કોંગ્રેસ હાઇકમાન્ડે પાંચ નેતાઓને દિલ્હી બોલાવ્યા
નવીદિલ્હી : પંજાબ ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાતા જ કોંગ્રેસમાં પણ ફેરફારની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગેએ પંજાબના પાંચ વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા. એમ કહેવાય છે કે પંજાબના કોંગ્રેસ પ્રમુખને બદલવાની વાતચીત થઈ રહી છે. આ સંકેત પંજાબના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અને ગુરુદાસપુરના સાંસદ સુખજીંદર રંધાવાએ આપ્યો છે. સુખજીંદર રંધાવાએ કહ્યું હતું કે કોંગ્રેસ હાઇકમાન્ડે મીટીંગ બોલાવી છે, પરંતુ નેતૃત્વમાં ફેરફાર થશે કે નહીં એ હજી નક્કી થયું નથી. બેઠકમાં સુખજીંદર સિંહ રંધાવા સિવાય અમરિંદર સિંહ રાજા વડીંગ, પ્રતાપસિંહ બાજવા, ચરણજીત સિંહ ચન્ની અને ડો. અમરસિંહ પણ હાજર રહ્યા હતા. હવે પછીની મીટીંગમાં આ નેતાઓ સિવાય રાહુલ ગાંધી અને કોંગ્રેસ પંજાબના પ્રભારી ભૂપેશ બધેલ પણ હાજર રહેશે. પક્ષમાં કેટલાક માને છે કે રાજા વડીંગને દુર કરીને કોઈ નવી વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવવા જોઈએ. જોકે વડીંગના સમર્થકો કહે છે કે ૨૦૨૭ની ચૂંટણી સુધીમાં નેતૃત્વ બદલવું જોઈએ નહીં.
પદ્મનાભસ્વામી મંદિરના વિવાદ વચ્ચે ટીડીબીનો મોટો નિર્ણય
ટ્રાવણકોર દેવસ્વમ બોર્ડ (ટીડીબી)એ કહ્યું છે કે મંદીરોની સંપત્તી અને લેણદેણનો ડીજીટલ રેકોર્ડ બનાવવામાં આવશે. ટીડીબી બોર્ડ પોતાની હેઠળ આવેલા મંદિરોની મૂલ્યવાન વસ્તુઓ, સપત્તીઓ અને અન્ય લેણદેણનો હિસાબ રાખવાની યોજના બનાવે છે. ટીડીબીના અધ્યક્ષએ આ બાબતે ફોડ પાડતા કહ્યું હતું કે, હવે તમામ સંપત્તીઓનો ડીજીટલરૂપે રેકોર્ડ રાખવામાં આવશે કે જેથી છેડછાડ થઈ શકશે નહીં. આ બાબતે બોર્ડના સભ્યોની બેઠકમાં ચર્ચ કરવામાં આવશે. ડીજીટલીકરણની પ્રક્રિયા કેરળ હાઇકોર્ટના આદેશ અનુરૂપ કરવામાં આવશે. શ્રીપદ્મનાભસ્વામી મંદિરની અતિમૂલ્યવાન વસ્તુઓ ગુમ થઈ ગઈ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મંદિરના અધિકારીઓએ આ આરોપનો ઇન્કાર કર્યો છે, પરંતુ સરકારે તપાસ કરવાનો નિર્ણય કર્યો છે.
જાપાને ભારતીય કેરીની આયાત પર કેમ પ્રતિબંધ મૂક્યો
દુનિયામાં કેરીનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. ભારત પાસેથી કેરી ખરીદનારા દેશોમાં જાપાન પણ છે. જોકે આ વર્ષે જાપાનવાસીઓ ભારતીય કેરી ખાઈ શકશે નહીં. જાપાને ભારતની કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. જાપાનના અધિકારીઓનું કહેવું છે કે પેસ્ટ કન્ટ્રોલની પ્રક્રિયા ખામીવાળી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા ૧૯૮૦માં જાપાને ભારતની કેરી ખરીદવાનું બંધ કરી દીધું હતું. એ વખતે જાપાનને ડર હતો કે ભારતમાં ફળ પર લાગેલી જીવાતની સાથે ઇંડા અને લાળ પણ એમને ત્યાં પહોંચી જશે જેના ચેપને કારણે જાપનની ખેતીને નુકસાન થશે. જાપાનને હવે ભારતની ટ્રીટમેન્ટમાં ગરબડ લાગવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે કેરીની સીઝનમાં જાપાન પોતાના નિરીક્ષકોને દિલ્હી મોકલે છે.
