Get The App

દિલ્હીની વાત : કોંગ્રેસના નેતાઓને કડક ચેતવણી, પાર્ટી લાઇનનું પાલન કરો

Updated: May 1st, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત  : કોંગ્રેસના નેતાઓને કડક ચેતવણી, પાર્ટી લાઇનનું પાલન કરો 1 - image

નવીદિલ્હી : કોંગ્રેસના કેટલાક નેતાઓએ પહેલગામ હુમલા પછી એવા નિવેદનો કર્યા હતા કે જેથી પક્ષની ઇમેજનું ધોવાણ થાય. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના કેટલાક નેતાઓએ તો પાકિસ્તાનને ક્લિનચીટ આપી દીધી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ કહ્યું હતું કે હુમલા માટે પાકિસ્તાન જવાબદાર નથી. હવે કોંગ્રેસ હાઇકમાન્ડે કોંગ્રેસના તમામ નેતાઓને સૂચના આપી છે કે પહેલગામ આતંકવાદ મુદ્દે પાર્ટી હાઇકમાન્ડની જે લાઇન છે એ મુજબ જ નિવેદન આપે. જે નેતા હાઇકમાન્ડના આદેશનું પાલન નહીં કરશે એમની સામે શિસ્તભંગના પગલાં લેવાશે. કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલે પીસીસીના અધ્યક્ષો, વિધાયક દળના નેતાઓ, મહાસચીવો, પ્રભારીઓ, સાંસદો વગેરેને પત્ર લખીને આ સૂચના આપી છે.

રાહુલ ગાંધી ૨૦૦૯માં પીએમ બની શક્યા હોત : ગેહલોત

રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતએ એવો દાવો કર્યો છે કે, ઇચ્છતે તો રાહુલ ગાંધી ૨૦૦૯માં દેશના વડાપ્રધાન બની શકતે. ગેહલોતના કહેવા પ્રમાણે આ વાત એમને મનમોહનસિંહે કરી હતી. ગાંધી કુટુંબમાંથી છેલ્લા ૩૫ વર્ષથી કોઈએ સરકારી હોદ્દો સ્વીકાર્યો નથી. મનમોહનસિંહે ખુરશી ખાલી કરી રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની ઓફર કરી હતી. જોકે રાહુલ ગાંધીએ સ્પષ્ટ ના કહી દીધી હતી. એક રેલીને સંબોધન કરતા ગેહલોતે એમ પણ કહ્યું હતું કે, સોનિયા - રાહુલ પર નેશનલ હેરલ્ડ બાબતે ચાર્જશીટ દાખલ કરીને કોંગ્રેસના અવાજને દબાવવાની કોશિષ થઈ રહી છે. જોકે અમે ડરવાના નથી. બંધારણને બચાવવા માટે કોંગ્રેસના તમામ નેતાઓ ગાંધી કુટુંબને પડખે છે.

નિતિશ રાણેના ભડકાવ નિવેદન પર અબુ આઝમી ભડક્યા

મહારાષ્ટ્ર ભાજપના નેતા નિતિશ રાણે પોતાની છાપ હિન્દુત્વવાદી તરીકે સ્થાપિત કરવા માંગે છે. છેલ્લા ઘણા સમયથી તેઓ એવા નિવેદનો આપતા રહે છે કે, વિરોધીઓને એમની ટીકા કરવાનું કારણ મળતું રહે. પહેલગામ આતંકવાદી હુમલામાં જ્યારે ધર્મ પૂછીને ગોળી મારવાની વાત બહાર આવી ત્યારે નિતિશ રાણેએ એવું કહ્યું હતું કે, સામાન ખરીદતા પહેલા દુકાનદારોને હનુમાન ચાલીસા બોલવાનું કહો, ત્યાર પછી જ એમની પાસે ખરીદી કરો. રાણેના આ ભડકાવ નિવેદનને કારણે સમાજવાદી પક્ષના ધારાસભ્ય અબુ આઝમી ભડક્યા છે. અબુ આઝમીએ કહ્યું છે કે, 'નિતિશ રાણે સામે આઠ ફરિયાદ દાખલ થઈ છે. સુપ્રીમ કોર્ટે એમને રાહત આપી છે, પરંતુ હું હવે એમની સામે આ રાહત દુર કરવા અને એમને જેલમાં મોકલવા કોર્ટમાં ફરિયાદ કરવાનો છું.'

