Get The App

દિલ્હીની વાત : કર્ણાટકમાં કોંગ્રેસનું ડેમેજ કન્ટ્રોલ

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : કર્ણાટકમાં કોંગ્રેસનું ડેમેજ કન્ટ્રોલ 1 - image

નવીદિલ્હી : કર્ણાટકમાં સિદ્ધારમૈયાને રાજીનામું આપવાની ફરજ પાડયા પછી કોંગ્રેસ હાઇકમાન્ડ સચેત થઈ ગયું છે. કોંગ્રેસના નેતાઓને ખબર છે કે, સિદ્ધારમૈયા કાચી માયા નથી. તેઓ સરળતાથી રાજકીય હાર સ્વિકારે એમ નથી. કર્ણાટકમાં કોંગ્રેસે સત્તા પરિવર્તન ભલે સરળતાથી કર્યું હોય, પરંતુ સિદ્ધારમૈયાનો રેકોર્ડ જોતા સરળતાથી શરણાગતી સ્વિકારવી એમના સ્વભાવની વિરુદ્ધ છે. ૧૯૯૬માં જે એચ પટેલ અને ૨૦૦૪માં ધર્મસિંહને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે એમણે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. એમના જક્કી વલણને કારણે ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ એમને જેડીએસમાંથી કાઢી મૂક્યા હતા. એમ મનાય છે કે, સિદ્ધારમૈયાના માનીતા ત્રણ મંત્રીઓને નાયબ મુખ્યમંત્રી પદ અપાશે. કેબિનેટમાં પણ એમના વફાદારોનું ધ્યાન રખાશે. એમએલસી પુત્ર યતિન્દ્રને પણ કેબિનેટમાં અગત્યનું ખાતું આપવામાં આવશે.

તામિલનાડુમાં અન્નામલાઈને સમજાવવામાં ભાજપ નિષ્ફળ

તામિલનાડુમાં ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ કે અન્નામલાઈ એક જમાનામાં અમિત શાહના માનિતા હતા. અન્નામલાઈ તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા આક્રમક રીતે ભાજપનો પાયો મજબૂત કરી રહ્યા હતા. જ્યાં સુધી અન્ના મલાઈ પક્ષપ્રમુખ હતા ત્યાં સુધી તામિલનાડુમાં ભાજપનો દેખાવ સારો રહેશે એમ મનાતું હતું. જોકે અગમ્ય કારણોસર ભાજપ હાઇકમાન્ડે અન્નામલાઈને પક્ષપ્રમુખ તરીકે દુર કર્યા. એમ મનાય છે કે સાથીપક્ષ એઆઇએડીએમકેને અન્નામલાઈની આક્રમકતા ગમતી નહોતી. હવે અન્નામલાઈએ ભાજપ છોડવાનું નક્કી કર્યું છે. એમણે સંદેશો આપ્યો છે કે તેઓ કોઈપણ સંબંધ બગાડયા વગર ભાજપ સાથેના સંબંધનો અંત લાવશે. અમિત શાહે એમને રાજ્યસભાની બેઠક પણ ઓફર કરી હતી. જોકે ભૂતકાળના કડવા અનુભવને કારણે અન્નામલાઈએ ભાજપ સાથે રહેવાને બદલે હવે પોતાનો નવો પક્ષ સ્થાપવાનું નક્કી કર્યું છે.

કેએમસીની નોટીસ સામે અભિષેક બેનર્જી હાઇકોર્ટ પહોંચ્યા

તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જીના પિતા અમિત બેનર્જી તથા મા લતા બેનર્જીએ કોલકત્તા નગરનિગમ (કેએમસી)ની નોટીસને ચેલેન્જ આપીને હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. એમનો દાવો છે કે, કોલકત્તાના ૨૯ - સી, હરિશ ચેટર્જી સ્ટ્રીટ સ્થિત એમનું મકાન કાયદેસર છે. જોકે કેએમસીએ મકાન ગેરકાયદેસર હોવાની નોટીસ મોકલી છે. અરજીમાં નગરનિગમની નોટીસ રદ કરવાની માંગણી કરવામાં આવી છે. હમણા જ કોલકત્તા નગરનિગમએ અભિષેક બેનર્જી અને એમની  અલગ અલગ મિલકતો સંબંધે નોટીસ મોકલી છે. ટીએમસીના નેતાઓનું કહેવું છે કે, ભાજપ રાજકીય રીતે બદલો લેવા માટે અભિષેક બેનર્જી અને એના કુટુંબીઓને હેરાન કરે છે. અભિષેક બેનર્જી પર ટોળાએ ઇંડા ફેંક્યા ત્યાર પછી પોલીસે જે વ્યક્તિઓની ધરપકડ કરી હતી એ બધા ટીએમસીના નેતા હતા. આ બાબતે પણ અભિષેક બેનર્જી નારાજ છે.

