દિલ્હીની વાત : કેન્દ્રનાં મહિલા પ્રધાનની અધિકારીઓને ખુલ્લી ધમકી
કેન્દ્રનાં મહિલા પ્રધાનની અધિકારીઓને ખુલ્લી ધમકી
નવી દિલ્હી, તા. 25 મે 2020, સોમવાર
નરેન્દ્ર મોદી સરકારનાં આદિવાસી બાબતોનાં પ્રધાન રેણુકા સિંહનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રેણુકા છત્તીસગઢના બલરામપુરમાં અધિકારીઓને ખુલ્લી ધમકી આપતાં કહે છે, છત્તીસગઢમાં અમારી સરકાર નથી તેથી ભાજપના કાર્યકરો નબળા છે એવું ના માનતા. એ પછી રેણુકા કહે છે કે, અંધારિયા રૂમમાં લઈ જઈને બેલ્ટ ખોલીને ઠોકતાં મને બહુ સારી રીતે આવડે છે.
આ વીડિયો વાયરલ થયા પછી રેણુકા બચાવની સ્થિતીમાં આવી ગયાં. તેમણે દાવો કર્યો કે, બલરામપુરના કોવિડ સેન્ટરમાં ખરાબ સવલતો અંગેનો વીડિયો ઉતારીને દિલીપ ગુપ્તા નામના યુવકે સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. જિલ્લાના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર તથા તહેસીલદારે તેને ફટકાર્યો અને વાળ ખેંચીને પછાડયો હતો. દિલીપે ફરિયાદ કરતાં પોતે આ વિસ્તારની મુલાકાતે આવવાની ફરજ પડી એવો રેણુકા સિંહનો દાવો છે. જો કે રેણુકાએ પોતે આ પ્રકારની ભાષા કેમ વાપરી તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.
ભાજપના નેતાઓને લોકડાઉનના નિયમો લાગુ નથી પડતા
મોદી સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનના કડક પાલનની લોકોને સલાહ આપે છે ત્યારે ભાજપના જ નેતાઓ તેના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવે છે. સોમવારે દિલ્હીથી ફ્લાઈટ દ્વારા બેંગલુરુ પહોંચેલા કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગૌડા સીધા જ પોતાના ઘરે જવા ઉપડી ગયા. મોદી સરકારે વિમાની સેવા કરનારા લોકોને ક્વોરેન્ટાઈ થવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે ત્યારે ગૌડાએ દાવો કર્યો કે, હું પ્રધાન છું અને કેટલાક ખાસ લોકોને ક્વોરેન્ટાઈન થવાના નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ગૌડાના આ વર્તનની ચર્ચા વચ્ચે દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારીએ લોકડાઉનના નિયમોના ધજાગરા ઉડાવ્યા હોવાની ઘટના બહાર આવી. દિલ્હી-હરિયાણા બોર્ડર સીલ હોવા છતાં તિવારી સોનિપત ગયા અને માસ્ક પહેર્યા વિના મોટી સંખ્યામાં લોકોને એકઠા કરીને કાર્યક્રમ કર્યો. તિવારીએ ક્રિકેટ મેચમાં ભાગ લીધો અને ગીતો પણ ગાયાં.
ગૌડા અને તિવારીના વર્તન પછી લોકો સવાલ કરી રહ્યાં છે કે, આ દેશની સામાન્ય જનતા માટે અને ભાજપના નેતાઓ માટે લોકડાઉનના નિયમો અલગ અલગ છે કે શું?
