Get The App

દિલ્હીની વાત : ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનને ફટકો

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનને ફટકો 1 - image


નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને મોટો ફટકો પડયો છે. ચિરાગના પક્ષ લોજપા (રામવિલાસ)ના લગભગ ૧૧ નેતાઓ કાકા પશુપતિ પારસની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (રાલોજપા) સાથે જોડાઈ ગયા છે. એમાંથી લોજપા (આર)ના ખગડિયા જિલ્લાના ભૂતપૂર્વ પ્રમુખ શિવરાજ યાદવ, ભૂતપૂર્વ પ્રદેશ મહામંત્રી રતન પાસવાન સહિત બીજા નેતાઓ પણ છે. આ બધા નેતાઓએ રાલોજપાના પટણાસ્થિત કાર્યાલયમાં યોજાયેલા એક સમારંભમાં પક્ષનો ખેસ બાંધ્યો હતો. એ વખતે ભૂતપૂર્વ મંત્રી પશુપતિ કુમાર પારસ ભૂતપૂર્વ સાંસદ ચંદનસિંહ અને પ્રદેશ પ્રમુખ પ્રિન્સરાજ પાસવાન પણ હાજર રહ્યા હતા. ગયા અઠવાડિયે શિવરાજ યાદવ અને રતન પાસવાન સહિત ૩૮ નેતાઓ ચિરાગ પાસવાનનો સાથ છોડી ગયા હતા.

'શશી હું દુઃખી છું, તે મેંગો પાર્ટીમાં નહીં બોલાવી'

સંસદના ચોમાસા સત્રમાં કોંગ્રેસના મોટા ભાગના સાંસદોએ શશી થરૂરથી અંતર રાખ્યું હતું. કેટલાક કોંગ્રેસના નેતાઓની વર્તણૂક એવી હતી કે શશી થરૂર બીજા ગ્રહ પરથી આવેલી વ્યક્તિ હોય. જોકે કોંગ્રેસના નેતા રેણુકા ચૌધરી બીજાથી અલગ પડયા. રેણુકા જ્યારે થરૂરને મળ્યા ત્યારે મીઠી ફરિયાદ કરતા કહ્યું હતું કે, 'શશી, હું તારાથી અપસેટ છું કારણ કે તે મને મેંગો પાર્ટી માટે આમંત્રણ આપ્યું નહોતું.' સંસદના સત્ર દરમિયાન ભાજપના સાંસદો શશી થરૂર સાથે સામાન્ય કરતા વધુ વાતચીત કરતા જોવા મળ્યા હતા. શશી થરૂર પણ કોંગ્રેસ હાઇકમાન્ડની પરવા કર્યા વગર ભાજપના સાંસદો સાથે મળતા દેખાયા હતા.

'તમે દરેક મુદ્દે વચ્ચે બોલો છો'

સંસદના ચોમાસા સત્ર દરમિયાન રાજ્યસભાની કાર્યવાહીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા નહોતા. આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહના વિપક્ષ નેતા મલ્લીકાર્જુન ખડગે વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. નારાજ થયેલા વિરોધપક્ષના સાંસદોએ ત્યાર પછી રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ખડેગના નેતૃત્વમાં વિરોધપક્ષના સાંસદોએ માંગણી કરી હતી કે વડાપ્રધાને રાજ્યસભામાં આવવું જોઈએ અને ઓપરેશન સિંદુરની જાણકારી આપવી જોઈએ. વિરોધ પક્ષના કેટલાક સવાલો વડાપ્રધાનને સંબંધીત હતા. ખડગેએ અમિત શાહને કહ્યું હતું કે હું એમ નથી કહેતો કે તમે જવાબ આપવામાં સક્ષમ નથી, પરંતુ વડાપ્રધાનની હાજરી જરૂરી છે. આનો જવાબ આપતા ગૃહના ઉપસભાપતિ હરિવંશએ કહ્યું હતું કે, ખડગેજી હું તમને કહેવા માંગુ છું કે સરકાર તરફે કોઈપણ મંત્રી જવાબ આપી શકે છે. એ વખતે અમિત શાહે ટીપ્પણી કરી હતી એટલે ખડગેએ ઉપસભાપતિને કહ્યું હતું કે તમે દરેક મુદ્દે વચ્ચે બોલો છો.

