For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : કોંગ્રેસની સ્વાર્થીવૃત્તિના લીધે વિપક્ષી એકતા શક્ય નહીં

Updated: Aug 4th, 2021

Article Content Image

નવીદિલ્હી : રાહુલ ગાંધીએ પેગાસસ જાસૂસી કાંડ સહિતના મુદ્દે મોદી સરકારને ઘેરવા મંગળવારે સવારે બેઠક બોલાવી હતી. રાહુલે કોન્સ્ટિટયુશન ક્લબમાં નાસ્તો કરતાં કરતા વિપક્ષી નેતાઓ સાથે ભાજપને ઘેરવાની ચર્ચા કરી. રાહુલની બેઠકનો ઉદ્દેશ તમામ ભાજપ વિરોધી પક્ષોને એક કરીને વ્યૂહરચના ઘડવાનો હતો પણ આ બેઠકે સાબિત કર્યું કે, કોંગ્રેસ પોતાનાં રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને વર્તે તો વિપક્ષી એકતા શક્ય નથી.

રાહુલે ૧૭ પક્ષના નેતાને નિમંત્રણ આપેલું પણ આપ અને બસપામાંથી કોઈ હાજર ના રહ્યું. બસપાના  સાંસદ રાકેશ પાંડેએ તો પોતાને બેઠકની ખબર જ નથી એમ કહી દીધું. સાથે સાથે સવાલ પણ કર્યો કે, ભાજપને ઘેરવા માટેના મુદ્દા નક્કી જ છે તો પછી બેઠક બોલાવવાની જરૂર જ ક્યાં છે ? યુપીનાં સમીકરણોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે જ બસપાને કોરાણે મૂકી દીધી હોવાનું કહેવાય છે. અકાલી દળને તો નિમંત્રણ જ નહોતું અપાયું. તેના કારણે એવો સવાલ પણ થઈ રહ્યો છે કે, કોંગ્રેસ અકાલી દળને હજુય એનડીએમાં માને છે ?

રીટર્નની મુદત લંબાવાઈ છતાં લેટ ફાઈલિંગ ફી

મોદી સરકારે કોરોનાની સ્થિતીને ધ્યાનમાં રાખીને ઈન્કમટેક્સ રીટર્ન ભરવાની તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી છે. જો કે કરદાતા ઈન્કમટેક્સ રીટર્ન ભરવા માટે ઈન્કમેટેક્સ વિભાગની વેબસાઈટ ખોલે ત્યારે લેટ ફી ભર્યા વિના વેબસાઈટ ખૂલતી નથી. આ સમસ્યાથી પરેશાન કેટલાક કરદાતાઓએ સોશિયલ મીડિયા પર લેટ-ફાઈલિંગ ફી હટાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. મંગળવારે આ મુદ્દો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતો હતો.

ઈન્કમટેક્સના નિયમ પ્રમાણે જેમની આવક પાંચ લાખ રૂપિયા કરતાં વધારે હોય તેમણે લેટ-ફાઈલિંગ માટે પાંચ હજાર રૂપિયાની લેટ-ફાઈલિંગ ફી ચૂકવવી પડે છે. પાંચ લાખથી ઓછી આવક ધરાવનારને એક હજાર રૂપિયા પેનલ્ટી થાય છે. સરકારે મુદત લંબાવ્યા પછી સાઈટ પરથી આ વિકલ્પ હટાવી દેવાનો હોય પણ એવું ના કરાતાં લોકો ખંખેરાઈ રહ્યા છે.

ઈન્કમટેક્સ વિભાગનો દાવો છે કે, ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાય છે પણ નિષ્ણાતો તેને લુચ્ચાઈ માને છે. લેટ-ફાઈલિંગ ફી ભરો કે તરત સાઈટ ખૂલે છે તેનો અર્થ એ થાય કે જાણી જોઈને ખામી રખાઈ છે.

