દિલ્હીની વાત : મોદીએ મમતાને વખાણતાં ભાજપના નેતા ચિંતામાં
મોદીએ મમતાને વખાણતાં ભાજપના નેતા ચિંતામાં
નવીદિલ્હી, તા. 22 મે 2020
નરેન્દ્ર મોદીએ શુક્રવારે વાવાઝોડાગ્રસ્ત પશ્ચિમ બંગાળ અને ઓડિશાની મુલાકાત લીધી. મોદીએ આ યાત્રા દરમિયાન મમતા સરકારની પ્રસંશા કરતાં કહ્યું કે, કોરોના વાયરસ સામે જીતવાનો મંત્ર અને સાયક્લોન સામે લડવાના મંત્ર અલગ અલગ છે. કોરોના સામે લડવા સોશિયલ ડિસ્ટન્સિંગ જોઈએ જ્યારે સાયક્લોન સામે લડવા દૂર જવું પડે. આ બે અલગ અલગ પ્રકારની લડાઈ પશ્ચિમ બંગાળે લડવી પડી ને મમતાજીના નેતૃત્વમાં રાજ્ય સરકારે ભરચક પ્રયાસ કર્યા.
મોદીની આ પ્રસંશાથી ભાજપ ચિંતામાં પડયો છે. ભાજપના નેતા મમતા સરકારને નિષ્ફળ સાબિત કરવા સતત મથ્યા કરે છે. કોરોના સામેની લડાઈના મુદ્દે ભાજપ અને મમતા વચ્ચે જોરદાર જંગ જામેલો જ છે ત્યાં મોદીએ મમતાની પ્રસંશા કરતાં એ બધા પ્રયત્નો પર પાણી ફરી વળ્યું છે એવું ભાજપના નેતાઓ માને છે. મમતા રાજકીય દાવપેચમાં પાવરધાં છે. મોદીની જેમ પ્રતિકૂળતાને અનુકૂળતામાં ફેરવવાની મમતામાં ક્ષમતા છે. મોદીની પ્રસંશાનો એ ભાજપ સામે જ ઉપયોગ કરશે, પોતાની સરકારને મોદીએ જ સફળ હોવાનું સટફિકેટ આપ્યું હોવાનો પ્રચાર કરશે એવી ભાજપને ચિંતા છે.
રીઝર્વ બેંકના વાસ્તવિક અભિગમનાં વખાણ
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોનના હપ્તા ભરવામાંથી છૂટ વધુ ત્રણ મહિના લંબાવીને મધ્યમ વર્ગને મોટી રાહત આપી દીધી. આ જાહેરાતના પગલે સોશિયલ મીડિયા પર આરબીઆઈ ગવર્નર શક્તિકાન્ત દાસની ભારે પ્રસંશા થઈ રહી છે. લોકો એવી કોમેન્ટ પણ કરી રહ્યા છે કે, નિર્મલાની જેમ ઉલ્લુ બનાવવાને બદલે દાસે લોકોને કંઈક તો સીધી રાહત આપી.
દાસે જાહેરાત કરતી વખતે રજૂ કરેલી વાસ્તવિકતા બદલ પણ લોકો તેમને વખાણી રહ્યા છે. દાસે સાફ શબ્દોમાં કહ્યું કે, દેશમાં વસ્તુઓની માંગ સાવ પડી ભાંગી છે અને ચીજોનો વપરાશ જ નથી કેમ કે લોકો પાસે નાણાં નથી. દાસે પુરવઠાની ચેઈન તૂટી હોવાથી ખાદ્ય ચીજોના બેફામ ભાવો હજુ થોડા મહિના રહેશે જ એવી વાસ્તવિક ચેતવણી પણ આપી. દાસે રેપો રેટ અને રીવર્સ રેપો રેટ ઘટાડયા તેના કારણે રીયલ એસ્ટેટ ક્ષેત્રને સૌથી વધારે ફાયદો થવાની શક્યતા છે. રીયલ એસ્ટેટ દેશમાં સૌથી વધારે રોજગારી આપે છે તેથી આ નિર્ણયની પણ પ્રસંશા થઈ રહી છે.
