દિલ્હીની વાત : હિજરતીઓના કારણે મ.પ્ર.માં સત્તા જવાનો ભાજપને ડર
હિજરતીઓના કારણે મ.પ્ર.માં સત્તા જવાનો ભાજપને ડર
નવીદિલ્હી, તા.15 મે 2020, શુક્રવાર
દેશમાં હિજરતી કામદારોની સમસ્યા વકરતી જાય છે ત્યારે ભાજપ ચિંતામાં પડયો છે. લોકડાઉનના કારણે રોજગારી ગુમાવનારા લાખો કામદારોને વતન મોકલવાની વ્યવસ્થા ના કરાઈ તેનો ગુસ્સો ભાજપ પર ના ઉતરે તેની ચિંતામાં ભાજપે મનોમંથન શરૂ કર્યું છે. મોદીની સૂચનાથી જે.પી. નડ્ડાના ઘરે અમિત શાહ સહિતના પ્રધાનો તથા સંગઠનના નેતાઓએ બેઠક પણ કરી. આ બેઠકમાં ભાજપના કાર્યકરો હિજરતી કામદારોના ઘરે જઈને તેમને સહાય પહોંચાડે એ માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો કહે છે.
ભાજપને સૌથી વધારે ચિંતા મધ્ય પ્રદેશની છે. મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના સાથીઓએ કોંગ્રેસ છોડી તેથી ખાલી પડેલી ૨૨ બેઠકો સહિત ૨૪ વિધાનસભા બેઠકોની ટૂંક સમયમાં પેટાચૂંટણી થશે. આ બેઠકો પર હિજરતી કામદારો નિર્ણાયક ભૂમિકામાં છે. તેમની નારાજગીના કારણે ભાજપે મધ્ય પ્રદેશમાં માંડ માંડ પાછી મેળવેલી સત્તા ગુમાવવાનો વારો આવી શકે છે. આ કારણે ભાજપ કાર્યકરોને મોડું કર્યા વિના કામે લગાડવાનું નક્કી કરાયું છે.
ગડકરીના નિવેદને કેન્દ્રના પેકેજની હવા કાઢી
કેન્દ્રના ૨૦ લાખ કરોડ રૂપિયાના પેકેજમાં એમએસએમઈ સેક્ટરને ૩ લાખ કરોડ રૂપિયાની લોન આપવાની જાહેરાત કરાઈ હતી. નિર્મલાએ મોદી સરકારે નાના ઉદ્યોગો માટે બહુ મોટું પેકેજ જાહેર કર્યું હોય એવું ચિત્ર ઉભું કર્યું હતું. સોશિયલ મીડિયા પર નીતિન ગડકરીનું એક અઠવાડિયા પહેલાનું નિવેદન ફરતું થતાં મોદી સરકારના દાવાની હવા નિકળી ગઈ. ગડકરીએ કહ્યું હતું કે, એમએસએમઈ એકમોએ કેન્દ્રની જુદી જુદી એજન્સીઓ પાસેથી રીફંડ તથા બીજી યોજનાએ હેઠળ પાંચ લાખ કરોડ રૂપિયા લેવાના નિકળે છે. આ બાકી નિકળતાં નાણાં ચૂકવાતાં નથી તેથી એમએસએમઈ અસ્તિત્વ ટકાવવા ફાંફાં મારી રહ્યાં છે.
આ નિવેદન વાયરલ થતાં પી. ચિંદંબરમે સવાલ કર્યો કે, નિર્મલા લોન આપવાનું કહે છે જ્યારે ગડકરી એમએસએમઈ સેક્ટરે કેન્દ્ર પાસેથી નાણાં લેવાનાં છે એવું કહે છે ત્યારે ખરેખર લેણદાર કોણ છે અને દેણદાર કોણ છે ? ચિદંબરમે એવી ટ્વિટ પણ કરી કે, બંને પ્રધાનો હિસાબ કરીને એમએસએમઈ સેક્ટરને સરકારની મદદ વિના બેઠા થવા દેવાની મહેરબાની કરશે ?
