Get The App

દિલ્હીની વાત : મમતાની લાડકી રાજન્યા હલધરે ટીએમસીનું ટેન્શન વધાર્યું

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : મમતાની લાડકી રાજન્યા હલધરે ટીએમસીનું ટેન્શન વધાર્યું 1 - image

નવીદિલ્હી : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. સોનારપુર દક્ષિણથી ભાજપના રૂપા ગાંગુલી અને આસનસોલ દક્ષિણથી અગ્નીમિત્રા પોલ ચૂંટણી લડી રહ્યા છે. સોનારપુર દક્ષિણમાંથી ટીએમસીએ ટીવી અભિનેત્રી અરૃંધતી મૈત્રા ઉર્ફ લવલી મૈત્રાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે આસનસોલ દક્ષિણની બેઠક પર તાપસ પોલને ટિકિટ આપી છે. આ બંને બેઠકો પર હાઇપ્રોફાઇલ ઉમેદવારો સિવાય બીજા એક ઉમેદવાર પણ ચૂંટણી લડી રહ્યા છે જેમનું નામ રાજન્યા હલધર છે. રાજન્યા એક જમાનામાં મમતા બેનર્જીના ખાસ હતા. રાજન્યા આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે બંને બેઠકો પર ભાજપ અને ટીએમસીને ટક્કર આપશે. ટીએમસી યુવા મોરચાની તેજતર્રાર નેતા રાજન્યા હલધર આસનસોલ અને સોનારપુરમાં ઘરે ઘરે જઈને ચૂંટણી પ્રચાર કરે છે.

ગેસ સપ્લાય માટે સરકારની યોજના કેટલી સફળ થશે

સબ સલામતીની વાત છતા પણ ઇરાન યુદ્ધને કારણે ગેસની અછતનું સંકટ દેશ પર તોળાઈ રહ્યું છે. હોર્મૂઝની ખાડીમાંથી ભારતના જહાજો ઇરાન પસાર થવા દે છે. જોકે ભવિષ્યમાં જો ઇરાનની નીતિ બદલાઈ તો ભારત શું કરી શકે એ વિશે વિચાર થઈ રહ્યો છે. દેશની ઓઇલ અને ગેસ કંપનીઓ હવે બીજા દેશમાંથી એલપીજી ખરીદવાનો વિકલ્પ શોધી રહી છે. દેશની ગેસ કંપનીઓ આફ્રિકાના અંગોલા દેશની કંપની સોનાનગોલ પાસેથી એલપીજી ખરીદવા વિચારી રહી છે. જો વાતચીત સફળ રહી તો દેશની કંપનીઓ સોનાનગોલ સાથે લાંબા ગાળાનો કરાર પણ કરશે. હમણા ભારતનો ૯૨ ટકા એલપીજી ગલ્ફના દેશોમાંથી આવે છે. યુદ્ધને કારણે ભારત આ નિર્ભરતા ઘટાડવા માંગે છે. જો અંગોલા સાથે કરાર થાય તો જહાજોએ એટલાન્ટીક અને અરબી સમુદ્રમાંથી પસાર થવું પડે. હોર્મૂઝની ખાડી આ રૂટ પર વચ્ચે આવતી નથી.

કર્મચારીઓની તરફેણમાં સુપ્રિમ કોર્ટનો ચૂકાદો

સુપ્રિમ કોર્ટે કર્મચારીઓના ફાયદામાં મોટો નિર્ણય લીધો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ કર્મચારી પાસેથી લાંબા સમય સુધી કામ લેવામાં આવે તો એને કાયમી કર્મચારી માનવા જોઈએ. સુપ્રિમ કોર્ટના ચુકાદા અનુસાર લાંબા સમય સુધી સેવા આપવી એ જ પુરાવો છે કે આ પદ માટે જે તે વ્યક્તિને કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવી છે. જસ્ટીસ મનોજ મિશ્રા અને જસ્ટીસ મનમોહનની બેન્ચે અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો રદ કર્યો હતો. કોર્ટે અસરગ્રસ્ત કર્મચારીઓને ફરીથી નોકરી પર લેવાનો હુકમ કર્યો છે. આ કિસ્સો કાનપુર નગરપાલિકાના કર્મચારીઓને લગતો છે. કર્મચારીઓ ૧૯૯૩થી ૨૦૦૬ સુધી નગરપાલિકામાં કામ કરતા હતા. કોર્ટના કહેવા પ્રમાણે ૧૨-૧૩ વર્ષ સુધી જેમણે સતત કામ કર્યું હોય એમને કામચલાઉ કહેવા ખોટું છે.