કેજરીવાલની આત્મનિર્ભરતાને ભાજપે નાટક ગણાવ્યું
અરવિંદ કેજરીવાલ સરકારે જાહેરાત કરી છે કે, નરેન્દ્ર મોદીએ 'આત્મનિર્ભર ભારત'ની વાતો કરીને ભલે વિદેશી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવા માંડયા હોય પણ દિલ્હી સરકાર આત્મનિર્ભર અભિયાનનું ચુસ્ત રીતે પાલન કરશે. દિલ્હી સરકારે તેના તમામ વિભાગોને આદેશ આપ્યો છે કે, કોઈ પણ કામ માટેનાં ગ્લોબલ ટેન્ડર બહાર પાડવાં નહીં અને સ્થાનિક કંપનીઓને જ કોન્ટ્રાક્ટ આપવા. ૨૦૦ કરોડ રૂપિયાનાં કામોનાં ગ્લોબલ ટેન્ડર અટકાવીને આ કામ ભારતીય કંપનીઓને આપવાની જાહેરાત કરી છે. એમએસએમઈ એટલે કે નાની અને મધ્યમ કક્ષાની ભારતીય કંપનીઓને આ કામો આપવા સૂચના આપી દેવાઈ છે.
ભાજપ આ જાહેરાતને નાટક ગણાવે છે. તેમના મતે, મોદીએ 'આત્મનિર્ભર ભારત અભિયાન'ની જાહેરાત કરી પછી નાણાં મંત્રાલયે સુધારેલા જનરલ ફાયનાન્સ રૂલ્સ (જીએફઆર) મોકલી આપ્યા હતા. તેમાં ૨૦૦ કરોડ રૂપિયાથી ઓછી રકમની તમામ ખરીદી એમએમએસએમઈ પાસેથી જ કરવાનો આદેશ અપાયો છે.
આ આદેશનું પાલન કરવું ફરજિયાત છે ત્યારે કેજરીવાલ સરકારે જાતે આત્મનિર્ભરતા કઈ રીતે અપનાવી એવો સવાલ ભાજપ કરી રહ્યો છે. મોદી સરકારે ૨૦૦ કરોડ રૂપિયાથી વધુના ટેન્ડરો તો ગ્લોબલ ટેન્ડર બહાર પાડયા અંગે કોઇજ પાબંધી કરી નથી માટે કેન્દ્ર સરકારની આત્મનિભરની વાતો હાથીના ચાવવાના અને બતાવવા જેવી છે એવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
યોગી દેશના બંધારણથી પણ ઉપર છે ?
યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના કામદારો મુદ્દે કરેલી જાહેરાતના કારણે ફરી વિવાદમાં ફસાયા છે. યોગીએ જાહેરાત કરી કે, હવે પછી દેશના કોઈ પણ રાજ્યે ઉત્તર પ્રદેશમાંથી કામદારોને લઈ જવા હશે તો પોતાની સરકારની મંજૂરી લેવી પડશે. યોગીએ તો કામદારો ઉત્તર પ્રદેશમાં જ રોજગારી મેળવી શકે તે માટે માઈગ્રન્ટ્સ કમિશન બનાવવાનું એલાન પણ કર્યું.
આ જાહેરાતના પગલે યોગી પર પસ્તાળ પડવી શરૂ થઈ છે. યોગી પોતાને દેશના બંધારણથી પણ ઉપર માને છે કે શું એવા સવાલોનો મારો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે. દેશના બંધારણે દેશના નાગરિકોને આપેલા મૂળભૂત અધિકાર હેઠળ કોઈ પણ વ્યક્તિને રોજગારી માટે પોતે ઈચ્છે ત્યાં જવાની છૂટ છે. આ માટે તેણે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી ત્યારે યોગીએ રાજ્ય સરકારની મંજૂરીનો તુક્કો વહેતો કર્યો છે. યોગીને આ તુક્કો ક્યાંથી સૂઝયો તે ખબર નથી પણ આ મુદ્દો કોર્ટમાં પહોચતાં જ યોગી પાછા ઉંધા માથે પછડાશે એ નક્કી છે એવું રાજકીય વિશ્લેષકો માને છે.