કેન્દ્રના આશીર્વાદથી દિલ્હીના ધારાસભ્યોના પગારમાં વધારો

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે આર્થિક તકલીફોના સમયમાં ધારાસભ્યોના પગાર વધારી દીધા છે. મજાની વાત એ છે કે, આ પગારવધારો કેન્દ્રના આશિર્વાદથી કરાયો છે.

કેજરીવાલ સરકારે ધારાસભ્યોનો પગાર દોઢ સો ટકા વધારીને ૧૨ હજાર રૂપિયાથી વધારીને સીધો ૩૦ હજાર રૂપિયા કરવાની દરખાસ્ત કેન્દ્રને મોકલી છે. ધારાસભ્યોને મળી રહેલાં ભથ્થાં પણ ૪૨ હજાર રૂપિયાથી વધારીને ૬૦ હજાર કરવાની ભલામણ છે.

પગાર અને ભથ્થાં મળીને દર મહિને દરેક ધારાસભ્યને પહેલાંના ૪૨ હજાર રૂપિયાથી બમણાથી પણ વધારે ૯૦ હજાર રૂપિયા આપવાની ભલામણ છે. કેજરીવાલ સરકારે ગૃહ મંત્રાલયને મોકલેલા પ્રસ્તાવમાં દરેક ધારાસભ્યને મહિને ૨.૧૦ લાખ રૂપિયા પગાર-ભથ્થાંને મંજૂરી આપવા કહેલું પણ ગૃહ મંત્રાલયે આ દરખાસ્ત સ્વીકારી નહોતી. કેન્દ્ર સરકારે ૯૦ હજાર રૂપિયાની મહત્તમ મર્યાદા નક્કી કરતાં છેવટે કેજરીવાલ સરકારે ૯૦ હજારની દરખાસ્ત મોકલી છે.

કેજરીવાલ સરકારની દલીલ છે કે, દિલ્હી સિવાયનાં બાકીનાં રાજ્યોમાં ધારાસભ્યનો ઓછામાં ઓછો પગાર ૧.૨૦ લાખ રૂપિયા છે. દિલ્હી સૌથી મોંઘું શહેર હોવાથી હાલના ઓછા પગારમાં ધારાસભ્યોને નથી પરવડતું.

યુપીમાં રાજભરને મનાવવા દબંગ દયાશંકર મેદાનમાં

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની વીઆઈપીના મુકેશ સાહનીની જાહેરાતના પગલે ભાજપે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી)ના ઓમપ્રકાશ રાજભરને મનાવવાની કોશિશ શરૂ કરી છે. મંગળવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહની રાજભર સાથેની મુલાકાતના કારણે બંને વચ્ચે જોડાણની અટકળો શરૂ થઈ છે.

અમિત શાહે રાજભરને મનાવવાની જવાબદારી દબંગ નેતા દયાશંકર સિંહને સોંપી છે. સિંહ લાંબા સમયથી રાજભરને મનાવવામાં લાગેલા હતા. અંતે મંગળવારે સિંહની રાજભર સાથે મુલાકાત કરાવવામાં સફળ રહ્યા.

યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી રહી ચૂકેલા રાજભરે નાના નાના પક્ષોનો ભાગીદારી સંકલ્પ મોરચો બનાવ્યો છે. આ મોરચામાં દલિત અને અત્યંત પછાત જ્ઞાાતિના નેતાઓના પક્ષો સામેલ થયા છે. પાંચ-સાત બેઠકો પર વર્ચસ્વ ધરાવતા આ નેતાઓ સાથે મળીને લડે તો સો જેટલી બેઠકો પર સમીકરણો બદલી શકે એવું રાજકીય વિશ્લેષકો માને છે. ભાજપ યુપીમાં સમાજવાદી પાર્ટી તરફથી મોટા પડકારનો સામનો કરી રહ્યો છે તેથી જ્ઞાાતિવાદનાં સમીકરણોના કારણે ફટકો ના પડી જાય એટલે તમામ વર્ગોને મનાવવા મથી રહ્યો છે.

