Get The App

દિલ્હીની વાત : લોહીમાં સિંદૂર દોડવા બાબતે કેજરીવાલનો મોદી પર કટાક્ષ

Updated: Jun 1st, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : લોહીમાં સિંદૂર દોડવા બાબતે કેજરીવાલનો મોદી પર કટાક્ષ 1 - image

નવીદિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણી હાર્યા પછી ખોવાય ગયેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદ કેજરીવાલ ફરીથી સક્રિય થયા છે. પંજાબની લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીના પ્રચાર માટે કેજરીવાલ ફરી રહ્યા છે. આપના ઉમેદવાર સંજીવ અરોરા જ્યારે ઉમેદવારી પત્રક ભરવા ગયા ત્યારે કેજરીવાલ એમની સાથે હતા. કેજરીવાલે કહ્યું હતું કે, 'અગાઉની ચૂંટણીમાં તમે અહીંથી અમને જીતાડયા હતા. પેટા ચૂંટણીમાં અમારા ઉમેદવાર સંજીવ અરોરા છે. એમના વિશે મારે કહેવાની જરૂર નથી. જેમ મોદી કહે છે કે એમના લોહીમાં સિંદુર દોડી રહ્યું છે. મને ખબર નથી કે એમના લોહીમાં સિંદુર દોડે છે કે નહીં, પરંતુ સંજીવ અરોરાના લોહીમાં લુધિયાણા દોડી રહ્યું છે. લુધિયાણાના કામ કરાવવા માટે સંજીવ અરોરા ભગવંત માન પર સતત દબાણ કરી રહ્યા છે.'

ઇન્ડીગોને સરકારે કહ્યું, તૂર્કી એરલાઇન્સ સાથે લીઝ ખતમ કરો

દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડીગોને ભારત સરકારે તૂર્કી એરલાઇન્સ સાથે લીઝના કરાર પૂરા કરવા માટે કહ્યું છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તૂર્કીએ પાકિસ્તાનને મદદ કરી હોવાથી ભારત અને તૂર્કી વચ્ચે સંબંધો બગડયા છે. તૂર્કી એરલાઇન્સ સાથે ઇન્ડીગોએ કરેલા બે બોઇંગ ૭૭૭ -૩૦૦ ઇઆર વિમાનોની લીઝ ફક્ત ત્રણ મહિના માટે વધારવાની પરવાનગી ડીરેક્ટોરેટ જનરલ ઓફ સીવીલ એવિએશન (ડીજીસીએ)એ આપી છે. જોકે પૂર્વ શરત એવી રાખવામાં આવી છે કે ત્રણ મહિના પછી ઇન્ડીગો આ કરાર રદ કરશે અને ભવિષ્યમાં તૂર્કી એરલાઇન્સ સાથે કોઈ કરાર નહીં કરે. આ કરાર ત્રણ મહિના સુધી લંબાવવાનું કારણ એ છે કે જો અચાનક કરાર રદ કરવામાં આવે તો પ્રવાસીઓને તકલીફ પડી શકે એમ હતી.

સુપ્રિમ કોર્ટમાં ખાલી જજોની બેઠકો ભરાઈ ગઈ

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડીયા ડી આર ગવઈએ જસ્ટીસ એન વી અંજારીયા, જસ્ટીસ વિજય બિશ્નોય અને જસ્ટીસ એ એસ ચાંદુલકરને સુપ્રિમ કોર્ટના જજ તરીકે સોંગધ લેવડાવ્યા હતા. આ સોંગધવીધી પછી સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા ૩૪ થઈ ગઈ છે. સુપ્રિમ કોર્ટમાં હવે કોઈ ન્યાયાધીશની વરણી બાકી નથી. ભૂતપૂર્વ સીજેઆઇ સંજીવ ખન્ના, જસ્ટીસ ઋષિકેશ રાય અને જસ્ટીસ એ એસ ઓકાની નિવૃત્તી પછી ત્રણ પદો ખાલી થયા હતા. જૂન મહિનામાં જસ્ટીસ એમ બેલા ત્રિવેદી પણ રીટાયર્ડ થઈ રહ્યા છે. ૧૯૮૮માં ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરનાર જસ્ટીસ એન વી અંજારીયા ૨૦૧૧માં ગુજરાત હાઇકોર્ટના એડીશનલ જજ બન્યા હતા. જસ્ટીસ વિજય બિશ્નોયએ ૧૯૮૯માં વકીલાતની શરૂઆત કરી હતી અને ૨૦૧૩માં રાજસ્થાન હાઇકોર્ટના જજ બન્યા હતા. જસ્ટીસ ચાંદુલકરે ૧૯૮૮માં વકીલાત શરૂ કરી હતી અને ૨૦૧૩માં બોમ્બે હાઇકોર્ટના જજ બન્યા હતા.