સંબિત પાત્રા જૂઠાણું ચલાવવા જતાં પછડાયા
ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા જૂઠાણું ચલાવવા જતાં ઉંધા માથે પછડાયા છે. પાત્રાએ આક્ષેપ કર્યો હતો કે, ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓને કોટાથી વતન લઈ જવા માટે રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે યોગી આદિત્યનાથ સરકાર પાસેથી લગભગ ૨૦ લાખ રૂપિયા લીધા હતા. પાત્રાએ યુપી સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને આપેલા ચેકની નકલ પણ મૂકતાં ભાજપ સમર્થકો તૂટી પડયા હતા.
રાજસ્થાનના પરિવહન મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે તેના જવાબમાં યુપી સરકારનો પત્ર મૂક્યો છે. આ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, કોટામાં ઉત્તર પ્રદેશની કુલ ૨૦૦ બસોમાં રાજસ્થાન સરકારે ડીઝલ ભરાવ્યું હતું તે માટે આ ચેક મોકલાયો છે. પત્રમાં ઉલ્લેખ છે કે, માત્ર એક ફોન કરવાથી રાજસ્થાન સરકારે ડીઝલ ભરાવી દીધું તે બદલ આભારી છીએ.
પ્રતાપસિંહે દાવો કર્યો કે, ૩૬ લાખનું ડીઝલ ભરાવાયું હતું તેમાંથી યુપી સરકારે ૨૦ લાખ જ આપ્યા છે. યુપી સરકારે પણ પ્રતાપસિંહના દાવાને સાચો ગણાવતાં પાત્રા ગાયબ થઈ ગયા. આ મુદ્દે બોલવાનું જ તેમણે બંધ કરી દીધું.
કોંગ્રેસના વિપક્ષી એકતાના પ્રયાસોની નિષ્ઠા અંગે શંકા
સોનિયા ગાંધીએ ભાજપ વિરોધી પક્ષોને એક કરવા બોલાવેલી બેઠકમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં. એક તરફ આ બેઠકમાં ભાજપ સામે લડવા માટે કોઈ નક્કર વ્યૂહરચના ના ઘડાઈ. માત્ર મોદી સરકારની નિષ્ફળતાના આક્ષેપ થયા. બીજી તરફ ત્રણ મહત્વના પક્ષો આપ, સપા અને બસપા હાજર ના રહેતાં વિપક્ષોમાં ફાટફૂટ હોવાનો પણ મેસેજ ગયો.
કોંગ્રેસે સપા અને બસપાને હાજર રહેવા નિમંત્રણ આપ્યું હતું પણ અખિલેશ અને માયાવતી બંનેએ તેની અવગણના કરી. બંને ઉત્તર પ્રદેશમાં પોતાની ઈમેજ ભાજપના મુખ્ય વિકલ્પ તરીકેની રાખવા માગે છે. કોંગ્રેસની બેઠકમાં હાજરી આપવાથી આ ઈમેજ તૂટે તેથી બંને ગેરહાજર રહ્યાં. આમ આદમી પાર્ટીએ તો પોતાને નિમંત્રણ જ નથી મળ્યું એવો દાવો કર્યો. નવિન પટનાઈક પણ હાજર નહોતા. પટનાઈકને પણ નિમંત્રણ નહોતું અપાયું કેમ કે ઓડિશામાં બીજેડી અને કોંગ્રેસ સામસામે છે. તેના કારણે કોંગ્રેસની નિષ્ઠા સામે પણ સવાલ ઉઠયા છે. કોંગ્રેસ ભાજપ સામે લડવા માટે પોતાન પૂર્વગ્રહો જતા કરવા તૈયાર નથી એવી ટીકા રાજકીય વિશ્લેષકો કરી રહ્યા છે.
સ્મૃતિ-વસુંધરા નહીં, નિર્મલા પાર્લામેન્ટરી બોર્ડમાં નિમાશે
જે.પી. નડ્ડાએ ભાજપ જાન્યુઆરીમાં પ્રમુખ બન્યા પણ પોતાની ટીમ જાહેર કરી નથી. લોકડાઉનના નવરાશના સમયમાં નડ્ડાએ ક્વાયત કરીને નામોની યાદી મોદી-શાહને મોકલી આપી હતી. ભાજપનાં સૂત્રોના મતે, મોદી-શાહે આ ટીમને મંજૂરી આપી દીધી છે પણ જાહેરાત હમણાં નહીં કરવા સૂચના આપી છે.
