Get The App

દિલ્હીની વાત : નવી વસ્તી ગણતરી રાજકીય સમીકરણો બદલી નાખશે

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : નવી વસ્તી ગણતરી રાજકીય સમીકરણો બદલી નાખશે 1 - image

નવીદિલ્હી : આજના રાજકારણમાં વિવિધ જાતીઓના મતદારો ભવિષ્ય બદલી શકે છે. દેશમાં થનારી હવે પછીની વસ્તી ગણતરી ફક્ત આંકડાકીય ગણતરી નહીં હોય. આ વસ્તી ગણતરી નક્કી કરશે કે કોને કેટલી સગવડો મળશે અને સત્તાની ચાવી કોના હાથમાં રહેશે. ભારતનું રાજકારણ હંમેશા જાતીવાદ આધારીત રહ્યું છે. છેલ્લે ૧૯૩૧માં જાતી આધારીત વસ્તી ગણતરી થઈ હતી. આઝાદી પછી દરેક સરકારે જાતી આધારીત વસ્તી ગણતરી કરવી યોગ્ય માની નહોતી. દેશની આજની મોટા ભાગની યોજનાઓ અને અનામતની નીતિ ૯૦ વર્ષ જૂના આંકડાઓને આધારે બની છે. જાતી આધારીત વસ્તી ગણતરી કરવાનું કામ સહેલું નથી. કોઈ વ્યક્તિ પોતાની જાતી બતાવે છે તો એના પુરાવા મેળવવા સહેલા નહીં હોય. એક રાજ્યમાં કોઈ જાતીને સામાન્ય ગણવામાં આવે છે એ જ જાતીની ગણના બીજા રાજ્યમાં પછાત તરીકે થાય છે. હવે પછી થનારી વસ્તી ગણતરી એક સામાન્ય પ્રક્રિયા નહીં હોય. આ વસ્તી ગણતરી દેશનું રાજકારણ અને સામાજીક બંધારણ પણ બદલશે.

નક્સલીઓના સફાયામાં મુખ્ય ભૂમિકા સુરક્ષાદળોએ ભજવી

સંસદમાં માહિતી આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો હતો કે દેશભરના નક્સલવાદને ખતમ કરવામાં સફળતા મળી છે. રાજકારણીઓ આ માટે જશ લઈ રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે, સુરક્ષાદળોની શહીદી અને ચેલેન્જને પહોંચી વળવાની એમની આવડતનો ફાળો નક્સલીઓને પરાસ્ત કરવામાં અગત્યનો રહ્યો છે. જંગલો અને પહાડી વિસ્તારમાં સંદેશાવ્યવહાર ખૂબ મુશ્કેલ હતો. સીઆરપીએફના જવાનોએ સતત જીવના જોખમે નક્સલ વિસ્તારમાં કામગીરી કરી છે. સૌથી પહેલા ૨૦૦૩માં સીઆરપીએફના જવાનોને નક્સલ વિસ્તારોમાં મોકલવામાં આવ્યા હતા. નક્સલવાદીઓનો ડર ગામવાસીઓમાં હોવાથી ખાનગી માહિતી મેળવવી ખૂબ અઘરી હતી. નક્સલ પ્રભાવીત વિસ્તારોની ભૌગોલીક સ્થિતિ એક સરખી નહોતી. કોઈ જગ્યાએ પહાડો, કોઈ જગ્યાએ જંગલો તો કોઈ જગ્યાએ નદી-નાળા હતા. મેસેજ મેળવવા માટે મોબાઇલને ઝાડ પર લટકાવી રાખવા પડતા હતા, કારણ કે સિગ્નલો પકડવા મુશ્કેલ હતા.

ભાજપ તામિલનાડુમાં હિંસા ભડકાવશે : સ્ટાલીન

તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીનએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો છે. એમણે કહ્યું છે કે ભાજપ રાજ્યમાં હિંસા ભડકાવવાનું કાવતરૃં કરે છે. એમના પક્ષે કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. ઉત્તર પ્રદેશ અને મણીપુરની લાઇન પર તામિલનાડુમાં હિંસા ફેલાવવાનું કાવતરૃં ઘડવામાં આવ્યું હતું. સ્ટાલીને કહ્યું હતું કે, તામિલનાડુમાં જાતીવાદી અને કોમવાદી હિંસા ક્યારેય નથી થઈ. આ પ્રકારની હિંસા ભાજપ શાસીત રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ અને મણીપુરમાં જોવામાં આવી છે. તામિલનાડુમાં ડીએમકેની સરકાર હોવાથી રાજ્યમાં શાંતિ છે. જો તેઓ ફરીથી સત્તા પર આવશે તો મહિલાઓને જોઇએ એવા ઘરેલું સાધનો ખરીદવા માટે આઠ હજાર રૂપિયાની કૂપનો આપવામાં આવશે. મહિલાઓને અપાતી માસિક સહાયતા બમણી કરવામાં આવશે. એ જ રીતે કોલેજ જનારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે અપાતા એક હજાર રૂપિયા વધારીને પંદરસો રૂપિયા કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીની અરજી કેરળ હાઇકોર્ટે ફગાવી

