Get The App

દિલ્હીની વાત : સમય આવી ગયો છે કે મોદીએ ચીન અંગે નવી વાત કરવી જોઇએ

Updated: Jun 23rd, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : સમય આવી ગયો છે કે મોદીએ ચીન અંગે નવી વાત કરવી જોઇએ 1 - image


સમય આવી ગયો છે કે મોદીએ ચીન અંગે નવી વાત કરવી જોઇએ

નવી દિલ્હી,તા.22 જૂન 2020, સોમવાર

દિલ્હીના રાજદ્વારી અને  રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલે છે કે વડા પ્રધાન  મોદીએ કરેલા નિવેદનથી સ્થિતી વણસતી બચી ગઇ હતી. પરંતુ હવે તેમણે ચીન અંગે કંઇ નવુ કહેવું જોઇએ. જાણકારો કહે છે કે જો મોદી કંઇ નવું નહીં બોલે તો બેજીગ હવે પછીની  ભારત સાથેની મંત્રણામાં મૂળ નિવેદન રજૂ કરશે. તેઓ કહે છે વિદેશોમાંથી ભારતને મળેલો સમર્થન ઘટી શકે છે, કારણ કે મિત્ર દેશો તો એંમજ માનશે કે ભારતે ચીનને એ જમીન આપી દીધી છે.તેઓ કહે છે કે મોદીએ ફરીથી ખુલાસો કરવો જોઇએ અને સ્પષ્ટ રીતે આ મુદ્દે જ વાત કરવી જોઇએ.ચીને જ અંકુશ રેખા પાસે ધુસણખોરી કરી હતી તે કહવું જ પડશે.ચીન પેનગોન ત્સોમાં કંઇ નવા જ પરિવર્તન કરવા ઇચ્છે છે કે કેમ તેની પણ ખબર પડી જશે અને ગલવાન ખીણની છેલ્લી સ્થિતી શું છે તે પણ જાણી શકાશે.ભારતની અંદરની વાત કરીએ તો આ મુદ્દો મોટા ધ્રુવીકરણ થયું છે.એટલું જ નહી સરકાર પારદર્શક પણ રહી નથી તેની પણ ટીકા થઇ રહી છે.

મોદીની 56 ઇંચની છાતી 26ની થઇ

અંકુશ રેખા પાસે ગલવાન ખીણમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપી અંગે બોલતા કેન્દ્રના પૂર્વ મંત્રી અને રાજ્યસભાના મંત્રી અખિલેશ  પ્રસાદ સિંહે રાહુલ ગાંધીના નિવેદનનો માત્ર સમર્થન જ આપ્યું નહતું, બલકે એવું પણ કહ્યું હતું કે મોદીની ૫૬ ઇંચની છાતી ૨૬ ઇંચની થઇ ગઇ છે.તેમણે કહ્યું હતું કે 'રાહુલ ગાંધીએ જે કંઇ કહ્યું હતું જરાય ખોટું નથી. એક તરફ તો આપણે એમ કહેતા હતા કે જો અમારો એક પણ જવાન માર્યો ગયો તો અમે પાકિસ્તાનના ચાર સૈનિકોને મારી નાંખીશું.હવે ચીની સેનાએ આપણા ૨૦ જવાનોની હત્યા કરી છે. ત્યારે શું?સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની સેનાની ત્રણ પાંખોના વડાઓ સાથેની બેઠક  અંગે બોલતા તેમણે કહ્યું હતું 'સંરક્ષણ મંત્રીને ખબર હશે કે કેવી તૈયારીઓ ચાલી રહી છે. એ તો રાબેતા મુજબની બેઠક હતી. મંત્રણાઓ તો ચાલતી જ રહે છે અને આપણા જવાનો મરતા જ રહે છે.

ભારત વિશ્વ માટે દવાનું કેન્દ્ર

એક તરફ તો ચીન અને ભારત વચ્ચે સરહદે  ઝપાઝપી થાય છે અને આપણા જવાનો માર્યા જાય છે તો બીજી તરફ ચીને ભારતને 'ફાર્મસી ઓફ ધી વર્લ્ડ'કહીને ભારતની પ્રશંસા  કરી હતી.શાંગાહાઇ કો-ઓપરેશનના સેક્રેટરી જનરલ વ્યાદિમીર નોરોવે કહ્યું હતું. જો જાણે આ કહેવાનું કારણ એ હતું કે ફાર્મસી માટે વપરાતા ૭૦ ટકા રોમટીરીયલ્સ ચીનમાંથી આયાત કરાય છે માટે સ્વાર્થ માટે ભારતની પ્રંશસા થઇ રહી છે.