ભાજપ હાઈકમાન્ડને ઈશારે પ્રવેશ વર્મા પાછા મેદાનમાં
દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે વિવાદાસ્પદ નિવેદનો કરનારા ભાજપના સાંસદ પરવેશ વર્મા ફરી મેદાનમાં આવ્યા છે. વર્માએ રાહુલ ગાંધીને કોરોના સાથે સરખાવીને નિવેદન કર્યું કે, સોનિયા, પ્રિયંકા અને રાહુલને ક્વોરેન્ટાઈ સેન્ટરમાં મોકલી આપવાં જોઈએ કેમ કે આ એવા લોકો છે કે જેમને લોકડાઉનની અસરો દેખાતી નથી જ્યારે બીજી તરફ આખી દુનિયા મોદી સરકારે લીધેલાં પગલાંને વખાણી રહી છે.
લાંબા સમયથી ખોવાયેલા વર્મા અચાનક સક્રિય થતાં લોકોને આશ્ચર્ય થયું છે પણ રાજકીય વિશ્લેષકોના મતે, વર્મા ભાજપ હાઈકમાન્ડના ઈશારે મેદાનમાં આવ્યા છે. રાહુલ અને પ્રિયંકા હિજરતી કામદારોના મુદ્દે સતત ભાજપ સરકારો પર પ્રહાર કરી રહ્યાં છે. તેના કારણે આ મુદ્દો મોટો બનતો જાય છે અને ભાજપ સરકારોની નિષ્ફળતાની ચર્ચા થવા લાગી છે.
ભાજપે આ મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે નહેરૂ-ગાંધી ખાનદાન પર અંગત પ્રહારો કરવાની જૂની રણનીતિ અમલમાં મૂકી છે. જો કે કારણ ગમે તે હોય, વર્મા અચાનક સક્રિય થતાં હવે પછીના દિવસોમાં તડાફડીવાળાં નિવેદનો સાંભળવા મળશે એ નક્કી છે.
જેએનયુના તઘલખી નિર્ણયોથી વિદ્યાર્થીઓ પરેશાન
જવાહરલાલ નહેરુ યુનિવસટી (જેએનયુ)ના સંચાલકોના તઘલખી નિર્ણયોના કારણે વિદ્યાર્થીઓ પરેશાન છે. જેએનયુએ થોડા દિવસ પહેલાં જ જૂન મહિનાના બીજા અઠવાડિયાથી ક્લાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેના કારણે હોસ્ટેલમાં ફસાઈ ગયેલા વિદ્યાર્થીઓ રોકાઈ ગયા હતા.
ઘણા વિદ્યાર્થીઓએ બુકિંગ કરાવીને હોસ્ટલમાં પાછા આવવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હવે યુનિવસટીના ડીને પરિપત્ર બહાર પાડીને ૨૫ જૂન સુધી યુનિવસટી બંધ કરવાની જાહેરાત કરીને વિદ્યાર્થીઓને પોતપોતાના ઘરે જતા રહેવા સલાહ આપી છે.
જેએનયુએ લોકડાઉનની શરૂઆતમાં પણ આ રીતે જ તઘલખી નિર્ણયો લઈને વિદ્યાર્થીઓને પરેશાન કર્યા હતા. મોદી સરકારે લોકડાઉનની જાહેરાત કરી એ પહેલાં મોટા ભાગના વિદ્યાર્થી ઘરે જતા રહેવા માંગતા હતા પણ યુનિવસટીએ પરીક્ષાની જાહેરાત કરી નાંખી હતી. અચાનક લોકડાઉન જાહેર થતાં ટ્રેનો બંધ થતાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. હવે વિદ્યાર્થીઓ ક્લાસની તૈયારી કરવા માંડયા ત્યાં તેમને ઘરે જવા કહી દેવાયું છે.
* * *
ભાજપના એજન્ડાને હર્ષવર્ધને બ્રેક લગાવી?
