Get The App

દિલ્હીની વાત : 16 મે સુધીમાં કોરોનાનો ખાતમો કેમ ના થયો ?

Updated: May 24th, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : 16 મે સુધીમાં કોરોનાનો ખાતમો કેમ ના થયો ? 1 - image


16 મે સુધીમાં કોરોનાનો ખાતમો કેમ ના થયો ?

નવીદિલ્હી, તા.23 મે 2020, શનિવાર

મોદી સરકાર એપ્રિલમાં કરેલા એક દાવાના કારણે બરાબરની ફસાઈ છે. એ વખતે આરોગ્ય મંત્રાલય દ્વારા કરાતા પ્રેસ બ્રિફિંગમાં લોકડાઉનના કારણે કોરોનાના કેસો ઘટી રહ્યા હોવાનો દાવો કરાયો હતો. નીતિ આયોગના સભ્ય વી.કે પૌલે રજૂ કરેલા પ્રેઝન્ટેશનમાં દર્શાવાયું હતું કે, ૧૬ મેના રોજ દેશમાં કોરોનાના કેસો ઝીરો પર આવી જશે. મતલબ કે, એક પણ કેસ નહીં નોંધાય.

સોશિયલ મીડિયા પર એ વીડિયો વાયરલ થયો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, મોદી સરકારે તો ૧૬ મેના રોજ કોરોના કાબૂમાં આવી જશે એવો દાવો કરેલો તો શું થયું ?   પૌલે પ્રેઝન્ટેશન માટે માફી માગીને એવો ખુલાસો કર્યોે કે, પ્રેઝન્ટેશન મેથેમેટિકલ ડેટાના આધારે બનાવાયેલું ને ગ્રાફમાં ક્યાંય શૂન્યનો ઉલ્લેખ જ નથી. તેમણે ગેરસમજ ફેલાઈ હોવાનો પણ દાવો કર્યો.

સત્તાવાર પત્રકાર પરિષદમાં આ દાવો કરાયો હોવાથી મોદી સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ પણ મોદી સરકાર આ મુદ્દે સાવ ચૂપ છે. આ ચૂપકીદી સામે પણ લોકો સવાલ કરી રહ્યા છે.

 મધ્ય પ્રદેશમાં સત્તા માટે કોંગ્રેસ પી.કે.ના શરણે

મધ્ય પ્રદેશમાં ફરી સત્તા મેળવવા કોંગ્રેસ પ્રશાંત કિશોરના શરણે ગઈ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે ભાજપમાં ગયેલા ૨૨ ધારાસભ્યોના કારણે ખાલી પડેલી ૨૨ બેઠકો સહિતની ૨૪ બેઠકોની વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી સપ્ટેમ્બર પહેલાં થશે. કોંગ્રેસે આ પેટાચૂંટણીની વ્યૂહરચનાની જવાબદારી પ્રશાંત કિશોરને સોંપી છે. લોકડાઉન સંપૂર્ણ હટાવી લેવાય પછી પી.કે. મધ્ય પ્રદેશમાં ધામા નાંખશે અને કોંગ્રેસને જીતાડવા મચી પડશે. કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે ત્રણ એડ એજન્સી પણ નક્કી કરી દીધી છે. આ એજન્સીઓ પણ કામે લાગી ગઈ છે.

ભાજપ અને કોંગ્રેસ બંને માટે પેટાચૂંટણી મહત્વની છે. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ સિંધિયા સાથે ગયેલા ધારાસભ્યોએ ખાલી કરેલી તમામ ૨૨ બેઠકો જીતે તો ફરી સત્તામાં આવી શકે છે. કમલનાથ અને દિગ્વિજયસિંહની જોડીએ આ લક્ષ્ય સાથે અત્યારથી ઉમેદવારો નક્કી પણ કરવા માંડયા છે.

