Get The App

દિલ્હીની વાત : કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટા ફેરફાર કર્યા

Updated: May 2nd, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટા ફેરફાર કર્યા 1 - image

નવીદિલ્હી : પહેલગામ હુમલા પછી જાગૃત થયેલી કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટા પાયે સાફસુફી કરી છે. રોના ભૂતપૂર્વ વડા આલોક જોશીની નિમણૂક બોર્ડના પ્રમુખ તરીકે કરવામાં આવી છે. બોર્ડમાં બીજા છ સભ્યની વરણી પણ થઈ છે. ભૂતપૂર્વ વાયુ કમાન્ડર એર માર્શલ પી એમ સિંહા, ભૂતપૂર્વ સેના કમાન્ડર લેફટનન્ટ જનરલ એકે સિંહ અને રીયર એડમિરલ મોન્ટી ખન્નાનો સમાવેશ પણ બોર્ડમાં કરવામાં આવ્યો છે. પહેલગામ હુમલા પછી નરેન્દ્ર મોદીના ઘરે બોલાવવામાં આવેલી સીસીએસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આલોક જોશી રોના વડા હતા ત્યારે એમની કામગીરી ઉત્તમ રહી હતી. ઇન્ટેલિજન્સ મામલે તેઓ નિષ્ણાત ગણાય છે. તેઓ જ્યારે રોમાં હતા ત્યારે એમણે કેટલાક અગત્યના ખાનગી ઓપરેશનોની આગેવાની લીધી હતી.

વિશેષ સત્ર બોલાવવાની કોંગ્રેસની માગમાં પવારનું સમર્થન

પહેલગામ આતંકવાદી હુમલા મુદ્દે સરકાર ઉચ્ચસ્તરીયે કેટલીક બેઠકો કરી રહી છે. વિપક્ષે જાહેર કર્યું છે કે તેઓ સરકારની સાથે છે. એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવારે પણ સરકારને ટેકો આપ્યો છે. પવારે કહ્યું છે કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમના સાથીઓ જે પગલાં લેશે એને અમારુ સમર્થન છે.' આ મામલે ધર્મ, જાતિ કે ભાષાને વચ્ચે લાવવા જોઈએ નહીં.' પહેલગામ મુદ્દે કોંગ્રેસે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગણી કરી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પત્ર લખીને પહેલગામ મુદ્દે ચર્ચા કરવા માટે સંસદનું સત્ર બોલાવવા માંગણી કરી છે. આ બાબતે શરદ પવારે કહ્યું છે કે, સંસદનું વિશેષસત્ર બોલાવવાની કોંગ્રેસની માંગણી સાથે હું સહમત છું.

બિહારમાં ભાજપના નેતાઓ આરજેડીમાં જોડાયા 

ભાજપ સહિત બીજા પક્ષોના કેટલાક મોટા નેતાઓ તેજસ્વી યાદવની હાજરીમાં આરજેડીમાં જોડાયા થયા છે. રંજના શાહુ, નરેન્દ્ર શાહુ, અરૂણ ગુપ્તા પોતાના સેંકડો કાર્યકર્તાઓ સાથે આરજેડીમાં જોડાયા છે. આરજેડીના પ્રવક્તા એઝાઝ અહમદના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય પ્રગતિ પાર્ટીના અમરકાંત શાહુ પોતાના સમર્થકો સાથે આરજેડીમાં જોડાયા છે. તેજસ્વી યાદવ વિધાનસભાની ચૂંટણીની તૈયારી જોરશોરથી કરી રહ્યા છે. તેજસ્વી યાદવ બિહારના વેપારીઓને મળ્યા હતા. એમણે વેપારીઓને વિનંતી કરી હતી કે તેઓ સરકાર બનાવવા માટે આરજેડીને સહકાર આપે. આરજેડી એમને ભયમુક્ત વાતાવરણ આપશે. ૧૭ મહિનાની મહાગઠબંધનની સરકાર દરમિયાન એમણે વેપારીઓને પ્રગતિ કરવાનો મોકો આપ્યો હતો જેને કારણે બિહારમાં ૫૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું.