હુમલા પહેલા અલ્લાહુ - અકબર બોલનાર મુઝ્ઝમીલ કોણ છે

પહેલગામ આતંકવાદી હુમલો શરૂ થયો એ પહેલા અમદાવાદનો એક યુવાન ઝિપલાઇન પર રાઇડ શરૂ કરતો હતો ત્યારે જ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. એ વખતે પાછળથી એક હેલ્પર અલ્લાહુ - અકબર ત્રણ વખત બોલ્યો હતો. આ વિડિયો ખૂબ વાયરલ થયો છે. વિડિયો જોનારને નવાઈ લાગે છે કે પેલો માણસ ગોળીબારનો અવાજ સાંભળીને અલ્લાહુ - અકબર કેમ બોલ્યો. સામાન્ય રીતે વિશ્વ આખામાં જ્યારે આતંકવાદી હુમલા થાય છે ત્યારે ઇસ્લામીક આતંકવાદીઓ હુમલો કરતા પહેલા અલ્લાહુ - અકબરનો નારો બોલે છે. ગોળીબારનો અવાજ સાંભળીને અલ્લાહુ - અકબર ત્રણ વખત બોલનાર યુવાનનું નામ મુઝ્ઝમીલ છે. પહેલગામ નજીકના એક ગામનો એ રહેવાસી છે. શંકાને આધારે પોલીસ અને એનઆઇએ એની પૂછપરછ કરી રહી છે કે, આતંકવાદીઓ સાથે એને કોઈ સાંઠગાંઠ હતી કે નહીં.

મહારાષ્ટ્ર ભાજપના મંત્રી પાટીલ સહિત ૫૩ સામે છેતરપિંડીની ફરિયાદ

મહારાષ્ટ્રના અહલ્યાનગર જિલ્લાની પોલીસે ભાજપના મંત્રી રાધાકૃષ્ણ વીખે પાટીલ અને ખાંડની મિલના ડિરેક્ટરો સહિત ૫૩ વ્યક્તિઓ સામે ચીટીંગનો કેસ દાખલ કર્યો છે. આ તમામ આરોપીઓ પર બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ખેડૂતોને નામે ૯ કરોડ રૂપિયાની લોન લીધી હોવાનો આરોપ છે. એક પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે તમામ આરોપીઓ સામે રાહતાની એક કોર્ટમાં કેસ દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી વીખે પાટીલને તો પદ્મશ્રી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આરોપીઓની યાદીમાં ખાંડના કારખાનાના સંચાલકો ઉપરાંત યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ ઇન્ડિયાના અધિકારીઓના નામ પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખાંડની સહકારી મિલના સભ્ય અને શેરડીના ખેડૂત બાલા સાહેબ વીખેએ ફરિયાદ દાખલ કરાવી હતી.

પાકિસ્તાની ધ્વજને પ્રેમ કરનાર ભારતીય નથી : સંજય નિરૂપમ

મુંબઈના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનના ધ્વજને રગદોળવા માટે એને રસ્તા પર ચોંટાડવામાં આવે છે. આ બાબતે કેટલાક સ્થાનિકો વાંધો લઈને ધ્વજને બચાવવાનું કામ કરે છે ત્યારે દલિલબાજી અને હાથાપાઇ પણ થાય છે. શિવસેના (એકનાથ શિંદે)ના નેતા સંજય નિરૂપમ હંમેશા બોલકા રહ્યા છે. જોકે કોંગ્રેસ છોડયા પછી એમણે એમની વિચારધારા પણ બદલવી પડી છે. સંજય નિરૂપમનું કહેવું છે કે, ભારતના કોઈપણ નાગરીકને પાકિસ્તાનના ધ્વજ માટે પ્રેમ હોય તો દેશમાં રહેવાનો એને હક્ક નથી. આવા લોકો કોઈપણ ધર્મના હોય કે કોઈપણ સમાજના હોય એમને પાકિસ્તાન મોકલી આપવા જોઈએ.

બાળકોની ભલાઈ મહત્ત્વની, કસ્ટડી મામલે ઝઘડતા માતા-પિતાને સુપ્રીમની સલાહ

સુપ્રીમ કોર્ટે આપેલા એક અગત્યના ચૂકાદામાં કહ્યું છે કે બાળકની કસ્ટડી માટે ઝઘડતા માતા-પિતાએ બાળકની ભલાઈ માટે સૌથી પહેલા વિચારવું જોઈએ. કોર્ટે કહ્યું છે કે, માતા-પિતાનો પ્રેમ બાળક માટે જરૂરી તો છે જ પરંતુ આ આધારે બાળકની કસ્ટડી કોને આપવી એ નક્કી કરી શકાય નહીં. આ ટીપ્પણી કરીને સુપ્રીમ કોર્ટે કેરળ હાઇકોર્ટે ૨૦૧૪માં ૧૧મી ડિસેમ્બરે આપેલા હુકમને રદ કર્યો હતો. હાઇકોર્ટે પિતાને દર મહિને ૧૫ દિવસ માટે બાળકોની કસ્ટડી આપવાનો હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ વ્યવસ્થા અવ્યવહારુ હોવાનું કહીને બાળકોની ભલાઈ માટે નુકસાનકારક ગણાવ્યો હતો. એક સોફ્ટવેર એન્જિનિયર મહિલાએ હાઇકોર્ટના હુકમને ચેલેન્જ કર્યો હતો.