ભાજપ માટે પણ આ પેટાચૂંટણી પ્રતિાનો પ્રશ્ન છે. ભાજપે કોંગ્રેસમાં ભંગાણ સર્જીને સત્તા હાંસલ કરી પણ પેટાચૂંટણીમાં જીત મેળવીને સ્પષ્ટ બહુમતી સુધી ના પહોંચે તો ભાજપનું નાક કપાઈ જશે. 

સોનિયાને યશવંત સિંહાની વણમાગી સલાહ

સોનિયા ગાંધી ભાજપ વિરોધી પક્ષોને એક કરવા મથી રહ્યાં છે ત્યારે ભાજપના ભૂતપૂર્વ નેતા યશવંત સિંહાએ વિપક્ષોને વણમાગી સલાહ આપી છે. સિંહાએ વિપક્ષોને નિવેદનબાજી અને આવેદનપત્રો આપવાના બદલે શેરીઓમાં ઉતરીને 'બહેરી-મૂંગી મોદી સરકાર' સામે જગ છેડવા કહ્યું છે. સિંહાના મતે હિજરતી કામદારો અને ગરીબોની તકલીફો સમજવાની આ સરકારની તૈયારી નથી ત્યારે ઓફિસોમાં બેસીને વાતો કરવાથી કશું નહીં થાય પણ ગરીબો અને કામદારો માટે રસ્તા પર ઉતરવું પડશે.

સોનિયાએ વિપક્ષી નેતાઓ સાથે શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ બેઠક કરી તેના બીજા જ દિવસે સિંહાએ આ સલાહ આપી છે. સિંહા પોતે હિજરતી કામદારોના પ્રશ્ને ધરણાં સહિતના કાર્યક્રમો આપે છે પણ તેમની સાથે બહુ લોકો જોડાયા નથી.

રાજકીય વિશ્લેષકોના મતે. સિંહાની સલાહ સાચી છે અને સમયસરની પણ છે. વિપક્ષોને લોકડાઉનના કારણે અચાનક જ મોટો મુદ્દો મળી ગયો છે. વિપક્ષો એક થઈને આ મુદ્દાને ચગાવે તો ભાજપને ભિડાવી શકે છે એવું વિશ્લેષકો માને છે.

મુંબઈથી ટ્રેન યુપીના બદલે ઓડિશા પહોંચી ગઈ

રેલ્વે મંત્રાલયે વાળેલા એક મોટા છબરડાને કારણે મોદી સરકાર પર ભારે પસ્તાળ પડી રહી છે. પ્રરપ્રાંતિય કામદારો માટે રેલ્વે સ્પેશિયલ ટ્રેનો દોડાવી રહી છે. ગુરૂવારે રાત્રે મુંબઈથી ઉત્તર પ્રદેશના ગોરખપુર માટે રવાના થયેલી આવી જ એક શ્રમિક એક્સપ્રેસ ઓડિશાના રાઉરકેલા પહોંચી ગઈ હતી. આ ટ્રેન મૂળ કાર્યક્રમ પ્રમાણે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ થઈને ઉત્તર પ્રદેશ પહોંચવાની હતી પણ તેના બદલે આઠ રાજ્યોમાં થઈને હવે રવિવારે ઉત્તર પ્રદેશ પહોંચશે.

રેલ્વે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે એવો હાસ્યાસ્પદ ખુલાસો કર્યો કે, ઉત્તર પ્રદેશના રૂટ પર વધારે ટ્રાફિક હોવાથી ટ્રેનને બીજા રૂટ પર વાળવામાં આવી હતી. જો કે રેલ્વે મંત્રી પિયૂષ ગોયલને પોતાને આ ખુલાસો ગળેઉતર્યો નથી. ટૂંકા રૂટના બદલે આઠ રાજ્યોમાં પ્રવાસીઓને ફેરવીને ચાર દિવસ પછી ઉત્તર પ્રદેશ પહોંચાડવાનો મૂર્ખામીભર્યો નિર્ણય કોણે લીધો તે અંગે ખુલાસો કરવા તેમણે યાદવને આદેશ આપ્યો છે.

