Get The App

પડોશી દેશોમાં ઇથેનોલ નિકાસ કરવાથી દેશમાં પાણી સંકટ વધશે

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
પડોશી દેશોમાં ઇથેનોલ નિકાસ કરવાથી દેશમાં પાણી સંકટ વધશે 1 - image

નવીદિલ્હી: ઇંધણમાં ઇથેનોલના મિશ્રણ બાબતે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી વારંવાર વિવાદમાં ફસાયા છે. પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ થાય છે એની લાંબાગાળાની અસર ખબર નથી. જોકે ઇથેનોલનો ઉપયોગ વધતા ખેડૂતો હવે ઇથેનોલ મળે એવા પાકનું ઉત્પાદન વધારી રહ્યા છે જેમાં પાણીની ખૂબ વધુ જરૂરિયાત રહે છે. ભારતે હવે દક્ષિણ એશિયાના દેશોમાં ઇથેનોલની નિકાસ કરવાનું નક્કી કર્યું છે. હમણા ભારત નેપાળ સાથે ઇથેનોલની નિકાસ કરવાની વાતચીત કરી રહ્યું છે. હમણા ઇથેનોલની નિકાસ કરવા પર પ્રતિબંધ છે, પરંતુ હવે આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવશે. સરકારના દાવા પ્રમાણે ઇથેનોલની નિકાસ કરવાથી ગ્રામિણ અર્થવ્યવસ્થા મજબૂત થશે અને ખેડૂતોની આવક વધશે. આ દાવામાં કેટલું સત્ય છે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે, પરંતુ જેમ જેમ ઇથેનોલનું ઉત્પાદન વધશે તેમ તેમ દેશમાં પાણીનું સંકટ પણ વધશે.

હિમંત બિશ્વા શા માટે ભારત - બાંગ્લાદેશના સારા સંબંધની વિરુદ્ધમાં

ભારતનું વિદેશ મંત્રાલય બાંગ્લાદેશ સાથે સંબંધો સુધારવાની લમણાઝીક કરે છે. નવાઇ લાગે એવી વાત છે કે, ભાજપના જ એક મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમા ભારત-બાંગ્લાદેશ વચ્ચે સારા સંબંધ ઇચ્છતા નથી. મીડિયાને આપેલી એક મુલાકાતમાં એમણે કહ્યું છે કે, 'ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સારા સંબંધો નહીં હોય એ વાત મને સારી લાગે છે. એનું કારણ એ છે કે, બંને વચ્ચે સારા સંબંધની સ્થિતિમાં ભારત સરકાર ગેરકાયદેસર ઘુસેલા બાંગ્લાદેશીઓના પુશબેકનું સમર્થન નથી કરતી. બંને દેશો વચ્ચે દુશ્મની હોય એ આસામના લોકોને ગમે છે. બંને દેશોના સંબંધ સુધર્યા પછી બીએસએફ (બોર્ડર સિક્યુરીટી ફોર્સ) અને બીડીઆર (બાંગ્લાદેશ રાઇફલ્સ)ના જવાનો હાથ મેળવે છે જે આસામ માટે ખતરનાક છે.' પુશબેકની પદ્ધતિ જાણવા જેવી છે. બાંગ્લાદેશથી ઘુસણખોરી કરનારને જ્યારે બીએસએફ પકડે છે ત્યારે થોડા સમય પછી જ્યારે બીડીઆરના જવાનો નહીં હોય ત્યારે એમને ફરીથી બાંગ્લાદેશ મોકલી આપે છે. આ પ્રક્રિયાને પુશબેક કહેવાય છે.