શશી થરૂરને પ્રતિઉત્તર આપતા પવન ખેડાએ એમનું પુસ્તક રજુ કરી દીધું

ઓલ પાર્ટી ડેલિગેશનમાં ભારતનો પક્ષ રાખવા માટે પનામા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરે આતંકવાદ સામે ભારતે લીધેલા પગલાના વખાણ કર્યા હતા. શશી થરૂરના નિવેદન પછી કોંગ્રેસમાં ધમસાણ મચી ગયું છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ શશી થરૂરના પુસ્તક 'ધ પેરાડોક્સીકલ પ્રાઇમ મીનીસ્ટર'માંથી કેટલાક અંશો જાહેર કર્યા છે. આ પુસ્તકમાં થરૂરે મોદી સરકાર પર સૈન્યનું રાજનીતીકરણ કરવાનો આક્ષેપ કર્યો હતો. ખેડાએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, હું થરૂરની વાત સાથે સહમત છું જેમણે આ પુસ્તક લખ્યું છે. ખેડા સિવાય કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે પણ શશી થરૂરને ટોણો મારતા એક વ્યંગાત્મક કવિતા લખી છે. કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે નેતાઓએ પોતાના અંગત અભિપ્રાયોને બદલે પાર્ટી લાઇન પર વાત કરવી જોઈએ.

'ન દિલ્હી ન પીંડી અમારે માટે પહેલું બાંગ્લાદેશ, યુનુસ પર બીએનપીના પ્રહાર'

બાંગ્લાદેશમાં મહોમદ યુનુસ સત્તામાં આવ્યા પછી દેશની પરિસ્થિતિ બગડી રહી છે. બાંગ્લાદેશના મુખ્ય વિરોધપક્ષ બાંગ્લાદેશ નેશનલીસ્ટ પાર્ટી (બીએનપી)એ મહોમદ યુનુસની સરકાર સામે મોરચો ખોલ્યો છે. બધુ ધ્યાન વિદેશનીતિ પર કેન્દ્રીત કરવાની યુનુસની નીતિની ટીકા બીએનપી કરે છે. બીએનપીના કાર્યકારી પ્રમુખ તારીખ રહેમાને બાંગ્લાદેશની ચૂંટણી પદ્ધતિમાં ફેરફાર કરવાની માંગણી કરી છે. એમના કહેવા પ્રમાણે મહોમદ યુનુસ ચૂંટાયેલા પ્રતિનિધિ નથી. એમણે વિદેશ નીતિ બાબતે નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. એમના કહેવા પ્રમાણે બાંગ્લાદેશે રાવળપીંડી કે દિલ્હી સાથે ગાઢ સંબંધ રાખવા કરતા બાંગ્લાદેશ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. એમણે એક રેલીમાં નારો આપ્યો હતો કે 'દિલ્હી નહીં, પીંડી નહી પહેલું બાંગ્લાદેશ'

સીઆરપીએફમાંથી હાકી કઢાયેલો મુનીર અહમદ કોર્ટ પહોંચ્યો

સીઆરપીએફના ભૂતપૂર્વ કોન્સ્ટેબલ મુનીર અહમદએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની હાઇકોર્ટનું શરણ લીધું છે. ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા વગર પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કરવા માટે મુનીર અહમદને નોકરીમાંથી હાકી કાઢવામાં આવ્યો હતો. હાઇકોર્ટએ કેન્દ્રીય ગૃહમંત્રાલય તેમ જ સીઆરપીએફને નોટીસ આપીને જવાબ માંગ્યો છે. મુનીર અહમદની દલીલ હતી કે એની કરવામાં આવેલી હકાલપટ્ટી માટે કોઈ કારણ નહોતું. એણે બધી પ્રોસીજરનું પાલન કર્યું હતું. પાકિસ્તાન રહેતી પોતાની કાકાની દીકરી મીનળ ખાન સાથે પોતે લગ્ન કર્યા હોવાની માહિતી એણે ઉચ્ચ અધિકારીઓને આપી હતી. કોર્ટને કરેલી અરજીમાં અહમદે ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાના ભલામણપત્રો પણ રજુ કર્યા છે. રાજ્યસભાના એક સાંસદે અહમદની પત્નીને તાત્કાલીક વિસા મંજૂર કરવા માટે ભલામણપત્ર લખ્યો હતો.

