નવીદિલ્હી : દક્ષિણ આફ્રિકાસ્થિત ઇરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકી હતી કે, 'ફક્ત ઇરાન અને ઓમાન હોર્મૂઝ ખાડીનું ભવિષ્ય નક્કી કરશે.' અમેરિકા - ઇરાન અને ઇઝરાયલના યુદ્ધમાં ગલ્ફના દેશોએ ઘણુ સહન કરવું પડયું છે. ગલ્ફના દેશો ઇરાનથી ખૂબ નારાજ છે. જોકે ઓમાન આ બાબતે અપવાદરૂપ છે. અમેરિકા અને ઇરાન વચ્ચે મધ્યસ્થી કરનાર ઓમાન આ યુદ્ધ વખતે તટસ્થ રહ્યું છે. ઓમાને આ યુદ્ધને શરૂઆતમાં ગેરકાયદેસર ગણાવ્યું હતું. એમ મનાય છે કે, અમેરિકા ઇરાનના યુદ્ધમાં યુદ્ધ વિરામ કરાવવો હોય તો ઓમાન પર આધાર રાખ્યા વગર છૂટકો નથી. ગલ્ફના બીજા દેશોની માફક ઓમાન ઇઝરાયલને પડખે રહ્યું નથી. ઓમાનમાં અમેરિકાના ત્રણ સૈનિક અડ્ડા હોવા છતાં ઇરાન ઓમાનથી નારાજ નથી. ઓમાને ઇરાન સાથે વાતચીતની ચેનલ ખુલ્લી રાખી છે. ઓમાને હોંશિયારી પૂર્વક કોઈપણ દેશનો પક્ષ લીધા વગર સ્વતંત્રતા જાળવી રાખી છે.
કેજરીવાલ, રાઘવ ચઢ્ઢાથી નારાજ કેમ થયા
આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવી દીધા છે. એમ મનાય છે કે બે વર્ષ પછી રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી નિવૃત્ત થશે ત્યાર પછી કેજરીવાલનો પક્ષ એમને ફરીથી રાજ્યસભામાં નહીં મોકલે. રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં બોલવા માટે હવે પક્ષ સમય નહીં આપે. રાઘવ ચઢ્ઢા સારા ઓરેટર છે અને રાજ્યસભામાં સામાન્ય લોકોના પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. બહાર એવી વાત છે કે, ચઢ્ઢા રાજ્યસભામાં પક્ષના પ્રશ્નો ઉઠાવતા નથી એને કારણે પક્ષ નારાજ છે. જોકે હકીકત જુદી હોવાનું મનાય છે. રાઘવ ચઢ્ઢા ખાનગીમાં ભાજપના કેટલાક ટોચના નેતાઓને મળ્યા હોવાની જાણકારી કેજરીવાલ સુધી પહોંચી ગઈ હતી. કોઈ મજબૂત ટેકા વગર ચઢ્ઢા પોતાના જ પક્ષના હીતની વિરુદ્ધ વાત કરે એ શક્ય થાય નહીં. જો ચઢ્ઢાને ભાજપનો ટેકો નહીં હોય તો એમની રાજકીય કારકિર્દી પૂરી થઈ જશે, પરંતુ ભૂતકાળનો અનુભવ જોતા લાગે છે કે, ધીમે રહીને ચઢ્ઢા ભાજપ સાથે જોડાઈ શકે એમ છે.
અવધ ઓઝાની રાહુલ ગાંધીને સલાહ
આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને શિક્ષણવીદ અવધ ઓઝાએ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ વિશે પ્રતિક્રિયા આપી છે. આ સાથે એમણે લોકસભાના વિરોધપક્ષના નેતાને બીજી બે સલાહ પણ આપી છે. અવધ ઓઝાએ રાજકારણમાંથી નિવૃત્તી લઈ લીધી છે. અવધ ઓઝા નેતાઓની રણનીતિ, નિર્ણય ક્ષમતા અને રાજકારણ વિશે વાત કરતા રહે છે. એમણે રાહુલ ગાંધીને સલાહ આપી છે કે તેઓ રાજકીય સમજણ વધારે અને યોગ્ય રાજકીય ગુરુની પસંદગી કરે. ઓઝાએ કહ્યું હતું કે, 'રાહુલ શા માટે વિદેશ યાત્રા પર જાય છે એની મને ખબર નથી. જોકે એમણે રાજનેતા તરીકે સારો વિકાસ કર્યો છે. એમને સારા રાજકીય ગુરુની જરૂર છે જે એમને રાજકારણ સમજવામાં મદદ કરે. જ્યાં સુધી એમનામાં રાજકીય સૂઝબુઝ વિકસીત નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાની રીતે નિર્ણય લઈ શકશે નહીં. રાહુલ ગાંધીએ ચંદ્રગુપ્ત મૌર્ય, સમુદ્ર ગુપ્ત, અલાઉદ્દીન ખીલજી અને અકબર જેવા મહાન શાસકો પાસેથી શીખવું જોઈએ. એમણે નવરત્નોનો કોન્સેપ્ટ સમજવો જોઈએ.'
સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને સૌથી મોટી ફરિયાદી કહી
સુપ્રિમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની ડબલ બેન્ચના એક ચુકાદાને ચેલેન્જ કરનાર કેન્દ્ર સરકારને ૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સીઆઇએસએફ કોન્સ્ટેબલની હકાલપટ્ટીના કેસ સંદર્ભમાં સુપ્રિમ કોર્ટે આ નિર્ણય કર્યો હતો. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કોન્સ્ટેબલની હકાલપટ્ટી અયોગ્ય ગણાવીને એનો ૨૫ ટકા પગાર પરત કરવાનો હુકમ કર્યો હતો. હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ કેન્દ્ર સરકારે સ્પેશિયલ લીવ પીટીશન દાખલ કરી હતી, જેને સુપ્રિમ કોર્ટે રદ કરી છે. સુપ્રિમ કોર્ટના જસ્ટીસ બીવી નાગરત્ના અને જસ્ટીસ ઉજ્વલ ભુઇયાની બેન્ચે એસએલપી કરવાના નિર્ણયની આકરી ટીકા કરી હતી. સુનાવણી વખતે જસ્ટીસ નાગરત્નાએ કેન્દ્ર સરકારને સૌથી મોટી ફરિયાદી ગણાવી હતી. કોર્ટના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકારના કારણે જ કોર્ટમાં કેસોનો ભરાવો થાય છે.
માલદાના બનાવ પર મમતા ભડક્યા
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની ગરમી વધી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરીથી એક વખત ચૂંટણી કમિશન પર મોટો હુમલો કર્યો છે. મુખ્યમંત્રીએ માલદા જિલ્લામાં એસઆઇઆર અભિયાનના કામમાં જોડાયેલા અધિકારીઓને કેટલાક પ્રદર્શન કરનારાઓએ ઘેર્યા હતા એ ઘટના બાબતે દુઃખ જાહેર કર્યુ છે. એમનો આરોપ છે કે, કમિશન પોતાના અધિકારીઓની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની બગડતી પરિસ્થિતિ માટે એમણે ચૂંટણી કમિશનને જવાબદાર ગણાવ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, માલદામાં ૭ ન્યાયીક અધિકારીઓને આંદોલનકારીઓએ કલાકો સુધી ઘેરી રાખ્યા હતા. આ અધિકારીઓને સુરક્ષા કર્મચારીઓએ ખૂબ મુશ્કેલી પછી બહાર કાઢયા હતા. આ લોકો મતદાર યાદીમાંથી નામ નિકળી જવા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા.
એઆઇએડીએમકે એ ભાજપ સાથે કરેલા ગઠબંધનની સ્ટાલીને ટીકા કરી
તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીનએ એઆઇએડીએમકેના પ્રમુખ પલાનીસ્વામીની ટીકા કરતા કહ્યું હતું કે, ડીએમકેએ ફક્ત અટલ બિહારી વાજપેયના સમયે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. આ ગઠબંધન છતા એમણે પોતાના પક્ષને નબળો પાડયો નહોતો. પલાનીસ્વામીએ એઆઇએડીએમકેને ભાજપ સમક્ષ ઝુકાવી દીધું છે અને રાજ્યના હીતો સાથે સમાધાન કર્યું છે. સ્ટાલીનના કહેવા પ્રમાણે ડીએમકેએ હંમેશા આત્મસન્માન સાથે કામ કર્યું છે અને રાજ્યના વિકાસને પ્રાથમિકતા પણ આપી છે. કેન્દ્રની ભાજપ સરકાર તામિલનાડુ સાથે અન્યાય કરે છે. સ્ટાલીને પલાનીસ્વામીને 'સંઘી' પણ કહ્યા હતા. જોકે અકળાયેલા પલાનીસ્વામીએ સામે પ્રતિક્રિયા આપતા એવું કહ્યું હતું કે, જો એઆઇએડીએમકેના કાર્યકર્તાઓ જવાબ આપવાનું શરૂ કરશે તો ડીએમકેથી સહન થશે નહીં.
લિકર સ્કેમ બાબતે અરવિંદ કેજરીવાલને હાઇકોર્ટની નોટીસ
લિકર સ્કેમ મામલે અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા તેમ જ બીજી ૨૧ વ્યક્તિઓને નીચલી કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે ત્યાર પછી ઇડીએ આ ચૂકાદાને હાઇકોર્ટમાં ચેલેન્જ કર્યો હતો. હવે હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલને નોટીસ મોકલી છે. લિકર સ્કેમ બાબતે ઇડીએ કેજરીવાલને સમન્સ મોકલ્યું હોવા છતાં તેઓ એજન્સી સમક્ષ હાજર થયા નહોતા. નીચલી કોર્ટે એમને આ મામલે નિર્દોષ છોડવાથી ઇડીએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જસ્ટીસ સ્વર્ણકાંતા શર્માએ નીચલી કોર્ટના હુકમ વિરુદ્ધ ઇડીએ દાખલ કરેલી અરજીની સુનાવણી ૨૯ એપ્રિલે રાખી છે. કોર્ટે કહ્યું હતું કે, 'પ્રતિવાદીને અગાઉથી સૂચના મળ્યા છતાં એમણે હાજર નહીં રહેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.' ઇડીનું કહેવું છે કે કેજરીવાલે જાણી જોઈને સમન્સનો અમલ કર્યો નહોતો અને તપાસમાં સહકાર આપ્યો નહોતો.


