Get The App

દિલ્હીની વાત : ચીન સામે આર્થિક નિયંત્રણો માટે મોદી તૈયાર

Updated: Jun 20th, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ચીન સામે આર્થિક નિયંત્રણો માટે મોદી તૈયાર 1 - image


ચીન સામે આર્થિક નિયંત્રણો માટે મોદી તૈયાર

નવી દિલ્હી,તા.19 જૂન 2020, શુક્રવાર

ચીન સાથેના સંઘર્ષ મુદ્દે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં કશું નક્કર થયું નથી પણ તમામ પક્ષોએ એક અવાજે ચીન સામે જરૂર પડે તો લશ્કરી પગલાં લેવાની તરફેણ કરી હોવાનું સરકારી સૂત્રો જણાવે છે. આક્રમક મિજાજ બતાવવા માટે ચીન પર કેટલાંક આર્થિક નિયંત્રણો લાદવાની પણ સૌએ તરફેણ કરી છે.

સૂત્રોના મતે, મોદી હાલમાં લશ્કરી પગલાંની તરફેણમાં નથી પણ આર્થિક નિયંત્રણો માટે તૈયાર થયા છે. વિવિધ નેતાઓના સૂચનોના આધારે ક્યા પ્રકારનાં નિયંત્રણો લાદવાં તે અંગે શનિવારે મોદી વરિષ્ઠ પ્રધાનો સાથે ચર્ચા કરશે અને સોમવારે તેની જાહેરાત થઈ શકે છે. મોદી આ મુદ્દે રાષ્ટ્રજોગ અપીલ બહાર પાડે તેવી શક્યતા પણ આ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

આ બેઠક માટે આપ, આરજેડી અને ઓવૈસીની પાર્ટીને બેઠકમાં ના બોલાવાતાં વિવાદ થઈ ગયો હતો. આ ત્રણેય પક્ષે દેશહિતના પ્રશ્નની ચર્ચામાં પોતાની અવગણના સામે વાંધો ઉઠાવ્યો હતો પણ બેઠકમાં આ મુદ્દે કોઈ કશું ના બોલતાં આ મુદ્દો ઠંડો પડી ગયો.

રાહુલની ચીન યાત્રા મુદ્દે ભાજપે જૂઠાણું ચલાવ્યું

ચીન મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કરી રહેલા રાહુલ ગાંધીને જવાબ આપવા માટે જૂઠાણું ચલાવનારા ભાજપના અમિત માલવિયની સોશિયલ મીડિયા યુઝર્સે બરાબરની ખબર લઈ નાંખી. માલવિયે રાહુલ, પ્રિયંકા અને રોબર્ટની જૂની તસવીર મૂકીને દાવો કર્યો કે, ૨૦૦૮માં ગાંધી પરિવાર ચીનની યાત્રાએ ગયો હતો. માલવિયે સવાલ કર્યો કે, ગાંધી પરિવારમાંથી કોઈ વ્યક્તિ સરકારી હોદ્દા પર નહોતી છતાં તેમણે ચીનની સરકારી મહેમાનગતિ કેમ માણી  ? માલવિયે કોમેન્ટ પણ કરી કે, તોકલામથી લડાખ સુધી, આ પરિવારનું હિત દેશહિતથી ઉપર છે ?

આ તસવીર જોઈને લોકો ભડકી ગયાં. લોકોએ ફેક્ટ ચેક કરીને જવાબ આપ્યો કે, જેને ભાજપ ૨૦૧૨ની ચીનની તસવીર કહે છે એ ૨૦૧૭માં દિલ્હીની તાજ હોટલમાં આયોજિત ચાઈનીઝ ફૂડ ફેસ્ટિવલની છે. આટલું મોટું જૂઠાણું કઈ રીતે બોલી શકાય ? આ ફૂડ ફેસ્ટિવલમાં તત્કાલિન રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુ પણ હાજર હતા. કેટલાક યુઝરે લખ્યું કે, તમે ૨૦૦૮ની વાત કરો છો જ્યારે મોદી તો ગયા વર્ષે જ ચીન ગયેલા.

કેજરીવાલે શાહની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી

દિલ્હીમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે નવા રેટ નક્કી કરી દેવાયા છે. આ રેટ પ્રમાણે દૈનિક મહત્તમ ૧૮ હજાર રૂપિયા ખાનગી હોસ્પિટલ વસૂલી શકશે. પીપીઈ કિટ સાથે આઈસોલેશન બેડનો આ ચાર્જ નક્કી કરાયો છે.