કેરળ હાઇકોર્ટે કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપીને મોટો આંચકો આપ્યો છે. કોર્ટે એમની ચૂંટણીને પડકારતી અરજી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. જસ્ટીસ કૌસર એડપ્પાગથએ આ ચૂકાદો આપ્યો હતો. હવે સુરેશ ગોપીએ ટ્રાયલનો સામનો કરવો પડશે. ત્રિશૂરમાં રહેનાર એઆઇવાયએફ નેતા બિનોઇ એએસએ સુરેશ ગોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. બિનોઇએ એમની ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે સુરેશ ગોપીએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પ્રચાર વખતે ખોટી રીતરસમો અપનાવી હતી. ચૂંટણી જીતવા માટે એમણે ધાર્મિક ચિન્હોનો ખોટો ઉપયોગ કર્યો હતો. સુરેશ ગોપી હમણા કેન્દ્રમાં પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને પર્યટન મંત્રાલયમાં રાજ્યમંત્રી છે. તેઓ ૨૦૨૪ની ચૂંટણી કેરળની ત્રિશૂર લોકસભા બેઠક પરથી જીત્યા હતા.

બીજુ પટનાયક પર નિવેદન આપીને નિશિકાંત દુબે ફસાયા

ગયા અઠવાડિયે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ઓડિસાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીજુ પટનાયક વિશે કહેલી વાતને કારણે એમની ખૂબ ટીકા થઈ હતી. હવે નિશિકાંત દુબેએ માફી માંગી લીધી છે. નિશિકાંત દુબેએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને લખ્યું છે કે, એમના નિવેદનનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યું હતું અને એ એમના વ્યક્તિગત વિચારો હતા. એમણે લખ્યું હતું કે, 'ગયા અઠવાડિયે મીડિયા સાથે વાત કરતા મે નેહરૂ - ગાંધી પરિવારના કારનામાઓ વિશે વાત કરી હતી. એ વખતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીજુ પટનાયક વિશે કહેલી વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો. એ નિવેદન મારૂ વ્યક્તિગત હતું. નેહરૂ વિશેનો મારો વિચાર બીજુ પટનાયક માટે ગણવામાં આવ્યો. બીજુ બાબુ હંમેશા અમારા માટે ઉચા કદના નેતા રહ્યા છે અને રહેશે. જો મારા નિવેદનથી કોઈને દુ:ખ થયું હોય તો હું માફી માંગુ છું.'

આઇએએસ તરીકે રાજીનામુ આપ્યા બાદ રીંકુ સિંહનું બીજુ પગલું

આઇએએસ તરીકે રાજીનામુ આપ્યા પછી રીંકુ સિંહે આઇએએસ એસોસીએશનને એક પત્ર લખ્યો છે. એમણે કહ્યું છે કે, હું અત્યંત વિનમ્રતાપૂર્વક માર્ગદર્શન માંગુ છું. એસોસીએશનમાંથી મારી હકાલપટ્ટી કરવા માટેની પ્રક્રિયા કઈ છે? એસોસીએશનએ મારા જેવા સિનિયર અધિકારીઓની ચિંતા બાબતે સતત અવગણના કરી છે. એસોસીએશનના વ્યવહારની અસર મારા મનોબળ પર પણ થઈ છે. રીંકુ સિંહ યુપી કેડર ૨૦૨૩ની બેચના અધિકારી હતા. યોગ્ય કામ નહીં મળવાથી નારાજ થયેલા રીંકુ સિંહે રાજીનામું આપી દીધું હતું. એમણે રાજીનામું રાષ્ટ્રપતિને મોકલ્યું છે અને એની નકલ ચીફ સેક્રેટરી તેમજ બીજા અધિકારીઓને પણ મોકલી છે. રીંકુ સિંહ મહેસુલ ખાતામાં હતા. તેઓ અલીગઢના રહેવાસી છે અને એમણે બીટેક એમએનો અભ્યાસ કર્યો છે.

યુદ્ધને કારણે હોર્મૂઝ ખાડીમાંથી પસાર થતા કેબલ્સને નુકસાન

અમેરિકા - ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે વિશ્વ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે. હવે મળતા સમાચાર પ્રમાણે વિશ્વભરની ઇન્ટરનેટ સેવા બંધ થઈ જવાનું જોખમ ઉભુ થયું છે. હોર્મૂઝ ખાડીના દરિયા નીચેથી ઇન્ટરનેટ કેબલ્સ લાઇન પસાર થાય છે. જો યુદ્ધને કારણે કેબલ્સને નુકસાન થાય તો વિશ્વ આખામાં ઇન્ટરનેટની સ્પીડ ઘટી શકે છે કે બંધ થઈ શકે છે. સમૂદ્ર નીચેથી ૯૭ ટકા ઇન્ટરનેટ લાઇન પસાર થાય છે. વિશ્વનો લગભગ ૯૫ થી ૯૭ ટકા ડેટા ફાયબર ઓપ્ટીક કેબલ્સથી ટ્રાન્સફર થાય છે. ભારતની ડીજીટલ ઇકોનોમી દરિયાઇ માર્ગ પર નિર્ભર છે. જો કેબલને નુકસાન થાય તો ટ્રાફિકને લાંબા અંતરે ડાયવર્ટ કરવો પડશે. વિડિયો કોલ કરવા પણ મુશ્કેલ બનશે. કેબલ કપાવાથી કંપનીઓને પણ મોટુ નુકસાન થશે.