અખિલેશ યાદવ તેજપ્રતાપને ટેકો આપે એવી શક્યતા

આરજેડી અને કુટુંબમાંથી બેદખલ કરવામાં આવેલા તેજપ્રતાપ યાદવને હવે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ ટેકો આપે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. તેજપ્રતાપ યાદવ અચાનક સમાજવાદી પાર્ટીની ઓફિસે પહોંચી ગયા હતા. આ બાબતે બિહારના રાજકારણમાં ચર્ચા થઈ રહી છે. પટણા સ્થિત સપાના પ્રદેશ કાર્યાલયમાં તેજપ્રતાપ લગભગ ૧ કલાક સુધી રહ્યા હતા. થોડા દિવસો પહેલા તેજપ્રતાપએ અખિલેશ સાથે વિડિયો કોલથી પણ વાતચીત કરી હતી. સમાજવાદી પાર્ટીના મિડિયા પ્રભારી રાજેશસિંહ સહીત બીજા કેટલાક નેતાઓએ પણ તેજપ્રતાપ સપાની ઓફિસમાં આવ્યા એનું સ્વાગત કર્યું હતું. સપાના નેતા રાજેશએ કહ્યું હતું કે, તેજપ્રતાપ પક્ષના કાર્યાલયમાં ૧ કલાક સુધી રોકાયા હતા અને બિહારના રાજકારણ વિશે વાતો કરી હતી. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે તેજપ્રતાપ યાદવ સમાજવાદી પક્ષ સાથે જોડાઈ જાય તો નવાઈ નહીં.

જયા બચ્ચન સત્તાપક્ષના સાંસદો પર કેમ ભડક્યા

સંસદના ચોમાસા સત્ર દરમિયાન ઓપરેશન સિંદુર પર ચર્ચા થઈ હતી. એ વખતે ફિલ્મ અભિનેત્રી અને રાજ્યસભાના સાંસદ જયા બચ્ચનએ ઓપરેશન સિંદુર નામ પર પ્રશ્ન કરવાથી વિવાદ થયો હતો. જયા બચ્ચનએ કહ્યું હતું કે, પહેલગામ આતંકવાદી હુમલામાં ઘણી મહિલાઓના સિંદુર ઉજળી ગયા હતા તો પછી ઓપરેશન સિંદુર નામ કોણે રાખ્યું. સત્તાપક્ષની બેન્ચ તરફ જોઈને એમણે કહ્યું હતું કે, 'તમે જે લેખકોને રાખ્યા છે એ માટે હું તમને ધન્યવાદ આપું છું. જેમના મૃત્યુ થયા એમની પત્નીઓનું શું.' જયા બચ્ચન જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે વિપક્ષના સાંસદોએ એમને ટોક્યા હતા એટલે ગુસ્સે થયેલા જયાએ એમને કહ્યું હતું કે ક્યાં તો તમે બોલો ક્યાં તો હું બોલીશ. તમે બોલો છો ત્યારે હું વચમા નથી બોલતી. તમારી જબાન પર કાબુ રાખો.

બાંકેબિહારી મંદિર કેસમાં અરજી કરનારાઓને આંચકો

બાંકેબિહારી મંદિર કેસમાં અરજી કરનારાઓને આંચકો લાગ્યો છે. અરજી કરનારા વકીલએ ફગાવવામાં આવેલી અરજી ફરીથી રજુ કરવાને કારણે સુપ્રિમ કોર્ટની નારાજગીનો સામનો કરવો પડયો હતો. અરજી કરનારા વકીલએ ચિફ જસ્ટીસ બી આર ગવઇની કોર્ટમાં અન્ય નિવેદનોની સાથે મૂળ અરજી ટેગ કરવાની માંગણી કરી ત્યારે જસ્ટીસ સતિષચંદ્ર શર્માએ ટીપ્પણી કરી હતી કે, તમે આ જ અરજી પહેલા પણ અમારી સામે રજુ કરી હતી ત્યારે અમે એને ફગાવી દીધી હતી. વૃંદાવનના બાંકેબિહારી મંદિર સાથે જોડાયેલા કોરીડોર વિવાદ બાબતે સુપ્રિમ કોર્ટે અગત્યની ટીપ્પણી કરીને મોટો નિર્ણય લીધો છે. કોર્ટે હુકમ કર્યો છે કે મંદિર સંબંધિત અને વૃંદાવન કોરીડોર સાથે જોડાયેલી બધી અરજીઓની સુનાવણી હવે એક બેન્ચ કરશે.

