Get The App

દિલ્હીની વાત : 'સીએમ માન દારૂ પીને વિધાનસભામાં આવ્યા'

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : 'સીએમ માન દારૂ પીને વિધાનસભામાં આવ્યા' 1 - image

નવીદિલ્હી : રાઘવ ચઢ્ઢા સહિત સાત આમ આદમી પાર્ટીના સાંસદો ભાજપમાં જોડાયા પછી પંજાબના રાજકારણમાં ગરમી આવી છે. આ ઘટના પછી આમ આદમી પાર્ટી અને વિરોધ પક્ષો વચ્ચે આરોપ-પ્રતીઆરોપ થઈ રહ્યા છે. વિવાદ વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું છે. હવે આ ખાસ સત્રમાં રાજકીય શક્તિ પુરવાર કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે. ભગવંત માનએ સ્પષ્ટ કહ્યું છે કે એમની સરકાર પાસે સંપૂર્ણ બહુમતિ છે અને કોઈપણ ક્ષણે તેઓ સાબિત કરવા તૈયાર છે. પંજાબ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પ્રતાપસિંહ બાજવાએ ચાલુ સત્રએ એલ્કોમીટર અને ડોપટેસ્ટીંગની માંગણી કરી હતી. એમના કહેવા પ્રમાણે જો મુખ્યમંત્રી દારૂ પીને વિધાનસભામાં આવ્યા હોય તો એનો કોઈ અર્થ નથી. અમારી માંગણી છે કે બધાની તપાસ કરવામાં આવે.

મત ગણતરી પહેલા બંગાળમાં રાજકીય તણાવ

કોલકત્તામાં ઇવીએમ સ્ટ્રોંગરૂમ ખોલવા બાબતે તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ગરમાગરમી થઈ ગઈ હતી. તૃણમુલ કોંગ્રેસે ઇવીએમ સાથે છેડછાડ કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનરે સ્ટ્રોંગરૂમમાં ઇવીએમ અને પોસ્ટલ બેલેટ સાથે છેડછાડ થયાના આરોપ નકાર્યા હતા. ત્યાર પછી મમતા બેનર્જીએ એક વીડિયો બનાવ્યો હતો જેમાં એમણે શંકા વ્યક્ત કરી હતી કે ઇવીએમ સાથે છેડછાડ થઈ શકે છે એટલે તૃણમુલના તમામ કાર્યકરોએ સ્ટ્રોંગરૂમ બહાર પહોંચીને નજર રાખવી જોઈએ. કોલકત્તા સ્ટ્રોંગરૂમના વિવાદ પર ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ મમતાને વળતો જવાબ આપ્યો છે. અધિકારીએ કહ્યું છે કે, મમતા બેનર્જીને જ્યારે હારનો ડર સતાવે છે ત્યારે હંમેશા ઇવીએમની ગરબડનો આક્ષેપ કરે છે. છેલ્લા ૧૫ વર્ષોથી મમતા ઇવીએમનો વાંક કાઢે છે.

જામીયાના કુલપતિનું વિવાદીત નિવેદન

જામીયા મીલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના કુલપતિ મઝહર આસીફના એક નિવેદન પછી વિવાદ થયો છે. આરએસએસની સ્થાપનાને પુરા થયેલા ૧૦૦ વર્ષ સંદર્ભે યુનિવર્સિટીમાં એક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમના વીડિયોમાં કુલપતિ એમ કહી રહ્યા છે કે, પરંપરા અને સંસ્કૃતિમાં તફાવત છતા આપણે સૌ ભારતીઓ છીએ કારણ કે આપણા દરેકમાં મહાદેવના ડીએનએ છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા પછી યુનિવર્સિટીના કેટલાક કટ્ટરવાદી સંગઠનોએ કુલપતિની ટીપ્પણીનો વિરોધ કર્યો હતો. એમનું માનવું હતું કે યુનિવર્સિટીનું ભગવાકરણ થઈ રહ્યું છે. જામીયાની સ્ટુડન્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઇ)એ આ નિવેદનનો વિરોધ કરીને એને અવૈજ્ઞાાનિક ગણાવ્યું છે. બીજી તરફ કુલપતિનો બચાવ કરનારાઓનું કહેવું છે કે કુલપતિએ ખોટી વાત નથી કરી કારણ કે, મહાદેવનું ડીએનએ હોવું એ ગૌરવની વાત છે.

