Get The App

દિલ્હીની વાત : પવારે ગોયલને વખાણી ઉદ્ધવને ચીમકી આપી

Updated: May 27th, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : પવારે ગોયલને વખાણી ઉદ્ધવને ચીમકી આપી 1 - image


પવારે ગોયલને વખાણી ઉદ્ધવને ચીમકી આપી

નવીદિલ્હી, તા. 26 મે 2020, મંગળવાર

મહારાષ્ટ્રમાં શરદ પવાર ફરી કોઈ ખેલ કરશે કે શું તેની અટકળો ચાલી રહી છે. પવાર સોમવારે પહેલાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યા ને પછી દોઢ કલાક સુધી ઉધ્ધવ ઠાકરેના નિવાસસ્થાને બેઠક કરી તેના કારણે પવાર-ઉધ્ધવ વચ્ચે ખટરાગ હોવાની વાતો ચાલી છે.

પવાર અને શિવસેનાના સંજય રાઉત બંનેએ આ વાતોને નકારી છે પણ પવારે રેલ્વે પ્રધાન પિયૂષ ગોયલનાં વખાણ કર્યાં તેના કારણે રાજકીય વિશ્લેષકો માને છે કે, દાવો કરાય છે એમ બંને વચ્ચે બધું સરખું તો નથી જ. પવારે કહેલું કે, ગોયલ બહુ સારું કામ કરી રહ્યા છે.

સોમવારે જ ગોયલે ઉધ્ધવ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉધ્ધવના બચાવમાં રાઉત ઉતરતાં બંને વચ્ચે રવિવારે મોડી રાત સુધી ટ્વિટ વોર ચાલી હતી. ગોયલે મહારાષ્ટ્ર સરકારની કામગીરીની ટીકા કરી હતી છતાં પવારે તેમનાં વખાણ કરીને આડકતરી રીતે ગોયલને સાચા ઠેરવ્યા છે. પવારે આ રીતે ઉધ્ધવ સામેની નારાજગી વ્યક્ત કરીને આડકતરી ચીમકી આપી  હોવાનું વિશ્લેષકો માને છે.

મોદી બીજી ટર્મની વર્ષગાંઠે સ્વદેશીના શપથ લેવડાવશે

મોદી બીજી ટર્મ માટે વડાપ્રધાન બન્યા તેને ૩૦ મેના રોજ એક વર્ષ પૂરું થશે. કોરોનાના કહેર અને લોકડાઉનના કારણે મોદી જાહેરમાં કોઈ ઉજવણી નથી કરવાના પણ ડિજિટલી મોટા પાયે ઉજવણ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સરકારના સ્તરે પીએમઓ આ ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે ભાજપ સંગઠન પણ જોરશોરથી તૈયારીમાં લાગ્યું છે.

ભાજપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોદી ૩૦ મેના દિવસને 'સ્વદેશી દિવસ' તરીકે ઉજવવાનું એલાન કરે એવું આયોજન કરાયું છે. મોદી દેશના લોકોને પત્ર લખીને 'આત્મનિર્ભર ભારત'ના નિર્માણ માટે 'સ્વદેશી' ચીજોને જ અપનાવવાના શપથ લેવડાવશે. ભાજપના કાર્યકરો દેશનાં ૧૦ કરોડ ઘરોમાં મોદીનો પત્ર પહોંચાડશે. આ સિવાય એક એપ લોંચ કરીને ડિજિટલી લોકોને 'સ્વદેશી' અપનાવવા શપથ લેવડાવાશે. સંગઠનને બધા મળીને ૫૦ કરોડ લોકો શપથ લે એવું લક્ષ્ય અપાયું છે. ભાજપના કાર્યકરોને ગ્રામીણ સ્તરે મોટા પ્રમાણમાં વોટ્સએપ ગ્રુપ બનાવી દેવા માટે પણ કહેવાયું છે. આ ગ્રુપમાં સરકારની સિધ્ધિઓનાં ગુણગાન હશે.