દિલ્હીમાં ઇ-રીક્ષા અને ઓટોના સ્ટેન્ડ બંધ થશે

રાજધાની દિલ્હીમાં ટ્રાફિકની સમસ્યા ખુબ મોટી છે. ટ્રાફિક મામલે દિલ્હી વિશ્વનું એક સૌથી ગીચ શહેર છે. હવે દિલ્હીની ટ્રાફિક પોલીસે આ સમસ્યાનું નિરાકરણ લાવવાનું નક્કી કર્યું છે. દિલ્હીના મેટ્રો સ્ટેશનની આજુબાજુ હવે ટ્રાફિક જામ દેખાશે નહીં. મેટ્રો સ્ટેશનોની આસપાસ જામ થતો ટ્રાફિક ઓછો કરવા માટે સરક્યુલેશન પ્લાન અમલ કરવામાં આવશે. એ માટે સરવે થઈ રહ્યો છે. સરવેના રિપોર્ટ પ્રમાણે જે મેટ્રો સ્ટેશનની બહાર સતત ટ્રાફિક જામ રહે છે ત્યાં આ ટ્રાફિક પ્લાન લાગુ કરવામાં આવશે. દિલ્હી મેટ્રો ૪૧૬ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે અને કુલ ૩૦૩ મેટ્રો સ્ટેશનો છે. આ મેટ્રો સ્ટેશનો પર ઇ-રીક્ષા અને ઓટોના સ્ટેન્ડ આવ્યા હોય છે. આ નાના વાહનો મેટ્રોની આસપાસ આવેલા વિસ્તારો સાથે મેટ્રો સ્ટેશનને જોડે છે. મોટા ભાગના મુસાફરો આ નાના વાહનો પર નિર્ભર રહે છે. હવે આ નાના વાહનો માટે પાર્કિંગની અલગ વ્યવસ્થા બનાવવામાં આવશે.

દિલ્હીમાં ડિજીટલ વસ્તી ગણતરી શરૂ

દિલ્હીમાં વસ્તીગણતરી ૨૦૨૭ની ડિજીટલ શરૂઆત થઈ ગઈ છે. આ આખી પ્રક્રિયા ઓનલાઇન છે અને ૨૦ મિનિટમાં ૩૩ સવાલના જવાબ આપીને પુરી થઈ શકે છે. દિલ્હીમાં વસ્તીગણતરી ૨૦૨૭ દેશની પહેલી ડિજીટલ વસ્તીગણતરી હશે. લોકો ઘરે બેઠા મોબાઇલ ફોનથી કે કોમ્પ્યૂટર મારફતે પોતાની જાણકારી આપી શકશે. સરકારનું કહેવું છે કે ડિજીટલને કારણે દરેક વ્યક્તિની ગણતરી સુનિશ્ચિત થશે. સાચો ડેટા મળી શકશે. ચોક્કસ આંકડાને આધારે સ્કૂલ, હોસ્પિટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની યોજના બનાવી શકાશે. દિલ્હીના લોકો આ પ્રક્રિયામાં વધુ પ્રમાણમાં જોડાય એ માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. એમસીડીના ૨૫૦ વોર્ડમાં ૧૫મી મે સુધી સ્વગણના થશે. સવારે ૬ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી લોકો પોર્ટલ પર લોગઇન કરીને પ્રક્રિયા પુરી કરી શકશે. દરેક કુટુંબ માટે એક જ વખત લોગઇન થવુ જરૂરી હશે. જેમાં કુટુંબની કોઈપણ એક વ્યક્તિના મોબાઇલથી રજીસ્ટ્રેશન થઈ શકશે.

