Get The App

સરકાર તરત વસ્તી ગણતરી અને જ્ઞાાતિઓનો સર્વે કરાવે : ખડગે

Updated: Apr 4th, 2025

GS TEAM

Google News
Google News
સરકાર તરત વસ્તી ગણતરી અને જ્ઞાાતિઓનો સર્વે કરાવે : ખડગે 1 - image

નવીદિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ માગણી કરી છે કે, સરકાર ઝડપથી વસ્તી ગણતરી અને જ્ઞાાતિઓનો સર્વે કરાવવાનું શરૂ કરે. વસ્તી ગણતરીમાં થઈ રહેલા વિલંબને કારણે મોટી સંખ્યામાં લોકો જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ શકતા નથી. ૧૮૮૧ પછી દર ૧૦ વર્ષે વસ્તી ગણતરી થાય છે. યુદ્ધ અને અન્ય સંકટો દરમિયાન પણ વસ્તી ગણતરીનું કામ અટક્યું નથી. ૧૯૩૧ની વસ્તી ગણતરી પહેલા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, જે રીતે આપણી તબિયતની સુખાકારી જાણવા માટે મેડીકલ ચેકઅપની જરૂર હોય છે એ જ રીતે દેશ માટે વસ્તી ગણતરી જરૂરી છે. ૧૯૩૧માં વસ્તી ગણતરી સાથે જ જ્ઞાાતિઓનો સર્વે પણ થયો હતો.

આદિવાસીઓના અધિકારોની રક્ષા કરવામાં મોદી સરકાર નિષ્ફળ : રાહુલ 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જંગલ અધિકાર કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલે કહ્યું છે કે, મોદી સરકાર આદિવાસીઓના અધિકારની રક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. રાહુલે સરકારને કહ્યું છે કે સુપ્રિમ કોર્ટમાં જંગલ અધિકાર કાયદાનો બચાવ કરવા માટે ઝડપથી કામ કરે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, મોદી સરકાર એફઆરએ કાયદાને અવગણી રહી છે. સરકારની અવગણનાને કારણે લાખો આદિવાસી કુટુંબો પોતાની પારીવારીક જમીનો ગુમાવી રહ્યા છે. કોંગ્રેસની સરકારે આદિવાસીઓના જળ, જંગલ અને જમીન સુરક્ષીત રહે એ માટે ૨૦૦૬માં કાયદો બનાવ્યો હતો. હવે કેન્દ્ર સરકારની નિષ્ક્રીયતાને કારણે લાખો આદિવાસીઓ હેરાન થઈ રહ્યા છે.

લઘુમતિ સ્કૂલોમાં શિક્ષકોની ભરતી મુદ્દે સુપ્રીમે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ કાયદો ૨૦૨૧માં થયેલા ફેરફારને ચેલેન્જ કરતી અરજીની તપાસ કરવાનો સુપ્રિમ કોર્ટે સ્વિકાર કર્યો છે. આ ફેરફારને કારણે રાજ્યને લઘુમતિ સ્કૂલોમાં શિક્ષકો અને આચાર્યોની ભરતીના નિયમ બનાવવાની પરવાનગી મળી ગઈ હતી. આ અરજીની સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ સુર્યકાંત અને ન્યાયમૂર્તિ એન કોટેશ્વરસિંહની બેન્ચે રાજ્ય સરકારને નોટીસ મોકલી છે. જોકે સુપ્રિમ કોર્ટે આ ફેરફાર પર સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો છે. બેન્ચનું કહેવું છે કે, બીજા પક્ષને સાંભળ્યા વગર સ્ટે આપવો યોગ્ય નથી. અરજી કરનાર સેન્ટઝેવિયર્સ હાઇસ્કૂલના વકીલની દલીલ હતી કે, રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી માટે ન્યૂનતમ લાયકાત અને યોગ્યતા નક્કી કરી શકે છે, પરંતુ શિક્ષકો અને આચાર્યોની નિમણૂક નિયંત્રીત કરી શકતી નથી.