મોદીની ઝોન વ્યવસ્થાનો ભાજપ મુખ્યમંત્રી દ્વારા વિરોધ
મોદી સરકારે દેશના જિલ્લાઓને અલગ અલગ ત્રણ ઝોનમાં વહેંચ્યા છે. ભાજપ વિરોધી પક્ષોની સરકાર હોય એવાં ઘણાં રાજ્યોએ તેની સામે વાંધો લઈને ક્યા જિલ્લાને ક્યા ઝોનમાં મૂકવો એ નક્કી કરવાનો અધિકાર રાજ્યોને આપવાની માગણી કરી છે. હવે આમ યાદીમાં ભાજપ શાસિત આસામ પણ જોડાયું છે. આસામ તો એક કદમ આગળ વધ્યું છે અને કેન્દ્રની ઝોન વ્યવસ્થાનો ખુલ્લો વિરોધ કરીને તેને અનુસરવાનો ઈન્કાર કરી દીધો છે.
આસામની ભાજપ સરકારે કેન્દ્રને જાણ કરી છે કે, કેન્દ્ર દ્વારા નક્કી કરાયેલી ઝોન વ્યવસ્થાને બદલે પોતાની કન્ટેઈનમેન્ટ એરીયા અને બફર એરીયા એવી જૂની વ્યવસ્થાને અનુસરશે. આ સામે સત્તાવાર રીતે પત્રકાર પરિષદમાં કેન્દ્રની વ્યવસ્થા અયોગ્ય હોવાનું જાહેર કર્યું.
આસામના વલણથી મોદી સરકાર નારાજ છે. તેના કારણે ભાજપ વિરોધી પક્ષોની સરકારોને કેન્દ્રનો વિરોધ કરવાની તક મળશે એવો કેન્દ્રને ડર છે. મોદીની સૂચનાથી અમિત શાહે મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે વાત કરીને ઠપકો આપ્યાનું કહેવાય છે.
પોલીસે મેરીકોમ પરિવારને 'સરપ્રાઈઝ' આપ્યું
દિલ્હી પોલીસે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન અને રાજ્યસભાનાં સાંસદ મેરીકોમના પરિવારને આપેલા 'સરપ્રાઈઝ'ની પ્રસંશા થઈ રહી છે. મેરીકોમના નાના પુત્ર પ્રિન્સ કોમનો ગુરૂવારે જન્મદિવસ હતો. લોકડાઉનના કારણે બર્થ ડે બહાર ઉજવી શકાય તેમ હતો નહીં તેથી મેરીકોમના પરિવારે ઘરમાં જ નાના પાયે ઉજવણી કરવાનું નક્કી કરેલું.
જો કે સવારે જ દિલ્હી પોલીસનાં એક મહિલા ઓફિસર અને દસ કોન્સ્ટેબલ મેરીકોમના ઘરે બોક્સ કેક લઈને પહોંચી ગયાં. મહિલા ઓફિસરે મેરી કોમે દેશની કરેલી સેવા બદલ આ નાની ગિફ્ટ હોવાનું કહીને પ્રિન્સને બર્થ ડે વિશ કરીને બોક્સ ખોલવા કહ્યું. બોક્સમાં કેક અને ગિફ્ટ હતાં. પોલીસની હાજરીમાં પ્રિન્સે કેક કાપીને સૌનો મોં મીઠાં કરાવ્યાં.
મેરી કોમે આ ઘટનાનો વીડિયો મૂકીને પોતાના પુત્રના જન્મ દિવસને ખાસ બનાવવા માટે દિલ્હીના પોલીસ કમિશનર અને દિલ્હી પોલીસનો આભાર માન્યો છે. મેરી કોમે ટ્વિટ કરી છે કે, પોલીસ રીયલ ફ્રન્ટલાઈન વોરીયર્સ છે. તેમની પ્રતિબધ્ધતા અને સમર્પણ ભાવના માટે પોતે તેમને સલામ કરે છે.