 કોંગ્રેસ કામદારોના મુદ્દાને ટ્રમ્પ કાર્ડ બનાવશે

લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય કામદારોને પડેલી તકલીફોના મુદ્દાને ટ્રમ્પ કાર્ડ બનાવવાનું કોંગ્રેસે નક્કી કરી લીધું છે. એક તરફ પ્રિયંકા ગાંધી આ મુદ્દે યોગી આદિત્યનાથ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ રાહુલ ગાંધીએ પણ આ મુદ્દાને પકડી લીધો છે. રાહુલે થોડા દિવસો પહેલાં દિલ્હીમાં રસ્તા પર બેઠેલા કામદારોને મળીને તેમની સાથે વાત કરી હતી. એ પછી રાહુલે તેમના પરિવારોને કારમાં વતન મોકલવાની વ્યવસ્થા કરી હતી.

હવે રાહુલે કામદારો સાથે કરેલી વાતચીતને આવરી લેતી ડોક્યુમેન્ટરી યુ-ટયૂબ પર મૂકી છે. 'દેશ કી આવાઝ, રાહુલ ગાંધી કે સાથ' નામની લગભગ ૧૮ મિનિટની ડોક્યુમેન્ટરીમાં કામદારોને પડી રહેલી તકલીફોને રાહુલે પોતાના અવાજમાં રજૂ કરી છે. કામદારો પર થયેલા અત્યાચારોનો પણ તેમાં ઉલ્લેખ છે.  આ કામદારો મોટા ભાગે ઉત્તર પ્રદેશ અને બિહારના છે. આ બંને રાજ્યોમાં કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. કામદારોની સહાનુભૂતિ મેળવીને બંને રાજ્યોમાં ફરી બેઠા થઈ જવાશે એવો કોંગ્રેસને વિશ્વાસ છે. 

 શાહી ઈમામ અલવિદા નમાઝમાં રડી પડયા

દિલ્હીની જામા મસ્જિદમાં રમઝાન મહિનાના છેલ્લા શુક્રવારની અલવિદાની નમાઝ દરમિયાન શાહી ઈમામ સૈયદ અહમદ બુખારી રડી પડયા.  દર વર્ષે અલવિદા નમાઝમાં સેંકડો મુસ્લિમો ઉમટી પડે તેના કારણે અલગ જ માહોલ સર્જાતો હતો. આ મુસ્લિમો નમાઝ પઢતા હોય તેની તસવીરો અચૂક મીડિયામાં છપાતી હતી.

કોરોનાના ડરના કારણે અલવિદાની નમાઝમાં શાહી ઈમામના પરિવારજનો તથા મસ્જિદનો સ્ટાફ મળીને ગણતરીનાં લોકો જ હાજર હતાં એ જોઈને બુખારી રડી પડયા. મુસ્લિમો અલવિદાની નમાઝમાં હાજર રહેવા માગતા હતા. ગુરૂવારે સાંજે ફોન કરીને તેમણે મંજૂરી પણ માંગી પણ બુખારીએ જ તેમને ઘરોમાં રહીને બંદગી કરવા અપીલ કરી હતી. બુખારીએ નમાઝમાં દેશની સલામતી માટે દુઆ માંગી. આ નમાઝ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરાયું.

બુખારી અને મુસ્લિમ સમાજે બતાવેલી સમજદારી બદલ સોશિયલ મીડિયા પર ભારે પ્રસંશા થઈ રહી છે. દેશના દરેક ધર્મનાં લોકોએ બુખારી પાસેથી પ્રેરણા લેવી જોઈએ એવી કોમેન્ટ્સ લોકો કરી રહ્યાં છે.

***

આરોગ્ય સેતુના યુઝર્સનો ડેટા જોખમમાં?