સોલર એનર્જીનો  વિરોધ કરનાર એનજીઓને સુપ્રીમ કોર્ટની ફટકાર

દેશમાં કેટલીક એનજીઓની કામગીરીને કારણે અગત્યના પ્રોજેક્ટ પર વિપરીત અસર થાય છે. મહારાષ્ટ્રના જાયકવાડી બંધ પર બની રહેલા સોલર એનર્જી પ્લાન્ટનો વિરોધ કરનાર એનજીઓની સુપ્રિમ કોર્ટે કડક ટીકા કરી છે. સુપ્રિમ કોર્ટનું કહેવું છે કે આ રીતે જો દરેક યોજનાનો વિરોધ કરવામાં આવશે તો દેશ પ્રગતી કઈ રીતે કરી શકશે. જાયકવાડી બંધને પક્ષી અભિયારણ્ય અને પર્યાવરણ માટે સંવેદનશીલ ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે. જસ્ટીસ સુર્યકાંત અને એન કોટીશ્વરસિંહની બેન્ચે એનજીઓ કહાર સમાજ પંચ સમિતિની પ્રમાણીકતા પર પણ પ્રશ્નો કર્યા છે. કોર્ટે પૂછયું છે કે, તમને આ કામ માટે કોણે રોક્યા છે? કોણે પૈસા આપ્યા છે? પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે તમને કેટલો અનુભવ છે? બેન્ચે એનજીઓની અરજી ફગાવી દીધી છે.

મસ્જિદોના ખોદકામ બાબતે સંઘના નેતા હોસબોલેની નારાજગી

થોડા દિવસો પહેલા આરએસએસના વરિષ્ઠ નેતા ભૈયાજી જોશીએ ઔરંગજેબની કબર બાબતે વિરોધ બંધ કરવાની વાત કરી હતી. હવે આરએસએસના બીજા વરિષ્ઠ નેતા દત્તાત્રેય હોસબોલેએ મસ્જિદોના થઈ રહેલા ખોદકામને બીનજરૂરી ગણાવ્યા છે. આરએસએસના બંને નેતાઓના નિવેદનથી હિન્દુવાદીઓને આંચકો લાગ્યો છે. હોસબોલેએ કહ્યું હતું કે ભૂતકાળને શોધવાની મમતને કારણે અન્ય સામાજીક ફેરફાર ઉપર ધ્યાન આપી શકાતું નથી. ખરેખર તો અસ્પૃષ્ટતાને સમાપ્ત કરવાનું કામ કરવું જોઈએ. યુવાનોમાં નવા સંસ્કારનું સિંચન કરીને સંસ્કૃતિ અને ભાષા વિશે વિચારવું જોઈએ. આરએસએસના કેટલાક નેતાઓના બેવડા ધોરણને કારણે સામાન્ય કાર્યકર દ્વિધા અનુભવિ રહ્યો છે.

દિલ્હીમાં ભાજપ અને આપ વચ્ચે ધમસાણ

દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે પાછુ ધમસાણ ચાલુ થઈ ગયું છે. ભાજપ વિધાનસભામાં કેગનો સંપૂર્ણ રીપોર્ટ રજુ કરીને કેજરીવાલને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ રહી છે. આપની સરકાર વખતે થયેલા ગોટાળાની જાણકારી કેગના રીપોર્ટમાં હોવાનો દાવો થઈ રહ્યો છે. એમ મનાય છે કે, કેગનો રીપોર્ટ વિધાનસભામાં મૂક્યા પછી કેજરીવાલ અને એમના કેટલાક સાથીઓની ફરીથી ધરપકડ કરવામાં આવશે. આપના નેતાઓ જોકે કહી રહ્યા છે કે, દિલ્હીની ભાજપ સરકાર નિષ્ફળતા પરથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે કેગના રીપોર્ટનું બહાનું આગળ કરી રહી છે. દિલ્હીમાં વીજળી ઉપરાંત પાણીની સમસ્યા પણ વધી રહી છે અને લોકો થોડા મહિનામાં જ ભાજપ સરકારથી ત્રાસી ગયા છે.