ભાજપના કેટલાંક નેતાઓ તબલીગી જમાતના મુદ્દાને કોરોના સંક્રમણનું મુખ્ય કારણ માને છે. અગાઉ સરકારે કહ્યું હતું કે તબલીગી જમાતના કારણે ૩૦ ટકા સંક્રમણ વધ્યું છે, પરંતુ ધીમે ધીમે એ આંકડો ઘટાડાયો હતો, સતત બદલ્યો હતો. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધનને ઓનલાઈન સંવાદમાં એ મુદ્દે પૂછ્યું હતું. જવાબમાં હર્ષવર્ધને સ્પષ્ટતા કરી હતી કે એ મુદ્દો હવે જૂનો થઈ ગયો છે અને વારંવાર તબલીગી જમાતને એ મુદ્દે દોષ આપવો ખેદજનક છે. આ નિવેદનથી ભાજપના પ્રવક્તા સાથે ભાજપ સમર્થકો પણ ચોંકી ગયા હતા. ડૉ. હર્ષવર્ધને જાહેરમાં પહેલી વખત આ મુદ્દાને અતિ અગત્યનો ગણાવ્યો ન હતો.
હર્ષવર્ધને કહ્યું હતું કે એ બાબત ખૂબ જ દુઃખજનક છે કે માર્ચના બીજા સપ્તાહમાં કોરોનાના કેસ ગણ્યા-ગાંઠયા જ હતા, મરકઝની ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને બેજવાબદાર છે, પરંતુ હવે એ જૂની વાત થઈ ગઈ છે. તેના વિશે ઘણી વાતો થઈ ચૂકી છે. બહુ વિશ્લેષણ થઈ ચૂક્યું છે. હવે એ લોકોએ ક્વોરન્ટાઈન પૂરો કરી લીધો છે. તેમની સારવાર પણ થઈ ચૂકી છે ત્યારે તેના વિશે સતત વાતો કરવી ખેદનજક છે. આ જવાબથી ભાજપના પ્રવક્તાને પણ આશ્વર્ય થયું હતું. દિલ્હીના ગલિયારામાં એ મુદ્દે વિશ્લેષણ થયું હતું કે હર્ષવર્ધને જાણે ભાજપના અમુક નેતાઓના એજન્ડામાં બ્રેક લગાવી દીધી હતી!
'ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈનમાં તબલીગી જમાતે કોરોના ફેલાવ્યો'
એક તરફ ભાજપના કેન્દ્રીય મંત્રી તબલીગી જમાતને દોષ આપવાની ના પાડી રહ્યા છે અને એ વાત જૂની છે એટલે ભૂલી જવાની સલાહ આપી આપે છે, તો બીજી તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ત્રણ શહેરોમાં કોરોનાનો ફેલાવો તબલીગી જમાતે કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું. એક ઈન્ટરવ્યૂમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે ઉજ્જેન, ઈન્દોર અને ભોપાલમાં કોરોના ફેલાયો તે પાછળ તબલીગી જમાતના સભ્યો જવાબદાર છે.
માર્ચના અંતે દિલ્હીથી વતન પાછા ફરેલા તબલીગી જમાતના સભ્યો કોરોના લઈને રાજ્યમાં આવ્યા હતા. તેના કારણે ઈન્દોરમાં ૨૮૫૦, ભોપાલમાં ૧૧૫૩ અને ઉજ્જૈનમાં ૫૦૪ કેસ નોંધાયા હતા. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે તબલીગી જમાતના સભ્યોએ ન કેવળ કોરોના ફેલાવ્યો, પરંતુ કોરોનાના સંક્રમણ પછી પણ સરકારને સહકાર આપ્યો ન હતો.
છત્તીસગઢના અધિકારીને બેલ્ટથી મારવાની કેન્દ્રીય મંત્રીની ધમકી
કોંગ્રેસ શાસિત છત્તીસગઢના એક અધિકારીને કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહે બેલ્ટથી મારવાની ધમકી આપી હતી. છત્તીસગઢના સરગુજાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહે ગુસ્સાથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. રેણુકા સિંહે ક્વોરન્ટાઈન સેન્ટરની બહાર અધિકારીઓ સાથે ગુસ્સામાં વાતચીત કરી હતી. અધિકારીઓને ધમકાવતા રેણુકા સિંહે કહ્યું હતું કે જો લોકોની સેવામાં કોઈ કમી રહી ગઈ તો બેલ્ટથી ફટકારીશ. કેન્દ્રીય મત્રીએ કહ્યું હતું કે જો લોકોને અન્યાય થશે તો શૂળી ઉપર લટકાવી દઈશ. અધિકારીએ વળતી દલીલ કરી હતી કે ઉપરવાળો બધું જુએ છે. મેં કશું ખોટું કર્યું નથી. મેં મારું કામ બરાબર રીતે જ કર્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. લોકોએ રેણુકા સિંહની ટીકા કરી હતી અને આ રીતે અધિકારી સાથે વર્તન ન કરવાની સલાહ આપી હતી.
