Get The App

દિલ્હીની વાત : મહિલાઓને સન્યાસ લેવા કેમ ઉશ્કેરો છો : સદ્ગુરુને હાઈકોર્ટનો સવાલ

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : મહિલાઓને સન્યાસ લેવા કેમ ઉશ્કેરો છો : સદ્ગુરુને હાઈકોર્ટનો સવાલ 1 - image


નવીદિલ્હી : મદ્રાસ હાઇકોર્ટે અધ્યાત્મિક ગુરુ સદગુરૂ જગ્ગી વાસુદેવને સવાલ કર્યો છે. કે તમે તમારી પુત્રીના તો લગ્ન કરાવી દીધા છે, તો પછી બીજી યુવતીઓને મૂંડન કરી સંસારીક જીવન ત્યજી દેવાની સલાહ શા માટે આપો છો? એક નિવુત્ત પ્રોફેસરે સદગુરૂ પર આરોપ મુક્યો હતો કે એમની બે શીક્ષિત પુત્રીઓનું બ્રેઇનવોશ કરીને એમને ઇશાયોગ કેન્દ્રમાં જબરજસ્તીથી રાખવામાં આવી છે. તમિલનાડુ કૃષિ વિદ્યાલયના પ્રોફેસર એસ. કામરાજે એમની બંને પુત્રીઓને કોર્ટ સમક્ષ રજુ કરવાની માંગ પણ કરી છે. આ કેસની સુનાવણી કરી રહેલા મદ્રાસ હાઇકોર્ટના ન્યાયમુર્તિ એસ એમ સુબ્રમણ્યમ અને વી. શિવગનમએ ઇશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરૂ પાસે જવાબ માંગીને આખા કિસ્સાની તપાસનો હુકમ કર્યો છે.

બંગાળમાં જુનિયર ડોક્ટર્સ અને મમતા સરકાર વચ્ચે ફરી તણાવ

પશ્ચિમ બંગાળના જુનિયર ડોક્ટરોએ ૪૨ દિવસ સુધી હડતાલ કર્યા પછી ૨૧ સપ્ટેમ્બરથી ફરીથી કામે લાગ્યા હતા. હવે આ જુનિયર ડોક્ટરો વધુ સુરક્ષાની માગણી કરીને ફરીથી હડતાલ પર ઉતરી ગયા છે. જોકે હડતાલ પૂરી થયા પછી પણ આ ડોક્ટરોએ ઓપીડી સેવા સંપૂર્ણપણે બંધ રાખી હતી. ફક્ત કટોકટીના કેસ માટે જ આ ડોક્ટરો કામ કરતા હતા. હવે આ ડોક્ટરોએ સરકાર પર દબાણ લાવવા ફરીથી કામ બંધ કરી દીધું છે. ડોક્ટરોનું કહેવું છે કે એમની સુરક્ષા બાબતે રાજ્ય સરકારે વચન આપ્યું હતું, પરંતુ હજી પણ એમને યોગ્ય સુરક્ષા મળી નથી. ડોક્ટરોના કહેવા પ્રમાણે એમના પર હજી પણ હુમલા થઈ રહ્યા છે અને જ્યાં સુધી એમને સુરક્ષા આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કામ કરશે નહીં.

ગડકરીનું મહારાષ્ટ્ર સરકારની લાડલીબહન યોજના પર નિશાન

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મહારાષ્ટ્ર સરકારની લાડલીબહન યોજના વિશે ચિંતા વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રમાં ભાજપ સત્તામાં ભાગીદાર હોવા છતાં નિતિન ગડકરીએ ફરીથી બેધડક પોતાની જ સરકારની ટીકા કરી છે. ગડકરીનું કહેવું છે કે, લાડલીબહન યોજના પાછળ જે ખર્ચ થશે એને કારણે સરકારની બીજી યોજનાઓની સબસીડી આપવી મુશ્કેલ થશે. ગડકરીએ પોતાની જ સરકારને 'વિષ  કન્યા'ની ઉપમા આપી. નીતિન ગડકરી પોતાના મતવિસ્તાર નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. ગડકરીએ ચિંતા વ્યક્ત કરી કે, રાજ્યમાં જેમણે રોકાણ કર્યું છે એમને સરકાર કઈ રીતે સબસીડીના પૈસા આપશે? સરકારના મોટા ભાગના પૈસા લાડલીબહન યોજનામાં જ ખર્ચાઇ જવાના છે.

