દિલ્હીની વાત : ચીન સામે મોદી પાસે નક્કર રણનીતિ જ નથી
ચીન સામે મોદી પાસે નક્કર રણનીતિ જ નથી
નવીદિલ્હી, તા.25 જૂન 2020, ગુરુવાર
ચીને ગલવાન વેલીમાં ફરી જમાવટ કરી તેના આઘાતની કળ વળે તે પહેલાં દેપસાંગ પાસે પણ ચીને ઘૂસણખોરી કરી હોવાના અહેવાલ આવતાં મોદી સરકાર દોડતી થઈ છે. ચીને કુલ ચાર ઠેકાણે લશ્કરી જમાવડો કર્યો છે. ચીનની હરકતો સામે ભારત ફરી ઉઘતું ઝડપાયું છે. ચીન ફરી ફટકો ના મારે એ માટે શું કરવંુ એ અંગે સરકારમાં ઉચ્ચ સ્તરે મનોમંથન શરૂ થયું છે.
સંરક્ષણ નિષ્ણાતોના મતે, મોદી સરકાર ચીન સામે વ્યૂહાત્મક રીતે નબળી સાબિત થઈ રહી છે. ચીન એક તરફ રાજદ્વારી-લશ્કરી મંત્રણાનો દેખાવ કરીને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની તરફેણમાં હોવાનો દેખાવ કરી રહ્યું છે. બીજી તરફ એલએસી પર નવા નવા મોરચા ખોલીને ભારતના વિસ્તારો પર કબજો કરવા પ્રયત્નશીલ છે. સામે મોદી સરકાર માત્ર શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે. મોદી સરકાર પાસે ચીનને ખાળવાની કોઈ નક્કર વ્યૂહરચના પણ દેખાતી નથી. મોદી સરકારે ચીનની આક્રમકતા સામે આક્રમક વ્યૂહરચના અપનાવવી જરૂરી છે એવો તેમનો મત છે.
મોદી સરકારે ચીનની ઘૂસણખોરીની વાત છૂપાવી ?
ચીન મુદ્દે મોદી સરકારની રણનીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ સરકાર હકીકતો છૂપાવી રહી હોવાના આક્ષેપો પણ વધતા જાય છે. છેલ્લા બે દિવસની ઘટનાઓના કારણે મોદી સરકારની શંકાસ્પદ વર્તણૂક હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ગુરૂવારે સમગ્ર દેશના મીડિયામાં ચીને ગલવાન વેલીમાં ફરી ચોકી ઉભી કરી દીધી અને સૈનિકોનો ખડકલો કરી દીધો હોવાના અહેવાલ છપાયા. આ વાતના પુરાવારૂપે સેટેલાઈટ ઈમેજીસ પણ પ્રગટ કરાઈ. આ તસવીરો છેક ૨૨ જૂનની હોવા છતાં મોદી સરકારે આ વાત કેમ છૂપાવી રાખી ?
ચીનના લશ્કરે દેસપાંગ વિસ્તારમાં ઘૂસણખોરી કરી હોવાના અહેવાલો ગુરૂવારે ટોચની તમામ વેબસાઈટ્સ પર હતા. ચીને મોટા પ્રમાણમા તોપો અને ભારે વાહનો ખડકી દીધાં હોવાનો દાવો પણ આ અહેવાલોમાં કરાયો છે. મોદી સરકાર આ મુદ્દે પણ ચૂપ છે.
સરહદે બનતી ઘટનાઓ મુદ્દે દેશનાં લોકોને જાણ કરવાની સરકારની ફરજ છે. અત્યારે સ્થિતી એ છે કે, સરકાર કશું કહેતી નથી અને લોકોને મીડિયાના માધ્યમથી જ સરહદે શું ચાલી રહ્યું છે તેની ખબર પડે છે.
ભાજપ-કોંગ્રેસ ચીનની ચિંતા વિના આક્ષેપોમાં વ્યસ્ત
ગુરૂવારે ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫માં લાદેલી કટોકટીની વરસી હતી. મોદીએ કોઈ રાજકીય આક્ષેપબાજી ના કરી પણ અમિત શાહે બધી કસર પૂરી કરી નાંખી. મોદીએ એક જ ટ્વિટ કરીને કટોકટી સમયે લડનારા અને અત્યાચારો સહન કરનારા લોકોને યાદ કર્યા. શાહે ઉપરાછાપરી ટ્વિટ કરીને કટોકટી કાળમાં કેવા અત્યાચારો થયા તેની યાદ અપાવી.
શાહે આક્ષેપ કર્યો કે, 'એક પરિવાર'ના લાભ માટે આખા દેશને જેલમાં ફેરવી દેવાયો હતો. શાહે કોંગ્રેસ સામે કેટલાક સવાલો પણ કર્યા જેનો સાર એ હતો કે, કોંગ્રેસ એક જ પરિવારની પેઢી કેમ બનીને રહી ગઈ છે ?