આ સૂત્રોના મતે, મોદી પહેલાં પાર્લામેન્ટરી બોર્ડમાં ખાલી પડેલી ત્રણ જગા ભરવા માગે છે. પાર્લામેન્ટરી બોર્ડ ભાજપમાં નિર્ણયો લેવામાં સર્વોચ્ચ છે. નડ્ડા, મોદી, શાહ, રાજનાથ, ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ, થાવરચંદ ગેહલોત અને બી.એલ. સંતોષ અત્યારે બોર્ડમાં છે. અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજના નિધન અને વેંકૈયાહ નાયડુ ઉપરાષ્ટ્રપતિ બનતાં આ જગાઓ ખાલી પડી છે. સુષ્માના સ્થાને નિર્મલા સીતારામન અને નાયડુના સ્થાને દેવેન્દ્ર ફડણવિસને સમાવવાનું મોદીએ નક્કી કરી લીધું છે. સુષ્માની જગા લેવા વસુંધરા રાજે અને સ્મૃતિ ઈરાની આતુર હતાં પણ મોદીએ નિર્મલાની પસંદગી કરી છે. જેટલીના સ્થાને કોને લેવા એ મુદ્દે કશ્મકશ છે. યેદુરપ્પાનો પોતાને સમાવવા આગ્રહ છે પણ મોદી બંધારણના જાણકારને ઈચ્છે છે એ જોતાં રવિશંકર પ્રસાદનો નંબર લાગે એવું બને.
ઝગડાનો લાભ લઈ લોકો હજારોની કેરી લૂંટી ગયાં
દિલ્હીમાં બનેલી એક શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જગતપુરી વિસ્તારમાં ફ્રુટ બજારનો આ વીડિયો છે. ફ્રુટ માર્કેટની પાસે નાનકડી બબાલ થઈ હતી. આ બબાલ પછી ચાર-પાંચ યુવકો માર્કેટમાં આવી ગયા ને લારીઓ લઈને ઉભા રહેલા લોકો સાથે માથાકૂટ કરવા લાગ્યા.
લારીવાળા બચાવમાં લાગેલા હતા તેનો લાભ લઈને લોકોએ બહાર પડેલી ક્રેટમાંથી કેરીઓ લઈને ચાલવા માંડયું. જેના હાથમાં જેટલી કેરીઓ આવી એ લઈને લોકો ભાગવા માંડયાં. સ્કૂટર ને બાઈકવાળા હેલ્મેટમાં ભરી ભરીને કેરીઓ લઈ ગયા. લોકોનું ટોળું એટલું મોટું હતું કે, લારીવાળા તેમને રોકી શકે તેમ નહોતા ને મિનિટોમાં તો બધી કેરીઓ ઉપડી ગઈ. લોકડાઉન પછી ધંધો કરવા આવેલા ગરીબ લારીઓવાળાએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. તેમણે પોલીસ ફરિયાદ કરી છે પણ પોલીસ પણ લાચાર છે કેમ કે સીસીટીવી છે નહીં. તેના કારણે કોણ કેરી ચોરી ગયા એ શોધી શકાય એમ જ નથી.
***
કોંગ્રેસની બસથી સાઈકલ અને હાથીએ અંતર રાખ્યું!
પરપ્રાંતીય મજૂરોના મુદ્દે મોદી સરકાર ભીંસમાં છે, તેને બરાબર ઘેરવા માટે વિપક્ષોને ભેગા કરવાનું કામ સોનિયા ગાંધીએ કર્યું. વિપક્ષોનું નેતૃત્વ લઈને સોનિયા ગાંધીએ પરપ્રાંતીય મજૂરોની કટોકટી માટે બેઠક બોલાવી હતી, પરંતુ અખિલેશ અને માયાવતીએ કોંગ્રેસથી અંતર રાખ્યું હતું. સમાજવાદી પાર્ટીએ બસના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ બંનેની ટીકા કરી હતી. એ જ રીતે બહુજન સમાજવાદી પાર્ટીએ પણ ભાજપની સાથે કોંગ્રેસની પણ નરમ લહેજામાં ટીકા કરી હતી. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે સપા-બસપાએ સોનિયા ગાંધીની આગેવાનીમાં મળેલી વિપક્ષની બેઠકમાં એટલે અંતર રાખ્યું હતું કે તે યુપીમાં કોંગ્રેસ પછીના વિપક્ષ તરીકેના સંકેત આપવાનું ટાળે છે. કારણ કે પ્રિયંકા ગાંધીએ ૧૦૦૦ બસનું લક્ષ્યાંક સેટ કરીને સત્તાપક્ષની સાથે સાથે વિપક્ષોને પણ ઊંઘતા ઝડપી લીધા હતા. ભલે બસના દસ્તાવેજો મુદ્દે વિવાદ થયો, તેમ છતાં કોંગ્રેસની બસ બસપાના હાથી અને સપાની સાઈકલ ઉપર ભારે પડતી જણાઈ રહી છે. મજૂરોને દસ્તાવેજોની નથી પડી, તેમને તો ઘરે પહોંચવાથી મતલબ છે અને એ મુદ્દો કોંગ્રેસે સમયસર ઉપાડી લીધો હતો.
