નવીદિલ્હી : સુપ્રિમ કોર્ટમાં પાંચ નવા ન્યાયાધીશોની નિમણૂક થઈ છે. સીજેઆઇ સૂર્યકાંતની આગેવાનીવાળા કોલેજિયમે હમણા જ પાંચ નામોની ભલામણ રાષ્ટ્રપતિને મોકલી હતી. આ ભલામણોમાં ચાર અલગ અલગ હાઇકોર્ટના ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. એક સિનિયર વકીલનું નામ પણ આ યાદીમાં છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ પણ આ નિમણૂકોને મંજૂરી આપી દીધી છે અને આ સંબંધે પરીપત્ર પણ બહાર પાડયો છે. નિમણૂક પામેલા જજોમાં બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રશેખર, પંજાબ - હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શીલ નાગુ, મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ સચદેવા, જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરૂણ પલ્લીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિનિયર વકીલ વી સુભ્રમણી મોહનાના નામ પર પણ મંજૂરીનો સિક્કો લાગી ગયો છે.
બંગાળ વિધાનસભા ચૂંટણીની જીતમાં આરએસએસનો મોટો ફાળો
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવીને સરકાર બનાવી એ માટે બહારથી બધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રક્ષા મંત્રી અમિત શાહની રણનીતિના વખાણ કરી રહ્યા છે. જોકે બંગાળમાં લાંબા સમયથી એન્ટી ઇનકમબન્સી હતી અને હિન્દુ મતદારો ટીએમસીના કાર્યકરો તેમજ નેતાઓથી ખૂબ નારાજ હતા એનો લાભ પણ ભાજપને મળ્યો. જોકે હવે બહાર આવેલી વીગતો પરથી એવું જાણવા મળ્યું છે કે આ જીતના બેકગ્રાઉન્ડમાં આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરની ભૂમિકા પણ મહત્ત્વની રહી છે. સુનિલ આંબેકરે બંગાળમાં સંઘના કાર્યકરોને બંગાળની ઐતિહાસીક પૃષ્ઠભૂમિ વિશે સભાન કર્યા હતા. સંઘના લગભગ દરેક સંઘચાલક અને આરએસએસ પ્રમુખે બંગાળમાં કામ કર્યું છે અને ભારતની આઝાદી પહેલાથી સંઘનું યોગદાન બંગાળમાં રહ્યું હતું. સંઘના સ્થાનિક નેતાઓએ ગ્રાઉન્ડ લેવલ પર પ્રચારનું કામ કરીને ભાજપ માટે ગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું.
બિહારમાં એમએલસી ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું
બિહારના રાજકારણમાં ફરીથી એકવાર રાજકારણ ગરમાયું છે. બિહાર વિધાન પરિષદની ખાલી થનાર વિધાનસભા ક્વોટાની ૯ બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણી અને ૧ બેઠક પર પેટા ચૂંટણીની તૈયારી ચાલે છે. આ ચૂંટણીની જાહેરાત થતા જ ઉમેદવારો પોતપોતાના ઉમેદવારી પત્રક ભરશે અને એક બીજાને પાડી દેવાનો ખેલ શરૂ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૮મી જૂન છે. પરત ખેંચવાની તારીખ ૧૧મી જૂન છે. ૧૮મી જૂને મતદાન થશે અને એજ દીવસે સાંજે પરીણામો જાહેર થશે. ચૂંટણીમાં ધારાસભ્યોના મત નિર્ણાયક રહેશે. ચૂંટણીની તૈયારી વચ્ચે આરજેડી સુપ્રિેમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહીણી આચર્યએ પોતે ચૂંટણી લડી રહ્યા હોવાના સમાચાર ફગાવી દીધા છે. એમણે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે 'કેટલાક લોકો હું વિધાન પરિષદની ચૂંટણીની ઉમેદવાર હોવાની અફવા ફેલાવી રહ્યા છે. આવા જૂઠાણાની અસર મારી ઇમેજ પર થશે નહીં.'
આસામ સરકારે બજેટ મંજૂરી વગર 509 કરોડ રૂપિયા ખર્ચ્યા
૨૦૨૪ - ૨૦૨૫ના કેગ રીપોર્ટએ આસામ સરકારની નાણાકીય અવ્યવસ્થા સાથે જોડાયેલી ગંભીર વાત જાહેર કરી છે. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ૧૩ કિસ્સાઓમાં કોઈપણ પ્રકારના બજેટ વગર કે પૂર્વનિયોજન વગર ૫૦૯.૫૯ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. બંધારણના આર્ટીકલ ૨૦૪નો આ સરેઆમ ભંગ છે. સરકારે સાર્વજનિક રૂપિયાને ખર્ચતા પહેલા વિધાનસભાની મંજૂરી લેવી આવશ્યક હોય છે. ૫૦૯.૫૯ કરોડ રૂપિયા 'પબ્લિક ડેબ એન્ડ સવસિંગ ઓફ ડેબ' હેઠળ ખર્ચ કરવામાં આવ્યા છે. મૂળ બજેટમાં આ ખર્ચ માટે જોગવાઈ કરવામાં આવી નહોતી. કેગના કહેવા પ્રમાણે આ ફક્ત કાગળ પર કરવામાં આવેલી ગરબડ નથી. બંધારણની કલમનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પ્રેમાણપત્રો વગર નક્કી કરવું મુશ્કેલ છે કે ગ્રાન્ટની રકમનો જે બાબત માટે ઉપયોગ થવો જોઈતો હતો એ બાબત માટે ઉપયોગ થયો છે કે નહીં.
