Get The App

મિલકત જાહેર ન કરતા આઇએએસ અધિકારીઓને દંડ ફટકારો

Updated: Apr 2nd, 2025

GS TEAM

Google News
Google News
મિલકત જાહેર ન કરતા આઇએએસ અધિકારીઓને દંડ ફટકારો 1 - image

નવીદિલ્હી: વર્ષ ૨૦૨૪માં ૯૧ આઇએએસ અધિકારીઓએ પોતાની સ્થાયી મિલકતો બાબતનું રીર્ટન (આઈપીઆર) જાહેર કર્યું નથી. અગાઉના વર્ષે આઇપીઆર જાહેર નહીં કરનાર અધિકારીઓની સંખ્યા ૭૩ હતી. સંસદની સ્થાયી સમિતિએ આ બાબતે ચિંતા જાહેર કરીને સલાહ આપી છે કે, સમય મર્યાદામાં મિલકતોની જાહેરાત નહીં કરનાર આઇએએસ અધિકારીઓને મોટો દંડ કરવામાં આવે. રીપોર્ટ પ્રમાણે ૨૦૨૩માં ૧૫ આઇએએસ અધિકારીઓ, ૨૦૨૨માં ૧૨ અને ૨૦૨૧માં ૧૪ અધિકારીઓએ સ્થાવર મિલકતો જાહેર નહીં કરવાથી એમની સામે પગલા લેવામાં આવ્યા હતા. સ્ટેન્ડીંગ કમિટિના આ નિર્ણય બાબતે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, ફક્ત આઇએએસ અધિકારીઓ જ નહીં, પરંતુ ન્યાયાધિશો ઉપરાંત ચૂંટણી નહીં લડનાર સત્તાધારીઓની સ્થાવર મિલકત  પણ જાહેર કરવામાં આવે.

હૈદ્રાબાદ યુનિવર્સિટીની 200 એકર જમીનના વેચાણ બાબતે બબાલ

કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ તેલગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીને પત્ર લખીને હૈદ્રાબાદ યુનિવર્સિટીની ૪૦૦ એકર જમીનનું વેચાણ અટકાવવા માટે માંગણી કરી છે. રાજ્ય સરકારના આ નિર્ણય સામે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. કિશન રેડ્ડીના કહેવા પ્રમાણે આ જમીન વૃક્ષો અને જીવજંતુઓનું ઘર છે, પરંતુ રાજ્ય સરકાર આ જમીન વેચીને કોંક્રીટ જંગલ બનાવવા માંગે છે. જો જમીન વેચાઈ જશે તો પર્યાવરણને મોટુ નુકશાન થશે. એમણે માંગણી કરી છે કે, વૃક્ષો કાપવા માટે લાવવામાં આવેલા મશીનો તાત્કાલીક હટાવવામાં આવે. એમણે આરોપ મૂક્યો છે કે અરધી રાત્રે ફલડ લાઇટ ચાલુ કરીને ચોરીછૂપીથી વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. આ બાબતે વિદ્યાર્થીઓ વિરોધ કરે છે ત્યારે એમનો વિરોધ દબાવવાની કોશિષ પણ થાય છે. કિશન રેડ્ડી જોકે કહેવાનું ભૂલી ગયા કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ ભાજપ પાંખના જ છે.

લોરેન્સ બિશ્નોયના ભાઈ અનમોલના પ્રત્યાર્પણની તૈયારી

ભારત સરકાર અમેરિકાથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોયના ભાઈ અનમોલ બિશ્નોયના પ્રત્યાર્પણનો પ્રયત્ન કરી રહી છે. અનમોલ સામે બાબા સિદ્દીકીની હત્યા ઉપરાંત બીજા ગંભીર કેસો દાખલ થયા છે. અનમોલ બિશ્નોય હમણા અમેરિકાની જેલમાં છે. એમ મનાય છે કે, સરકારને કોઈક બાબતે લોરેન્સ બિશ્નોય સાથે વાંધો પડયો છે. અત્યાર સુધી ગુજરાતની સાબરમતી જેલમાં બેઠા બેઠા લોરેન્સ બિશ્નોય તેના તમામ ઓપરેશનો આસાનીથી પાર પાડતો હતો. હવે લોરેન્સ બિશ્નોયનો 'જમણો હાથ' કાપવાની તૈયારી ચાલી રહી છે. જો અનમોલ બિશ્નોયનું પ્રત્યાર્પણ થાય અને એને ભારત લાવવામાં આવે તો લોરેન્સ ગેન્ગને મોટો ફટકો પડી શકે એમ છે.

