Get The App

ત્રણ વર્ષે અધિકારીઓની બદલી કરવાની વાત ફક્ત કાગળ પર

Updated: Apr 1st, 2025

GS TEAM

Google News
Google News
ત્રણ વર્ષે અધિકારીઓની બદલી કરવાની વાત ફક્ત કાગળ પર 1 - image

નવી દિલ્હી: સંસદની એક કમીટીએ કહ્યું છે કે, કોઈપણ મંત્રાલયમાં અધિકારી જો લાંબા સમય સુધી એક જ પદ પર રહે તો ભ્રષ્ટાચાર વધવાની શક્યતા રહે છે. બધા જાણે છે કેન્દ્ર સરકારમાં કેટલાક સરકારી અધિકારીઓ એટલા શક્તિશાળી હોય છે કે તેઓ મંત્રીઓને પણ ગાંઠતા નથી. સંસદની કમીટીએ કહ્યું છે કે, કોઈપણ ખાતાના અધિકારીઓને નિશ્ચિત સમયથી વધુ એક જ જગ્યાએ રાખવા જોઈએ નહીં. પહેલાં એવી નીતિ નક્કી થઈ હતી કે, મંત્રાલયમાં કામ કરનાર કોઈપણ અધિકારી ત્રણ વર્ષથી વધુ સમય સુધી એક પદ પર રહી શકે નહીં. જોકે સંસદમાં રજુ થયેલા રીપોર્ટ પ્રમાણે કેન્દ્રના ઘણા મંત્રાલયો એવા છે કે જેમાં વર્ષોથી અધિકારીઓની બદલી થઈ નથી. એનો મતલબ એમ થાય કે સંસદીય કમીટીને પણ બાબુઓ ગાંઠતા નથી.

હુલ્લડો કરાવવા લાલ અને કેસરી એક થઈ ગયા છે : મમતા બેનર્જી

ઇદને દિવસે મમતા બેનર્જીએ ભાજપ અને સામ્યવાદી પક્ષો સામે આકરા પ્રહારો કર્યા છે. મમતાએ કહ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં કોમવાદી હુલ્લડો કરાવવાના કાવતરા થાય છે. આ બાબતે લાલ (સામ્યવાદીઓ) અને કેસરી (ભાજપ) એક જેવા જ છે. ટીએમસી રાજ્યના લોકો સાથે છે અને રાજ્યમાં કોઈપણ પ્રકારનો તણાવ ઉભો કરવા દેવામાં આવશે નહીં. વિરોધપક્ષોએ લોકોને ઉશ્કેરવાનું બંધ કરવું જોઈએ. અમારી સરકાર હંમેશા લઘુમતીઓને પડખે ઉભી રહી છે. મમતાએ ઇદને દિવસે કોલકત્તામાં ઇદગાહની મુલાકાત પણ કરી હતી. મમતાએ એમ પણ કહ્યું હતું કે, તેઓ દરેક ધર્મ માટે જાન આપવા તૈયાર છે. બહુમતિની પણ ફરજ છે કે લઘુમતિની રક્ષા કરવા તૈયાર રહે.

બિહારના નવ વિભાગમાં કયા પક્ષની તાકાત વધુ

થોડા મહિનામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. બિહારમાં કોઈપણ પક્ષને કેટલી પણ બેઠકો મળે જેડીયુએ રાજ્યના કેટલાક વિભાગોમાં પોતાની પકડ બનાવી રાખીને સત્તા મેળવી છે. એ જ રીતે આરજેડીના પ્રભાવવાળા વિભાગોમાં પણ અન્ય પક્ષો જીતી શક્યા નથી. બિહારને કુલ નવ વિભાગોમાં વહેચવામાં આવ્યું છે. આ નવ વિભાગોમાં ૩૮ જિલ્લાઓનો સમાવેશ થાય છે. નવ વિભાગોમાં તિરહુત, સારણ, પટણા, દરભંગા, મુગેર, ભાગલપુર, કોસી, મગધ અને પૂર્ણિયાનો સમાવેશ થાય છે. તિરહુત વિભાગમાં ૪૯ બેઠકો છે. બીજા નંબરે પટણા વિભાગમાં ૪૩ બેઠકો છે, ભાગલપુર વિભાગમાં સૌથી ઓછી એટલે કે ૧૨ બેઠકો છે. તિરહુત વિભાગમાં હંમેશા ભાજપનો પ્રભાવ રહ્યો છે. મગધ અને સારણ વિભાગમાં આરજેડીનો દબદબો છે. કોસી વિભાગ જેડીયુનો ગઢ છે.