નિર્મલા હિંદીમાં ક્યારે 'આત્મનિર્ભર' બનશે ?
નિર્મલા સીતારામને શુક્રવારે 'આત્મનિર્ભર ભારત અભિયાન' અંતર્ગત જાહેર કરાયેલા પેકેજના ત્રીજા ભાગની જાહેરાત કરી. આ જાહેરાતોમાં પણ કશું નક્કર નથી પણ રાબેતા સોશિયલ મીડિયાને નિર્મલાની મજાક ઉડાડવાનો મસાલો તેમાંથી મળી ગયો છે.
નિર્મલા જે રીતે બજેટ પ્રવચન વાંચતાં હોય એ રીતે જાહેરાતો કરે છે તેની ભારે મજાક ઉડી રહી છે. લોકો સવાલ કરી રહ્યાં છે કે, મોદીએ નિર્મલાને આથક પેકેજ બનાવવાનું કહ્યું પણ નિર્મલાને હિંદી નથી આવડતું તેથી સમજ ના પડી તેમાં બજેટ તો નથી બનાવી દીધું ને ?
નિર્મલા પોતાનું પ્રવચન અંગ્રેજીમાં આપે છે તેની પણ લોકો મજાક ઉડાવી રહ્યાં છે. લોકો કહી રહ્યા છે કે, મોદી આત્મનિર્ભર બનવાની વાતો કરીને સ્વદેશ તરફ વળવા કહી રહ્યા છે ત્યારે નિર્મલા વિદેશી ભાષાનો પ્રયોગ કરે છે. આ સંજોગોમાં આપણે આત્મનિર્ભર કઈ રીતે બનીશું ? નિર્મલાના અંગ્રેજી પ્રવચનનો અનુરાગ ઠાકુર હિંદીમાં અનુવાદ કરે છે તેની પણ લોકો એમ કહીને મજાક ઉડાવી રહ્યાં છે કે, નિર્મલા પોતે હિંદીમાં ક્યારે આત્મનિર્ભર બનશે ?
ગોઆએ સ્પેશિયલ ટ્રેનો નહીં મોકલવા વિનંતી કરી
દેશનાં બીજાં રાજ્યો સ્પેશિયલ ટ્રેનો માટે પડાપડી કરી રહ્યાં છે ત્યારે ગોઆએ કેન્દ્રને વિનંતી કરી છે કે, અમને કોઈ સ્પેશિયલ ટ્રેન નથી જોઈતી. ગોઆએ તો બીજા રાજ્યોમાં જતી ટ્રેનોને પણ ગોઆમાં ઉભી નહીં રાખવા માટે વિનંતી કરી છે.
ગોઆની આ માગણીનું કારણ એ છે કે, સ્પેશિયલ ટ્રેનો શરૂ થતા જ ગોઆમાંથી બહારનાં લોકો આવવા માંડયાં છે. તેના કારણે ગોઆમાં પાછા કોરોનાવાયરસના કેસ નોંધાવા માંડયા છે. ગોઆ એક મહિના પહેલાં સંપૂર્ણ કોરોનામુક્ત બની ગયું હતું. ગોઆમાં કોરોનાનો એક પણ કેસ ના નોંધાતાં સત્તાવાર રીતે ગોઆને કોરોનામુક્ત જાહેર કરાયું પછી ગયા અઠવાડિયે અચાનક એક સાથે આઠ કેસ નોંધાયા. સ્પેશિયલ ટ્રેન ગોઆ આવી એ પછી આ કેસ નોંધાતાં પ્રમોદ સાવંત સરકાર કડક બની છે. પ્રમોદ સાવંત તો અત્યારે થયેલાં બુકિંગ પણ કેન્સલ કરાવવા માગે છે કેમ કે તેમાંથી પચાસ ટકા બુકિંગ તો બહારનાં લોકોનાં છે.