અખિલેશ યાદવ માટે આઝમ ખાન ભૂતકાળ બની ચૂક્યા છે

લોકસભાની ચૂંટણીમાં ૩૭ બેઠકો જીતનાર સમાજવાદી પાર્ટીની કોર વોટબેન્ક મુસ્લિમ અને યાદવ રહી છે. સમાજવાદી પાર્ટી મુસ્લિમ મતો પર ખૂબ મોટો આધાર રાખે છે. હવે અખિલેશ યાદવ પર સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા સફીક ઉર રહેમાન બર્કના પૌત્ર જીઆઉ રહેમાન બર્ક અને સ્થાપક સભ્ય આઝમ ખાન જેવા નેતાઓને અવગણવાનો આક્ષેપ થઈ રહ્યો છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, મુસ્લિમ મતદારોને ખુશ રાખવા માટે અખિલેશ યાદવ માટે આઝમ અને બર્ક જેવા નેતાઓની જરૂર રહી નથી. એમ મનાય છે કે, આઝમ ખાન ચંદ્રશેખર આઝાદના પક્ષની નજીક જઈ રહ્યા છે. આઝમ ખાન જ્યારે સીતાપુર જેલમાં હતા ત્યારે ચંદ્રશેખર આઝાદ એમને મળવા માટે પણ જતા હતા. અખિલેશ યાદવ એમ માને છે કે આઝમ ખાન એમને માટે મુશ્કેલી બની ગયા છે. મુસ્લિમ મતદારો પર આઝમ ખાનનો પ્રભાવ ઘટયો છે એટલે પણ અખિલેશ ચિંતીત નથી. અખિલેશ નવી મુસ્લિમ નેતાગીરી તૈયાર કરવામાં પડયા છે.

વકફ સુધારા બિલ બંધારણ પર હુમલા સમાન : કોંગ્રેસ

કોંગ્રેસ સાંસદ અને પ્રવક્તા જયરામ રમેશના કહેવા પ્રમાણે વકફ સુધારા બીલ બંધારણ પર સીધો હુમલો છે. જયરામ રમેશે લોકશાહી ઢબે આ બિલનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. એમણે એનડીએના સહયોગી પક્ષો તેલુગુદેશમ પાર્ટી અને જેડીયુને પણ આ બાબતે એમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. આ બીલને જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટિ (જેપીસી)એ વગર ચર્ચાએ પસાર કરી દીધું છે. સમાજવાદી પાર્ટી, ટીએમસી, આમ આદમી પાર્ટી સહિત તમામ વિરોધ પક્ષો આ બીલનો વિરોધ કરી રહ્યા છે. જેડીયુ અને ટીડીપી પોતાને ધર્મનિર્પેક્ષ ગણાવે છે ત્યારે હવે એમણે સ્પષ્ટતા કરવી જરૂરી છે. પહેલી વખત એવું બન્યું છે કે કમિટિમાં કોઈ બીલ પર ચર્ચા નથી થઈ. ૪૫૦ પાનાનો રીપોર્ટ વાંચવા માટે સાંસદોને ફક્ત બે દિવસ આપવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં ગૃહ મંત્રાલય પૂર્ણસમયના મંત્રી પાસે હોવું જોઈએ

સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ગૃહમંત્રાલયનો હવાલો પોતાની પાસે જ રાખે છે. ખરી મલાઈ અને સત્તા ગૃહમંત્રાલયમાં હોવાથી ગૃહમંત્રાલયના હવાલા વગર મુખ્યમંત્રી પાણી વગરની માછલીની જેમ તરફડે છે. દેવેન્દ્ર ફડણવીસ પણ અપવાદરૂપ નથી. ભારે ખેંચતાણ પછી એમણે ગૃહમંત્રાલય પોતાની પાસે રાખ્યું છે. મહારાષ્ટ્રમાં ગુનાખોરી વધી રહી છે. બીડ જિલ્લામાં થયેલી ગેંગવોર પછી કોંગ્રેસે માગણી કરી છે કે દેવેન્દ્ર ફડણવીસે ગૃહવિભાગનો હવાલો પૂર્ણસમયના મંત્રીને સોંપી દેવો જોઈએ. જેલમાં બે જૂથો વચ્ચે હુલ્લડો થઈ રહ્યા છે.  જ્યારે જેલ સુરક્ષીત નથી ત્યારે રાજ્યના લોકો કઈ રીતે સુરક્ષીત રહી શકે. દેવેન્દ્ર ફડણવીસનું ધ્યાન ફક્ત સત્તા પર છે. તેઓ ગૃહ વિભાગને યોગ્ય રીતે મેનેજ કરી શકતા નથી.

'પેન્સન' બાબતે કરોડો પેન્સનરોને ટેન્શન

સંસદમાં નાણાકીય બીલ પસાર થયા પછી કેન્દ્રીય કર્મચારી યુનિયન 'ટેન્શન'માં આવી ગયું છે. ધીરે ધીરે આ બીલની જાણકારી મળતા બીજા રાજ્યોના સરકારી કર્મચારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. કર્મચારીઓએ રાષ્ટ્રીય પરિષદ જેસીએમની બેઠક બોલાવવી પડી છે. નાણામંત્રાલયના સેક્રેટરીએ જેસીએમના સભ્યો સામે પોતાનો પક્ષ રજુ કરવો પડયો છે. સેક્રેટરીએ કહ્યું છે કે, આ બાબતે ઝડપથી સ્પષ્ટતા કરવામાં આવશે. અગાઉ નાણામંત્રી નીર્મલા સીતારમણે કહ્યું હતું કે, પેન્શન બાબતના બીલથી કોઈ ફેરફાર નહીં થાય. સરકારી કર્મચારીઓ જોકે માની રહ્યા છે કે આ બીલને કારણે વિવિધ પેન્શનરો વચ્ચે ભેદભાવ કરવામાં આવશે.

મમતા તરફ અધીર રંજનના નરમ વલણની બંગાળમાં ચર્ચા

લોકસભાની ચૂંટણી પહેલાં સુધી અધીર રંજન ચૌધરીનો કોંગ્રેસમાં દબદબો હતો. સોનિયા ગાંધીના નજીકના નેતાઓમાં અધીર રંજનનું નામ લેવાતું હતું. લોકસભામાં અધીર રંજનને કોંગ્રેસે નેતા બનાવ્યા હતા, પરંતુ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં મમતા બેનર્જી સામે બેફામ નિવેદનો ન આપવાની તાકીદ કરી તેને ભરી પીનારા અધીરને આખરે કોંગ્રેસે સાઈડલાઈન કરી દીધા. અધીર રંજન ચૌધરી હંમેશા મમતા બેનર્જીની આક્રમક ટીકા કરતા આવ્યા છે, પરંતુ પહેલી વખત તેમણે મમતા બેનર્જી તરફ નરમ વલણ દાખવીને કહ્યું કે રાજ્યની બહાર મુખ્યમંત્રી મમતા બેનર્જીનું અપમાન થાય તે યોગ્ય નથી. આ નિવેદનના રાજકીય અર્થો કાઢવામાં આવી રહ્યા છે.

