દિલ્હીની વાત : ઈઝરાયલ-અમેરિકા સામે ચીન-રશિયા ઈરાનની નવી ધરીથી વિશ્વમાં ચિંતા
નવી દિલ્હી : ઈઝરાયલે હિઝબુલ્લાહ વડા હસન નસરલ્લાહને ઠાર કર્યા બાદ મિડલ ઈસ્ટમાં ભારે તંગદિલીનો માહોલ છે. આ બાબતે ચીને ઈરાનનું સમર્થન કર્યું છે અને આવા હુમલાની ટીકા કરી હતી. રશિયા પણ ઈરાનને ઈઝરાયલ સામે આ મુદ્દે સમર્થન કર્યું છે. નસરલ્લાહની હત્યાને રશિયાએ પોલિટિકલ કીલિંગ ગણાવીને ઝાટકણી કાઢી હતી. રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિન ઈરાનના પ્રમુખ માસુદ પેજેશ્કિયનને પાટનગર તહેરાનમાં મળ્યા હતા અને વર્તમાન સ્થિતિ અંગે વાતચીત કરી હતી. પશ્વિમાન દેશો આરોપ લગાવી રહ્યા છે કે રશિયા ઈરાનને બેલાસ્ટિક મિસાઈલો આપે છે. એક તરફ ઈઝરાયલને અમેરિકા સમર્થન આપી રહ્યું છે, તો બીજી તરફ રશિયા-ચીન ઈરાનનું નવી ધરી બની રહી છે. એની સાથે મિડલ ઈસ્ટના બીજા દેશો પણ જોડાઈ રહ્યા છે એ જોતાં આ નવી ધરી વિશ્વની શાંતિ માટે જોખમી થાય એવી દહેશત છે.
કેજરીવાલ સાથે હવે સિસોદીયા પણ દિલ્હીના રસ્તા પર ઉતર્યા
છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીના મુખ્યમંત્રી આતિશી મારલેના અને અરવિંદ કેજરીવાલ સમગ્ર દિલ્હીમાં ફરીને રસ્તાઓનું નિરિક્ષણ કરી રહ્યા હતા. હવે દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીઓએ એવો નિર્ણય લીધો છે કે તમામ મંત્રીઓ પણ આખું દિલ્હી ફરીને રસ્તાઓનું નિરીક્ષણ કરશે. દિલ્હીના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયા જેલમાંથી છૂટયા પછી હવે સક્રિય થઈ ગયા છે. સિસોદીયા પણ કેજરીવાલ અને આતિશીની સાથે દિલ્હીની ગલીઓમાં ફરી રહ્યા છે. મનિષ સિસોદીયા પોતાના મત વિસ્તાર પડપડગંજના તૂટી ગયેલા રસ્તાઓ રીપેર કરાવવા માટે અધિકારીઓની ફોજ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. સિસોદીયાનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલના જેલમાં ગયા પછી દિલ્હીનું તમામ કામકાજ ઠપ્પ થઈ ગયું હતું એને હવે ગતિ આપવામાં આવશે.
નેપાળે ભારે વરસાદનું પાણી ભારતની નદીઓમાં છોડયું, ભાજપ સરકાર ચૂપ
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. નેપાળે વરસાદનું પાણી બિહારની કોસી અને ગંદક નદીઓમાં છોડયું છે. આ બંને નદીઓમાં આવેલા પુરને કારણે પટણામાં પણ પૂર આવ્યું છે. પુરને કારણે બિહારમાં લગભગ ૧ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. ૬૫ની છાતી હોવાની ડંફાસ મારનાર ભાજપની કેન્દ્ર સરકાર ટચૂકડા નેપાળ સામે પણ લાલ આંખ કરી શકતી નથી. નેપાળને પણ હવે ભારતનો ડર રહ્યો નથી. ચીનની જેમ નેપાળ પણ ભારતને છંછેડી રહ્યું છે, છતાં ભાજપના સત્તાધિશો ચૂપ છે. નેપાળને કારણે બિહારમાં અતિ ભારે પુર આવ્યું છે, જે માટે નેપાળ જવાબદાર હોવા છતા ભાજપ સરકારના મંત્રીઓ ચૂપ બેઠા છે.