***
પાંચ લાખ લોકોએ લોકડાઉન મુદ્દે સૂચનો આપ્યાં
દિલ્હી સરકાર ચોથા તબક્કાના લોકડાઉન મુદ્દે આયોજન કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે મીટિંગ કરી હતી. એમાં ક્યા વિસ્તારમાંથી કેટલું લોકડાઉન હળવું કરવું જોઈએ તે મુદ્દે ચર્ચા થઈ હતી. દિલ્હીના વિસ્તારોને ઝોન પ્રમાણે વહેંચીને ઓડ-ઈવન પદ્ધતિથી જીવન જરૂરી ચીજવસ્તુઓની છૂટછાટ આપવાનું વિચારાઈ રહ્યું છે. દિલ્હીની સરકારે નાગરિકોના સૂચનો મેળવ્યા હતા. વોટ્સએપ, ઈ-મેઈલ અને વોઈસમેસેજના માધ્યમથી પાંચ લાખ લોકોએ સૂચનો આપ્યાં હતાં. એમાં લોકોએ કહ્યું હતું કે સરકારે શાળા-કોલેજ વેકેશન પૂરું ન થાય ત્યાં સુધી હવે બંધ રાખવાનો નિર્ણય કરવો જોઈએ. હોટેલ્સને પણ બંધ રાખવી જોઈએ, પરંતુ હોમ ડિલિવરી માટે હોટેલ્સને છૂટ આપવી જોઈએ. હેરસલૂન, સ્પા, થિયેટર, સ્વીમિંગ પૂલ્સ અત્યારે બંધ રાખવા હિતાવહ છે. કેન્દ્ર સરકાર ચોથા લોકડાઉનના લોકડાઉનની ગાઈડલાઈન જાહેર કરશે પછી દિલ્હી સરકાર રાજ્ય માટે નિયમો બહાર પાડશે એવું દિલ્હી સરકારના અધિકારીઓએ કહ્યું હતું.
કેજરીવાલ અને હર્ષવર્ધન વચ્ચે શીતયુદ્ધ
કોરોના વાયરસ દરમિયાન દિલ્હી મુદ્દે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન વચ્ચે ઠંડું યુદ્ધ ચાલું રહ્યું હતું. થોડા દિવસ પહેલાં ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દિલ્હીમાંથી લોકડાઉન હળવું કરે અને જીવનજરૂરી રોજગારને પરવાનગી આપે. પાટનગરમાં લોકડાઉન હળવું થાય તે હવે જરૂરી બની ગયું છે. જે વિસ્તારો સંવેદનશીલ છે તેને બાદ કરતા કેન્દ્ર સરકારે પ્રતિબંધો હટાવવાની દિશામાં વિચારવું જોઈએ. એ પછી ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે દિલ્હીને થોડીક છૂટછાટો અપાશે. કારણ કે દિલ્હી એવા રાજ્યોમાં સામેલ છે, જ્યાં સૌથી વધુ કેસ છે. આરોગ્ય મંત્રીએ મેટ્રો સિટીઝના લોકોને દોષિત ઠેરવતા કહ્યું હતું કે દિલ્હી-મુંબઈ જેવા મેટ્રો સિટીના લોકો લોકડાઉનના સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી. અગાઉ કોરોના વોરિયર્સને ફાઈવસ્ટાર હોટેલ્સ ફાળવવા મુદ્દે પણ બંને નેતાઓના અલગ અલગ નિર્ણયો આવ્યા હતા, જેમાં સંઘર્ષ સ્પષ્ટ જણાતો હતો.