કોંગ્રેસે કટોકટી અંગેની બીજી ટ્વિટનો જવાબ તો ના આપ્યો પણ 'એક પરિવાર'ના આક્ષેપના જવાબમાં ભાજપને સવાલ કર્યો કે, બાકીના બધાને બાજુ પર મૂકીને 'બે વ્યક્તિ'નું જ શાસન કેમ ચાલે છે ?
ટ્વિટર પર કટોકટીને લગતું હેશ ટેગ ટોપમાં ટ્રેન્ડ કરતું હતું. તેમાં ઘણાંએ સવાલ પણ કર્યો કે, દેશ પર ચીનનો આટલો મોટો ખતરો છે ત્યારે તેની ચિંતા કરવાના બદલે આ આક્ષેપબાજી યોગ્ય કહેવાય ?
ભાજપની નકલ કરવામાં પણ રાહુલ મોડા પડયા
રાહુલ ગાંધીએ લોકો સુધી પોતાની વાત પહોંચાડવા પોતાની ચેનલ લોંચ કરી છે. એક લોકપ્રિય મેસેજિંગ એપ પર ઉપલબ્ધ આ ચેનલ મારફતે રાહુલ લોકો સાથે સીધો સંવાદ કરશે અને અભિપ્રાયો પણ આપશે. કોંગ્રેસની લાંબા સમયથી ફરિયાદ છે કે, ટીવી ચેનલો સરકારની ભાટાઈ કરે છે અને મોદી સરકાર વિરોધી અભિપ્રાયોને પ્રસારિત કરતી નથી. રાહુલે ચેનલોને બાજુ પર મૂકીને સીધા લોકો સુધી અને ખાસ તો યુવા વર્ગ સુધી પહોંચવાનો રસ્તો અપનાવ્યો છે.
રાજકીય વિશ્લેષકોના મતે, રાહુલ લોકો સાથે સીધો સંવાદ કરે એ સારું છે પણ આ ભાજપની નકલ જ છે. તકલીફ એ છે કે, રાહુલ નકલ કરવામાં પણ મોડા પડયા છે.
ભાજપ છ વર્ષ પહેલાં સોશિયલ મીડિયાના કારણે જ સત્તા સુધી પહોંચ્યો હતો. રાહુલ અને કોંગ્રેસે એ વખતે જ સોશિયલ મીડિયા અંગે આક્રમક વ્યૂહરચના અપનાવવાની જરૂર હતી. તેના બદલે કોંગ્રેસ પરંપરાગત માધ્યમો પર નિર્ભર રહી તેમાં ભાજપ ક્યાંય આગળ નિકળી ગયો.
સિંધિયાએ દેવરાને ભાજપમાં ખેંચનો તખ્તો ઘડી કાઢયો
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા મિલિન્દ દેવરા ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની અટકળો ફરી તેજ બની છે. દેવરાએ ગુરૂવારે કટોકટી મુદ્દે કરેલી કોમેન્ટના કારણે આ અટકળો ફરી શરૂ થઈ છે. દેવરાએ કોંગ્રેસ વિરોધી વલણ અપનાવતાં ટ્વિટ કરી કે, કટોકટી આપણને એ વાતની યાદ અપાવે છે કે, લોકશાહીની પરીક્ષા કરવા જાઓ ત્યારે એ જબરદસ્ત તાકાતથી વળતી લડત આપે જ છે. આ જ વાત રાજકીય પક્ષોને પણ લાગુ પડે છે.
મિલિન્દ દેવરાએ કોંગ્રેસની નેતાગીરી પર આડકતરો પ્રહાર કર્યો છે. મિલિન્દ દેવરા આ પહેલાં પણ આવી ટીકાઓ કરી ચૂક્યા છે. રાહુલે એપ્રિલમાં ક્રડુના ઘટતા ભાવોને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા કહ્યું ત્યારે દેવરાએ કટાક્ષ કરેલો કે, રસ્તા પર વાહનો તો છે નહીં પછી ફાયદો કોને થશે ? એ પહેલાં દેવરાએ અરવિંદ કેજરીવાલ સરકારની કામગીરીનાં વખાણ કરતાં દિલ્હી કોંગ્રેસના નેતા તેમના પર ભડક્યા હતા.
કોંગ્રેસમાં એવી ઘૂસપૂસ છે કે, દેવરા જ્યોતિરાદિત્ય સિંધિયાની નજીક છે ને સિંધિયાએ તેમના ભાજપમાં પ્રવેશનો તખ્તો ઘડી નાંખ્યો છે. દેવરા એ માટેનું કારણ ઉભું કરી રહ્યા છે.
***
શા માટે મોદી અને જિનપિંગ બેસીના ઉેકલ લાવતાનથી?
