દિલ્હીની વાત : મોદી મંત્રો જ આપશે કે કશું નક્કર કરશે ?
મોદી મંત્રો જ આપશે કે કશું નક્કર કરશે ?
નવીદિલ્હી, તા.15 જુલાઈ 2020, બુધવાર
નરેન્દ્ર મોદીએ બુધવારે દેશને 'સ્કીલ, રી-સ્કીલ એન્ડ અપસ્કીલ'નો નવો મંત્ર આપી દીધો. સ્કીલ ઈન્ડિયા મિશન શરૂ થયું તેનાં પાંચ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે યોજાયેલા સમારોહને સંબોધતાં મોદીએ કહ્યું કે, કોરોના વાયરસના પ્રભાવના માહોલમાં ટકી રહેવા માટે આ જ મંત્ર છે.
મોદીએ ગયા મહિને સીઆઈઆઈના સમારોહમાં 'આત્મનિર્ભર' બનવા માટે ઈન્ટેન્ટ (ઉદ્દેશ), ઈન્ક્લ્યુઝન (સમાવેશ), ઈન્વેસ્ટમેન્ટ (રોકાણ), ઈન્ફ્રાસ્ટ્રક્ટર (માળખાકીય સવલતો) અને ઈનોવેશન (નવિનતા) એમ પાંચ 'ફાઈવ આઈ'નો મંત્ર આપેલો. જૂનમાં જ તેમણે આઈસીસીના સમારોહમાં 'પીપલ, પ્લેનેટ, પ્રોફિટ'નો મંત્ર ઉદ્યોગપતિઓને આપેલો. મોદીએ મે મહિનામાં દેશવ્યાપી સંબોધનમાં 'વોકલ ફોર લોકલ'નો મંત્ર આપેલો. આ તો મુખ્ય મંત્ર અને સૂત્રોની વાત કરી, એ સિવાય મોદી બીજાં પણ આવાં સૂત્ર કોરોનાએ અર્થતંત્રને ફટકો માર્યો પછી આપી ચૂક્યા છે.
મોદીના નવા મંત્ર પછી સોશિયલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે કે, મોદી દેશને આથક રીતે સધ્ધર બનાવવા કશું કરશે કે પછી આ રીતે મંત્રો જ આપ્યા કરશે ?
મોદીની નજરમાંથી ઉતરેલા લવાસાએ ચૂંટણી પંચ છોડયું
એક સમયે મોદીના માનીતા અશોક લવાસાએ ચૂંટણી પંચમાંથી રાજીનામું આપ્યું છે. સત્તાવાર રીતે એશિયન ડેલવપમેન્ટ બેંક (એડીબી)માં વાઈસ પ્રેસિડેન્ટ નિમાતાં લવાસાએ રાજીનામું આપ્યું છે પણ વાસ્તવમાં મોદી સાથે સારા સંબંધ ના રહેતાં લવાસાએ ચૂંટણી પંચ છોડયું છે. લવાસા ચીફ ઈલેક્શન કમિશનર બનવાના હતા પણ મોદી સાથેના સંબંધો સાવ વણસતાં એ હોદ્દો નહીં મળે એ નક્કી થઈ જતાં લવાસાએ નવી નોકરી શોધી લીધી.
મોદીએ નોટબંધી જાહેર કરી ત્યારે લવાસા ફાયનાન્સ સેક્રેટરી હતા. લવાસાની કામગીરીથી ખુશ થઈને મોદીએ તેમને ચૂંટણી પંચમાં નિમ્યા હતા. એ વખતે નક્કી હતું કે, સુનિલ અરોરા પછી લવાસા ચીફ ઈલેક્શન કમિશનર બનશે.
જો કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મોદી અને અમિત શાહને ચૂંટણી આચાર સંહિતા ભંગના કેસોમાં ક્લીન ચીટ આપવાના બીજા કમિશનર્સના નિર્ણય સામે તેમણે વાંધો લેતાં એ મોદીની નજરમાંથી ઉતરી ગયા હતા. એ પછી લવાસા, તેમનાં પત્ની, બહેન વગેરેને ઈન્કમટેક્સની નોટિસો મળી હતી. તેમના પુત્ર સામે ઈ.ડી.ની અને લવાસા સામે ભ્રષ્ટાચારની તપાસ શરૂ થઈ હતી.
કેન્દ્રીય કર્મચારીઓ માટે વિના પગારે રજાની યોજના ?