'મતલબ કે તમે માનો છો કે પેન્સિલો તૂટી છે'*

સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદુર પર થતી ચર્ચાની વચ્ચે વિરોધપક્ષે સવાલ કર્યો હતો કે, ઓપરેશન સિંદુર વખતે ભારતના કેટલા વિમાન તોડી પાડવામાં આવ્યા હતા. આના જવાબમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે આજે પણ લોકો પૂછે છે કે આપણા કેટલા વિમાનો તૂટયા. આપણે આવી વાતોનું ધ્યાન રાખવું જોઈએ નહીં કે પરીક્ષા સમયે કેટલી પેન્સિલ તૂટી કે કેટલી પેન્સીલ ખોવાઈ ગઈ. છેવટે તો રીઝલ્ટ જ અગત્યનું છે. બિહારની જાણીતી ગાયીકા સ્નેહાસિંહ રાઠોડએ આ બાબતે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે. રાઠોડએ લખ્યું છે કે, 'મતલબ કે તમે માની રહ્યા છો કે પેન્સિલ તૂટી છે અને પેન્સિલ ગુમ થઈ છે. તમારી દ્રષ્ટિએ રીઝલ્ટ કેવું આવ્યું છે.' જોકે સ્નેહાસિંહની ટ્વીટનો જવાબ કેટલાકએ ચતુરાઈથી આપ્યો છે. એક જણે લખ્યું છે કે સૌથી શક્તિશાળી અમેરિકા અને રશિયાના સૈન્યોની પણ પેન્સિલો તૂટે છે અને પેન્સિલો ખોવાય છે.

મેઘાલયમાં કોંગ્રેસના પાટિયાં પડી ગયા 

કોંગ્રેસના રાજ્યમાં એકમાત્ર વિધાનસભ્ય રોની વી.લિંગ્ડોહ બુધવારે વિધિસર પક્ષ સાથેનો નાતો તોડી શાસક નેશનલ પિપલ્સ પાર્ટી-એનપીપી-માં જોડાઇ જતાં મેઘાલયમાં કોંગ્રેસના પાટિયાં પડી ગયા છે. વિધાનસભાના સ્પિકર થોમસ સંગમાને સોંપવામાં આવેલું રાજીનામું સ્વીકારી લઇ તેમના રાજકીય જોડાણને માન્ય કરવામાં આવ્યું હતું. મિલિયેમ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં લિંગ્ડોહ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા હતા. તેમના જવા સાથે મેઘાલયમાં એક વખતનો મોટો પક્ષ કોંગ્રેસ ૬૦ સભ્યોની વિધાનસભામાં નામશેષ થઇ ગયો છે. 

પક્ષાંતરવિરોધી ધારાની જોગવાઇઓ હેઠળ ગેરલાયક ન ઠરી જવાય તે માટે દસમા શેડયુઅલની જોગવાઇઓ અનુસાર લિંગ્ડોહે આ પગલું ભર્યું હતું. લિંગ્ડોહના એનપીપી સાથેના જોડાણને સ્પિકરે મંજૂરી આપી હતી. રાજ્યમાં કોંગ્રેસના અન્ય ત્રણ વિધાનસભ્યો સેલેસ્ટીન લિંગ્ડોહ, ગેબ્રિયલ વાહલાંગ અને ચાર્લ્સ માર્નગર ૧૯ ઓગસ્ટ ૨૦૨૪માં જ એનપીપીમાં જોડાઇ ગયા હતા. તેમના જોડાણને પણ સ્પિકરે સ્વીકાર્યું હતું પણ કોંગ્રેસ પક્ષે તેને હાઇકોર્ટમાં પડકાર્યું છે અને આ કેસ હાલ પેન્ડિગ છે. 

સિંધુ જળ કરાર મુદ્દે નેહરૂની ટીકાને કોંગ્રેસે આઘાતજનક ગણાવી 

કોંગ્રેસના  મહામંત્રી અને રાજ્યસભાના સભ્ય જયરામ રમેશે વિદેશ પ્રધાન જયશંકરે સિંધુ જળ સમજૂતી બાબતે જવાહર લાલ નેહરૂ વિશે કરેલી ટિપ્પણીને આઘાતજનક ગણાવી હતી. તેમણે જયશંકરમાં પ્રોફેસલનીઝમનો અભાવ હોવાનું જણાવી આ સંધિનું મહત્વ રાજ્યસભામાં ઓપરેશન સિંદુરની ચર્ચા દરમ્યાન સમજાવ્યું હતું. તેમણેજણાવ્યું હતું કે સતલજ, બિયાસ અને રાવી નદીઓ ભારતમાં ભાકરા નાંગલ ડેમ અને રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ માટે મહત્વની હોઇઆ સંધિ કરવામાં આવી હતી. આ સંધિ કરવાનું પગલું નેહરૂએ કોમી થાબડભાણાં  કરવા માટે ભર્યું હોવાનો આક્ષેપ કરી જયશંકરે તેમનામાં પ્રોફેસલીનીઝમનો અભાવ હોવાનું પુરવાર કર્યું છે. એક સમયે વિદેશ પ્રધાન એક પ્રોફેસનલ તરીકે કામ કરવા માટે જાણીતા હતા. આજે તેમણે દર્શાવ્યું છે કે તેમણે આ પ્રોફેસનલીઝમ લાંબા સમયથી છોડી દીધું છે. કોંગ્રેસે  રાજ્યસભામાં સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી. આ ટીકાને પગલે તંગદિલી ઓર વધશે તેમ લાગે છે. 

- ઇન્દર સાહની

Tags :