આરોગ્ય સેતુ ૧૧ કરોડ યુઝર્સ ડાઉનલોડ કરી ચૂક્યા છે. સરકારી ઓફિસીસમાં આરોગ્ય સેતુ ફરજિયાત છે. સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે પણ આરોગ્ય સેતુ ફરજિયાત છે. હવે હવાઈ મુસાફરીને પરવાનગી અપાઈ છે અને એમાંય મુસાફરો માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી કમ્પલસરી છે. આ બધા વચ્ચે એક્સપર્ટ્સ એવી દહેશત વ્યક્ત કરી રહ્યાં છે કે આરોગ્ય સેતુના યુઝર્સના ડેટા સલામત નથી. સાઈબર સિક્યુરિટી એક્સપર્ટ્સ તેને નેશનલ સિક્યુરિટી સાથે પણ જોડી રહ્યા છે, પરંતુ સરકારી અધિકારીઓએ ડેટા સલામત હોવાનું કહ્યું હતું. સરકારે કહ્યું હતું કે એપનો ડેટા બિલકુલ સલામત છે અને ડેટા ચોરીનો કોઈ જ ખતરો નથી. વિદેશી સાઈબર સિક્યુરિટી એજન્સી પણ આરોગ્ય સેતુના ડેટા અંગે ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. કોરોનાની મહામારી વચ્ચે હેકર્સની નજર આવી બધી એપ્સ પર વધુ હોવાથી જોખમ હોવાની શક્યતા નકારી શકાતી નથી.

સદર બજાર સામે નવો પડકાર

દિલ્હીના સદર બજારના પ્રમુખ રાકેશ યાદવે ચિંતા વ્યક્ત કરી હતી કે ભારતના સૌથી વિશાળ માર્કેટ સદર બજારમાં બિઝનેસ કરવાનું કામ મુશ્કેેલ બન્યું છે. ૪૦૦૦ જેટલી નાની-મોટી દુકાનો આ માર્કેટમાં છે. કોરોનાના ભય વચ્ચે વેપારીઓ અવઢવમાં છે કે ધંધો કેવી રીતે કરવો? સંક્રમણનું જોખમ લઈને પણ દુકાનદારો દુકાન તો ખોલી રહ્યાં છે, પરંતુ તેમ છતાં તેમની વેપાર કરવાની અત્યારે અનિચ્છા છે. સેનિટાઈઝર્સ મશીન બધી જ દુકાનોમાં ઈન્સ્ટોલ કરવાનો પ્રસ્તાવ રજૂ થયો છે. કલાકો નક્કી કરીને એ પ્રમાણે જ દુકાનો ખોલવા બાબતે પણ વિચારાઈ રહ્યું છે. દુકાનદાર અને ખરીદદાર વચ્ચે અંતર રહે તે માટે વાયર બાંધીને વ્યવસ્થા કરવાનું પણ વિચારાધિન છે. જોકે, આ બધું છતાં અડધો અડધ વેપારીઓ કોરોનાના ભય હેઠળ દુકાન ખોલવાના પક્ષમાં નથી. સદર બજારના પ્રમુખે કહ્યુ હતું કે સરકારની ગાઈડલાઈનનું વેપાર વખતે પાલન કરવાનું કામ ટેકનિકલ રીતે અઘરું બની જાય છે. કાગળ ઉપર સાવચેતીનો પ્લાન જેટલો અસરકારક દેખાય છે એવું વાસ્તવિક રીતે શક્ય બનતું નથી. કારણ કે વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળશે તો ગ્રાહકો નહીં પાળે. આવી સ્થિતિમાં સંક્રમણનો ખતરો તો રહેશે જ.