મમતાના સમર્થક બેનરજીએ મોદી પેકેજનો બચાવ કર્યો

કેન્દ્ર સરકારના ૨૦ લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત પેકેજની ચોતરફ ટીકા થઈ રહી છે ત્યારે આશ્ચર્યજનક રીતે અભિજીત બેનરજીએ તેનો બચાવ કર્યો છે. નોબલ પ્રાઈઝ વિનર અર્થશાસ્ત્રી બેનરજીના મતે. મોદીનું આ પેકેજ માત્ર દેખાડો નથી. બેનરજીએ આશા વ્યક્ત કરી છે કે, આ પેકેજના કારણે  સામાન્ય માણસની આવક બહુ નહીં વધે પણ ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે.  તેના કારણે લાંબા ગાળે આથક મોરચે સુધારો આવી શકે.

બેનરજીની ગણના મમતા બેનરજીની નજીકના માણસ તરીકે થાય છે. મમતાએ કોરોના સામેની લડત માટે બનાવેલા ગ્લોબલ એડવાઈઝરી બોર્ડના વડા તરીકે બેનરજીને નિમ્યા છે. મમતા આથક પેકેજ મુદ્દે સતત મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે ત્યારે બેનરજીએ અલગ જ સૂર કાઢયો છે. બેનરજીને ભાજપ સાથે પણ ફાવતું નથી. ભાજપના નેતાઓ બેનરજી વિશે ઘણી અણછાજતી કોમેન્ટ્સ કરીને તેમની ટીકા કરી ચૂક્યા છે. એ બધી વાતો બાજુ પર બેનરજીએ આર્થિક પેકેજનાં વખાણ કર્યા એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

બે ટોચની મેડિકલ સંસ્થાઓના વિરોધાભાસી દાવા

દેશમાં કોરોનાના વધતા કેસોના કારણે મોદી સરકાર ચિંતામાં છે ત્યારે  દેશની ટોચની બે હેલ્થ ઈન્સ્ટિટયુટના અલગ અલગ દાવાએ મોદી સરકારની ચિંતા અને મૂંઝવણ બંને વધારી દીધાં છે.

હૈદરાબાદની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા રાજ્યોમાં કોરોનાના કેસોના આંકડાના આધારે કરાયેલા અભ્યાસમાં આશાવાદ વ્યક્ત થયો છે કે, ભારતમાં જૂનની શરૂઆતમાં અથવા મોડામાં મોડું જુલાઈ મહિના સુધીમાં કોરોનાના કેસોની સંખ્યા મહત્તમ એટલે કે 'પીક' પર હશે ને એ પછી કેસો ઘટવા માંડશે. દેશનાં કોરોનાના કુલ કેસોમાંથી ૭૦ ટકા કેસ છ રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં છે.  આ રાજ્યોમાં ટૂંક સમયમાં જ કેસો ઘટવાની શરૂઆત થશે એવો દાવો આ અભ્યાસમાં કરાયો છે.

બીજી તરફ ઓલ ઈન્ડિયા મેડિકલ ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સીસ (એઈમ્સ)નું કહેવું છે કે, અત્યારે કેસોમાં આવેલો ઉછાળો હિજરતી કામદારોના કારણે છે અને હજુ વધુ છૂટછાટો મળશે તેમ તેમ કેસો વધતા જશે.

આ બે ટોચની સંસ્થાઓમાંથી કોની વાત સાચી માનવી ?

સુરતની બે ટ્રેનો બિહારના બદલે બીજે જતી રહી

મુંબઈથી ગોરખપુર જવા નિકળેલી શ્રમિક એક્સપ્રેસ ટ્રેન ઓડિશા પહોંચી ગઈ એ મુદ્દે જંગ ચાલુ છે ત્યાં બે ટ્રેનો બે દિવસના બદલે નવ દિવસે પહોંચી હોવાની ઘટના બની છે. ૧૬ મેના દિવસે સુરતથી બિહારના સિવાન જવા નિકળેલી બંને ટ્રેનો પૈકી એક ટ્રેન ઓડિશાના રાઉરકેલા પહોંચી ગઈ તો બીજી ટ્રેન કર્ણાટકના બેંગલોર પહોંચી ગઈ.

આઘાતની વાત એ છે કે, બંને ટ્રેનો ક્યાં જતી રહી તેની કોઈને ખબર જ નહોતી. બંને ટ્રેનો મોદીના મતવિસ્તાર વારાણસીથી મોકલાઈ હતી. વારાણસી રેલ્વે મંડળે તપાસ શરૂ કરતાં ચાર દિવસ પછી  તો ટ્રેનોનો પત્તો લાગ્યો. એ પછી તેમને પાછી વાળવામાં આવતાં છેવટે સોમવારે બંને ટ્રેનો સિવાન પહોંચી. આ ટ્રેનોમાંથી કોઈને ઉતરવા દેવાતા નથી એ જોતાં નવ દિવસ ટ્રેનમાં ગોંધાઈ રહેલા પ્રવાસીઓની શું હાલત થઈ હશે તેની કલ્પના કરી જુઓ.