સીડીએસ જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ સંતોષજનક રહ્યો
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) અનિલ ચૌહાણ ચાર દાયકા સુધી સૈન્યમાં સેવા આપીને નિવૃત્ત થયા છે. એમના કાર્યકાળ દરમિયાન એમની કામગીરી સંતોષજનક રહી હતી. નવી દિલ્હીના સાઉથ બ્લોકની લોનમાં એમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. દેશના સર્વોચ્ચ સૈન્ય અધિકારીને નિવૃ્તી પર આ સન્માન અપાયું હતું. ગાર્ડ ઓફ ઓનર પછી જનરલ ચૌહાણ નેશનલ વોર મેમોરિયલ ગયા હતા. જ્યાં એમણે શહીદ થનાર સૈનિકોને શ્રદ્ધાંજલી આપી હતી. જનરલ ચૌહાણે કહ્યું હતું કે, 'ત્રણે સેનાઓ દ્વારા અપાયેલા ગાર્ડ ઓફ ઓનરની સાથે રીટાયર્ડ થવું એ ગૌરવની વાત છે. આ માટે હું ત્રણે સેનાઓ અને આઇડીએસ મુખ્ય મથકનો આભારી છું.
ત્રણ રાજ્યોમાં 19 ઠેકાણે એનાઆઇએની કાર્યવાહી
નેશનલ ઇન્વેસ્ટીગેટીવ એજન્સી (એનઆઇએ)એ ત્રણ રાજ્યોમાં ૧૯ ઠેકાણે દરોડા પાડયા છે. કેરળના મલપ્પપુરમ જિલ્લામાંથી મળેલા ગેરકાયદેસર વિસ્ફોટકો સાથે જોડાયેલી તપાસ માટે એનઆઇએએ આ કાર્યવાહી કરી છે. એનઆઇએ કેરળ, કર્ણાટક અને તામિલનાડુમાં ૧૯ સ્થળોએ તપાસ કરી રહી છે. એનઆઇએએ કેરળના તીરૂઆરંગડીમાં વિસ્ફોટકોથી ભરેલી ટ્રકની તપાસના મામલે મલપપુરમ જિલ્લામાં બે જગ્યાએ દરોડા પાડયા હતા. તીરૂરંગડીના એક ગોડાઉન પર અને ઉથીયાથુકુન્નુ, બંદુરમાં ટ્રક માલિકની પત્નીના ઘરે દરોડા પાડયા હતા અને કેટલીક વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. દરોડા આરોપીઓના નિવાસસ્થાને તેમજ વ્યવસાયીક સ્થાનો પર અને એમની સાથે જોડાયેલી વ્યક્તિઓને ત્યાં પાડવામાં આવ્યા હતા. પોલીસે ફેબુ્રઆરી મહિનામાં ચેમ્મડ ખાતેથી કાંદા ભરીને જઈ રહેલી એક ટ્રકમાથી ૧૦,૫૦૦થી વધુ જીલેટીન અને ડેટોનેટર જપ્ત કર્યા હતા.
41 દેશોની એઆઇ સ્પર્ધામાં ભારત ચોથા નંબરે
'સ્ટેટ ઓફ ઇન્ડિયા ડીજીટલ ઇકોનોમી' (એસઆઇડીઇ) ૨૦૨૬ના અહેવાલ પ્રમાણે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ડીજીટલ અર્થવ્યવસ્થા બન્યું છે. સીએચ આઇપીએસ - એઆઇ ઇન્ડેક્સમાં ભારત ચોથા નંબરે પહોંચી ગયું છે. આ એઆઇ સ્પર્ધામાં ૭૧ દેશોએ ભાગ લીધો હતો.
ડીજીટલ પ્રદર્શનમાં ભારતે જર્મની, ફ્રાન્સ, જાપાન અને કેનેડાને પાછળ રાખી દીધા છે. ભારતે ડીજીટલ કમાણી કરતી સેવાઓના વેપારમાં ૩૨૮ અબજ અમેરિકન ડોલર કમાયા છે. આમ ભારત દુનિયામાં બીજા નંબરનો સોથી મોટું એઆઇ ટેલેન્ટ પુલ બન્યું છે. રીપોર્ટ પ્રમાણે વૈશ્વિક ડીજીટલ લેન્ડસ્કેપમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે એઆઇનો ઉપયોગ કરનાર ૭૨ ટકા લોકો વિકાસસીલ દેશોના છે, જ્યારે ભારત અને ચીન મળીને દુનિયામાં એઆઇને અપનાવનાર દેશોમાં સૌથી આગળ છે.