'આર્મીને છૂટો દોર આપીને સરકાર જવાબદારીમાંથી છટકી રહી છે'

શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના બહુબોલકા સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. એમણે કહ્યું છે કે, સરકાર સેનાને છૂટ્ટો દોર આપવાની વાત કહીને પોતાની જવાબદારીમાંથી બચવાની કોશિષ કરી રહી છે. કાશ્મીરમાં આર્મીને ફ્રી હેન્ડ તો અગાઉથી આપવામાં આવ્યો જ છે આમ છતાં આતંકવાદી હુમલો થયો. આનો મતલબ એમ છે કે સેના પર બધુ છોડી દેવાથી તકલીફ ઓછી થવાની નથી. આર્મી પર બધુ છોડીને તમે જવાબદારીમાંથી છટકી શકો નહીં. રાઉતે ટોણો મારતા કહ્યું છે કે, 'પુલવામાં હુમલાને સાત વર્ષ થઈ ગયા છે. એ પછી ફક્ત ફિલ્મ બનાવવામાં આવી 'હાવ ઇઝ ધ જોશ' લોકો થિયેટરમાં આંસુ પાડી બહાર નીકળી ગયા.' રાઉતે કહ્યું કે 'યુ-ટયુબ ચેનલો બંધ કરવાથી બદલો લઈ શકાવાનો નથી. સરકાર ફક્ત નાટક કરી રહી છે.'

પાકિસ્તાનની સંસદમાં ખાલિસ્તાની એજન્ડા

પાકિસ્તાનની સંસદમાં ખાલિસ્તાની એજન્ડાની ચર્ચા થઈ હતી. પાકિસ્તાનમાં શિખોની સંખ્યા ખૂબ ઓછી છે અને એક માત્ર શિખ ગુરદીપસિંહ પાકિસ્તાનમાં સાંસદ છે. ગુરદીપસિંહને પખ્તુનખાથી સેનેટના સભ્ય બનાવવામાં આવ્યા છે. સંસદમાં જ્યારે પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા થતી હતી ત્યારે ગુરદીપસિંહે ખાલિસ્તાનીઓની ભાષામાં વાત કરી હતી. ગુરદીપસિંહે કહ્યું હતું કે, શિખો પાકિસ્તાનને સાથ આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. 'શિખ્સ ફોર જસ્ટીસ'ના કમાન્ડર ગુરુપતવંત સિંહ પન્નુએ પાકિસ્તાનને ટેકો આપવાની જાહેરાત કરી છે. આ જ વાત પાકિસ્તાનના શિખ સાંસદે પણ રીપીટ કરી છે. આ જ સૌથી મોટો પુરાવો છે કે પાકિસ્તાન ખાલિસ્તાનવાદીઓને મદદ કરી રહ્યું છે.

ક્રિકેટર કમ રાજકારણી નવજોતસિંહ સિદ્ધુ નવા અવતારમાં

લાંબા સમયથી રાજકારણથી દુર રહેલા કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિધ્ધુએ મીડિયાની હાજરીમાં પોતાની યુ-ટયુબ ચેનલ શરૂ કરી છે. ચેનલનું નામ એમણે નવજોત સિધ્ધુ ઓફિશિયલ રાખ્યું છે. એમને સવાલ કરવામાં આવ્યો કે શું તમે કોંગ્રેસમાં રહેશો? જવાબમાં સિધ્ધુએ કહ્યું હતું કે એમણે કોઈ સાબિતી આપવાની જરૂર નથી. જે વાતની સાબિતી આપવી પડે એનું મૂલ્ય હોતું નથી. સમય બતાવશે કે હું સક્રિય રાજકારણમાં રહુ છુ કે નહીં. છેલ્લી લોકસભાની ચૂટણીમાં સિધ્ધુએ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો નહોતો. સિધ્ધુ પક્ષના કોઈ કાર્યક્રમમાં પણ જતા નથી. સિધ્ધુના કહેવા પ્રમાણે એમની યુ-ટયુબ ચેનલમાં રાજકીય વાતો નહીં હોય. ક્રિકેટ, લાઇફ સ્ટાઇલ અને ધર્મ વિશે તેઓ વાત કરશે.