આ નવા રેટ જૂના રેટની સરખામણીમાં ત્રીજા ભાગના છે પણ મહત્વની વાત એ છે કે, આ રેટ અમિત શાહના ગૃહ મંત્રાલયે નક્કી કર્યા છે.  અત્યાર સુધી દિલ્હીમાં કોરોના અંગેના નિર્ણય અરવિંદ કેજરીવાલ સરકાર લેતી હતી. હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ નિર્ણય લે છે અને કેજરીવાલ કે 'આપ'ના કોઈ નેતા તેના સામે જરા સરખો વાંધો પણ નથી લેતા  તેનો અર્થ એ થયો કે, કેજરીવાલે કેન્દ્ર સરકાર સામે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી છે.

રાજકીય વિશ્લેષકોના મતે, કેજરીવાલ પાસે શરણાગતિ સ્વીકાર્યા વિના છૂટકો નથી. દિલ્હીમાં કોરોનાની સ્થિતી અત્યંત ગંભીર છે. આ માહોલમાં કેજરીવાલ પોતાની સત્તા બતાવવા જાય તો તેમના પર નિષ્ફળતાનું લેબલ લાગી જાય તેથી તેમણે શાણપણ વાપરીને બધું અમિત શાહ પર છોડી દીધું છે.

મોદીની યોજના સામે મમતાએ બાંયો ચડાવી

કેન્દ્ર સરકાર અને મમતા બેનરજી ફરી સામસામે આવી ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દેશનાં ૬ રાજ્યોમાં આવેલા ૧૧૬ જિલ્લાના કામદારો માટે 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન' શરૂ કરવાના છે. આ અભિયાન માટે પશ્ચિમ બંગાળનો એક પણ જિલ્લો પસંદ ના કરાતાં મમતા બગડયાં છે.

મમતાએ મોદીને પત્ર ફટકારીને જિલ્લાઓની પસંદગી મુદ્દે સવાલ ઉઠાવ્યો છે. મમતાના દાવો છે કે, બંગાળના ઓછામાં ઓછા છ જિલ્લાનો સમાવેશ આ યોજનામાં થઈ શકે એમ છે. આ દરેક જિલ્લામાં બહારથી  ૨૫-૨૫ હજાર કામદારો ઓછામાં ઓછા આવ્યા છે. મમતાએ તો કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસે કોઈ વિગતો માંગ્યા વિના એકપક્ષીય નિર્ણય લીધાનો આક્ષેપ પણ કર્યો છે.

સરકારી સૂત્રોનું કહેવું છે કે, હાલમાં આ યોજના સૌથી વધુ અસરગ્રસ્ત કામદારો માટે શરૂ કરાશે. આ કારણે બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, મધ્ય પ્રદેશ અને ઝારખંડ એ છ રાજ્યોના જિલ્લામાં શરૂ થશે પણ પછીના તબક્કે બીજાં રાજ્યોના જિલ્લાઓને પણ તેમાં આવરી લેવાશે તેથી આ વાંધો અયોગ્ય છે.

ચીનને અલ્ટિમેટમ આપવા સ્વામીની મોદીને સલાહ

ચીનના લશ્કરે ભારતના વીસ જવાનોની હત્યા કરી એ મુદ્દે દેશભરમાં આક્રોશ છે ત્યારે ભારતના વિદેશ પ્રધાન જયશંકરની  ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથેની બેઠકના કારણ વિવાદ પેદા થઈ ગયો છે. જયશંકર, યી અને રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લારલોવ મંગળવારે ૨૩ જૂને વીડિયો કોન્ફરસથી બેઠક કરવાના છે. આ બેઠક આરઆઈસી (રશિયા-ઈન્ડિયા-ચાઈના) ગ્રુપની છે. તેમાં  કોરોનાવાયરસ અંગે ચર્ચા થશે જ્યારે ભારત-ચીન સંઘર્ષ અંગે વાત સુધ્ધાં નહીં થાય.

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ બેઠકના વિરોધની આગેવાની લીધી છે. સ્વામીએ કહ્યું છે કે, જયશંકરની બેઠક હાસ્યાસ્પદ છે અને ખરેખર તો મોદીએ તેમને બેઠકમાં મોકલવાની જ જરૂર નહોતી. સ્વામીએ તો મોદીને સલાહ પણ આપી છે કે, મોદીએ બધાંને બાજુ પર મૂકીને, ભારતના જવાનોની હત્યા માટે સીધો જિનપિંગને સવાલ કરવો જોઈએ અને ગલવાન વેલી ખાલી કરીને જતા રહેવા કહી દેવું જોઈએ. સ્વામીએ તો એવી સલાહ પણ આપી છે કે, શાંતિથી ચીન ના માને તો ભારતે યુધ્ધ કરી નાંખું જોઈએ.