કલકત્તા હાઇકોર્ટે તૃણમૂલની અરજી ફગાવી

બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી માટે ફક્ત કેન્દ્રીય કર્મચારીઓને જ પસંદ કરવામાં આવ્યા છે. તૃણમુલ કોંગ્રેસે આ બાબતે કલકત્તા હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને વાંધો લીધો હતો. કેસની સુનાવણી જસ્ટીસ કૃષ્ણારાવ કરી રહ્યા હતા. કૃષ્ણારાવે ચુકાદો આપ્યો છે કે ચૂંટણી કમિશનનો નિર્ણય યોગ્ય છે. સુનાવણી વખતે અરજી કરનારના વકીલ તથા ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ દાવો કર્યો હતો કે, બીજા રાજ્યોમાં મત ગણતરી વખતે આ પ્રકારની નિમણુકો થતી નથી. ચૂંટણી કમિશનને આ પ્રકારની નિમણૂક કરવાની કોઈ સત્તા નથી. બેનર્જીએ કહ્યું હતું કે સરકારી કર્મચારીઓને મતદાન ડયુટી માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનરે એક આદેશમાં કહ્યું હતું કે મતગણના વખતે અલગ અધિકારીઓ હાજર રહેશે. સામે દલીલમાં ચૂંટણી કમિશને કહ્યું હતું કે ચૂંટણી કમિશનના તમામ નિર્ણય કાયદાની મર્યાદામાં હોય છે. અહીં અરજી કરનારનો ઉદ્દેશ મતગણતરી પાછળ ઠેલવવાનો છે.

પંજાબમાં પન્નુના કાવતરાનો પર્દાફાશ

શીખ ફોર જસ્ટીસ (એસએફજે)ની ચઢામણીથી પંજાબના મોગા ડીસી ઓફિસ પર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવવા બાબતે નેશનલ ઇનવેસ્ટીગેટીવ એજન્સી (એનઆઇએ)ની મોહાલી સ્થિત કોર્ટે આરોપીઓને પાંચ વર્ષની કડક જેલની સજા કરી છે. એસએફજેના પ્રવક્તા અને જાણીતા આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ ખાલિસ્તાનનો ઝંડો ફરકાવવા માટે ઉશ્કેરણી કરી હતી. મોગા ખાતે રહેતા ઇન્દરજિત સિંહ અને જસપાલ સિંહને આઇપીસી, યુએ (પી) કાયદા અને રાષ્ટ્રીય સન્માનનું અપમાન કરવાની કલમો હેઠળ આ સજા ફરમાવી છે. બે આરોપી અમેરિકા ભાગી ગયા છે. ભાગી ગયેલા આરોપીઓને કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે. પન્નુ અમેરિકા બેઠો બેઠો ખાલિસ્તાનીઓને ભડકાવે છે. તપાસમાં વાત બહાર આવી હતી કે હરપ્રિતે ઇન્દરજિત અને જસપાલને આ કામ કરવા પૈસા આપ્યા હતા.

તામિલનાડુમાં વિજયનું બ્લોકબસ્ટર ડેબ્યુ?

અભિનેતામાંથી નેતા બનેલા વિજયના પક્ષ તમિલગા વેતરી કઝગમ (ટીવીકે) તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરી શકે છે. વિવિધ એક્ઝિટ પોલ પ્રમાણે ટીવીકેને મળનાર મતની ટકાવારી ડીએમકે જેટલી જ હશે. ડીએમકેના ગઠબંધનને ૯૨થી ૧૦૦ બેઠકો જ્યારે ટીવીકેને ૯૮થી ૧૨૦ બેઠકો મળી શકે એમ છે. વિજયને અટકાવવા માટે મુખ્યમંત્રી સ્ટાલીને ઘણા કાવતરા કર્યા હતા. જોકે તામિલનાડુની પરંપરા પ્રમાણે ફિલ્મોમાં વિજયની લોકપ્રિયતાનો લાભ એને રાજકારણમાં પણ મળ્યો છે. સરવેમાં ૩૭ ટકા લોકોએ વિજયને ટેકો આપ્યો છે. વિજયની લોકપ્રિયતા સ્ટાલીન કરતા વધુ જોવા મળી છે. જોકે કેટલાક એક્ઝિટ પોલમાં ટીવીકેનો દેખાવ સાધારણ હોવાનું બહાર આવ્યું છે. વિજયના પક્ષે ચૂંટણીમાં ભાગ લેતા તામિલનાડુ વિધાનસભાનો જંગ ત્રિપાંખ્યો થઈ ગયો હતો.

જિલ્લા બાર એસોસીએશનની હડતાળો બાબતે સુપ્રિમ કડક

સુપ્રિમ કોર્ટે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધનગરની એક જિલ્લા બાર એસોસીએશન દ્વારા વારંવાર કામકાજ ખોરવીને હડતાળ પાડવાના પ્રસ્તાવ બાબતે કડક ટીકા કરી છે. કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના ત્રણ જજોની કમિટીને આ બાબતે કાર્યવાહી કરવા હુકમ કર્યો છે. ચીફ જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્ય બાગચીની બેન્ચેને કહેવામાં આવ્યું હતું કે બાર એસોસીએશનના પદાધિકારીઓ ૪ મહિનામાં ૧૫ દિવસથી વધુ દિવસો હડતાળ પર રહ્યા હતા. અરજી કરનારનો આરોપ છે કે, સુપ્રિમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશ છતા ગૌતમ બુદ્ધનગરની ડિસ્ટ્રીક સિવિલ અને ક્રિમિનલ બાર એસોસીએશનના વકીલો વારંવાર હડતાળના પ્રસ્તાવ રજુ કરે છે. સુપ્રિમ કોર્ટનું કહેવું છે કે આ બાબતે હાઇકોર્ટની કમિટીએ તરત કાર્યવાહી કરવી જોઈતી હતી.