સુપ્રીમ કોર્ટે નીતિશકુમારની સરકારને ઠપકો આપ્યો

પટણા હાઇકોર્ટના ન્યાયાધિશ રૂદ્રપ્રકાશ મિશ્રાના પગાર બાબતે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સુપ્રિમ કોર્ટે બિહારની નીતિશકુમાર સરકારને ઠપકો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે સરકારને કહ્યું છે કે, હાઇકોર્ટના ન્યાયાધીશ રૂદ્રપ્રકાશ મિશ્રાને એમનો બાકીનો પગાર અને એમને મળતા ભથ્થાઓ તાત્કાલીક ચૂકવી આપવામાં આવે. મહિનાઓ સુધી ન્યાયાધિશને પગાર નહીં આપવાની વાત ખૂબ ગંભીર ગણીને સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ડી વાય ચંદ્રચુડની ખંડપીઠે કહ્યું હતું કે, કોઈપણ ન્યાયાધિશ વગર પગારે કામ કરે એવી અપેક્ષા સરકારે રાખવી જોઈએ નહીં.

રાહુલનું વિપક્ષના નેતા બનવું તમામ માટે આશીર્વાદ રૂપ : જયરામ રમેશ

કોંગ્રેસના નેતા જયરામ રમેશનું કહેવું છે કે, લોકશાહી દેશમાં વિરોધપક્ષના નેતાની ગણના શેડો પ્રધાનમંત્રી તરીકે થાય છે. જયરામ રમેશના કહેવા પ્રમાણે રાહુલ ગાંધીએ વિરોધપક્ષના નેતા તરીકે લોકસભામાં યોગ્ય ભૂમિકા ભજવી છે. રાહુલ ગાંધીએ લોકસભામાં દેશના સમાન્ય લોકોના પ્રશ્નોની ચર્ચા કરી છે. રાહુલ ગાંધીને તેઓ ભવિષ્યના પ્રધાનમંત્રી તરીકે જોઈ રહ્યા છે કે કેમ એ પ્રશ્નના ઉત્તરમાં જયરામ રમેશે કહ્યું હતું કે, હમણા તો અમે બધા પક્ષો સંગઠીત થઈને કામ કરી રહ્યા છે. અમે લાંબુ વિચારતા નથી. આજે તો રાહુલ ગાંધી તમામ નિર્ણયો લઈ રહ્યા છે. કોંગ્રેસ પક્ષ પણ વિપક્ષો વતી એજન્ડા નક્કી કરે છે. રાહુલ ગાંધીમાં વડાપ્રધાન બનવાના તમામ ગુણ છે.

દિલ્હીને 'ખાડા મુક્ત' કરવાનો સંકલ્પ અમે લીધો છે : સિસોદિયા

આજ કાલ મનિષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ દિલ્હી સરકારના લોકોને લઈને આખા દિલ્હીના રસ્તાઓ રીપેર કરવા નિકળ્યા છે. ફક્ત સિનિયર નેતાઓ નહીં દરેક ધારાસભ્યોને પણ દિલ્હીના રસ્તાઓનું નિરીક્ષણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. દિલ્હીના કેટલાક રસ્તાઓ પાઇપલાઇન નાખ્યા પછી રીપેર કરવામાં આવ્યા નથી. જે રસ્તાઓ જુના થઈ ગયા છે એમને ફરીથી નવા બનાવવામાં આવી રહ્યા છે. ભાજપએ દિલ્હીના લોકોને હેરાન કરવા માટે જાણી જોઈને રસ્તાઓ ખોદી નાંખ્યા છે. ભાજપની ઇચ્છા હતી કે કેજરીવાલ લાંબો સમય જેલમાં રહે અને દિલ્હીનો વિકાસ અટકી જાય.