એર ઈન્ડિયાએ ખર્ચ ઘટાડવા માટે પોતાના કર્મચારીઓને લીવ વિધાઉટ પે એટલે કે વગર પગારે રજા પર મોકલવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાતથી એર ઈન્ડિયાના કર્મચારીઓમાં તો ફફડાટ છે જ પણ કેન્દ્રનાં અન્ય સાહસોમાં કામ કરતા કર્મચારીઓ પણ ફફડી ગયા છે. મોદી સરકારે ટેસ્ટ કેસ તરીકે એર ઈન્ડિયામાં લાગુ કરેલી સ્કીમ ખોટ કરતાં બીજાં કેન્દ્રીય સાહસો અને કંપનીઓમાં ધીરે ધીરે આવશે એવો ડર સૌને સતાવી રહ્યો છે.
નરેન્દ્ર મોદીએ મંગળવારે જ નિર્મલા સીતારામન પાસેથી દેશની આથક સ્થિતીની વિગતો મેળવી હતી. સૂત્રોનું કહેવું છે કે, નિર્મલાએ મોદી સામે આ દરખાસ્ત રજૂ કરી હતી. મોદીએ તેને તાત્કાલિક રીતે મંજૂર કરીને જાહેરાત કરવા કહી દીધું. મોદીએ નિર્મલાને બીજે ક્યાં ક્યાં આ સ્કીમ લાગુ કરી શકાય છે તેની યાદી તૈયાર કરવાનું કામ પણ સોંપી દીધું છે. આ સ્કીમ લાગુ કરવા માટે ક્યું સાહસ કેટલી ખોટ કરે છે એ બાબત પણ ધ્યાનમાં લેવામાં આવશે. કેટલાંક મંત્રાલયોમાં પણ આ સ્કીમ લાગુ કરાય તેવી શક્યતા છે.
કોંગ્રેસ પાયલોટને સસ્પેન્ડ કેમ નથી કરતી ?
રાજસ્થાનમાં અશોક ગેહલોત સામેના બળવાને કોંગ્રેસે નિષ્ફળ બનાવ્યો છે પણ બળવો કરનારા સચિન પાયલોટને કોંગ્રેસમાંથી હજુ દૂર કરાયા નથી. તેના કારણે સ્પષ્ટ સંકેત મળે છે કે, કોંગ્રેસ નથી ઈચ્છતી કે પાયલોટ પક્ષ છોડીને જાય. પાયલોટને નાયબ મુખ્યમંત્રીપદેથી દૂર કરાયા છે અને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવા નોટિસ પણ અપાઈ છે. આ નોટિસો પાયલોટ પર દબાણ પેદા કરવા માટે છે એવું કોંગ્રેસનાં સૂત્રો જ સ્વીકારે છે.
આ સૂત્રોના મતે, કોંગ્રેસ પાયલોટને સસ્પેન્ડ કરતાં ડરે છે કેમ કે પાયલોટના સમર્થનમાં ઘણા યુવા નેતા ખુલ્લેઆમ બહાર આવ્યા છે. મુરલી દેવરા, પ્રિયા દત્ત, સંજય નિરૂપમ, શશિ થરૂરે ખુલ્લેઆમ પાયલોટને કોંગ્રેસમાંથી કાઢી મૂકવાનો વિરોધ કર્યો છે. કોંગ્રેસને લાગે છે કે, આ સંજોગોમાં પાયલોટને સસ્પેન્ડ કરી દેવાશે તો કોંગ્રેસના કાર્યકરોની સહાનુભૂતિ તેમને મળશે. રાજસ્થાનમાં પાયલોટનો પોતાનો ગુર્જર અને મીણા જ્ઞાાતિની મતબેંકનો મજબૂત રાજકીય આધાર છે જ. કોંગ્રેસના અન્ય કાર્યકરો પણ પાયલોટ સાથે જાય એવું કોંગ્રેસ નથી ઈચ્છતી તેથી પાયલોટ સામે પગલાં ભરતાં ખચકાય છે.
જેટલીનું સાંસદ પેન્શન કર્મચારીઓ માટે વપરાશે
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીના પરિવારે કરેલી પહેલની ચોતરફ પ્રસંશા થઈ રહી છે. જેટલીના પરિવારે તેમને મળનારું પેન્શનની તમામ રકમ રાજ્યસભા સચિવાલયના ચોથા વર્ગના કર્મચારીઓ તથા તેમના પરિવારોને મેડિકલ ઈમર્જન્સી અને સંતાનોને સ્કોલરશિપ આપવામાં વપરાશે. કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો તેના પરિવારને પણ જેટલી પરિવાર તરફથી આથક સહાય અપાશે.