પ્રયાગરાજ જંકશન પર રેલવેનો મેગા પ્લાન

હિન્દુ ધર્મના આસ્થાળુઓ માટે પ્રયાગરાજ ખૂબ અગત્યનું સ્થળ છે. સંગમ નગરીની લાઇફલાઇન કહેવાતા પ્રયાગરાજ જંકશનની તસવીર હવે બદલાઈ જવાની છે. જંકશનથી 'સીટી સાઇટ' (લીડર રોડ તરફ) જનાર યાત્રીઓ માટે ખુશખબર છે. સામાન્ય રીતે સ્ટેશનની બહાર હંમેશા ટ્રાફીક જામ રહે છે. રેલવે પ્રશાસને હવે આ ટ્રાફીક જામ ઓછો કરવા માટે એક મેગા પ્લાન તૈયાર કર્યો છે. યોજના પ્રમાણે જંકશનના કમ્પાઉન્ડમાં એક અત્યાધુનિક અંડરગ્રાઉન્ડ પાર્કીંગ બની રહ્યું છે. આ કારણે રેલવે સ્ટેશનની સુંદરતા તો વધશે જ, પરંતુ યાત્રીઓની તકલીફ પણ ઓછી થશે. અત્યાર સુધી સ્ટેશનની બહાર ઉભી રહેતી ગાડીઓને કારણે પગે ચાલનાર યાત્રીઓને ખુબ તકલીફ પડતી હતી. નવા આયોજન પ્રમાણે સ્ટેશનના મુખ્ય દરવાજાની સામે હવે કોઈ વાહન ઉભુ રહી શકશે નહીં. વાહનો માટે મુખ્ય ગેટની પાસે જ એક નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે.

નિશિકાંત દુબેને એકાએક અભિનેત્રી સ્નેહલતાનું મૃત્યુ યાદ આવ્યું

ભાજપના સાંસદ નિશિકાંત દુબે વિવાદાસ્પદ નિવેદનો કરવા જાણીતા છે. નિશિકાંત દુબેને એકાએક ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી યાદ આવી છે. એમણે કટોકટીના સમયને કાળો સમય ગણાવ્યો હતો. એ વખતની ઘટનાઓને યાદ કરતા દુબેએ અભિનેત્રી અને કાર્યકર્તા સ્નેહલતા રેડ્ડીની ધરપકડ અને જેલમાં એમની સાથે થયેલા વર્તાવને યાદ કર્યો હતો. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એમણે લખ્યું હતું કે ૧૯૭૬ની બીજી મેએ ઇન્દિરા ગાંધીની સરકારે દક્ષિણ ભારતના જાણીતા અભિનેત્રી અને સામાજીક કાર્યકર સ્નેહલતા રેડ્ડીની ધરપકડ કરી હતી. એમનો વાંક એટલો જ હતો કે તેઓ જ્યોર્જ ફર્નાન્ડીસ સાથે જોડાયેલા હતા. પોલીસે અભિનેત્રીના કુટુંબીજનો પર પણ અત્યાચાર કર્યો હતો. એમના ૮૪ વર્ષના પિતાની ધરપકડ પણ કરવામાં આવી હતી. ૧૯૭૭માં એમને પેરોલ પર છોડવામાં આવ્યા પછી એમનું મૃત્યુ થયું હતું.

ઇડીનો ભરપુર ઉપયોગ, પરંતુ પરિણામ નબળુ

આજકાલ દેશમાં વિરોધીઓને દબાવવા માટે ઇડીનો ભરપુર ઉપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ થાય છે. દરરોજ કોઈને કોઈ રાજ્યમાં ઇડીની કાર્યવાહી થતી હોવાના સમાચાર આવતા રહે છે. ઇડીએ ગયા નાણાકીય વર્ષમાં ૮૧,૪૨૨ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી, એમાંથી ૬૩,૧૪૨ કરોડ રૂપિયા બેન્કો, રોકાણકારો અને ઘર ખરીદનારાઓને પરત કરવામાં આવ્યા છે. ઇડીનું કહેવું છે કે તમામ કિસ્સાઓમાં મની ટ્રેલ મારફતે ગુનેગારો સુધી પહોંચવામાં સફળતા  મળવાનો કોઈ સવાલ જ નથી રેડ  વગર પણ સંપૂર્ણ માહિતી હોય છે, પરંતુ રેડનો હેતુ રાજકીય સોદાબાજીનો હોય છે જેમાં ૯૦ ટકા સફળતા મળે છે.