રેલ્વે મંત્રાલયનાં સૂત્રોના મતે, અણઘડ આયોજનના કારણે ગમે તે ડિવિઝનની ટ્રેનો ગમે ત્યાં મોકલી દેવાય છે, અજાણ્યા ડ્રાઈવરોને રૂટ ખબર નથી હોતા તેના કારણે આ છબરડા થઈ રહ્યા છે.

ધામધૂમ વિના રામમંદિર નિર્માણ શરૂ, ટ્વિટર પર ટ્રેન્ડિંગ

દેશ કોરોનાની લડાઈમાં વ્યસ્ત છે ત્યારે મંગળવારે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ કોઈ ધામધૂમ વિના શરૂ કરી દેવાયું. રામ મંદિરના નિર્માણની શરૂઆત ભવ્ય કાર્યક્રમથી થશે એવી સૌને અપેક્ષા હતી. તેના બદલે કેન્દ્ર સરકારે બનાવેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચેરમેન મહંત નૃત્ય ગોપાલ દાસે થોડાક શ્રધ્ધાળુઓ સાથે પૂજા કરીને મંદિર નિર્માણની શરૂઆત થઈ હોવાની જાહેરાત કરી. રામ લલ્લાની મૂત માનસ ભવનમાં બનાવાયેલા કામચલાઉ મંદિરમાં રખાઈ છે.

યોગાનુયોગ મોદીએ ૨૦૧૪માં પહેલી વાર વડાપ્રધાનપદના શપથ લીધા ત્યારે પણ ૨૬ મે હતી. હિંદુવાદીઓએ બે મહાન ઘટના એક જ દિવસે બની હોવાનો દાવો કરીને આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો. તેના કારણે સોશિયલ મીડિયા પર ૨૬ મઈ-રામમંદિર ઔર મોદી શપથ હેશ ટ્રેગ ટ્રેન્ડ કરતું હતું. સોશિયલ મીડિયા પર લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યાની યાત્રા, વાજપેયીના પ્રવચન સહિતના જૂના વીડિયો લોકોએ શોધી શોધીને મૂક્યા. મોદીએ સંસદના પગથિયે માથું ટેકવ્યું હતું એ તસવીર પણ મોટા પ્રમાણમાં પોસ્ટ કરાઈ. 

***

પીપીઈની નબળી ગુણવત્તાથી ડોક્ટર્સ પરેશાન

હવે પીપીઈ કિટની અછત નથી, પરંતુ ગુણવત્તા નબળી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. 

ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ નબળી ગુણવત્તાની પીપીઈ કિટથી પરેશાન થઈ ગયા છે. મેડિકલ સ્ટાફે તો પીપીઈ કિટ પહેરવાને હોરિબલ ગણાવ્યું હતું. અંડરવેયરથી લઈને જૂતા બનાવતી કંપનીઓ પીપીઈ કિટના ઉત્પાદનમાં આવી ગઈ હોવાથી ગુણવત્તાનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે.

 બધાને પીપીઈ કિટના ઉત્પાદનમાં તક જણાઈ હોવાથી જે કંપનીઓની સ્કિલ ન હતી, તેમણે પણ આ ધંધામાં ઝંપલાવી દીધું છે. મેડિકલ સ્ટાફે કહ્યું હતું કે પીપીઈ કિટ પહેરો તો લાગે કે જાણે પ્લાસ્ટિકની બેગ પહેરી છે. એને કામ કરતી વખતે પહેરી રાખવું ખૂબ જ કપરું છે. શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. જો સરકાર તુરંત પીપીઈ કિટના ઉત્પાદનમાં નિયત ગાઈડલાઈનનો અમલ નહીં કરાવે તો માર્કેટ નબળી ગુણવત્તાની પીપીઈ કિટથી ઉભરાઈ જશે.

