નવીદિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રાલયે સિનિયર આઇપીએસ અધિકારી રાકેશ અગ્રવાલને નેશનલ ઇન્વેસ્ટીગેટીવ એજન્સી (એનઆઇએ)ના ચીફનો વધારાનો હવાલો સોંપ્યો છે. હમણાના ડીજી સદાનંદ વસંત ડેટને મંત્રાલયે સમય પહેલા એમના મૂળ કેડરમાં મોકલ્યા પછી આ નિર્ણય કર્યો છે. હિમાચલ પ્રદેશ કેડરના ૧૯૯૪ બેચના આઇપીએસ અધિકારી અગ્રવાલ હમણા એનઆઇએમાં સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ તરીકે છે. એમને સપ્ટેમ્બર ૨૦૨૫માં આ હોદ્દા માટે પસંદ કરવામાં આવ્યા હતા. બીજો નિર્ણય નહી લેવામાં આવે ત્યા સુધી તેઓ એનઆઇએના ચીફ તરીકેની જવાબદારી સંભાળશે. ગૃહમંત્રાલયનો આ નિર્ણય કેબિનેટની કમીટી દ્વારા લેવામાં આવ્યો છે. સદાનંદ વસંત ડેટને શા માટે હટાવવામાં આવ્યા એ બાબતે કોઈ મગનું નામ મરી પાડતું નથી.
ચૂંટણી જીતવા મમતા બેનર્જી સોફ્ટ હિન્દુત્વને શરણે
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ હિન્દુમતોનું ધ્રુવીકરણ કરવાની કોશિષ કરે છે. ચાલાક રાજકારણી મમતા બેનર્જી જાણે છે કે, એમના મુસ્લિમ મતોમાં ભાજપ ભાગ પડાવી શકે એમ નથી. હિન્દુ મતદારોને આકર્ષવા માટે મમતા બેનર્જીએ પણ સોફટ હિન્દુત્વનું કાર્ડ રમવાનું નક્કી કર્યું હોય એમ લાગે છે.
દરિયા કિનારે આવેલા દિગહા શહેરમાં મમતાએ જગન્નાથ મંદિર બનાવવાની જાહેરાત કરી છે. કોલકત્તામાં દુર્ગા માતાનું મંદિર તેમજ સીલીગુડીમાં મહાકાલ મંદિર બનાવવાની જાહેરાત પણ મમતાએ કરી છે. મમતાનું કહેવું છે કે 'ઘણા લોકો મારી મુસ્લિમ તૃષ્ટિકરણ કરતી હોવાની ટીકા કરે છે. જોકે હું ખરા અર્થમાં બીનસાંપ્રદાયક છું. હું દરેક ધર્મમાં વિશ્વાસ રાખું છું. હું દરેક ધર્મના તહેવારોમાં જાઉ છું. હું ગુરુદ્વારામાં જાઉ છું ત્યારે માથુ ઢાકુ છું. હું રમઝાનની પાર્ટીમાં જાઉ છું એનાથી કેટલાકને તકલીફ કેમ થાય છે?'
બાંગ્લાદેશમાં જમાત અને એનસીપી સાથે આવતા ભારત ચિંતિત
બાંગ્લાદેશમાં ગયા વર્ષે શેખ હસીનાને સત્તા પરથી હટાવનાર આંદોલનનું નેતૃત્વ કરનારાઓએ નેશનલ સિટીઝન પાર્ટી (એનસીપી) બનાવી છે. એનસીપી બાંગ્લાદેશમાં વૈકલ્પિક રાજકારણ કરવાની વાત કરે છે, પરંતુ ટીકાકારો એને જમાત-એ ઇસ્લામીની બી ટીમ ગણે છે. એનસીપીના નેતાઓ ભારત વિરોધી નિવેદનો ખુલ્લેઆમ કરી રહ્યા છે. છેલ્લા ૧૧ મહિનામાં એનસીપીની ઓળખ ભારત વિરોધી પક્ષ તરીકે થઈ છે. હવે બાંગ્લાદેશમાં ચૂંટણી માટે ફક્ત બે મહિના બાકી છે ત્યારે એનસીપીએ જમાત-એ ઇસ્લામી સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જમાત-એ ઇસ્લામી બાંગ્લાદેશની સ્વતંત્રતા વિરુદ્ધ હતી. હવે એનસીપી બાંગ્લાદેશની સ્વતંત્રતાનો વિરોધ કરનાર પક્ષ સાથે ગઠબંધન કરશે ત્યારે ભારતની ચિંતામાં વધારો થયો છે. જો આ ગઠબંધન બાંગ્લાદેશમાં સત્તા પર આવશે તો ભારતના પૂર્વ ભાગ બાબતે વધુ સચેત રહેવું પડશે.