અધિકારીઓના વલણથી મોદી સરકાર ધર્મસંકટમાં

ચીનનાં ઉત્પાદનોના બહિષ્કારની ઝુંબેશ દેશમાં ઘણે ઠેકાણે શરૂ થઈ છે. આ ઝુંબેશમાં કેટલાક આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ પણ ઝંપલાવતાં મોદી સરકાર ધર્મસંકટમાં મૂકાઈ ગઈ છે. ઘણા સીનિયર અધિકારીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ચીનના માલનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે.

આંદામાન અને નિકોબારના ચીફ સેક્રેટરી ચેતન સાંઘીએ તો ટ્વિટ કરી છે કે, હવે પછીનો મારો ફોન 'મેઈડ ઈન ઈન્ડિયા' હશે. સાંઘીએ તો 'રીમૂવ ચાઈના એપ્સ'નો સ્ક્રીન શોટ પણ મૂક્યો છે. આઈએએસ અધિકારી અંજલિ સહરાવત, રાજેન્દ્ર ભરૂદ, અદિતી ગર્ગ વગેરેએ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાસ્પદ પોસ્ટ મૂકીને ચીનના માલના બહિષ્કારની હાકલ કરી છે.

સરકારી નિયમો પ્રમાણે કોઈ પણ અધિકારી નીતિગત મુદ્દે જાહેરમાં કશું બોલી ના શકે. આઈએએસ અધિકારીઓ ખુલ્લેઆમ આ શિસ્ત અને નિયમનો ભંગ કરી રહ્યા છે. મોદી સરકાર તેમની સામે શિસ્તભંગનાં પગલાં લે તો તેની ઈમેજ બગડે અને પગલાં ના લે તો શિસતભંગને પોષે છે એવું લાગે. મોદી સરકાર કઈ તરફ જવું તેની મૂંઝવણમાં છે. 

* * * 

મોદીએ સમજવું જોઇએ કે અંગત સબંધો એક અલગ બાબત છે

સરહદે ચીને જે ગુસ્તાખી કરી હતી તેના પછી પાટનગરના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલે છે કે વડાપ્રધાન મોદીના અંગેત સબંધોનું પરિણામ કેવું ખરાબ આવ્યું.આજ સુધી ભારતના એક પણ વડાપ્રધાને ચીનની એટલા મુલાકાત નથી લીધી જેટલી મોદીએ લીધી છે(નવ વખત.પાંચ વખત વડાપ્રધાન તરીકે અને ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે) અથવા તો ચીની નેતૃત્વ સાથે સબંધો વધુ ગાઢ બનાવવા જેટલા પ્રયાસો મોદીએ કર્યા છે એટલા અન્ય કોઇએ કર્યા નથી.

ગુજરાતના વાયબ્રન્ટ સમિટમાં અનેક ચીની રોકાણકારો આવતા હતા અને કેટલીક ચીની કંપનીઓએ કરોડો રૂપિયા ગુજરાતમાં રોક્યા છે. અત્રે એ પણ યાદ રાખવું જોઇએ કે ૨૦૧૪માં મોદી વડા પ્રધાન બન્યા પછી જે મોટા નેતાને તેમણે ભારત બોલાવ્યા હતા તે હતા ચીની પ્રમુખ જીનપિંગ. અમદાવાદમાં ઝુલા પર બેસેલા બંને નેતાઓના ફોટા ખુબ જ પ્રખ્યાત બન્યા હતા. દાળ-કઢી અને ઢોળકા ખાઇને બંને નેતાઓએ દાયકાઓ જુની દુશ્મનાવટને છોડવા વચન આપ્યા હતા. ઉપરાંત ૨૦૧૫માં મોદી અચાનક જ નાટયાત્મક રીતે નવાઝ શરીફને તેમના જન્મદિનની મુબારકબાદી આપવા લાહોર પહોંચી ગયા હતા. પરંતુ લાહોરની મુલાકાતના ટુંક સમય પછી જ પઠાણકોટમાં ભારતીય એરફોર્સના સ્ટેશન પર હુમલો થયો હતો અને ત્યાર પછી શ્રેણીબધ્ધ આતંકી હુમલા થયા હતા.