10મીએ સોંગદ પછી નીતિશ સીએમ તરીકે રાજીનામુ આપી શકે

બિહારમાં મુખ્યમંત્રી નિતિશકુમારની ચર્ચાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે. નિતિશકુમારે બિહાર વિધાનસભા પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. એમ મનાતું હતું કે તેઓ તરત જ મુખ્યમંત્રી પદેથી પણ રાજીનામું આપી દેશે. જોકે આ ધારણા ખોટી પડી. હવે એવી વાત બહાર આવી છે કે નિતિશકુમાર ૧૦મી એપ્રિલે રાજ્યસભામાં સાંસદ તરીકે સોંગધ લેશે. રાજ્યસભામાં સોગંદ લીધા પછી નિતિશકુમાર મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી શકે છે. જોકે નિતિશકુમાર હંમેશા કમૂર્તા પછી જ શુભકામની શરૂઆત કરે છે. કમૂર્તા ૧૪ એપ્રિલે પૂરા થઈ રહ્યા છે. રાજ્યસભાની સોગંદવિધિ માટે કમૂર્તાનો સમય પસંદ કરવામાં આવ્યો છે એનું કારણ જાણવા મળ્યું નથી. એમ મનાય છે કે ભાજપ વહેલી તકે સત્તા પરિવર્તન કરવા માગે છે. નિતિશકુમારના નજીક ગણાતા નેતાઓ આ વાતથી નારાજ છે.

શબરીમાલા બાબતે કેરળના રાજકારણમાં ગરમી

શબરીમાલા મંદિરનું સોનું ગુમ થવા બાબતે કેરળના રાજકારણમાં નિવેદનબાજી વધી ગઈ છે. મુખ્યમંત્રી પીનારાઇ વિજયનએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આરોપો સામે પ્રતિહુમલો કરતા સવાલ કર્યો હતો કે, આ ઘટનાનો આરોપી એમના ઘર સુધી કઈ રીતે પહોંચી ગયો. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન સીપીઆઇ(એમ) સરકારની ટીકા કરી હતી. જવાબમાં વિજયનએ કહ્યું હતું કે, વિરોધ પક્ષોએ આક્ષેપ કરતા પહેલા હકીકતોની ચકાસણી કરવી જોઈએ. આ મુદ્દો હવે ચૂંટણીના વાતાવરણને કારણે રાજકીય બની ગયો છે. રાહુલ ગાંધીના આક્ષેપ પ્રમાણે મુખ્યમંત્રી વિજયન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુપ્ત સમજૂતી કરી છે. જોકે વિજયન કોંગ્રેસને ભાજપની બી ટીમ ગણાવે છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, કેરળમાં ફરીથી સત્તા પર આવવા માટે કોંગ્રેસ પ્રયત્ન કરે છે, પરંતુ સામ્યવાદી પક્ષને પછાડવો એના માટે પડકાર છે.

તામિલનાડુમાં ઉદયનીધીએ પલાનીસ્વામીને વડાપ્રધાનના ગુલામ કહ્યા

તામિલનાડુમાં ૨૩મી એપ્રિલે વિધાનસભાની ચૂંટણી છે. દરેક પક્ષો પોતાના મતદારોને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. પ્રચાર દરમિયાન ઉપમુખ્યમંત્રી ઉદયનીધીએ કરુણાનીધીના વારસાનો ઉલ્લેખ કર્યો હતો. એમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી સ્ટાલીન ભૂતપૂર્વ મુખ્યમંત્રી કરૂણાનીધીની મહિલા સશક્તિકરણની નીતિને આગળ વધારી રહ્યા છે. તીરૂવન્નમલાઇમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા ઉદયનીધીએ એમ પણ કહ્યું હતું કે તામિલનાડુની પ્રગતિ માટે ડીએમકે મહેનત કરે છે. બીજી તરફ એઆઇએડીએમકેના પ્રમુખ પલાનીસ્વામીની ઇચ્છા રાજ્યમાં ભાજપને સત્તા પર લાવવાની છે. ઉદયનીધીએ આ બાબતે પલાનીસ્વામીની પણ ટીકા કરી હતી. એમના કહેવા પ્રમાણે પલાનીસ્વામી નરેન્દ્ર મોદીના ગુલામ બની ગયા છે. એમને પદાર્થપાઠ ભણાવવાની જરૂર છે.

મમતા બેનર્જીએ ફરીથી ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો

પશ્ચિમ બંગાળની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ મુખ્યમંત્રી મમતા બેનર્જી વધુ આક્રમક બની રહ્યા છે. તેઓ દરેક ચૂંટણી સભામાં ભાજપના નેતાઓને આડે હાથ લઈ રહ્યા છે. ભાજપ જો સત્તા પર આવશે તો મહિલાઓને મળતા હક બંધ કરી દેશે એવી વાત પણ તેઓ કરે છે. મમતા બેનર્જીના નિશાન પર ચૂંટણી કમિશન પણ છે. એમણે ફરીથી મુખ્ય ચૂંટણી કમિશનને પત્ર લખીને રાજ્યમાં લોકશાહી પ્રક્રિયા બાબતે ચિંતા વ્યક્ત કરી છે. એમનો આરોપ છે કે, મતદાર યાદીમાં મોટા પાયે ગરબડ કરવામાં આવી છે. મૂળભૂત મતદારોના અધિકાર છીનવાઈ રહ્યા છે. ભાજપ સાથે જોડાયેલા લોકો હજારો બનાવટી ફોર્મ-૬ અરજી જમા કરાવીને બહારથી આવેલા લોકોના નામ મતદાર યાદીમાં ઘૂસાડવાની કોશિષ કરે છે. આ કાર્યવાહી વોટર હાઇજેકીંગનો પ્રયત્ન છે. એમના આરોપ પ્રમાણે આ પ્રકારની રણનીતિ પહેલા મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ અપનાવવામાં આવી હતી.