મોદી ગાયબ થયા તે ટીકા બરાબર નથી : ફારૂખ અબ્દુલ્લા

ફારૂખ અબ્દુલ્લાના વલણથી વિપક્ષોને પણ આશ્વર્ય થયું છે. એક તરફ પહલગામ હુમલાના ૧૦ દિવસ થયા છતાં સરકારે કોઈ કાર્યવાહી કરી નહીં ને વળી પીએમ મોદીએ પણ કોઈ નિવેદન બિહારની સભા પછી આપ્યું નથી. એ સંદર્ભમાં વિપક્ષોએ, ખાસ તો કોંગ્રેસે ટીકા શરૂ કરી હતી કે પીએમ મોદી ગાયબ થઈ ગયા છે. જિમ્મેદારી કે વક્ત ગાયબ - એવી ફોટોલાઈન સાથે સોશિયલ મીડિયામાં ફોટા સાથે ટીકા શરૂ થઈ હતી. તેનો બચાવ ભાજપના નેતાઓએ તો શરૂ કર્યો જ હતો, પરંતુ આશ્વર્યજનક રીતે ફારૂખ અબ્દુલ્લાએ બચાવ કરતા કહ્યું કે પીએમ મોદી ગાયબ થઈ ગયા છે એવી ટીકા કરવી યોગ્ય નથી. કારણ કે પીએમ દિલ્હીમાં જ છે અને સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે.

કેન્દ્રની ટીકા નહીં, સમર્થન કરવાનો સમય છે : માયાવતી

ઘણી બાબતોમાં વારંવાર કેન્દ્ર સરકારની ટીકા કરતા અને કેન્દ્ર પર, ભાજપ પર પછાત વર્ગો સાથે ભેદભાવનો આરોપ લગાડતા માયાવતીએ પહલગામ હુમલાના ૧૦ દિવસ થયા છતાં કાર્યવાહી ન થયાનો ગણગણાટ શરૂ થયો તેની સામે બચાવ કર્યો હતો. માયાવતીએ કહ્યું હતું કે અત્યારે કેન્દ્રની ટીકા કરવી ન જોઈએ. કેન્દ્ર સરકારને સમર્થન આપવું જોઈએ. ઉત્તર પ્રદેશના સપાના નેતાઓએ બહેનજીનો જવાબ પણ આપ્યો હતો કે સર્વપક્ષીય બેઠકમાં જ બધા નેતાઓએ કેન્દ્રને સમર્થન આપ્યું હતું. અત્યારે પણ પાકિસ્તાન સામે અને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની વાતમાં સૌ કેન્દ્રની સાથે છે. બહેનજી આવું કહીને વિપક્ષો વિશે ભ્રમ ફેલાવે છે.

સંઘના મુખપત્રમાં આતંકી હુમલાને હિન્દુઓ સામેનો અત્યાચાર ગણાવાયો

સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરના તંત્રીલેખમાં પહલગામના આતંકવાદી હુમલાની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. સાથે સાથે દલીલ થઈ હતી કે આ હુમલો આતંકવાદી તો ખરો જ, પરંતુ હિન્દુઓને નિશાન બનાવીને થયો હોવાથી ધાર્મિક અત્યાચાર છે. ધર્મ પૂછીને આ રીતે આતંકવાદી હુમલો થયો હોય એવું બહુ રેર કેસમાં બનતું હોય છે, એવું પહલગામમાં બન્યું છે. મુખપત્રમાં કહેવાયું કે ભલે ચોક્કસ વર્ગ સેક્યુલર નરેટિવ સેટ કરે છે, પરંતુ હકીકતને ઢાંકી શકાય તેમ નથી.

કટ્ટર પ્રચારના વિડીયોથી જાણીતી બિહારની ખુશ્બુ પાંડે જેલમાંથી છૂટી

કટ્ટર ભાષણો અને રીલ્સના કારણે જાણીતી થયેલી ખુશ્બુ પાંડે નામની યુવતી થોડા સમય પહેલાં તેની રીલ્સના કારણે બેહદ પોપ્યુલર થઈ હતી. તેના જોતજોતામાં દોઢ લાખ ફોલોઅર્સ થઈ ગયા હતા, પરંતુ બિહારના જમુઈમાં એક હિંસા થઈ તેની પાછળ ખુશ્બુનું ભાષણ જવાબદાર હતું એવા આરોપમાં તેની ધરપકડ થઈ હતી. ૪૬ દિવસ જેલમાં રહ્યા પછી તેને જામીન મળ્યા હતા. એ પછી હિન્દુવાદી સંગઠનોએ ખુશ્બુ પાંડેના નામે અસંખ્ય પોસ્ટ મૂકી હતી. ૨૪ વર્ષની આ યુવતી કનોટ પ્લેસમાં જ્ઞાાનવાપી મસ્જિદ મુદ્દે નવ મિનિટનો વિડીયો બનાવ્યો પછી ફેમસ થઈ હતી. ચર્ચા તો એવીય ચાલી રહી છે કે ભાજપ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં ખુશ્બુને પણ ટિકિટ આપશે. ખુશ્બુ હવે રાજકારણમાં સક્રિય થાય એવી અટકળો ચાલી રહી છે.

- ઇન્દર સાહની