દુનિયામાં કેળાની અછત સર્જાશે

કેળા દુનિયાભરમાં થાય છે અને તેની નિકાસ પણ સૌથી વધુ થાય છે. કદાચ સૌથી વધુ ખવાતું ફળ કેળા હશે એમ પણ કહી શકાય. ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે ભારત કેળાના ઉત્પાદનમાં દુનિયામાં પહેલા ક્રમે છે, પરંતુ કોરોનાના કારણે ભારતમાં કેળાનું ઉત્પાદન ઘટશે. ૨.૭ કરોડ ટન કેળાનું વાર્ષિક ઉત્પાદન થાય છે અને ભારતમાં જ કેળાની અલગ અલગ ૧૦૦ જેટલી વેરાયટી મળે છે.

 વિજ્ઞાાનિકોએ ચેતવણી આપી હતી કે એક નવી ફૂગ કેળાના પાકને નાશ કરી રહી છે. તેનાથી વિશ્વભરના ઉત્પાદન અસર થશે. એમાં વળી, કોરોનાના કારણે ધાર્યું ઉત્પાદન અને નિકાસ થશે નહીં એટલે મુશ્કેલી વધશે. જો એવું થશે તો દુનિયાને ૨.૬ અબજ ડોલરના કેળાના ઉત્પાદનને અસર થશે અને એમાંથી ભારતને સૌથી વધુ નુકસાન થશે. બિહાર અને યુપીમાં સૌથી વધુ કેળા ઉત્પાદિત થાય છે.

તાજમહેલમાં 368 વર્ષે ઈદની નમાઝ બંધ રહી

તાજમહેલના ઈતિહાસમાં પ્રથમ વખત ઈદની નમાઝ તાજમહેલમાં બંધ રહી હતી. શાહી મસ્જિદમાં છેલ્લાં ૩૬૮ વર્ષથી ઈદના દિવસે નમાઝ અદા થતી હતી, પરંતુ કોરોનાના કારણે તાજમહેલ બંધ હોવાથી નમાઝની પરવાનગી મળી ન હતી. એના કારણે પ્રથમ વખત ઈદની નમાઝ તાજમહેલમાં થઈ ન હતી. શાહી મસ્જિદના ઈમામ સૈયદ સાદિક અલીએ કહ્યું હતું કે તેનો પરિવાર વંશપરંપરાગત રીતે તાજમહેલમાં નમાઝ અદા કરતો આવે છે. મુગલ બાદશાહોએ તેમના પૂર્વજોને આ હક આપ્યો હતો, પરંતુ લોકડાઉનના કારણે પ્રથમ વખત ૩૬૮ વર્ષ પછી રમઝાન ઈદની નમાઝ થઈ ન હતી. અગાઉ તાજમહેલને ૧૯૭૧માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે અને ૧૯૭૮માં યમુનામાં આવેલા મહાપૂર વખતે બંધ રાખવાની ફરજ પડી હતી, પરંતુ રમઝાનમાં ક્યારેય તાજમહેલ બંધ રહ્યાનો કિસ્સો બન્યો નથી. હૈદરાબાદની ઐતિહાસિક મક્કા મસ્જિદ પણ ૪૨૩ વર્ષમાં પ્રથમ વખત રમઝાન ઈદમાં બંધ રહી હતી.

આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને મોદીને રજૂઆત કરી

ભારતના ઘણા રાજ્યોમાં મજૂરોને લગતા કાયદા હળવા થયા છે. મજૂરો પાસેથી વધુ કામ લઈ શકાશે એ પ્રકારના ભારતમાં થઈ રહેલાં ફેરફારોની ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને નોંધ લીધી છે. 

આ આંતરરાષ્ટ્રીય લેબર સંગઠને વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે મજૂરોને લગતા જે આંતરરાષ્ટ્રીય નિયમો છે તે ભારતની સરકાર જાળવી રાખે. આ મજૂર સંગઠને વડાપ્રધાનને વિનંતી કરી હતી કે ઘણાં રાજ્યોએ મજૂરોના કામના કલાકો આઠમાંથી ૧૨ કરી દીધા છે. એ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે. યુનાઈટેડ નેશન્સના મજૂરોના નિયમોનો તેમાં ભંગ થાય છે. રાજ્ય સરકારો દ્વારા થઈ રહેલાં એ ફેરફારોમાં વડાપ્રધાન દખલગીરી કરે ને મજૂરોના પક્ષમાં પગલાં ભરે તે માટેની રજૂઆત ઈન્ટરનેશનલ લેબર ઓર્ગનાઈઝેશને કરી હતી.

- ઈન્દર સાહની

Tags :