છેવટે સ્વપ્ન દાસગુપ્તાની ભક્તિ ફળી
સ્વપ્ન૨ દાસગુપ્તા એક જમાનામાં અભ્યાસુ પત્રકાર તરીકે જાણીતા હતા. એમનો ઝોક હંમેશા જમણેરી રહ્યો હતો. તેઓ ઘણા વર્ષ પહેલા બંગાળ ભાજપમાં જોડાયા હતા. હવે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બની છે ત્યારે સ્વપ્ન દાસગુપ્તાની ધીરજ ફળી છે. પશ્ચિમ બંગાળ સરકારે પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું ં છે. આ મંત્રીમંડળમાં ૩૫ નવા મંત્રીઓએ સોંગદ લીધા હતા. મંત્રીમંડળના વિસ્તાર પછી શુભેંદુ સરકારના મંત્રીઓની સંખ્યા ૪૧ થઈ ગઈ છે. જે નવા મંત્રીઓએ સોંગદ લીધા છે એમાં સ્વપ્ન દાસગુપ્તાનો સમાવેશ પણ થાય છે. સ્વપ્ન દાસગુપ્તાને અગાઉ પદ્મભૂષણ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. ૧૯૫૫ની ૩જી ઓક્ટોબરે જન્મેલા બંગાળી વૈદ્ય પરિવારના સ્વપ્નદાસગુપ્તાએ ઘણા પુસ્તકો પણ લખ્યા છે. ૨૦૧૬માં એમની નિમણૂક રાજ્યસભામાં પણ કરવામાં આવી હતી.
આતંકવાદના નવા ટેરર મોડયુલ
ભારત સામે આતંકવાદનો એક નવો અને જોખમી ચહેરો સામે આવી રહ્યો છે. આતંકવાદીઓની નવી સ્ટ્રેટેજી પ્રમાણે આતંકી સંગઠનો દેશમાં સીધો હુમલો કરશે નહીં કે એમા એમની ભાગીદારી પણ નહીં હોય. સુરક્ષા નિષ્ણાતોના કહેવા પ્રમાણે છેલ્લા થોડા દિવસો દરમિયાન આતંકી મોડયુલ બહાર આવી રહ્યા છે એમાં લશ્કર-એ-તૈયબા, અલકાયદા, ઇસ્લામીક સ્ટેટ (આઇએસ) કે જૈસ-એ-મોહમદ જેવા આતંકવાદી સંગઠનો સાથે એમના સંબંધો જોવા મળ્યા નથી. આ નવા મોડયુલ ક્યાં તો આવા સંગઠનોથી પ્રેરિત છે અથવા એમની સાથે કોઈને કોઈ રીતે જોડાયા છે. નિષ્ણાંતોના મત પ્રમાણે પાકિસ્તાને નવી સ્ટ્રેટેજી બનાવી છે કે જેને કારણે આવા સંગઠનો ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની નજરમાંથી બચી શકે. જે સંગઠનો આંતકવાદી જાહેર થયા છે એમના પર વિશ્વ આખાની નજર હોવાથી હવે નવા મોડયુલ બનાવવામાં આવ્યા છે.
દિલ્હીમાં બિલ્ડીંગ તૂટી પડતા કેટલાય સપના રોળાયા
દક્ષિણ દિલ્હીના સૈદુલ્લાજાબમાં તૂટી પડેલી ૭ માળના બિલ્ડીંગના કાટમાળ હેઠળ ફક્ત માણસો જ નથી દબાયા, પરંતુ કેટલાય સપના પણ દબાઈ ગયા છે. આ બિલ્ડીંગમાં નાના શહેરો અને ગામડાઓથી આવેલા યુવાનો એમના કુટુંબ સાથે સંઘર્ષ કરીને રહેતા હતા. કોઈ પિતાએ પોતાની પુત્રીને ડોક્ટર બનાવવા જમીન વેચી હતી તો કોઈ મા-બાપએ બેટાને અધિકારી બનાવવા માટે દેવું કર્યું હતું. આ ગેરકાયદેસર મકાન તૂટી પડતા એક સાથે જ ઘણાની જિંદગી બરબાદ થઈ ગઈ છે. દિલ્હીમાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ ઘણી ફરિયાદો થતી રહે છે, પરંતુ દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ કોઈ પગલા લેતા નથી. વધતી વસ્તી અને બીજા રાજ્યોમાંથી સપનું આંખમાં લઈને આવેલા લોકો ઝાંઝી તપાસ કર્યા વગર જ જિંદગીભરની કમાણી ગેરકાયદેસર મકાનોમાં રોકે છે અને છેવટે બરબાદ થાય છે.