કર્ણાટકમાં સિદ્ધારામૈયાની સરકાર સામે ભાજપ જન આક્રોશ યાત્રા કાઢશે

એક તરફ કર્ણાયક ભાજપમાં ઘમાસાણ મચ્યું છે. આંતરિક ઘર્ષણ એટલું વધ્યું છે કે બસનગૌડા પાટિલ યતનાલના સમર્થકો તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા બાબતે યેદિયુરપ્પા અને તેમના દીકરા વિજેન્દ્ર સામે બાંયો ચડાવી રહ્યા છે. વિજેન્ધ્ર કર્ણાટક ભાજપના પ્રમુખ છે. સિદ્ધારામેયાની સરકાર અને કર્ણાટક કોંગ્રેસ ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણથી ખુશ છે. ભાજપમાં પોતાનામાં વ્યસ્ત રહે એ કોંગ્રેસની સરકાર માટે સારી સ્થિતિ હતી. એ દરમિયાન હવે ભાજપ પ્રમુખ વિજેન્દ્રએ જાહેરાત કરી છે કે ભાજપ આખાય રાજ્યમાં કોંગ્રેસની સરકાર સામે મોરચો માંડશે. ૭મીથી જન આક્રોશ યાત્રા કાઢશે. દૂધના ભાવમાં વધારો થયો તેની સામેય કર્ણાટકમાં ભાજપે રાજ્યવ્યાપી દેખાવોનું આહ્વન કર્યું છે. કોંગ્રેસે વળતો જવાબ આપતા કહ્યું છે કે આંતરિક ખટપટથી ધ્યાન ભટકાવવા માટે ભાજપે આ પ્રદર્શનોનું નાટ શરૂ કર્યું છે.

પટનાયકના ખાસ પાંડિયનના આઈએએસ પત્નીની સ્વૈચ્છિક નિવૃત્તિ

નવીન પટનાયકની સરકારમાં જે આઈએએસનો દબદબો હતો એમાંના સૌથી પાવરફુલ ગણાતા હતા વીકે પાંડિયન. પછી પાંડિયને નિવૃત્ત થઈને બીજુ જનતા દળમાં સક્રિય રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. જોકે, હવે તેઓ એટલા સક્રિય નથી. પટનાયકના ખૂબ જ વિશ્વાસુ ગણાતા પાંડિયન સામે પાર્ટીમાં અસંતોષ હતો. પાંડિયનના પત્ની સુજાતા કાર્તિકેયન પણ પટનાયકની સરકારમાં ખૂબ જ પાવરફુલ ગણાતા હતા. આ આઈએએસ પાવર કપલનો દબદબો પટનાયકના પરાજય સાથે જ પૂરો થયો હતો. કદાચ એ કારણે હોય કે પછી બીજું કંઈ કારણ હશે, સુજાતા કાર્તિકેયને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે. કેન્દ્ર સરકારમાં રાજીનામું મોકલ્યું હતું, જે સ્વીકારી લેવાયું છે. નવીન પટનાયકે રાજ્યના મિશન શક્તિ પ્રોેજેક્ટના ફેસ સુજાતાને બનાવ્યા હતા. તેઓ બીજેડીમાં સક્રિય થશે એવું પણ ઘણાં નેતાઓ કહી રહ્યા છે.

દિલ્હીમાં વીજકાપ મુદ્દે લોકોમાં આક્રોશ : આપે ભાજપની ટીકા કરી

દિલ્હીમાં ઉનાળા દરમિયાન દર વર્ષે વીજકાપની સમસ્યા સર્જાય છે. વીજળીની જરૂરિયાત હોય છે એ પ્રમાણે પૂરવઠો મળતો નથી એટલે અમુક કલાકોનો વીજકાપ એપ્રિલના અંતે કે મેની શરૂઆતમાં ઝીંકાતો હોય છે. પરંતુ હજુ તો માર્ચનો એન્ડ ચાલે છે ત્યાં જ ધાંધિયા સર્જાયા હતા. તેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. આપ અને ભાજપના સમર્થકો વચ્ચે સોશિયલ મીડિયામાં આ બાબતે દલીલો ચાલી રહી છે. આપના નેતા આતિશીએ ભાજપની સરકારની આ મુદ્દે ઝાટકણી કાઢી હતી. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ૨૦૧૪ પહેલાં દિલ્હીમાં વીજકાપની પરંપરા હતી. ૨૦૧૪થી ૨૦૨૫ સુધી આપની સરકારે કુશળતાપૂર્વક વીજળી આપી હતી, હવે ફરીથી ભાજપની સરકારે જૂની પરંપરા શરૂ કરી છે. આપે વીજકાપ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંનેની સરકારોને ઝાટકી હતી.

- ઈન્દર સાહની