કંપનીઓ અજીબ અવઢવમાં
દિલ્હી સરકારે કંપનીઓને છૂટછાટ આપી દીધી છે. કંપનીઓ ધારે તો યૂનિટ કે ઓફિસ શરૂ કરી શકે છે. ખાસ તો આઈટી સેક્ટર્સની કંપનીઓને દિલ્હી સરકારે કામ કરવાની લીલી ઝંડી આપી દીધી છે, પરંતુ કંપનીઓના કહેવા પ્રમાણે આ બેધારી તલવાર છે. કંપનીઓમાં જેવું કામ શરૂ થશે કે કોરોનાનો ખતરો ફરી વધશે. જો કામ શરૂ નહીં થાય તો બેરોજગારીનો પ્રશ્ન ઉદભવશે. સરકારે નિર્ણય જાહેર કરીને કંપનીઓને બેરોજગારીના બહાનામાંથી મુક્ત કરી દીધી છે, પરંતુ કોરોનાનો ખતરો યથાવત છે. આવી સ્થિતિમાં દિલ્હીની કંપનીઓ અવઢવમાં છે કે કામ કરવું કે ન કરવું? જો કામ બંધ રાખે તો પણ મુશ્કેલી, ન રાખે તો પણ મુશ્કેલી.
હેલ્થ અપડેટ મુદ્દે સત્તાપક્ષ-વિપક્ષ સામસામે
કોંગ્રેસના સિનિયર નેતાઓએ હેલ્થ અપડેટ બંધ કરવા મુદ્દે કેન્દ્ર સરકારની ટીકા શરૂ કરી છે. અચાનક સરકારે ઈકોનોમી પર ધ્યાન કેન્દ્રિત કરીને નિયમિત હેલ્થ બૂલેટિન બંધ કરી દીધું છે. દુનિયાભરમાં પ્રમુખો કે વડાપ્રધાનો ખુદ મીડિયા સામે આવીને હેલ્થ બૂલેટિન આપે છે, તેની સામે ભારતમાં આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ દ્વારા અપાતું બૂલેટિન પણ બંધ થઈ ચૂક્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને સરકારની ઝાટકણી કાઢી હતી. જયરામ રમેશે આરોગ્ય મંત્રાલય અને આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનને ટેગ કરીને લખ્યું હતું કે આરોગ્ય મંત્રી પોતે ડોક્ટર હોવા છતાં એ ડેઈલી અપડેટથી દૂર રહે છે તે બતાવે છે કે સરકાર લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર થતી જાય છે.
શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં 24 બાળકો જન્મ્યા
૧લી મેથી પરપ્રાંતીય મજૂરોને વતનમાં પહોંચાડવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. ૧લી મેથી ૨૧મી મે દરમિયાન દોડેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં કુલ ૨૪ બાળકોનો જન્મ થયો હતો. રેલવેના અધિકારીઓએ કહ્યું હતું કે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ૨૪ બાળકોના જન્મની ગવાહ બની હતી. વેસ્ટ સેન્ટર રેલવેની ટ્રેનમાં સાત બાળકોનો જન્મ થયો હતો. સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ અને નોર્થ સેન્ટ્રલની ટ્રેનમાં ત્રણ-ત્રણ બાળકોનો જન્મ થયો હતો. રેલવેના પ્રવક્તાએ આર.ડી. બાજપાઈએ કહ્યું હતું કે રેલવે સ્ટાફ ઈમરજન્સીમાં મદદરૂપ થવા તૈયાર હતો. તે ઉપરાંત રેલવે કોલોનીમાં રહેતા ડોક્ટર્સ પણ તેમની મદદ માટે તૈયાર રખાયા હતા. રેલવેમાં દવા અને પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ હતી. રેલવેની ૨૦૫૦ ટ્રેન ૨૧મી મે સુધમાં દોડી હતી.
- ઈન્દર સાહની