વિદેશ મંત્રાલયની સમિતિની બેઠક બોલાવ

ગલવાન ખીણની ગોઝારી ઘટનાના પગલે વિવિધ વિરોધ પક્ષોના સભ્યોએ માગ કરી હતી કે વિદેશ મંત્રાલયની સમિતિની બેઠક બોલાવવી જોઇએ અને વહેલી તકે વિદેશ સચિવ, સંરક્ષણ સચિવ અને અન્ય ટોચના અધિકારીઓએ  ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણ અંગે ખુલાસા કરવા જોઇએ.જો કે શાસક પક્ષના સભ્યોએ આ માગને  રાજકારણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે દેશ સામે કોવિડ-૧૯ની સમસ્યા ઊભી છે ત્યારે આવી માગ કરવી અયોગ્ય ગણાશે.ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે તેમની માગની પાછળ રાજકારણ છે. તેમણે કહ્યું હતું કે શા માટે વિરોધ પક્ષોકોવિડ-૧૯ અંગે બેઠક બોલાવવાની માગ કરતા નથી.તેમણે કહ્યું હતું કે આવા કપરા સમયે બેઠકની માગ કરવા પાછલનો તેમનો ઇરાદો માત્ર રાજકારણ જ છે.

કોંગ્રેસના અત્યાચરના કારણે મારી તબીયત બગડીઃ પ્રજ્ઞાા ઠાકુર

 ભોપાલના ભાજપના સાંસદ અને વિવાદાસ્પદ સાધવી પ્રજ્ઞાાએ તેમની બગડતી જતી તબીયત માટે કોંગ્રસના શાસનમાં તેમની પર કરાયેલા કથિત અત્યાચરોને જવાબદાર ગણાવ્યા હતા.રાજ્યના પાટનગરમાં આંતરરાષટ્રીય યોગ દિવસે અત્રે આવેલા પ્રજ્ઞાાએ કહ્યુ હતુ ંકે 'કોંગ્રેસના શાસનમાં મારી પર પોલીસ અને જેલમાં જે અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા તેના કારણે મારી તબીયત બગડતી જાય છે.પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે 'મારી આંખની કીકીમાં પરૂ અને મન એક આંખે ઓછું દેખાય છે. નવ વર્ષ સુધી મારી પર અત્યાચારો ગુજારાયા હતા. આના કારણે મને ખુબ વધારે ઇજા થઇ હતી. મારી જમણી આંખથી મને ઓછું દેખાય છે'ઉલ્લેખનીય છે કે તેમને ૨૦૦૮માં માલેગાંવ  વિસ્ફોટ કેસમાં પકડવામાં આવ્યા હતા. ઉપરાંત હવે તો ભોપાલમાં લાપતા સાંસદ જેવા પોસ્ટરો પણ શહેરની દિવાલો પર દેખાય છે.

***

મોદીની યોજનાને ગ્રામીણ મંત્રાલયે જ નિષ્ફળ ગણાવી

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી મોટા ઉપાડે 'સાંસદ આદર્શ ગામ યોજના' શરૂ કરી હતી. દરેક સાંસદ દેશમાંથી એક ગામ દત્તક લઈને તેના વિકાસ માટે તમામ પ્રયત્નો કરીને એક આદર્શ ગામ બનાવે એ ઉદ્દેશ સાથે આ યોજના શરૂ કરાઈ હતી. દર બે વર્ષે નવું ગામ દત્તક લઈને સાંસદો દસ વર્ષના ગાળામાં પાંચ આદર્શ ગામ ઉભાં કરે એવું લક્ષ્ય અપાયું હતું.