કામરા વિવાદ બાબતે મુંબઈ પોલીસ હાસ્યાસ્પદ બની

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે માટે અયોગ્ય ટીપ્પણી કરવા બદલ મહારાષ્ટ્ર પોલીસે કુણાલ કામરાને ત્રીજી વખત સમન્સ મોકલ્યું છે. પાંચમી એપ્રિલે કામરાને ખાર પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા કહેવાયું છે. સ્ટેન્ડઅપ કોમેડિયન કામરા મુંબઈ પોલીસને ગાંઠતો નથી. અગાઉ કામરાની તપાસ માટે મુંબઈ પોલીસ એના માહિમ ખાતેના નિવાસસ્થાને ગઈ હતી ત્યારે વિલા મોઢે પરત ફરવું પડયું હતું. કામરા તામિલનાડુ હોવાનું કહેવાય છે. મુંબઈ પોલીસ માહિમના નિવાસસ્થાને જ્યારે ગઈ હતી ત્યારે કામરાએ પોલીસની મજાક ઉડાવીને કહ્યું હતું કે એ ઘર એણે ૧૦ વર્ષ પહેલા છોડી દીધું છે તો સમયનો બગાડ શું કામ કરો છો.

રાણા સાંગાના વિવાદ પછી અખિલેશ એક્શનમાં, નેતાઓને તાકીદ

રાણા સાંગા અંગે નિવેદન કરીને બરાબર ફસાયેલા સપા સાંસદ રામજીલાલ સુમન સામે યુપીમાં દેખાવો થયા હતા. ઘણાં ક્ષત્રિય સંગઠનોએ એકઠા થઈને તેમની સામે મોરચો માંડયો છે. અગાઉ પણ સપાના નેતાઓ આવા નિવેદનો આપીને વિવાદ સર્જી ચૂક્યા છે. રાણા સાંગાના મુદ્દે સંસદગૃહમાં પણ વિવાદ થયો હતો. એ પછી અખિલેશ યાદવ એક્શનમાં આવ્યા હતા. તેમણે સપાના સૌ સાંસદો સાથે ખાસ બેઠક કરી હતી અને આડેધડ નિવેદનો ન આપવાની તાકીદ કરી હતી. જોકે, એમાંથી ઘણાં નેતાઓ અખિલેશને ગાંઠતા નથી એવીય ચર્ચા દિલ્હીમાં થતી હતી. ગપસપ થતી હતી કે ઉંમરમાં અખિલેશથી મોટા અને મુલાયમ સિંહ સાથે કામ કરનારા સાંસદો હજુ અખિલેશને ગંભીરતાથી લેતા નથી.

સામનામાં મોદીની ૭૫ વર્ષની વયનો ટોણો, નિવૃત્તિનો સવાલ

ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના મુખપત્ર સામનામાં મોદીની ઉંમરને લઈને સવાલો કરવામાં આવ્યા હતા. સામનામાં ભાજપે ૭૫ વર્ષે નિવૃત્ત કરેલા નેતાઓના ઉદાહરણો આપવામાં આવ્યા. ખાસ તો એલ. કે અડવાણી, મુરલી મનોહર જોશી સહિતના દિગ્ગજ નેતાઓને ૭૫ વર્ષે ધરાર નિવૃત્ત કરી દેવાયા તે યાદ અપાવીને ભાજપ હાઈકમાન્ડ તેમ જ સંઘને પૂછવામાં આવ્યું કે શું મોદી પણ ૭૫ વર્ષની વય વટાવી ચૂક્યા છે. સપ્ટેમ્બરમાં ૭૬મું બેસશે, તો તેમને નિવૃત્ત કરી દેવાશે? શિવસેનાના મુખપત્રમાં તો એવો દાવો થયો કે એક સમયે મોદીએ કહેલું કે પાર્ટીનો નિયમ એટલે નિયમ, બધાને આ નિયમ લાગુ પડે છે. તો હવે શું એ પોતાના માટે એ નિયમ લાગુ પાડશે?