સિધ્ધુની હરકતોથી સીખ સમુદાય નારાજ

નવજોત સિધ્ધુ પંજાબ કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી અલગ અલગ ગુરુદ્વારામાં જઈને ગ્રંથ સાહિબ સામે માથું ટેકવે છે. સિધ્ધુ સીખ મતદારોને આકર્ષવા બધું કરી રહ્યો છે પણ ફતેહપુર સાહિબ ગુરૂદ્વારાનો વીડિયો વાયરલ થતાં સીખ સમુદાય સિધ્ધુથી નારાજ છે. સિધ્ધુ ગુરુદ્વારામાં જાય ત્યારે સ્થાનિક કોંગ્રેસી નેતાઓ દ્વારા બહારથી પાઘડી લાવીને સન્માન કરાય છે એ ગુરૂદ્વારાનું અપમાન હોવાનો વિવાદ ચાલુ જ છે ત્યાં હવે આ નવો વિવાદ પેદા થઈ ગયો છે.

આ વીડિયોમાં દેખાય છે કે, સિધ્ધુ ગુરૂદ્વારામાં માથું ટેકવી રહ્યો હતો ત્યારે જ એક વૃધ્ધ પણ માથું ટેકવવા આવ્યા હતા. પંજાબ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કુલજીત નાગરા તથા અન્ય લોકોએ વૃધ્ધને તરત પાછળ ખેંચી લીધા. આ વીડિયો વાયરલ થતાં સીખો બગડયા છે. સિધ્ધુએ ગુરુદ્વારાનું અપમાન કર્યું હોવાની કોમેન્ટ્સ થઈ રહી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, ગ્રંથ સાહિબ સામે બધા સરખા હોય ત્યારે કોંગ્રેસીઓ સિધ્ધુને બધાંથી મોટો માનીને વર્તી રહ્યા છે. આ લોકો પ્રજાનું શું ભલું કરવાના ?

***

મોદી વિ. રાહુલ

આજનો દિવસ યોગાનુયોગનો દિવસ હતો. એકબાજુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના હાલમાં ચાલી રહેલા સંસદના ચોમાસુ સત્રમાં ભાજપના સંસદીય પક્ષની ત્રીજી બેઠકને સંબોધી રહ્યા હતા અને તેમા તેમણે વિપક્ષ પર સંસદને યોગ્ય રીતે ન ચાલવા દઈને લોકોનું અને લોકશાહીનું અપમાન કરવાનો આરોપ મૂક્યો હતો. આ જ સમયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંસદની જોડે આવેલી કોન્સ્ટિટયુશનલ ક્લબ ખાતે ૧૪ વિપક્ષ સાથે બ્રેકફાસ્ટ બેઠક યોજી હતી.

આપ અને બીએસપી આ બેઠકમાં આવ્યા ન હતા. તેમાં કોંગ્રેસ અને વિપક્ષના સહિત કુલ ૧૦૦ સાંસદોએ ભાગ લીધો હતો. તેમા ટીએમસી, એનસીપી, શિવસેના, સીપીઆઇ-માર્ક્સવાદી, સીપીઆઇ, આરજેડી, સમાજવાદી પાર્ટીએ હાજરી આપી હતી. પછી રાહુલ ગાંધીની આગેવાની હેઠળ વિપક્ષના કેટલાક સાંસદ ઇંધણના ભાવવધારાનાવ વિરોધમાં સંસદમાં સાઇકલ સુધી ગયા હતા. 