મિઝોરમના સંવેદનશીલ ક્ષેત્રોમાં જવા વિદેશીઓએ પરવાનગી લેવી પડશે

હંમેશા સંવેદનશીલ રહેલા મિઝોરમની રાજ્ય સરકારે સુરક્ષીત ક્ષેત્ર પરમીટ (પીએપી) લાગુ કરવાની જાહેરાત કરી છે. વિદેશથી આવતા પર્યટકોને કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં જવા માટે પીએપી જરૂરી રહેશે. જે યાત્રીએ સંવેદનશીલ ક્ષેત્રોમાં જવું હશે એમણે આ પરમીટ મેળવવાની રહેશે. મિઝોરમની સરહદ મ્યાનમારને લાગે છે. મ્યાનમારમાંથી ગેરકાયદેસર ઘૂસણખોરો મિઝોરમ બોર્ડરથી દેશમાં ઘૂસે છે. સુરક્ષાને કારણે મિઝોરમ ઉપરાંત મણીપુર અને નાગાલેન્ડમાં પણ પીએપી જરૂરી બનાવવામાં આવશે. રાજ્યમાં સંવેદનશીલ વિસ્તાર કયા છે એ નક્કી કરવાનું કામ ગૃહમંત્રાલયને સોંપાયું છે. આ પરમીટ આપવા માટે મિઝોરમની રાજધાની આઇઝોલમાં એક ઓફિસ પણ ખોલવામાં આવશે.

ભારતમાં 82 ટકા દિવ્યાંગો પાસે વીમો નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ગુલબાંગો છતાં જમીની હકીકત જુદી છે. ભારતના ૮૨ ટકા દિવ્યાંગો પાસે કોઈપણ પ્રકારનો વીમો નથી. ૪૨ ટકા દિવ્યાંગો સરકારની બહુ ગાજેલી સ્વાસ્થ્ય યોજના 'આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના'થી સંપૂર્ણપણે અજાણ છે. કેટલીક સંસ્થાઓએ કરેલા રાષ્ટ્રવ્યાવી સર્વેક્ષણ પછી આ હકીકત જાણવા મળી છે. રાષ્ટ્રીય દિવ્યાંગ નેટવર્કની એક બેઠક થોડા દિવસો પહેલા મળી હતી, જેમાં ૨૦થી વધુ રાજ્યોના દિવ્યાંગજન અધિકાર સંગઠનોએ ભાગ લીધો હતો. આ અધિવેશનમાં થયેલી ચર્ચા ચોંકાવનારી હતી. કેન્દ્ર સરકાર વારંવાર દિવ્યાંગોના ભલા માટેની વાતો કરે છે, પરંતુ દિવ્યાંગોની જીવન પદ્ધતિમાં એનાથી કોઈ સુધારો થતો નથી.

