નવીદિલ્હી : એક્ઝિટ પોલ એક પ્રકારનો સર્વે છે. મત આપીને મતદાન મથકમાંથી બહાર નીકળતી વ્યક્તિને પૂછવામાં આવે છે કે એણે કયા પક્ષને મત આપ્યો. વિવિધ સર્વે એજન્સીઓ અને ટીવી ચેનલો આ કામ કરે છે. કાયદાકીય બંધનને કારણે હવે સંપૂર્ણ મતદાન પુરુ નહીં થઈ જાય ત્યાં સુધી એક્ઝિટ પોલ જાહેર કરાતો નથી. અલગ અલગ બુથ પરથી આંકડા મેળવીને આંકડા ભેગા કરવામાં આવે છે, પરંતુ આ સેમ્પલ ખૂબ ઓછી વ્યક્તિના હોવાથી હંમેશા સાચા પડતા નથી. એક્ઝિટ પોલ માટે આશરે ૩૦-૩૫ હજારથી લઈને ૧ લાખ મતદાર સાથે વાતચીત કરવામાં આવે છે. એજન્સીઓ ઓપીનીયન પોલ ચૂંટણી પહેલા કરાવે છે. એમાં બધા લોકોનો સમાવેશ થાય છે. ભલે એ મતદાર કેમ નહીં હોય. ઓપીનીયન પોલ દ્વારા ચૂંટણી આવે ત્યારે કયા પ્રશ્નો લોકોને સ્પર્ર્શે છે એની નાડ પારખવામાં આવે છે. કયાં પક્ષ પ્રત્યે લોકોની નારાજગી છે અને કયા પક્ષના કામથી એમને સંતોષ છે એ જાણવામાં આવે છે.
આગોતરા જામીન ફગાવતી વખતે આરોપીને સરેન્ડર થવાનો હુકમ કરી શકાય નહીં
સુપ્રિમ કોર્ટે ભાર આપીને કહ્યું છે કે આગોતરા જામીન અરજી નકારતી વખતે આરોપીને ટ્રાયલ કોર્ટ સામે સરેન્ડર કરવાનું કહી શકાય નહીં. આ સત્તા કોર્ટ પાસે નથી. કોર્ટે ટીપ્પણી કરી હતી કે, 'જો કોર્ટ આગોતરા જામીન અરજી નકારવા માંગે તો એમ કરી શકે છે, પરંતુ કોર્ટ પાસે એવું કહેવાની સત્તા નથી કે અરજી કરનારે સરેન્ડર કરવું જોઈએ.' જસ્ટીસ જેબી પારડીવાલા અને જસ્ટીસ ઉજ્જ્વલ ભૂઇયાની બેન્ચ એક વ્યક્તિએ કરેલી અરજીની સુનાવણી કરી રહી હતી. આ વ્યક્તિ પર છેતરપીંડી કરવાનો આરોપ છે. ઝારખંડ હાઇકોર્ટે આ વ્યક્તિની આગોતરા જામીન અરજી ફગાવીને એને સરેન્ડર કરવાનું કહ્યું હતું. આ ચુકાદાની સામે અરજી કરનારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી.
ખડગેએ નેતૃત્વ પરિવર્તનની શક્યતા ફગાવી
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની સંભાવના ફગાવી દીધી છે. ખડગેએ કહ્યું છે કે, મુખ્યમંત્રી બદલવાનો કોઈ પ્રશ્ન નથી. કર્ણાટકમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ખડગેના નિવેદનને કારણે ડીકે શિવકુમારની અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે. કર્ણાટકમાં એવી વાત ચાલી રહી છે કે જ્યારે ૪થી મેએ ચાર રાજ્ય અને એક કેન્દ્રીય શાસીત પ્રદેશની ચૂંટણીના પરિણામ જાહેર થશે ત્યાર પછી નેતૃત્વ પરિવર્તન અને કેબિનેટમાં ફેરફારનો નિર્ણય લેવામાં આવશે. ડી કે શિવકુમાર અને એમના ભાઈ તેમજ ભૂતપૂર્વ સાંસદ ડી કે સુરેશ હમણા જ કોંગ્રેસ હાઇકમાન્ડને મળ્યા હતા. કોંગ્રેસના વર્તુળોમાં એવી પણ વાત ચાલી રહી છે કે, જો કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન થાય તો ખડગે પોતે જ મુખ્યમંત્રી બનવા માંગે છે. રાજ્યના ગૃહમંત્રી જી પરમેશ્વરે ત્યાં સુધી કહ્યું છે કે જો ખડગે મુખ્યમંત્રી બને તો પક્ષ એમનું સ્વાગત કરશે.