મોદી સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયે આ યોજનાને સદંતર નિષ્ફળ ગણાવી છે. મંત્રાલયે કોમન રીવ્યુ મિશન ૨૦૧૯ હેઠળ ગ્રામીણ વિસ્તારો માટેની યોજનાઓનું ઓડિટ કરાવ્યું હતું. આ ઓડિટમાં આ યોજના બંધ કરી દેવી જોઈએ એવી ભલામણ આડકતરી રીતે કરાઈ છે. ઓડિટમાં યોજનાની સમીક્ષા કરવા કહેવાયું છે ને સરકારી ભાષામાં તેનો અર્થ શો થાય એ કહેવાની જરૂર નથી. ઓડિટમાં કહેવાયું છે કે, સાંસદોએ બીજાં ગામોમાં અસંતોષ ના ફેલાય એટલે દત્તક ગામ માટે નાણાં ના ફાળવ્યાં તેથી આ યોજના ચાલી નથી.

મોદી આ વાતને સહજતાથી સ્વીકારે છે કે નહીં એ જોવાનું રહે છે.

કાશ્મીરમાં મલ્ટિપ્લેકસ માટે કેન્દ્ર કોંગ્રેસના શરણે

મોદી સરકાર કાશ્મીરમાં સ્થિતી સામાન્ય કરવા મથી રહી છે અને તેના ભાગરૂપે કાશ્મીર ખીણમાં પહેલું મલ્ટિપ્લેક્સ થીયેટર ખોલવાની મંજૂરી આપી દેવાઈ છે. રસપ્રદ વાત એ છે કે, કોંગ્રેસની અત્યંત નજીક મનાતા ધર પરિવારના વિજય ધર કાશ્મીરમાં પહેલું મલ્ટિપ્લેક્સ ખોલશે. ઈન્દિરા ગાંધીના અંગત સલાહકાર ડી.પી. ધરના પુત્ર વિજય ધર શ્રીનગરમાં રહે છે. વિજય ધર સ્કૂલ અને બીજા બિઝનેસ ચલાવે છે.

ડી.પી. ધરનો ૧૯૭૦ના દાયકામાં ભારે દબદબો હતો. ડી.પી. ધરની સલાહ વિના ઈન્દિરા કોઈ નિર્ણય નહોતાં લેતાં એવું કહેવાય છે. કાશ્મીર ઈન્દિરા ગાંધીને બાંગ્લાદેશ યુધ્ધમાં ઝંપલાવીને પાકિસ્તાનના ભાગલા કરવાની સલાહ ધરે જ આપી હતી. આ સલાહે ઈન્દિરાની લોખંડી મહિલા તરીકે સ્થાપિત કરી દીધા હતાં. ધર કાશ્મીર અને કેન્દ્ર સરકારમાં પ્રધાનપદે પણ રહ્યા હતા.

સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, મોદી સરકારે દેશમાં મલ્ટિપ્લેક્સ ચેઈન ચલાવતાં બીજાં ગ્રુપને તમામ મદદની ખાતરી આપીને ઓફર કરી હતી પણ કોઈ હિંમત ના બતાવી શકતાં છેવટે કોંગ્રેસની નજીકના પરિવારને જ શરણે જવું પડયું.

મોદીની ચાપલૂસી કરવા શાહનું કદ ઘટાડી દીધું

અમિત શાહે સોમવારે ઓડિશાના પુરીના જગન્નાથ મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટ શ્રી જગન્નાથ ટેમ્પલ મેનેજિંગ કમિટીના ચેરપર્સન ગજપતિ મહારાજા દિબ્યાંગસિંહ દેબ સાથે ફોન પર વાત કરી. શાહની આ વાતચીત અંગે ઓડિશા ભાજપ પ્રમુખ સમીર મોહંતીએ કરેલી ટ્વિટે ભાજપને ક્ષોભજનક સ્થિતીમાં મૂકી દીધો. મોહંતીએ મોદીની ચાપલૂસી કરવા દેશના ગૃહ મંત્રીનું કદ ઓછું કરી નાંખતાં સોશિયલ મીડિયા પર પણ તેમની ટીકા થઈ.

મોહંતીએ ટ્વિટ કરી કે, ભગવાન જગન્નાથના પરમ ભક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશને અનુસરીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગજપતિ મહારાજા સાથે વાત કરી. મોહંતીએ બીજી ટ્વિટમાં માહિતી આપી કે, શાહે રથયાત્રાની વિધી અંગેની બાબતોની મહારાજા સાથે ચર્ચા કરી હતી.