ટોળાએ 30 હજારની કેરી લૂંટી લીધી

દિલ્હીના જગતપુરામાં ટોળાએ ૩૦ હજારની કેરી લૂંટી લીધી હતી. લોકો લૂંટ મચાવતા હતા ત્યારે અસંખ્ય લોકો ત્યાંથી પસાર થયા હતા. ઓટોરિક્ષા ચાલકો પણ ત્યાંથી નીકળ્યા હતા, પણ કોઈએ કેરીના વેપારીની મદદ કરવાની હિંમત કરી ન હતી. કેરી લૂંટાતી હતી છતાં કોઈએ લોકોને અટકાવવાની હાકલ કરી ન હતી. ૧૫ કેરેટ કેરીની લૂંટ થોડી વારમાં જ થઈ ગઈ હતી. છોટે નામના ફળોના વેપારીએ કહ્યું હતું કે કેરીના ભાવની બાબતે ગ્રાહક સાથે રકઝક થઈ પછી ટોળાએ બધી જ કેરી લૂંટી લીધી હતી. જોવાની વાત એ હતી કે ઘણાં લોકોએ આ આખી ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં આ વીડિયો ભારે વાયરલ થયો હતો, પરંતુ વીડિયો બનાવવામાં વ્યસ્ત રહેલા લોકોએ વેપારીને લૂંટતો બચાવવા માટે કોઈ જ પ્રયાસો કર્યા ન હતા.

પાકિસ્તાન તીડના ટોળાને ભારત આવતા અટકાવશે

તીડ ભારતમાં આવે તે પહેલાં જ તેનો ખાતમો કરવાની મદદ પાકિસ્તાન કરશે. ભારત-પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધો ઘણાં સમયથી તંગ છે, તેમ છતાં તીડની બાબતે પાકિસ્તાન અને ઈરાન સાથે મળીને તીડના તોળાનો નાશ કરવાના ભારત પ્રયાસો કરશે. રાજસ્થાનના ૧૬ જિલ્લામાં તીડના ટોળાં ત્રાટકી ચૂક્યા છે. હજુ પણ તીડનું મોટું ટોળું ભારતમાં આવી શકે એવી દહેશત છે. જો ફંટાશે નહીં તો ભારતના ખેતરોને આ તીડના ટોળાં ખેદાન-મેદાન કરશે. પાકિસ્તાન તીડના તોળાનો ભારતમાં પ્રવેશ કરે તે પહેલાં જ ખાતમો બોલાવવા બધા જ પ્રયાસો કરશે એવું પાકિસ્તાને ભારતને કહ્યું હોવાનો દાવો એક અધિકારીએ કર્યો હતો. રાક્ષસી તીડના ટોળા સામે લડવા માટે પાડોશી દેશો સાથે એક બીજાને મદદ કરવાની ખાસ સમજૂતી થતી હોવાથી પાકિસ્તાન અને ઈરાન બંને ભારતને મદદ કરશે.

સાઈકલ ચલાવીને છોકરીએ 1200 કિ.મી.નું અંતર કાપ્યું

જ્યોતિ કુમારી નામની ૧૫ વર્ષની છોકરીએ ગુરુગ્રામથી બિહાર સુધીનું અંદાજે ૧૨૦૦ કિલોમીટરનું અંતર સાઈકલ ચલાવીને પૂરું કર્યુ હતું. એ સાઈકલમાં તેના બીમાર પિતા પણ સવાર હતા. પાછળ પિતાને બેસાડીને ૧૨૦૦ કિલોમીટર સાઈકલ ચલાવનારી એ છોકરીનું સાઈક્લિંગ ફેડેરેશન ઓફ ઈન્ડિયાએ સમ્માન કર્યું છે. આ સંઘર્ષમાંથી એ છોકરી માટે નવો માર્ગ ખૂલ્યો છે. સાઈક્લિંગ ફેડરેશને એ છોકરીને આવતા મહિને ટ્રાયલ માટે બોલાવી છે. ફેડરેશનના પ્રમુખ ઓમકાર સિંહે કહ્યું હતું કે આઠમાં ધોરણમાં ભણતી જ્યોતિ જો ટ્રાયલમા ંપાસ થઈ જશે તો તેને ફેડરેશનમાં તાલીમ મળશે.

- ઈન્દર સાહની

Tags :