મોદીએ નેતાન્યાહૂને ફોન કર્યો તેનું વૈશ્વિક રાજકારણની રીતે શું મહત્ત્વ

ઈઝરાયલે હિઝબુલ્લાહના વડાને ઠાર કર્યાની ઘટનાએ દુનિયાના રાજકારણમાં બે ધરી જેવી સ્થિતિ સર્જી દીધી છે. અમેરિકા-બ્રિટન સહિતના નાટોના સભ્ય દેશો ઈઝરાયલનું ખુલ્લું કે આડકતરું સમર્થન કરી રહ્યા છે. રશિયા-ચીને ઈરાનને ખુલ્લું સમર્થન આપીને ઈઝરાયલની ટીકા કરી છે. મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઈસીએ ઈઝરાયલને ધમકી આપી છે. બરાબર એ સમયે મોદીએ ઈઝરાયલના પીએમ નેતાન્યાહૂ સાથે ટેલિફોનિક વાતચીત કરીને કહ્યું કે આતંકવાદ માટે આ દુનિયામાં કોઈ જગ્યા નથી. મોદીએ ભલે કોઈ સંગઠન, દેશ કે ઘટનાનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ નેતાન્યાહૂ સાથે આતંકવાદ મુદ્દે વાત કરે તેનો સ્પષ્ટ મેસેજ એ જાય છે કે ભારત અત્યારે ઈઝરાયલને સમર્થન આપે છે. ભારતે આ ગુ્રપીઝમથી બચવાની જરૂર હતી. બિનજોડાણવાદની ભારતની વર્ષો જૂની વિદેશનીતિ જ આજેય ભારત માટે ફાયદાકારક છે.

રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો જાળવી રાખવા બીએસપીની મથામણ

હરિયાણાની ચૂંટણી માયાવતીની પાર્ટી બીએસપી માટે બહુ જ મહત્ત્વની બની રહેવાની છે. બીએસપીનો જનાધાર સતત ઘટતો જાય છે, પરિણામે એનું રાષ્ટ્રીય પાર્ટીનું ટેગ જોખમમાં છે. જો હરિયાણામાં જનાધાર ધારણા પ્રમાણે નહીં મળે તો બીએસપી પ્રાદેશિક પાર્ટી બની જશે. હરિયાણામાં બીએસપીએ સોશિયલ એન્જિનિયરિંગ એવું સેટ કરવાની કોશિશ આદરી છે કે જેમાં પાર્ટીનો દેખાવ સુધરે. બીએસપીએ સોશિયલ મીડિયામાં પહેલી વખત આટલી સક્રિયતા બતાવી છે, હરિયાણામાં સોશિયલ મીડિયામાં બીએસપીનો પ્રચાર થઈ રહ્યો છે. રાજ્યમાં બીએસપીએ ઓમ પ્રકાશ ચૌટાલાની પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. બંને પાર્ટી માટે આ ચૂંટણી જંગ અતિ અગત્યનો બની રહેવાનો છે.

કાશ્મીરમાં આચાર સંહિતાના ભંગ બદલ 23 કર્મચારીઓ સસ્પેન્ડ

જમ્મુ-કાશ્મીરમાં સરકારી કર્મચારીઓ પર આકરી કાર્યવાહી થઈ છે. ઘણાં રાજકીય નેતાઓએ કે અન્ય સામાજિક કાર્યકરોએ સરકારી કર્મચારીની કાર્ય પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા હતા. ઘણાં કર્મચારીઓ અમુક ચોક્કસ સ્થાનિક પોલિટિક્સને ધ્યાનમાં રાખીને કામ કરતા હોવાનું કહેવાતું હતું.  પરિણામે ચૂંટણીની ડયૂટીમાં બેદરકારી દાખવવા બદલ ૨૩ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. ૨૦ કર્મચારીઓ પર કોઈ પાર્ટીની તરફેણમાં નિર્ણય લીધા હોવાનો આરોપ લાગ્યો હતો. એ કર્મચારીઓને તાત્કાલિક અન્ય જિલ્લાઓમાં ઈલેક્શન ડયૂટી સોંપી દેવાઈ હતી.

- ઈન્દર સાહની


Google NewsGoogle News