સરકારની રક્ષાનિતિ નક્કી કરવા સંમેલન
ઝડપથી બદલાતા આંતરરાષ્ટ્રીય સમીકરણોની વચ્ચે ભારત સરકાર, દેશના વૈજ્ઞાાનીકો અને સૈન્યના અધિકારીઓ દુશ્મનથી બચવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છે. દેશમાં સુરક્ષા મોરચે આત્મનિર્ભર બનવાની દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે. દેશના સૈન્યના મનમાં શું છે? કેવા પ્રકારના હથિયારો જરૂરી છે? આવા બધા સવાલોની ચર્ચા કરવા માટે દિલ્હીમાં નેશનલ સિક્યુરીટી સમીટ મળી હતી. આ સમીટમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, લશ્કરના અધિકારીઓ અને ડીઆરડીઓના પ્રમુખે હિસ્સો લીધો હતો. રાજનાથ સિંહે એવી જાહેરાત કરી હતી કે ઓપરેશન સિંદુર કોઈના કહેવાથી અટકાવવામાં આવ્યું નહોતું, પરંતુ નિર્ણય ભારતનો હતો. રાજનાથ સિંહે થોડા દિવસો પહેલા કરેલી ટ્વીટમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી અને દેશ નથી. જોકે સમીટમાં એમણે ફેરવી તોળીને કહ્યું હતું કે આતંકવાદનું કેન્દ્ર પાકિસ્તાન છે.
પવન ખેડાને રાહત મળશે કે નહીં
કોંગ્રેસના પ્રવક્તા અને નેતા પવન ખેડાએ આસામ પોલીસ એમની ધરપકડ નહીં કરે એ માટે સુપ્રિમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
પવન ખેડાએ આક્ષેપ કર્યો હતો કે આસામના મુખ્યમંત્રીના પત્ની પાસે અલગ અલગ પાસપોર્ટ છે અને વિદેશમાં ગેરકાયદેસર સંપત્તીઓ છે. ત્યાર પછી આસામ પોલીસે અલગ અલગ ફરિયાદો નોંધી હતી અને પવન ખેડાને શોધવા માટે દિલ્હી ખાતે એમના ઘરે ગઈ હતી. પવન ખેડા ત્યાર પછી અંડર ગ્રાઉન્ડ થઈ ગયા છે. જસ્ટીસ જે કે મહેશ્વરી અને જસ્ટીસ એ એસ ચંદુરકરની બેન્ચે બંને પક્ષોને સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો. આરોપી તરફે દલીલ કરવામાં આવી હતી કે મુકવામાં આવેલા તમામ આરોપ ટ્રાયલનો વિષય છે અને એને માટે ધરપકડની કોઈ જરૂરીયાત નથી. બીજી તરફ સરકારી વકીલે અરજીનો વિરોધ કરીને દસ્તાવેજો રજુ કર્યા હતા.
ઉત્તર પ્રદેશ ચુંટણી પહેલા આતંકી હુમલાનું કાવતરૂ
ભારતની જાસુસી એજન્સીઓ પાસે માહિતી આવી છે કે, પાકિસ્તાનની જાસુસી એજન્સી આઇએસઆઇ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મોટો હુમલો કરવાનું કાવતરૂ ઘડી રહી છે. ઇન્ટેલિજન્સ ઓફિસરોના કહેવા પ્રમાણે આ હુમલો કરતા પહેલા આઇએસઆઇ આપણી એજન્સીઓનું ધ્યાન ભટકાવી શકે છે. એ માટે પ્રોપેગેન્ડા અભિયાન પણ ચલાવવામાં આવે છે. એક અધિકારીના કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું આયોજન ખુબ મોટુ છે અને એ વખતે આતંકી હુમલો થાય તો ભારતને નુકશાન પહોંચાડી શકાય. આઇએસઆઇના કેટલાક જાસુસો દેશમાં ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરા મૂકી રહ્યા છે અને સંવેદનશીલ સ્થળોની માહિતી પણ ભેગી કરે છે. આઇએસઆઇની કોશિષ દેશમાં કોમવાદી રમખાણો કરાવવાની પણ છે.
'મોદી, જાતી આધારીત વસ્તી ગણતરી ટાળવા માંગે છે'
કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકાર જાતી આધારીત વસ્તી ગણતરીની જાહેરાતને એક વર્ષ પૂરુ થઈ ગયું હોવા છતાં પણ કહી નથી રહી કે આ પ્રક્રિયા ક્યારે પૂરી થશે. કોંગ્રેસના કહેવા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતી આધારીત સર્વે ટાળવા માંગે છે. કોંગ્રેસના પ્રભારી અને મહામંત્રી જયરામ રમેશના કહેવા પ્રમાણે બરાબર એક વર્ષ પહેલા મોદી સરકારે જાતી આધારીત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી હતી.
જયરામ રમેશે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે 'વડાપ્રધાનની નાટકીય યુટર્નની સમય રેખા જાણો. ૨૦૨૧ની ૨૧મી જુલાઈએ લોકસભામાં ભાજપના એક સાંસદના સવાલના જવાબમાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે સરકારે કેટલાક કારણોસર જાતી આધારીત વસ્તી ગણતરી નહીં કરવાનો નિર્ણય લીધો છે.
જોકે ૨૦૨૪ની ૧૮મી એપ્રિલે આપેલ એક મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ જાતી આધારીત વસ્તી ગણતરીની માંગણીને અર્બન નક્સલની વિચારસરણી ગણાવી હતી. ૨૦૨૫ની ૩૦મી એપ્રિલે સરકારે જાતી આધારીત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી હતી.'