કોંગ્રેસ સામે થરુર પછી હવે સલમાન ખુરશીદ નામની સમસ્યા

સજકલ સ્ટ્રાઈક વિશે શશી થરૂરની ટિપ્પણીઓથી પહેલેથી જ ઝઝૂમી રહેલી કોંગ્રેસ, ઓપરેશન સિંદૂર પર બહુપક્ષીય પ્રતિનિધિમંડળના ભાગ રૂપે ઇન્ડોનેશિયાની મુલાકાત દરમ્યાન જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ કરવાના સલમાન ખુરશીદના બચાવથી ફરી એકવાર વિમાસણમાં મુકાઈ ગઈ છે. અગાઉ અનેકવાર મંત્રી રહી ચુકેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે ગુરુવારે ઈન્ડોનેશિયામાં શિક્ષણવિદો અને વિચારકોના એક સમૂહને સંબોધતા કહ્યું કે ૩૭૦ કલમે એવી છાપ ઊભી કરી હતી કે તે ભારતથી અલગ છે. પણ હવે ખાસ્સો સમય પસાર થવાથી તેને રદ કરવામાં આવી છે. ઉપરાંત ત્યાર પછી થયેલી ચૂંટણીમાં ૬૫ ટકા મતદાન થયું હતું. આજે પણ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટાયેલી સરકાર છે. અને તેથી જે લોકો કાશ્મીરમાં તેને પૂર્વવત કરવાની વાતો કરે છે તે અત્યંત કમનસીબ છે. જેડીયુ સાંસદ સંજય ઝાના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળના સભ્ય ખુરશીદે જણાવ્યું કે ઓપરેશન સિંદૂરનો એકમાત્ર હેતુ હતો કે ભારત પોતાના નાગરિકોની રક્ષા માટે તમામ શક્ય પગલા લેશે.

ભારત-પાકના સંબંધ સુધરવા મુશ્કેલઃજાવેદ અખ્તર

પ્રસિદ્ધ ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે શુક્રવારે જણાવ્યું કે નજીકના ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે નજીકના ભવિષ્યમાં સંબંધ સુધરે એના વિશે તેમને શંકા છે. જાવેદ અખ્તરે દક્ષિણ આફ્રિકાના ટ્રુથ એન્ડ રિકોન્સિલિયેશન કમિશનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ભાગલા પછી ભારત અને પાકિસ્તાને આવી તક ગુમાવી દીધી જેના પરિણામે બંને પક્ષે મોટા પાયે વિસ્થાપન અને આઘાત સર્જાયા. ફિલ્મ વિવેચક અને લેખિકા ભાવના સોમૈયા લિખિત ફેરવેલ કરાંચી પુસ્તકના વિમોચન પ્રસંગે બોલતા જાવેદે જણાવ્યું કે આજે હવે સમાધાન માટે ઘણુ મોડું થઈ ગયું છે. બંને દેશના લોકોને ૧૯૪૭-૪૮ પછી તેમની સાથે જે થયું તે જ યાદ છે. ભાગલાના સમયની પેઢી આજે હયાત પણ નહિ હોય. જાવેદે જણાવ્યું કે બંને દેશોની સરકારોએ નિરાશ્રીતોને સાથે લાવીને પોતાની કથની કહેવાની તક આપવી જોઈતી હતી. ત્યારે જ આપણને જાણ થાત કે કોના પર શું વીતી છે.

રેવન્થ રેડ્ડીના પીએમને રાફેલ વિશેના સવાલથી વિવાદ સર્જાયો

તેલંગણા સીએમ એ.રેવન્થ રેડ્ડીના વડા પ્રધાને ૧૪૦ કરોડ ભારતીયોને જણાવવું જોઈએ કે ઓપેરશન સિંદૂરમાં ભારતે કેટલા ફાઈટર જેટ ગુમાવ્યા જેવા નિવેદને મોટો રાજકીય હોબાળો સર્જ્યો છે. ભાજપે રેડ્ડી અને કોંગ્રેસની ભારતીય સૈન્યની ક્ષમતા સામે સવાલ ઉઠાવવા બાબતે ટીકા કરી હતી અને રેડ્ડીને રાષ્ટ્રીય સુરક્ષા વિશે બોલવાના સ્થાને મિસ વર્લ્ડ ફોટો શૂટને વળગી રહેવાની સલાહ આપી હતી.

- ઈન્દર સાહની