫૭ મુસ્લિમ દેશોના સમૂહ ઓઆઇસી (એર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશન) એ પાકિસ્તાનને ટેકો આપવાની વાત કરી છે એવું પાકિસ્તાનનું કહેવું છે. પાકિસ્તાનએ ઓઆઇસીને દક્ષિણ એશિયાની છેલ્લી પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ હતું અને કહ્યું હતું કે ભારતથી પાકિસ્તાનને ગંભીર જોખમ છે. પાકિસ્તાનના રાજદુત આશીમ ઇફતાર અહમદએ યુએનમાં રજુઆત કરી હતી કે, ભારત તરફથી લેવામાં આવેલા પગલાં ગેરજવાબદારી ભર્યા હતા. એમણે ઓઆઇસીના મેમ્બર દેશોને ભારતે લીધેલા સ્ટેન્ડ બાબતે વિચાર કરવા કહ્યું હતું. જોકે એકાદ દેશને બાદ કરતા બાકીના તમામ ઇસ્લામિક દેશોએ પાકિસ્તાનની વાત અવગણી હોવાનું કહેવાય છે.
જ્ઞાતિવાદી વસ્તી ગણતરી, વિપક્ષ પર સર્જિકલ સ્ટ્રાઇક
જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ પર્યટકો માર્યા ગયા તેના પગલે સમગ્ર દેશમાં આક્રોશનું વાતાવરણ છે અને દેશ આશા રાખી રહ્યો છે કે પીએમ મોદી પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરે, પણ પીએમ મોદીએ જ્ઞાતિગત વસ્તીગણતરીની જાહેરાત કરીને જબરદસ્ત યુ ટર્ન મારતા વિપક્ષ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. બિહાર ચૂંટણી નજીકના ભવિષ્યમાં યોજાવવાની છે ત્યારે મોદી આવું પગલું હાલમાં લે તેવી કોઈ સંભાવના લાગતી ન હતી. પીએમ મોદીના નેજા હેઠળના આ જ ભાજપ સરકારે લગભગ છેલ્લા દાયકાથી જ્ઞાતિગત વસ્તી ગણતરીનો જોરશોરથી વિરોધ કર્યો હતો. આના પગલે બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીના સમયમાં વિપક્ષના જ્ઞાતિગત વસ્તી ગણતરીના મુદ્દાની રીતસરની હવા નીકળી ગઈ છે.
તમિલનાડુમાં વધુ એક રાજકીય વારસ મેદાનમાં
તમિલનાડુમાં શાસક ડીએમકેના સ્ટાલિનને પુત્ર ઉદયને તેમનો રાજકીય વારસ માનવામાં આવે છે. હવે વધુ એક રાજકીય વારસ મેદાનમાં ઉતરી ગયો છે. સ્વ. અભિનેતા કમ રાજકારણી વિજયકાંતના પક્ષ દેસિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ(ડીએમડીકે)માં વી. વિજય પ્રભાકરન એટલે કે સ્વ. વિજયકાંતના પુત્ર અને યુવા પાંખના સેક્રેટરીને ૨૦૨૬ની વિધાનભા ચૂંટણી પૂર્વે પક્ષમાં પ્રાણ ફૂંકવાની જવાબદારી સોંપવામાં આવી છે. આની જાહેરાત તેમની માતા અને ડીએમડીકેની જનરલ સેક્રેટરી પ્રેમલતા વિજયકાંતે કરી હતી. તમિલનાડુમાં ડીએમકે સરકાર સામે એન્ટી ઇન્કમ્બન્સીનો લાભ ઉઠાવવા ભાજપ-એઆઇએડીએમકેએ હાથ મિલાવ્યા છે. બીજી બાજુ ડીએમડીકે પણ હવે રાજ્યમાં ચાવીરૂપ પરિબળ તરીકે ઉભરી આવે તેમ મનાય છે.
ડીએસપીને માફીની ફરજ પાડવા બદલ સૈનીની આકરી ટીકા
ભાજપના નેતા મનીષ સિંગલાને વીઆઇપી એરીયામાં પ્રવેશતા અટકાવનારા ડીએસપીને તેમની માફી માંગવાની ફરજ પાડવા બદલ હરિયાણા સરકાર અને સીએમ સૈનીની આકરી ટીકા થઈ રહી છે. ખેડૂત આગેવાનોથી લઈ વિપક્ષે તેમની આકરી ટીકા કરી છે. જો કે સૈનીએ પોલીસ ઓફિસર પાસે માફી મંગાવવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. વિપક્ષના નેતા અખિલેશ યાદવ, દીપિન્દર હૂડા અને દિગ્વિજય ચૌટાલાએ સૈનીની આકરી ટીકા કરી હતી. આ ઘટના ૨૭મી એપ્રિલના રોજ સિરસામાં બની હતી. તે સમયે સૈની ડ્રગ ફ્રી હરિયાણા સાઇક્લોથોનને લીલી ઝંડી આપી રહ્યા હતા. આ સમયે ઓડિશાના ભૂતપૂર્વ ગવર્નર ગણેશીલાલના પુત્ર મનીષ સિંગ્લા ત્યાં આવ્યા હતા. ડીએસપીએ સુરક્ષા પ્રોટોકોલના કારણે સિંગ્લાને અટકાવ્યા હતા.
- ઇન્દર સાહની