રાજસ્થાનમાં કિરોડીલાલ મીણાએ ફરીથી ઓફિસ જવાનું શરૂ કર્યું

રાજસ્થાનના કેબિનેટ મંત્રી કિરોડીલાલ મીણા છેલ્લાં ૧૦ મહિનાથી નિવેદનો આપીને પોતાની સરકારને જ ઘેરતા હતા. તેમણે ૧૦ મહિના પહેલાં રાજીનામું આપી દીધું હતું, પરંતુ તેમનું રાજીનામું સ્વીકારાયું ન હતું. તેઓ ત્યાં સુધી કહેતા હતા કે હવે તેમનું મંત્રીપદ ચાલુ છે કે નહીં એ ખબર નથી. વારંવાર સરકારની ટીકા કરતા અને ખાસ તો સીએમ ભજનલાલ શર્મા સામે બાંયો ચડાવનારા કિરોડીલાલે આખરે ઓફિસ જવાનું શરૂ કરી દીધું છે. પાર્ટી તરફ તેમનું વલણ નરમ પડયું છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે હું પાર્ટીથી નારાજ ન હતો. તેમનો આ યુટર્ન સમર્થકોને પણ સમજાયો નહીં. જોકે, પાર્ટીથી વાંધો ન હતો, પરંતુ સીએમથી વાંધો હતો એવું તેમણે ઈશારામાં કહ્યું ખરું, તેમણે એવું કહેવાનું બંધ કર્યું નથી કે મને હરાવવા માટે પ્રયાસો થયા પરંતુ કોઈ તાકાત મને હરાવી શકી નહીં. ઘણાં તો એવુંય કહે છે કે બસનગૌડા સામે કાર્યવાહી થઈ પછી એમાંથી ધડો લઈને કિરોડીલાલે હાલ પૂરતી તલવાર મ્યાન કરી દીધી છે.

ઉત્તરાખંડ ભાજપમાં ભડકો : ધામી અને રાવતના સમર્થકો સામસામે

ભાજપમાં કેટલાય રાજ્યોના યુનિટમાં આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. ખાસ તો લોકસભાની ચૂંટણી પછી બેઠકો ઘટી ત્યારથી જાણે હાઈકમાન્ડની ધાક પણ ઘટી ગઈ હોય એમ સિનિયર નેતાઓ બેફામ નિવેદનો આપી રહ્યા છે. એમાં લેટેસ્ટ ઉમેરો થયો છે ઉત્તરાખંડના પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતનો. રાવતે લોકસભામાં એવો મુદ્દો ઉઠાવ્યો કે રાજ્યમાં ગેરકાયદે ખનન થાય છે. એવું કહીને તેમણે રાજ્યની ભાજપની જ સરકાર અને સીએમ પુષ્કર સિંહ ધામી સામે મોરચો ખોલ્યો હતો. રાજ્ય સરકારના અધિકારીઓએ ભાજપના જ સાંસદની વાતને કાપીને બચાવ કર્યો કે આ માહિતી ભૂલભરેલી છે. આ નિવેદનબાજી પછી પુષ્કર સિંહ ધામી અને ત્રિવેન્દ્ર સિંહ રાવતના સમર્થકો સોશિયલ મીડિયામાં બાખડી રહ્યા છે. રાજ્ય ભાજપના સંગઠનમાં બંનેના સમર્થકો પણ આ ઘટનાથી મુંઝવણમાં મુકાઈ ગયા છે.

- ઈન્દર સાહની