ભારતની સામે ખુબ જ કઠણ પડકાર

નિષ્ણઁાતો કહે છે કે મોદી અને ભારત સામે હવે કેટલાક મોટા પડકાર છે. ચીને ગલવાન નદીની ખીણ પર પોતાનો દાવો કર્યો હતો અને  ત્યાં લશ્કરીકરણ પણ શરૂ કર્યુ હતું જેનો ભારત પણ પોતાનો હોવાનો દાવો કરે છે.હવે ભારત પાસે ત્રણ વિકલ્પ છે.એક એ કે ભારતે વાસ્તવિકતાનો સ્વીકાર કરી પોતાને થયેલા નુકસાનની ગણતરી શરૂ કરી દેવી જોઇએ.બીજું, ભારત બળ પ્રયોગ કરીનેે વિવાદાસ્પદ જમીનમાંથી ચીનની ભગાડી દેવું જોઇએ.(જો કે આ વિકલ્પમાં યુધ્ધનું જોખમ છે) ત્રીજું, બંને દેશોએ લંબાયેલી મંત્રણાઓને ફરી શરૂ કરી કાયમ માટે વિવાદનો અંત લાવવો જોઇએ. પરંતુ ભારતને આ વિકલ્પ એ વખતે જ સ્વીકાર હશે કે જ્યારે ત્યાં જૈસૈ થે ની સ્થિતી ઊભી કરાય.(એનો અર્થ એ થયો કે ત્યાંથી ખસી જવાનું ચીનને કહેવું) પરંતુ ગલવાન ખીણ પર દાવો કર્યા પછી નથી લાગતું કે જિનપિંગ સરળતાથી માની જશે.જો કે ચીન હાલમાં આપણા કરતાં સારી સ્થિતીમાં છે એટલા માટે ચીન માટે આ સમાધાન સ્વીકાર્ય હશે.

મેડ ઇન ચાઇનાનો બહિષ્કાર સરળ નથી

હાલમાં ભારત ચીનથી વર્ષે ૭૦ અબજ ડોલરની આયાત કરે છે.પરંતુ મોટા ભાગના આયાતકારો કહે છે કે ચીનની આયાતને બંધ કરવી પ્રેકટિલ નથી અને તેમાં કંઇ ખોટું પણ નથી.આ તો વૈશ્વિકરણ થયેલા વિશ્વનો સ્વભાવ છે કે આપણે એ જ અપનાવીએ છીએ. જો કે  આપણે સ્વનિરભર બનવામાં દાયકાઓ વીતી જશે, એમ વેપારી આલમ માને છે.આપણે ભારતવાસીઓ જાણતા કે અજાણતા  ચીની માલ પર ખુબ વધારે નિર્ભર છીએ. ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી અનેક આઇટમો છે, પરતુ છતાં આપણે ચીન માલ પર જ નિર્ભર છીએ. જેમ કે, જ્યારે આપણે વિજળીનો બિલ ઓછો આવે એ માટે ભારતીય બનાવટનો એલઇડી બલ્બ ખરીદીએ છીએ  ત્યારે આપણને ખબર જ નથી હોતી કે તેમાં ૩૦-૪૦ ટકા પાર્ટ્સ તો ચીનમાં બનેલા હોય. આપણે જે દવાઓ બનાવીએ છી તે પણ મોટા ભાગે ચીનથી જ આયાત કરેલી હોય છે.આમ ભારતીય જીવનના દરેક પાસામાં ચીની માલ છે.

દિલ્હીમાં અંતિમ ક્રિયા માટે મૃતદેહો પડયા રહે છે

દિલ્હીમાં અંતિમ ક્રિયા વિના દિવસો સુધી મૃત્યદેહ પડયા રહે છે.કોવિડ ટેસ્ટમાં વિલંબના કારણે ઘણી વખતે ૨૦-૨૦ દિવસ સુધી શબને તેના અંતિમ ઠેકાણે પહોંચાડી શકાતું નથી અને સબંધીઓ પણ છોડીને જતા રહે છે. કબ્રસ્તાનમાં અને સ્મશાનમાં વેટિંગ લિસ્ટ હોય છે.' ગઇ કાલે અમે એક એવા શબના દફનવિધી કરી જે ૧૯ દિવસ સુધી રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં હતું. મૃતકના પરિવાર પણ તેને છોડીને ંબગાળ જતું રહ્યું હતું.

અમે લોકોને કહીએ છીએ કે પીપીઇ કિટ પહેર્યા પછી શબને દફન કરવામાં જરાય જોખમ નથી, પરંતુ લોકો આગળ આવતા જ નથી. તેમ છતાં અમે આ કામ કરીએ છીએ કારણ કે અમને પૈસા મળે છે, અમારો તો આ ધંધો જ છે'એમ ૨૫ વર્ષના તમીમે કહ્યું હતું જે એક કબ્રસ્તાનામાં મડદા દફનાવવાનું કામ કરે છે. તો આ તરફ એક  સ્માશનમાં રવિ કુમારે કહ્યું હતું કે  હાલમાં  અમારૂ કામ ખુબ મુશ્કેલ છે છતાં પૈસા માટે કરીએ છીએ.જો એક દિવસ પણ કામ ના કરીએ તો પૈસા ના મળે.

-  ઇન્દર સાહની

Tags :