પત્ની જાણી જોઈને આવક છુપાવે તો ભરણપોષણના કેસનું પુનર્મૂલ્યાંકન જરૂરી

અલ્હાબાદ હાઇકોર્ટે એક ચૂકાદામાં કહ્યું છે કે ભરણપોષણની કાર્યવાહીમાં કોઈ પત્ની જાણી જોઈને પોતાની વાસ્તવિક આવક છુપાવે છે તો ભરણપોષણના કેસોનું ફરીથી પુનર્મૂલ્યાંકન કરવું જરૂરી છે. ફેમીલી કોર્ટના ચુકાદા વિરુદ્ધ દાખલ થયેલી અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે પત્નીને આપવામાં આવતું માસિક ભરણપોષણ રદ કરવાનો હુકમ કર્યો હતો. ટ્રાયલ કોર્ટ સમક્ષ પત્નીએ પોતાની આવક શૂન્ય બતાવી હતી જ્યારે હાઇકોર્ટની એક અલગ અરજીમાં વાર્ષિક આવક સાડા ચાર લાખ રૂપિયાથી વધુ બતાવી હતી. કોર્ટે સગીર દિકરાનું ભરણપોષણ જોકે મંજૂર રાખ્યું હતું. આ ઉપરાંત હાઇકોર્ટે નવા પુરાવાને આધારે ફરીથી ભરણપોષણની રકમ નક્કી કરવા ટ્રાયલ કોર્ટને જણાવ્યું હતું. આ વિવાદ ૨૦૧૦માં દાખલ થયેલા એક કેસ સાથે જોડાયો છે. પતિ પર દહેજની માંગણી અને ક્રૂરતાનો આરોપ મૂક્યા પછી પત્ની બાળકો સાથે પિયર રહેતી હતી.

અફઘાનિસ્તાનમાં શિયાઓ પર જાતભાતના પ્રતિબંધ

તાલિબાનની સરકારે અફઘાનિસ્તાનમાં શિયા સંપ્રદાય પર મુકેલા પ્રતિબંધો વધાર્યા છે. તાલિબાને અસ્થાયી લગ્ન (નિકાહ - એ-મુતઆ)ના કરાર કરવા બદલ શિયા સંપ્રદાયની એક વ્યક્તિને બોલાવી મારમાર્યો હતો. આ પ્રથા શિયા સંપ્રદાયમાં ધાર્મિક રીતે માન્ય છે, પરંતુ સુન્ની સંપ્રદાયમાં માન્ય નથી. તાલિબાને ભૂતપૂર્વ સરકારના કાયદાઓને રદ કરી નાખ્યા છે અને અન્ય ઇસ્લામી સંપ્રદાયોની ધાર્મિક પદ્ધતિને માન્ય રાખી નથી. તાલિબાનના નેતાઓ કટ્ટર સુન્ની છે. અફઘાનિસ્તાનમાં શિયા સંપ્રદાય લઘુમતીમાં છે અને વારેતહેવારે એમના ધાર્મિક માન્યતાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ ઉપરાંત શિયા સંપ્રદાયના લોકોને હેરાન કરવા માટે એમની ઉપર ખોટા કેસો દાખલ કરીને વિવિધ સજા ફરમાવવામાં આવે છે. શિયા સંપ્રદાયના લોકો જાહેર કાર્યક્રમોનું આયોજન કરી શકતા નથી તેમજ ધાર્મિક તહેવારોની ઉજવણી પણ કરી શકતા નથી.

શુભેંદુ સરકાર સામે મમતાના ધરણા

પશ્ચિમ બંગાળમાં પહેલી વખત ભાજપની સરકાર બન્યા પછી તૃણમુલ કોંગ્રેસ બેકફૂટ પર છે. તૃણમુલ કોંગ્રેસના બહુમતી ધારાસભ્યો કોલકત્તાની એક હોટલમાં ભેગા મળ્યાના સમાચાર છે. એક વાત એવી પણ છે કે તૃણમુલ કોંગ્રેસના બે ફાંડચા થઈ શકે છે. જોકે મમતા બેનર્જી હવે હારના આઘાતમાંથી બહાર આવી રહ્યા છે. શરૂઆતમાં ટીએમસીએ ચૂંટણીમાં ગરબડનો આરોપ મૂક્યો હતો, પરંતુ બંગાળની પ્રજાને એ ગળે ઉતર્યો નહીં એટલે હવે મમતા બેનર્જીએ સ્ટ્રેટેજી બદલી છે. મમતા બેનર્જી હવે સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કરશે. સોનારપુરમાં થયેલી મારામારી અને હિંસા બાબતે ભાજપે તૃણમુલને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે મમતા બેનર્જીને પડખે હવે ગણ્યાગાંઠયા કાર્યકરો જ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે કોલકત્તા પોલીસે એમને ધરણા કરવાની મંજૂરી આપી નથી, પરંતુ તેઓ હવે ભાજપ સામે જંગ છેડશે.

તામિલનાડુમાં સનાતન ધર્મ વિવાદ

તામિલનાડુમાં વિરોધપક્ષના નેતા ઉદયનીધિ સ્ટાલીનની માતા દુર્ગા સ્ટાલીન મૈસુર નજીક આવેલા જાણીતા નીમીષાબા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યારે પુત્ર ઉદયનીધિ સનાતન ધર્મને ખતમ કરવાનું નિવેદન આપતા હતા એ વખતે જ દુર્ગા સ્ટાલીન વિવિધ મંદિરોમાં દર્શન માટે જતા હતા. એમણે પતિ અને પુત્ર માટે ખાસ પૂજા પણ કરાવી હતી. મંદિરમાં દુર્ગા સ્ટાલીન દ્વારા ધાર્મિક અનુસ્થાન કરતા હોય એવા ફોટોગ્રાફસ અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. સોશ્યલ મીડિયા પર ઉદયનીધિ સ્ટાલીનના નિવેદનો અને કુટુંબની મંદિર યાત્રાના વિરોધાભાસ બાબતે ચર્ચા થઈ હતી. દુર્ગા સ્ટાલીન સાથે જેડી (એસ)ના ધારાસભ્ય જીટી દૈવગૌડા, એમના પુત્રી અને જમાઈ પણ હાજર હતા.