જયપુર, ચેન્નઈ, બેંગ્લુરુ, ઈન્દોર મોડેલ સિટી
કેન્દ્ર સરકારે કોરોના સામે સૌથી સારી લડત લડી રહેલાં ચાર શહેરોની યાદી જાહેર કરી હતી. જયપુર, ચેન્નઈ, બેંગ્લુરુ અને ઈન્દોરને કેન્દ્ર સરકારે મોડેલ સિટી જાહેર કર્યા હતા. કેન્દ્ર સરકારે ટીપ્પણી કરી હતી કે અર્બન વિસ્તારમાં કોરોના કેવી રીતે કાબુમાં લઈ શકાય તે આ ચાર શહેરો પાસેથી શીખવા જેવું છે. જયપુર અને ઈન્દોર શહેરમાં ઘરે ઘરે જઈને સર્વેક્ષણની કામગીરી પણ હાથ ધરાઈ હતી. આ ઈનોવેટિવ રસ્તો અપનાવીને કોરોનાને કાબુમાં રખાયો હતો. ચેન્નઈ અને બેંગ્લુરુએ કોરોનાના મૃત્યુ આંકમાં ઉદાહરણીય રીતે કાબુ રાખ્યો છે. ભારતના કોરોના દર્દીઓમાંથી ફેટાલિટી રેટ ૩ ટકા છે, જ્યારે ચેન્નઈ અને બેંગ્લુરુમાં ફેટાલિટી રેટ માત્ર ૧ ટકા છે. કેન્દ્ર સરકારે આ ચાર શહેરોની પ્રશંસા કરીને અન્ય મોટા શહેરોએ આવી જ સિસ્ટમથી કોરોના સામે લડવું જોઈએ એવી સલાહ આપી હતી.
ભાજપ-આપ વચ્ચે કોરોના પોલિટિક્સ
દિલ્હીની સરકારે ડેથ ઓડિટ કમિટી બનાવી હતી. એ કમિટી મુદ્દે સવાલો થયા હતા. ભાજપે સતત આમ આદમી પાર્ટીની સરકારને કમિટીની રચનામાં ગરબડ કરી હોવાનો દોષ આપ્યો હતો. મૃત્યુ આંક છુપાવતી હોવાનો પણ આરોપ હતો. એ કમિટી ભંગ કરવાની અરજી દિલ્હી હાઈકોર્ટમાં થઈ હતી. જોકે, હાઈકોર્ટે દિલ્હીની સરકારને રાહત આપી હતી અને કમિટી ભંગ કરવાની અરજી ફગાવી દીધી હતી.
કોર્ટે કહ્યું હતું કે અરજી માત્ર અનુમાન આધારિત હોવાથી તેને માન્ય રાખી શકાય તેમ નથી. એ પછી આમ આદમી પાર્ટીએ ભાજપની નીતિની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ભાજપના નેતાઓએ અયોગ્ય મુદ્દો ઉઠાવીને દિલ્હી સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કર્યું હતું, પરંતુ ભાજપને એમાં સફળતા મળી ન હતી. કમિટીના સભ્યો બાબતે અગાઉ નિષ્ણાતોએ પણ તેમની યોગ્યતા બાબતે સવાલો ઉઠાવ્યા હતા. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે દિલ્હી સરકાર દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુ આંક સાચો જ જાહેર કરે છે, તેની માન્યતા હવે હાઈકોર્ટે આપી હોવાથી વિપક્ષોએ જૂઠી દલીલો કરવી ન જોઈએ.
- ઈન્દર સાહની