પેગાસસ મુદ્દે વધુને વધુ ઘેરાતી સરકાર

ભાજપના બિહારના સહયોગી અને મુખ્યપ્રધાન નીતિશકુમાર, હિંદુસ્તાન અવામ મોરચા (એચએએમ)ના પ્રમુખ અને બિહારના ભૂતપૂરવ્ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીએ પેગાસસ મુદ્દે તપાસની માંગ કરી છે. માજીએ ટવીટ કરી જણાવ્યું છે કે વિપક્ષના સભ્યો દ્વારા દૈનિક ધોરણે સંસદીય કામકાજ અટકાવી દેવાયુ હોવાથી તપાસ જરુરી છે. તેમણે ઉમેર્યુ હતું કે રાષ્ટ્રને તે જાણવાનો અધિકાર છે કે કોણે કોની જાસૂસી કરી. બધાની નજર હવે સુપ્રીમ કોર્ટ પર છે, કારણ કે વરિષ્ઠ પત્રકારોએ પેગાસસ મુદ્દે સરકાર સામે કેસ કર્યો છે. 

પેગાસસ મુદ્દે ચિદમ્બરમનો સરળ સવાલ

પેગાસસ જાસૂસી કાંડનું પ્રકરણ વધુને વધુ ઘેરુ બની રહ્યું છે ત્યારે કોંગ્રેસના સાંસદ પી. ચિદમ્બરમે સરકાર તે સીધા સરળ સવાલનો જવાબ કેમ આપી શકતી નથી કે તે પેગાસસ સ્પાયવેરની માલિક ઇઝરાયેલી કંપની એનએસઓની ગ્રાહક છે કે નહી. એનએસઓ ગુ્રપની ગ્રાહક તરીકે ૪૦ સરકારો અને ૬૦ એજન્સીઓ છે. શું ભારત સરકાર આ ૪૦માં સામેલ છે. ભારત સરકાર માટે આટલા સરળ સવાલનો જવાબ આપવું શા માટે આટલું અઘરું થઈ પડયું છે? 

પથ્થરબાજોને પાસપોર્ટ અને સરકારી નોકરીના ઇન્કારથી રાજકીય પક્ષો નારાજ

ભાજપને બાદ કરતા જમ્મુ-કાશ્મીરના વિવિધ રાજકીય પક્ષોએ પથ્થરબાજો તથા તેવી બીજી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાઓને પાસપોર્ટ માટે મંજૂરી અને સરકારી નોકરીમાં નિમણૂકનો ઇન્કાર કરવામાં આવતા તેની સામે નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક કાયદાકીય નિષ્ણાતોએ જણાવ્યું  હતું કે છે કે હતું કે કેન્દ્રીય કર્મચારી મંત્રાલય દ્વારા જુન ૨૦૧૬ના જારી કરવામાં આવેલા આદેશથી વિપરીત કોઈપણ પ્રકારની સરકારી નોકરીમાં નિમણૂકની સત્તા હવે પોલીસ ઓફિસરને આધીન થઈ ગઈ છે.

જો કે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતા ઓમર અબ્દુલ્લાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની સરકારી સર્વિસના ઇન્કાર કે પાસપોર્ટના ઇન્કાર ફક્ત પોલીસ રિપોર્ટના આધારે ન થઈ શકે, કાયદાકીય રીતે આ બાબત ટકી ન શકે. 

ઉત્તરપ્રદેશમાં ખેડૂતોનો વિરોધ ભાજપ માટે મોટી ચિંતા

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી નજીક છે ત્યારે ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂત સંગઠનોનો વિરોધ ભાજપને ભારે પડી શકે છે. સમગ્ર રાજ્યમાં ખેડૂતો કેન્દ્ર અને રાજ્ય સરકારની કૃષિ નીતિ સામે દેખાવો કરવાનું આયોજન કરી રહ્યા છે.

ભાજપના કેટલાક નેતાઓએ નામ આપવાની શરતે ડર વ્યક્ત કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોના દેખાવો ભાજપની ચૂંટણીની સંભાવના પર નકારાત્મક અસર કરી શકે છે. સંયુક્ત કિસાન મોરચાએ ઉત્તરપ્રદેશમાં હવે વિરોધ પ્રદર્શનનું આહવાન કર્યુ છે. તે દિલ્હીની જેમ હવે ઉતરપ્રદેશના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શનનું આયોજન ધરાવે છે. 

- ઇન્દર સાહની

Gujarat