દિલ્હીમાં રખડતા કૂતરાઓની ગણતરી બાબતે વિવાદ
દિલ્હી સરકારે શહેરમાં રખડતા કૂતરાઓની ગણતરી કરવા માટે સ્કૂલના શિક્ષકોને કામગીરી સોંપી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી કરે છે. આપનું કહેવું છે કે, જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે શિક્ષકોને વધુ ટ્રેનિંગ માટે વિદેશ મોકલતા હતા. હવે ભાજપ સરકાર શિક્ષકો પાસે કૂતરાઓની ગણતરી કરાવીને એમને અપમાનીત કરી રહી છે. સોશ્યલ મીડિયા પર પણ આ બાબતે દલીલો શરૂ થઈ ગઈ છે. જોકે દિલ્હી સરકારનું કહેવું છે કે એમણે આવો કોઈ હુકમ કર્યો નથી. શિક્ષણમંત્રીએ પણ આ બાબતે ખુલાસો કરવો પડયો છે. શિક્ષણ ખાતાના અધિકારીઓએ સ્કૂલના બાળકોને રખડુ કૂતરાઓથી બચાવવા માટે શિક્ષકોને નોડલ અધિકારી બનવાનો હુકમ કર્યો હતો. સુપ્રિમ કોર્ટના હુકમ પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બાબતે શહેરી વિકાસ ખાતાના મુખ્ય અધિકારીની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી.
જતુ કરતા શીખો, હંમેશા લડો નહીં : બોમ્બે હાઇકોર્ટની સલાહ
બોમ્બે હાઇકોર્ટે હમણા કુટુંબીઓને સલાહ આપી હતી કે, જતુ કરતા શીખો, દરેક બાબતને કોર્ટમાં ઘસડો નહીં. ભાઈ - બહેન વચ્ચે ચાલી રહેલા બદનક્ષીના કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટીપ્પણી કરી હતી. ટ્રાયલ કોર્ટના ચૂકાદા સામે થયેલી અપીલ જસ્ટીસ જીતેન્દ્ર જૈન સાંભળી રહ્યા હતા. કોર્ટે મોડુ થઈ જવાથી એક પક્ષનું રીટર્ન સ્ટેટમેન્ટ સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો હતો. ભાઇ-બહેનને એમનો ઝઘડો સામ-સામે બેસીને પૂરો કરવાની સલાહ કોર્ટે આપી હતી. કોર્ટે કહ્યું હતું કે, 'ભાઈ-બહેનનો સંબંધ ખુબ જ પવિત્ર અને અગત્યનો છે. બંને એકબીજાનું રક્ષણ કરવા માટે કઈ પણ કરી છૂટે છે. આ ખાસ સંબંધ ઝઘડાઓ અને ગેરસમજને કારણે બગડે છે.' કોર્ટના કહેવા પ્રમાણે ઝઘડાનું મૂળ કારણ લોભ, અહમ અને લાલચ છે.
ઇન્દોરમાં દુષિત પાણીનો હાહાકાર, મરડાથી 8ના મૃત્યુ
ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં દુષિત પાણી પીવાથી લોકોના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. જોકે સરકારી તંત્ર દર્દીઓની સારવાર કરવાને બદલે મૃત્યુના આંકડા છૂપાવે છે. મરડાથી બિમાર લોકો હોસ્પિટલ પહોંચે છે, પરંતુ અધિકારીઓ વાત દબાવી રાખે છે. આરોગ્ય વિભાગે ફક્ત ત્રણ મૃત્યુ થયા હોવાની વાત સ્વિકારી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મરનારના પરિવારોને ૨ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મૌખિક આશ્વાસન આપે છે, પરંતુ જમીની હકીકત કઈક અલગ છે. દર્દીઓની સારવાર સરકારી ખર્ચે કરવાની વાત થાય છે, પરંતુ ઘણા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. કલેક્ટર શિવમ વર્મા મોટી વાતો કરે છે, પરંતુ તરત જ સરકારના બચાવમાં આવી જાય છે. દુષિત પાણી બાબતે કોઈ ચર્ચા થતી નથી.
આર્થિક સંકટ ટાળવા પાકિસ્તાન રાષ્ટ્રીય સંપત્તિ વેચી રહ્યું છે
પાકિસ્તાન મોટા આર્થિક સંકટમાં છે. પાકિસ્તાનનું વિદેશી દેવું ૧૩૪ બીલીયન ડોલર થઈ ગયું છે. આઇએમએફની શરતોને કારણે પાકિસ્તાનમાં ખાનગીકરણ વધી રહ્યું છે. હમણા જ પીઆઇએકોને ખાનગી હાથમાં સોંપવામાં આવ્યું છે. હવે સરકાર વિજળીનું વિતરણ કરતી કંપનીઓ, બેન્ક, ન્યુયોર્કની હોટલ, વિમા કંપનીઓનું પણ ખાનગીકરણ કરવાની યોજના બનાવી રહી છે. પાકિસ્તાની એરલાઇન પીઆઇએ લાંબા સમયથી આથક તકલીફોનો સામનો કરી રહી છે.
૨૦૨૬ના અંત પહેલા ખોટ કરતી બધી સરકારી કંપનીઓને વેચી મારવામાં આવશે એવી શક્યતા છે. હમણા તો રોજબરોજના ખર્ચા પુરા કરવા માટે પાકિસ્તાનનું દેવું વધતુ જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો સંપત્તિઓ વેચવામાં નહીં આવે તો પાકિસ્તાન પણ શ્રીલંકાની જેમ દેવાના સંકટમાં આવી જાય એમ છે.