રાજા ભૈયા સામે ચૂંટણી લડનાર સપાના નેતા ગુલશન યાદવ તકલીફમાં

જનસત્તાદલ (લોકતાંત્રીક)ના પ્રમુખ રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફ રાજા ભૈયા સામે ૨૦૨૨માં કુડા વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડનારા સમાજવાદી પક્ષના નેતા ગુલશન યાદવ તકલીફમાં મૂકાઈ ગયા છે. પ્રતાપગઢના જિલ્લા કલેક્ટરે ગુલશન યાદવ સામે પગલા લીધા છે. ગેંગસ્ટર એક્ટ હેઠળ ગુલશન યાદવને ગેંગ લીડર જાહેર કરવામાં આવ્યા છે. સરકારે એમની ૭ કરોડ રૂપિયાથી વધુની મિલકત જપ્ત કરવાનો આદેશ કર્યો છે. ઉત્તર પ્રદેશના ગુંડા ધારા એક્ટ હેઠળ યાદવ સામે કાર્યવાહી થઈ છે. ગુલશન યાદવની લક્ઝરી મોટરો તેમ જ વિશાળ મકાનો જપ્ત કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી વખતે ગુલશન યાદવ અને રાજા ભૈયા વચ્ચે મોટી બબાલ થઈ હતી. ગુલશન યાદવ અખિલેશ યાદવના ખાસ માણસ ગણાય છે.

ભાખડા બાંધના પાણી મુદ્દે પંજાબ-હરિયાણા સામ-સામે

ભાખડા બાંધમાંથી પાણી છોડવાના મુદ્દે હરિયાણા અને પંજાબની સરકારો સામ-સામે થઈ ગઈ છે. પંજાબે જાહેરાત કરી કે તેમની પાસે પર્યાપ્ત પાણી નથી એટલે પાણી છોડવામાં આવશે નહીં. હરિયાણાની સરકાર કહે છે કે વોટર મેનેજમેન્ટ કમિટીએ તો ૮૫૦૦ કયૂસિક પાણી છોડવાની તૈયારી બતાવી છે, પરંતુ પંજાબ સરકાર અવરોધ ખડો કરે છે. હરિયાણાએ તો આ મુદ્દે વડાપ્રધાનને હસ્તક્ષેપ કરવાની માગણી પણ કરી છે.

ગુરુગ્રામ મેયરના 'એડવાઈઝર' પતિની નિમણૂક રદ્ થઈ

ગુરુગ્રામના મેયર રાજ રાની મલ્હોત્રાએ તેમના પતિની સલાહકાર તરીકે નિમણૂક કરી હતી. એ મુદ્દે વિપક્ષ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. મેયરના પતિ તિલકરાજ મલ્હોત્રા ગુરુગ્રામ ભાજપના જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા હતા. એડવાઈઝર બનીને પતિ પ્રોક્સી સત્તા સંભાળશે એવી ટીકા કોંગ્રેસે કરીને એ નિમણૂક રદ્ કરવાની માગણી ઉઠાવી હતી. આખરે સરકારે આ નિમણૂક રદ્ કરી છે. એમસીજી કમિશનર અશોક કુમાર ગર્ગે તાત્કાલિક આદેશથી આ નિમણૂક રદ્ જાહેર કરી હતી.

હુમલા પછી સરકાર અવઢવમાં જણાય છે : કોંગ્રેસનો કટાક્ષ

પહલગામ હુમલાના ૧૦-૧૦ દિવસ વીતી જવા છતાં કેન્દ્ર સરકારે કોઈ મજબૂત પગલાં ભર્યા નથી તે મુદ્દે હવે વિપક્ષે સરકારની ટીકા શરૂ કરી છે. કોંગ્રેસે કહ્યું હતું કે વિપક્ષોએ એકમત થઈને સરકારને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. હુમલા પછી આખો દેશ એક થયો છે અને વિપક્ષો પણ સર્વપક્ષીય બેઠકમાં સરકારને તુરંત કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી તેમ છતાં સરકારે કાર્યવાહી કરી નથી. એ પરથી લાગે છે કે સરકાર મુંઝવણમાં છે. ભાજપના નેતાઓ કોંગ્રેસની ટીકા કરે છે, પછી વળી પાકિસ્તાનની ટીકા કરે છે ને પછી આતંકવાદની ટીકા કરે છે. આ માત્ર ટીકા કરવાનો સમય નથી. એક્શન લેવાનો સમય છે એ કેન્દ્ર સરકારે સમજવાની જરૂર છે એવો કટાક્ષ કોંગ્રેસે કર્યો હતો.