પત્રકારની ધરપકડને કારણે ગૌરવ ગોગોઇ વિફર્યા

આસામ કોંગ્રેસના સિનિયર નેતા અને સાંસદ ગૌરવ ગોગોઇએ વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે. આસામની પોલીસ પોતાની શક્તિનો દુરઉપયોગ કરી રહી હોવાનો આક્ષેપ ગોગોઇએ આ પત્રમાં કર્યો છે. ગોગોઇએ લખ્યું છે કે, સરકારી બેન્કમાં થતી નાણાકીય ગરબડ બહાર પાડવા માટે આસામમાં એક પત્રકારની ધરપકડ થઈ છે. ગૌરવ ગોગોઇએ લોકસભામાં બેન્કમાં થયેલા નાણાકીય ગોટાળાની તપાસ પણ માંગી છે. આ બેન્કમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા સરમા પણ ડીરેક્ટર છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, બેન્કના આર્થિક ગોટાળા બહાર નહીં આવે એ માટે પત્રકારને પકડવામાં આવ્યા છે. ગોગોઇએ વડાપ્રધાનને લખેલા પત્રથી પણ કંઈ ઝાઝો ફેર પડે એમ નથી, કારણ કે મોદી પોતે જ પત્રકારોની સ્વતંત્રતામાં કેટલું માને છે એ વિવાદી છે.

ઉત્તરાખંડના પૂર્વ સીએમ રાવત સામે આઈએએસ અધિકારીનો મોરચો

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે ખનીજના સંદર્ભમાં નિવેદન આપ્યું કે રાજ્યમાં ગેરકાયદે ખનન થતું હોવાનો આરોપ મૂક્યો. તેના જવાબમાં ખનીજ વિભાગના સચિવ બ્રજેશ સંતે કહ્યું કે આ જાણકારી ભ્રામક છે.  એ સંદર્ભમાં રાવતે ફરીથી કહ્યું કે કુત્તે શેર કા શિકાર નહીં કરતે. બ્રજેશ સંત સામે આ નિવેદન આવ્યું હોવાથી રાજ્યના આઈએએસ અધિકારીઓમાં આક્રોશ છે. 

ભાજપના સાંસદ અને પૂર્વ સીએમના આ નિવેદન સામે આક્રોશ વ્યક્ત કરીને આઈએસએસ અધિકારીઓના સંગઠને કહ્યું હતું કે સરકારી અધિકારીઓ પણ સન્માનને લાયક છે. કોઈએ એકબીજાનું નામ લીધું નથી, પરંતુ તેનાથી ઉત્તરાખંડમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ઉત્તરાખંડમાં ભાજપની જ સરકારને ઘેરીને રાવતે કોના પર નિશાન સાધ્યું છે તેની ચર્ચા ચાલી રહી છે.

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ નહીં થાય તો ભારતને ક્રૂડ મોંઘું પડશે

ડોનાલ્ડ ટ્રમ્પ કેટલાય દિવસથી રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા માટે વાટાઘાટો કરી રહ્યા છે. તેમના દૂતો બંને દેશોના વડાઓ સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યા છે.

 ખુદ ટ્રમ્પ ફોનમાં પુતિન સાથે વાત કરી ચૂક્યા છે, પરંતુ અમુક બાબતોની સહમતી થઈ નથી. વારંવારના પ્રયાસો પછીય કોઈ પરિણામ ન મળ્યું હોવાથી હવે ટ્રમ્પ અકળાયા છે. તેમણે પુતિનને આડકતરી ધમકી આપતા કહ્યું હતું કે જો એક મહિનામાં યુદ્ધવિરામ નહીં થાય તો રશિયન ક્રૂડ પર સેકન્ડરી ટેરિફ લાગશે. એનો અર્થ એ કે રશિયા પાસેથી જે દેશ ખનીજતેલ ખરીદશે એના પર અમેરિકા ૨૫થી ૩૦ ટકા ટેરિફ પોતાની સાથેના વેપારમાં લગાડશે. એટલે ભારત-અમેરિકાના દ્વિપક્ષીય વેપારમાં ચીજવસ્તુઓ ભારતને મોંઘી પડે. રશિયા પાસેથી તેલ ભલે સસ્તું પડે, પરંતુ સરવાળે નુકસાન થાય. ટ્રમ્પની આ ધમકી પછી કેન્દ્ર સરકારે એ અંગે સમીક્ષા શરૂ કરી છે.