શું સંઘના નેતા ભાજપછાપ હિન્દુત્વ સાથે સહમત છે? : ઉદ્ધવ
મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સામે મોરચો ખોલી દીધો છે. ઉદ્ધવ ઠાકરેના કહેવા પ્રમાણે ભાજપની એક ખાનગી મીટીંગમાં કેટલાક નેતાઓએ વિરોધપક્ષોમાં ફાટફૂટ પડાવવા અને ઉદ્ધવ ઠાકરે ઉપરાંત શરદ પવાર પર શાબ્દિક હુમલા કરવા માટેનો નિર્ણય કર્યો છે. ઉદ્ધવએ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતને પ્રશ્ન કર્યો છે કે ભાજપ બ્રાન્ડ હિન્દુત્વ સાથે તેઓ સહમત છે? ભાજપમાં હવે ગુંડાઓ અને ભ્રષ્ટાચારીઓ જ રહી ગયા છે. શું ભાગવતની આ બાબતે સહમતી છે? અમિત શાહ મને અને શરદ પવારને ખતમ કરવા આવી રહ્યા છે તો શું તમે અમને ખતમ થવા દેશો? ઉદ્ધવ ઠાકરેના આ સણસણતા સવાલોના જવાબો મોહન ભાગવત આપી શક્યા નથી.
રાહુલ અને પ્રિયંકાએ હરિયાણામાં રથયાત્રા શરૂ કરી
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આક્રમક પ્રચાર કરવા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા હરિયાણા પહોંચી ગયા છે. સોમવારે સવારે નારાયણ ગઢમાં જંગી મેદનીને સંબોધન કર્યા પછી ભાઈ-બહેનની રથયાત્રા શરૂ થઈ હતી. કોંગ્રેસના આ બંને નેતાઓએ અંબાલા, યમુનાનગર અને કુરુક્ષેત્ર વિધાનસભા વિસ્તારોમાં દમદાર પ્રચાર કર્યો છે. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ હવે થોડા દિવસો સુધી હરિયાણા વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરવાના હોવાથી સ્થાનિક કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
કર્ણાટકમાં સિદ્ધારમૈયા જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવશે
થોડા વર્ષો પહેલા કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવીને રીપોર્ટ તૈયાર કર્યો હતો. અત્યાર સુધી આ રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો નહોતો, પરંતુ હવે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું છે કે, પછાત અને વંચીત લોકોની ઓળખ કરીને એમને મદદ પૂરી પાડવા માટે જાતિ આધારીત વસ્તી ગણતરી જરૂરી છે. ૭ મહિના પહેલા સિદ્ધારમૈયા પાસે જાતિ આધારીત વસ્તી ગણતરીનો રીપોર્ટ આવી ગયો છે, જે હવે કેબિનેટ સમક્ષ રજુ કરવામાં આવશે. રીપોર્ટને આધારે હવે પછીના નિર્ણય લેવાશે. સિદ્ધારમૈયાએ કહ્યું કે, આપણે વ્યવસ્થા બદલવાની જરૂર છે. અમારી સરકારે સમાજના હાંસિયામાં રહેલા લોકોને ઓળખવા માટે અને એમના ઉત્થાન માટે જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવી હતી. ૨૦૧૮માં અમે સત્તા ગુમાવ્યા પછી આ રીપોર્ટનો અમલ કરવામાં આવ્યો નહોતો.
કેરળમાં સિનિયર પોલીસ અધિકારી સંઘના નેતાઓને મળતા વિવાદ થયો
કેરળના એડિશનલ જીપી એમઆર અજીતકુમાર આરએસએસના બે સિનિયર નેતાઓને ખાનગીમાં મળ્યા હતા. આ બાબતે કેરળના રાજકારણમાં ગરમાગરમ ચર્ચા થઈ રહી છે. સિનિયર આઇપીએસ અધિકારીએ આરએસએસના નેતાઓને શા માટે મળવું જોઈએ એવો સવાલ કોંગ્રેસે કર્યો હતો. આરએસએસના દત્તાત્રેય હોસબોલે અને રામ માધવ જેવા નેતાઓને અજીતકુમાર મળ્યા ત્યારે શું વાતચીત થઈ હતી, એ જાહેર કરવા પણ પોલીસ અધિકારીને કહેવામાં આવ્યું છે. આ મામલે હવે મુખ્યમંત્રીની ઓફિસે પણ પોલીસ અધિકારી પાસે ખુલાસો માગ્યો છે. બીજી તરફ પોલીસ અધિકારીએ સંઘના નેતાઓ સાથેની મુલાકાતને રૂટીન ગણાવી છે.