બંગાળમાં ભાજપને બાહરી ગણાવીને સત્તાથી દૂર રાખવાનો વ્યૂહ

મમતા બેનર્જી સામે છેલ્લાં બે વર્ષથી એકથી વધુ પડકારો આવ્યા છે. આરજીકર હોસ્પિટલમાં ડોક્ટરનો રેપનો મુદ્દો ઠર્યો ત્યાં મુર્શિદાબાદની હિંસાનો મુદ્દો ઉઠયો. ભાજપ દરેક વખતે મમતા બેનર્જીને ઘેરવાની કોશિશ કરી જોઈ, પરંતુ મમતા બેનર્જી એક નહીં તો બીજી રીતે બચી જાય છે. મમતા બેનર્જીના નિવેદનોને પણ બંગાળ ભાજપ ટાર્ગેટ કરે છે, છતાં મમતા બેનર્જીએ લોકોમાં વિશ્વાસ જાળવી રાખ્યો છે. મમતા બેનર્જીએ ભાજપને બાહરી પાર્ટી ગણાવવાનું શરૂ કર્યું છે. ભાજપ આવશે તો જેમ બીજા રાજ્યોમાં કરે છે એમ ભાજપ-સંઘનું કલ્ચર ઘૂસાડશે અને બંગાળી અસ્મિતાને પડકાર ફેંકશે - એવો પ્રચાર મમતા બેનર્જી કરી રહ્યા છે. ભાજપ પાસે મમતા બેનર્જીને ટક્કર આપી શકે એવો સ્થાનિક મજબૂત ચહેરો નથી એટલે મમતા બેનર્જીની બંગાળી અસ્મિતાની વાતમાં બંગાળના લોકો ઘણે અંશે સહમત દેખાય છે. મમતા બેનર્જીએ ભાજપના હિન્દુત્વ સામે બંગાળી કલ્ચરને આગળ કર્યું છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપ-સપા વચ્ચે પોસ્ટર મુદ્દે રાજકારણ

લખનઉમાં સમાજવાદી પાર્ટીના હેડક્વાર્ટર પર એક મોટું પોસ્ટર લાગ્યું છે. ખૂબ દૂરથી જ એ પોસ્ટર ધ્યાન ખેંચે છે. એ પોસ્ટરમાં પાસપોર્ટ સાઈઝના ખૂબ બધા ફોટો છે. એ પછી થોડા મોટા કટઆઉટ્સ દેખાય છે. પરંતુ ધ્યાન ખેંચે છે ડૉ. બાબાસાહેબ આંબેડકરનો અડધો ફોટો અને એની સાથે અડધો ફોટો અખિલેશનો. સમાજવાદી પાર્ટીએ દાવો કર્યો છે કે રાજ્યમાં દલિતો માટે પાર્ટી લડત આપી રહી છે. માયાવતીનો પ્રભાવ ઘટયો છે એની તક ઝડપીને સમાજવાદી પાર્ટી રાજ્યની દલિત વોટબેંકને પોતાની તરફ કરવા માગે છે. આ પોસ્ટર પછી ભાજપે વિરોધ કર્યો હતો. ભાજપે કહ્યું કે બાબાસાહેબ સાથે અડધો ફોટો મૂકી દેવાથી એવું બની શકાતું નથી. અખિલેશ એના ચરણની રજ પણ નથી. ભાજપ કહે છે કે આવું કરવાથી દલિતોની લાગણી દુભાઈ છે. સપાએ વળતી દલીલ કરી કે ભાજપ અપપ્રચાર કરે છે.

- ઈન્દર સાહની