બસનગૌડા પાટિલ પરથી પ્રતિબંધ હટાવવા ભાજપના નેતાઓની માગ

કર્ણાટક ભાજપમાં સિનિયર નેતા બસનગૌડા પાટિલને હાંકી કાઢવા મુદ્દે ઘમાસાણ મચ્યું છે. બસનગૌડાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એવું તેમના સમર્થક નેતાઓ કહે છે. ભાજપના અસંતુષ્ઠ નેતાઓનો આરોપ છે કે યેદિયુરપ્પાની ટીકા કરવા બદલ પાટિલ સામે કાર્યવાહી થઈ છે. પાટિલે પાર્ટીની વિરૂદ્ધમાં કોઈ જ ગતિવિધિ કરી નથી. યેદિયુરપ્પા તેમના વિરોધીઓને ઠેકાણે પાડી રહ્યા છે. 

યેદિયુરપ્પાનો દબદબો કર્ણાટક ભાજપ પર વર્ષોથી રહ્યો છે. અત્યારે તેમના દીકરા વી. વાય. વિજેન્દ્ર કર્ણાટક ભાજપ યુનિટના પ્રમુખ છે. પાટિલના સમર્થક નેતાઓ એકઠા થયા હતા. તેમણે હાઈકમાન્ડને ફેરવિચારણા માટે રજૂઆત કરવાની તૈયારી કરી છે. સમર્થકોનું પ્રતિનિધિ મંડળ દિલ્હી આવીને એક-બે દિવસમાં રજૂઆત કરશે. કર્ણાટક ભાજપના નેતાઓ અંદરો અંદર ચર્ચા કરી રહ્યા છે કે યેદિયુરપ્પા સામે ભ્રષ્ટાચારના અનેકાનેક આરોપો લાગી ચૂક્યા છે. આખા પરિવાર સામે આંગળી ચિંધાતી રહે છે તેમ છતાં ભાજપ હાઈકમાન્ડ તેમના પર જ કેમ ભરોસો મૂકે છે તે સમજની બહાર છે.

સ્ટાલિને ભાષા વિવાદ, સીમાંકનને જોડીને સાંસ્કૃતિક મુદ્દો બનાવ્યો

તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન કેન્દ્ર સામે સીમાંકન બાબતે તો લડી જ રહ્યા છે. ત્રણ ભાષાની શિક્ષણનીતિ મુદ્દેય વિવાદ ચાલી રહ્યો છે. તમિલનાડુ આ નવી શિક્ષણનીતિનો બહુ જ આક્રમક રીતે વિરોધ કરે છે. સ્ટાલિનનો આરોપ છે કે ત્રણ ભાષાની શિક્ષણનીતિના નામે કેન્દ્ર સરકાર રાજ્ય પર હિન્દી થોપી રહી છે. 

એમાં સીમાંકનનો વિવાદ થયો. સીમાંકનમાં દક્ષિણના રાજ્યોને નુકસાન થશે અને હિન્દી બેલ્ટને વધુ બેઠકો મળશે. તેના કારણે રાજકીય સમીકરણો ખોરવાશે. લોકશાહીને નુકસાન થશે એવી દલીલ સ્ટાલિન કરી રહ્યા છે. તેમાં દક્ષિણના નેતાઓ સહમત પણ જણાઈ રહ્યા છે. સ્ટાલિન આ બંને મુદ્દાને દક્ષિણની સંસ્કૃતિ સાથે જોડી રહ્યા છે. સ્ટાલિન માને છે કે આ બંને બાબતોથી લાંબાંગાળે દક્ષિણની સંસ્કૃતિ પર અસર પડશે. જો સ્ટાલિનની વાતમાં તમિલનાડુના લોકો સહમત થશે તો એનો આવતા વર્ષે ચૂંટણીમાં ડીએમકેને સીધો ફાયદો થઈ શકે છે.

- ઈન્દર સાહની