નૂહ હિંસાના આરોપીએ ભાજપનો પ્રચાર શરૂ કર્યો
હરિયાણાના નૂહમાં ૨૦૨૩માં હિંસા થઈ હતી. એ હિંસાનો મુખ્ય આરોપી બિટ્ટુ બજરંગી હરિયાણાની ચૂંટણી સભામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મંચ પર દેખાયો હતો. બિટ્ટુએ યોગીની હાજરીમાં ભાજપના પ્રચારની જાહેરાત કરી હતી. બિટ્ટુએ લવ જેહાદ અને ગાયોના સંવર્ધનની વાતો કરીને ભાજપને સમર્થન આપ્યું હતું. આ ઘટનાની ભારે ચર્ચા થઈ રહી છે. બિટ્ટુ બજરંગીને મંચ પર લાવીને ભાજપે હરિયાણામાં કટ્ટર હિન્દુત્વને આડકતરું સમર્થન આપ્યું હોવાનું રાજકીય નિષ્ણાતો માને છે. કારણ કે હરિયાણામાં ભાજપની પક્કડ ઘણાં કારણોથી ઢીલી પડી ચૂકી છે. ૧૦ વર્ષથી સત્તામાં રહેલા ભાજપ માટે આ વખતે ત્રીજી વખત જીતવાનું કપરું છે એટલે ભાજપ વિકાસના મુદ્દાને બદલે જૂની લાઈન પકડીને ચૂંટણીમાં તરવા ધારે છે.
કાશ્મીરમાં ગુલામ નબી આઝાદની પાર્ટીની કોઈ ચર્ચા નથી
કાશ્મીરની ચૂંટણીમાં ગુલામ નબી આઝાદ પણ પોતાની નવી પાર્ટી સાથે મેદાનમાં છે. ગુલામ નબી આઝાદ પાંચ દશકાથી કોંગ્રેસમાં હતા. કોંગ્રેસે તેમને રાજ્યસભાના વિપક્ષના નેતા પણ બનાવ્યા હતા, પરંતુ તેમણે કોંગ્રેસ પાર્ટી સામે સવાલો ખડા કર્યા હતા અને પાર્ટીમાં લડવાનું જોમ નથી એવું કારણ આપીને જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસના ઘણાં સિનિયર નેતાઓ સાથે કોંગ્રેસ છોડી દીધી હતી. ૨૦૨૨થી તેમણે પાર્ટી બનાવીને જમ્મુ-કાશ્મીરમાં ગ્રાઉન્ડ લેવલે કામ તો શરૂ કર્યું હતું. પરંતુ એમાં ખાસ સફળતા મળી ન હતી. જે મુદ્દે ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડી હતી એ જ મુદ્દો હવે તેમની પાર્ટીના નેતાઓ ઉઠાવી રહ્યા છે. પાર્ટીના નેતાઓ કહે છે કે ગુલામ નબી આઝાદ એવા જોમથી લડતા નથી જેવા જોમથી તેમણે લડવું જોઈએ. આ ચૂંટણીમાં આઝાદની કોઈ જ ચર્ચા થતી નથી.
ઢાકામાં ભારતીય દૂતાવાસ સામે હજુય દેખાવો યથાવત્
બાંગ્લાદેશમાં બળવો થયો અને વડાપ્રધાન શેખ હસીનાએ ભાગીને ભારતમાં આશરો લેવો પડયો તે પછી ત્યાં વચગાળાની સરકાર રચાઈ છે. ભારતીયો સામે ભારે દેખાવો થયા અને મંદિરોને પણ નિશાન બનાવાયા. એ દરમિયાન ભારતીય દૂતાવાસ સામેય દેખાવો થયા હતા. શેખ હસીનાને ભારતે શરણ આપ્યું તેનો વિરોધ ચાલી રહ્યો છે. હજુય એ વિરોધ યથાવત છે. ઘણાં દેખાવકારો ઢાકામાં ભારતીય દૂતાવાસ સામે પ્રદર્શનો કરતા રહે છે. એ કારણે ભારતે પણ વળતી કાર્યવાહી કરીને વિઝાની પ્રોસેસ બંધ કરી દીધી છે. લગભગ ૨૦ હજાર બાંગ્લાદેશી નાગરિકોએ ભારતના વિઝા માટે અપ્લાય કર્યું હતું, પરંતુ ભારતીય દૂતાવાસે માત્ર અરજન્ટ અરજદારોને બાદ કરતાં કોઈને વિઝા આપ્યા નથી. ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં છેલ્લાં વર્ષોમાં આવેલી આ સૌથી મોટી ખાઈ છે. અગાઉ ક્યારેય રાજદ્વારી સંબંધો આટલા ખરાબ થયા નથી.
- ઈન્દર સાહની