આરએસએસ સામે કોંગ્રેસનું જેબીએમ
આરએસએસને કાઉન્ટર કરવા માટે કોંગ્રેસે જવાહર બાલ મંચ (જેબીએમ) શરૂ કરવાનું વિચાર્યું છે. આ ૧૦થી ૧૭ વર્ષના બાળકો માટેનું સંગઠન હશે. નામ પ્રમાણે તેમાં બાળવિકાસની એક્ટિવિટી કરાશે. સૂત્રોના દાવા પ્રમાણે બિનસાંપ્રદાયિક મૂલ્યોની જાળવણી માટે આ સંગઠનમાં એકતાના પાઠ ભણાવાશે. જી.વી હરિએ જણાવ્યું હતું કે જેબીવીની તર્જ ઉપર જ આ સંગઠન શરૂ થશે. કેરળમાં જેબીવીના ૨.૫ લાખ સભ્યો છે. એમાં ભારતની બિનસાંપ્રદાયિકતાની સમજ વિકસે તે દિશામાં કેળવણી આપવામાં આવે છે. તે ઉપરાંત તેમની કળાને પણ તક મળે છે. રાષ્ટ્રવાદનો ખરો અર્થ આ સંગઠનમાં બાળકોને સમજાવવામાં આવે છે. સમાજના દરેક વર્ગને સ્વીકારવાનું પ્રાથમિક શિક્ષણ બાળકોને આ સંગઠનમાં અપાશે.
સુપ્રીમ કોર્ટમાં ડ્રેસ કોડ બદલશે
પેઢીઓથી ચાલતી આવતી ડ્રેસની પરંપરા સુપ્રીમ કોર્ટમાં બદલાશે. વિડીયો કોન્ફરન્સથી જોડાતા વકીલો માટે હવે બ્લેક ડ્રેસ ફરજિયાત નહીં હોય. વકીલો વિડીયો કોન્ફરન્સથી જોડાશે ત્યારે વ્હાઈટ શર્ટ પહેરી શકશે. મહિલા વકીલો વ્હાઈટ સાડી પહેરી શકશે. એક વિડીયો કોન્ફરન્સથી થઈ રહેલી સુનાવણીમાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે વકીલોએ કાળો કોટ અને ગાઉન ન પહેરવું જોઈએ. કારણ કે એ કોરોનાને ખેંચે છે. એ પછી સુપ્રીમ કોર્ટે આ સંકેત આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પણ ગાઉનને બદલે સફેદ શર્ટમાં નજરે પડયા હતા. અગાઉ દિલ્હી હાઈકોર્ટે પણ આવો જ નિર્ણય લઈને વકીલોને છૂટછાટ આપી હતી. કોરોનાના કારણે સુપ્રીમ કોર્ટમાં એક નવો અધ્યાય લખાયો. વિડીયો કોન્ફરન્સથી સુનાવણી થઈ તે સાથે જ ન્યાયધીશોએ ગાઉનને બદલે નવા ડ્રેસ કોડ ઉપર પસંદગી ઉતારી હતી.
તિહાર જેલમાં કોરોનાના ખતરાથી દોડધામ
દિલ્હીની તિહાર જેલમાં ૧૮,૦૦૦ કેદીઓ છે. એમાં એક રેપનો આરોપી પણ બંધ છે. એ આરોપી ઉપર જે પીડિતાએ આરોપ લગાવ્યો હતો, તેનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તિહાર જેલમાં દોડધામ મચી ગઈ હતી. એ આરોપીને તુરંત ક્વોરન્ટાઈન કરાયો હતો. તેના ક્લોઝ્લી કોન્ટેક્સમાં આવેલા બેના પણ સેમ્પલ લેવાયા હતા. બધા રીપોર્ટ નેગેટિવ આવ્યા છે, તેમ છતાં જેલમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે. જેલ નંબર-૨માં થોડા દિવસ પહેલાં જ એક રેપનો આરોપી આવ્યો હતો. જે યુવતીનો રેપ થયો હતો એનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ પછી આરોપીનો રીપોર્ટ કરવાની તાકીદ થઈ હતી. જેલ ઓથોરિટીએ સોશિયલ ડિસ્ટન્સિંગનું બરાબર પાલન થાય તે માટે કેદી માટે નવી ગાઈડલાઈન જારી કરી છે. દરેક કેદીનું થર્મલ સ્ક્રીનિંગ પણ થાય છે. ૧૮,૦૦૦ કેદીઓ ધરાવતી આ જેલમાં કોરોનાનો ડર ફેલાતા વધારે સાવચેતીના પગલાં ભરવાનું શરૂ થયું છે.
- ઈન્દર સાહની