ચીનના એક વિદ્વાન યુન સુને ઉપરોક્ત સવાલનો જવાબ આપ્યો હતો.બંને વચ્ચેના વિવાદના ઉકેલ માટે તેમણે આ રીતે જવાબ શોધ્યો હતો.'ભારત ચીન તરફથી સરહદી વિવાદ અંગે જે રાહતો માગે છે તેની માગવી ખુબ મુશ્કેલ છે અને તેને ઉલ્ટાવી શકાય નહીં. એનાથી ઉલ્ટું, ચીન ભારત પાસેથી જે માગે છે જેમ કે યુએેસ-ચીન વ્યુહાત્મક સ્પર્ધામાં તે તઠસ્થ રહે અને આ વાતને એડજસ્ટ કરી શકાય છે.ઇન્સ્ટીટ્ટ ઓફ ચાઇનીઝ સ્ટડીઝના એક ફેલો ઝારાવર સિંહ દૌસત અનુસાર,વ્યુહાત્મક ઇરાદાઓમાં અચોક્ક,તા અને પ્રવાહીતાની સમસ્યાનો નજીક ભવિષ્યમાં દેખીતી રીતે જ કોઇ ઉકેલ આવે એવું લાગતું નથી.તેમ છતાં સરહદે નવા નિયમો લાગુ કરી શકાય છે અને તે બંને દેશોના લાભમાં છે.
સૌથી વધુ વિવાદાસ્પદ પોકેટમાં બફર ઝોનની સંમંતી જેવું સકારાત્મક વલણ અથવા ઘર્ષણ ટાળવા મર્યાદિત ક્ષેત્રમાં પેટ્રોલિંગ જેવા નિયમો બનાવવા જોઇએ.આ સબંધ એટલા પણ ખાટા થયા નથી. થોડા સમયથી આના સંકેતો તો મળતા જ હતા. એવા ખોટા દાવા કરવામાં આવતા હતા કે ભારત ચીનની પ્રગતિ છેછેડાયો હતો.
ચીન ઇચ્છે છે કે ભારતે બિહાર રેજીમેન્ટને સજા કરવી જોઇએ
જેમાં ૨૦ ભારતીય સેનિકો માર્યા ગયા હતા તે ૧૫ જૂનની અથડામણ માટે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ફરીવાર બિહાર રેજીમેન્ટને જ દોષિત માની હતી. પીએલએ ઇચ્છે છે કે ભારત બિહાર રેજીમેન્ટને સજા કરે.'ચીનની સેના ઇચ્છે છે કે ભારતે એ સંધર્ષ માટે જે કોઇ પણ જવાબદાર હોય તેની સામે સખ્ત પગલાં ભરવા જોઇએ કે જેથી ફરીવાર આવું બને નહીં.પીએલએના વરિષ્ઠ કર્નલ અને સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા વુ ક્વાઆને એ રીતે બેજીંગમાં કહ્યું હતું.૧૬મી બિહાર રેજીમેન્ટનું નેતૃત્વ કર્નલ સંતોષ બાબુ કરી રહ્યા હતા જેઓ પણ ૧૫મી જૂનની અથડામણમાં માર્યા ગયા હતા.
એ અથડામણ અંગે પહેલી જ વાર ૧૬મી જૂને ભારતના વિદેશ મંત્રાલયે ચીન પર દોષારોપણ કરીને કહ્યું હતું કે એક ચીની પક્ષે જૈસે સ્થિતીમાં એક તરફી રીતે ફરેફાર કરતાં ઘર્ષણ સર્જાયું હતું.
પાંચ પાંચ પુત્રીઓ જન્મી પણ હજુ સુધી 'વિકાસ'નો જન્મ થયો નથી
મધ્ય પ્રદેશના કોંગ્રેસના નેતા અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુ પટવારીએ ટ્વિટ કરતાં એક મોટો વિવાદ ઊભો થયો હતો. તેમણે નોટબંધી અને જીએસટી સહિત કેન્દ્ર સરકારની અનેક યોજનાઓની મજાક ઉડાવી હતી. એક પુત્ર મેળવવાની લાયમાં પાંચ પાંચ પુત્રીઓ થઇ ગઇ હતી, એમ તેમણે લખ્યું હતું.
પુત્રીઓ તો જન્મી ચૂકી પરંતુ હજુ સુધી 'વિકાસ'જન્મ્યો નથી.'લોકો તો એક પૂત્રની રાહ જોઇ રહ્યા હતા પરંતુ તેના બદલે તેમને પાંચ પાંચ પુત્રીઓ મળી હતી અને હજુ સુધી પુત્ર વિકાસનો જન્મ થયો જ નથી'એમ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પટવારીએ કહ્યું હતું.
તેમની ટીપ્પણી દેખીતી રીતે જ નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા 'સબ કા સાથ, સબ કા વિકાસ'માટે હતી.રાવ મત વિસ્તારના ધારાસભ્ય પટવારી એ કરેલી સેક્સી અને અશ્લિલ ટીપ્પણીથી ભાજપના નેતાઓ નારાજ થયા હતા. પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પણ પટવારી પર પ્રહાર કર્યો હતો. તેમણે માગ કરી હતી કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના પક્ષના નેતાની આવી અભદ્ર ટીપ્ણી બદલ માફી માગી જોઇએ.
- ઇન્દર સાહની