મોહંતીની ટ્વિટે એવી છાપ ઉભી કરી કે, શાહે મોદીના આદેશના કારણે મહારાજા સાથે વાત કરી હતી. સોશિયલ મીડિયા પર મોહંતીની આ ટ્વિટ સામે લોકોએ સવાલ પણ કર્યા કે, શાહ દેશના ગૃહ મંત્રી છે છતાં કોની સાથે વાત કરવી એ માટે પણ મોદી તેમને આદેશ આપે છે ?

મણિપુરમાં ભાજપ સરકાર બચાવવા સંગમા મેદાનમાં

મણિપુરમાં બળવાના કારણે ભાજપની સરકાર ઘરભેગી થઈ જવાની શક્યતા છે ત્યારે ભાજપે સરકાર બચાવવા મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાનો સહારો લીધો છે. સંગમા એનપીપીના રાષ્ટ્રીય પ્રમુખ છે અને તેમની પાર્ટીના ચાર પ્રધાનોએ બગાવત કરતાં ભાજપ સરકાર પર ખતરો છે. મેઘાલયમાં સંગમાની સરકાર ભાજપના ટેકાથી જ ટકેલી છે.

ભાજપ સરકાર બચાવવા મુદ્દે અમિત શાહે રવિવારે આસામના ગૃહ પ્રધાન હેમંત બિશ્વ સર્મા સાથે વાત કરી હતી. સર્માએ સંગમાને મેદાનમાં ઉતારવાની સલાહ આપતાં શાહે સંગમાને ફોન કરીને સર્મા સાથે મણિપુર પહોંચવા વિનંતી કરી હતી. સંગમાએ પોતાના પક્ષના ધારાસભ્યો સાથે વાત કરી છે ને અત્યારે તો સરકાર બચી જશે એવો ભરોસો આપ્યો હોવાનું ભાજપનાં સૂત્રો કહે છે.

જો કે સંગમાની યાત્રા અંગે નવો વિવાદ ઉભો થયો છે. સંગમા અને સર્મા બંને બહારથી આવ્યા હોવા છતાં તેમને ક્વોરેન્ટાઈન ન કરાયા જ્યારે કોંગ્રેસના બે નીરિક્ષકો અજય માકેન અને  ગૌરવ ગોગોઈને ક્વોરેન્ટાઈન કરી દેવાયા છે. આ બેવડાં વલણ સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.

આતંકીઓનો સાથી ડીવાયએસપી કોની મદદથી છૂટી ગયો ?

કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા કાશ્મીર પોલીસના ડીવાયએસપી દવિંદર સિંહને જામીન મળી જતા દિલ્હી પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ છે. દવિંદર હિઝબુ મુઝાહિદ્દીનના બે ટોચના આતંકવાદીને શ્રીનગરથી જમ્મુ લઈ જતાં ઝડપાઈ ગયો હતો. આ કેસ દિલ્હી પોલીસને સોંપાયો છે. દવિંદર સામે મજબૂત પુરાવા હોવા છતાં પોલીસે તેની સામે ચાર્જશીટ દાખલ ના કરતાં કોર્ટે તેને અને એક આતંકવાદીને જામીન આપી દીધા છે.

દવિંદર પકડાયો ત્યારે તેણે દાવો કરેલો કે, બહુ મોટાં માથાં આ રમતમાં સામેલ છે તેથી પોલીસ પોતાને હાથ ના અડાડે. દવિંદરને જામીન મળી જતાં આ વાત સાચી પડી રહી હોવાનું લાગી રહ્યું છે.

દિલ્હી પોલીસ સીધી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તાબા હેઠળ કામ કરે છે. ઉપરથી દોરીસંચાર હોય તો જ આતંકવાદીઓના મદદગારના કેસમાં દિલ્હી પોલીસ ઢીલ મૂકે એવી ચર્ચા પણ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો દવિંદર છૂટી ગયો એ મુદ્દે આક્રોશ ઠાલવી રહ્યાં છે.

- ઇન્દર સાહની

Tags :