જેટલી લોકસભામાં કદી ચૂંટાયા નહોતા ને રાજ્યસભાના જ સભ્ય રહ્યા હોવાથી રાજ્યસભા સાથે તેમને ભારે લગાવ હતો. ગયા વર્ષે જેટલીના નિધન પછી તેમના પરિવારે રાજ્યસભા સચિવાલયના કર્મચારીઓ માટે કશુંક કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાજ્યસભાના ચેરમેન વેંકૈયાહ નાયડુએ લાંબી વિચારણા પછી અરૂણ જેટલી વિત્તિય સહાયતા યોજનાને મંજૂરી આપી છે.
રાજ્યસભાના સભ્યને ૨૦ હજાર રૂપિયાનું બેઝિક પેન્શન અને સાંસદ તરીકેના દરેક વર્ષ દીઠ ૧૫૦૦ રૂપિયા પેન્શન મળે છે. જેટલી ૧૯ વર્ષ સાંસદ હતા તેથી પેન્શનની બેઝિક રકમ ૫૦ હજાર રૂપિયાની આસપાસ થશે. આ ઉપરાંત ભથ્થાં મળીને સિત્તેર હજાર રૂપિયાની આસપાસ રકમ થશે.
સોનિયા રાજ્યોના ઈન્ચાર્જ મહામંત્રીઓથી નારાજ
રાજસ્થાનમાં થયેલી ભવાઈના પગલે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી મોટા ભાગનાં રાજ્યોના ઈન્ચાર્જ બદલશે એવા સંકેત મળ્યા છે. સોનિયાની નજીક મનાતા વીરપ્પા મોઈલીએ આ સંકેત આપ્યો છે. મોઈલીના મતે, રાજ્યોનો ચાર્જ જેમની પાસે છે એવા રાષ્ટ્રીય મહામંત્રીઓ સતર્ક નથી તેના કારણે આ સ્થિતી સર્જાય છે તેથી એઆઈસીસી સ્તરે જ મોટા પાયે ફેરફાર જરૂરી બની ગયા છે.
મોઈલીએ એવું પણ કહ્યું કે, ઈન્ચાર્જ મહામંત્રીઓ સ્થાનિક નેતાઓની સમસ્યાઓ સમજવામાં નિષ્ફળ જાય છે. રાજ્યમાં બનતી ઘટનાઓ અંગે હાઈકમાન્ડને જાણ પણ નથી કરતા કે કોઈ પગલાં પણ નથી લેતા તેના કારણે કોંગ્રેસમાં સમસ્યાઓ સર્જાય છે ને આ સમસ્યાઓ નિવારી શકાય એવી હોવા છતાં નિવારી નથી શકાતી.
રાજકીય વિશ્લેષકોના મતે, મોઈલીએ જે કંઈ કહ્યું એ વાસ્તવમાં સોનિયા ગાંધીનો જ મત છે. સોનિયાએ મોઈલીના માધ્યમથી આ વાત વહેતી કરાવીને કોંગ્રેસના મહામંત્રીઓને મેસેજ આપી દીધો છે કે, હવે તેમના પર તવાઈ આવવાની છે ને તેમણે માનસિક તૈયારી રાખવી પડશે.
***
સાંસદથી કોંગ્રેસના બળવાખોર સુધીની પાયલોટની સફર
સચિન પાયલોટની બળવાખોરીની ચારે તરફ ચર્ચા ચાલી રહી છે ત્યારે એક નજર એની ૧૮ વર્ષની રાજકીય કારકિર્દી પર.વર્ષ ૨૦૦૨માં એના પિતા રાજેશ પાયલોટના અવસાન બાદ ૨૪ વર્ષના સચિનને એ વખતના રાજસ્થાન કોંગ્રેસના વડા ગિરીજા વ્યાસે કોંગ્રેસમાં સમાવી લીધા હતા.૨૦૦૪માં પહેલીવાર દૌસાથી તેઓ લોકસભાની ચૂંટણી જીત્યા અને ૨૦૦૯માં પણ જીત્યા હતા.વર્ષ ૨૦૧૨માં સરકારમાં નવા મંત્રીઓને સમાવતા અજમેરથી ચૂંટાઇ આવેલા સચિનને કોર્પોરેટ એફેર્સ મંત્રી બનાવવામાં આવ્યો હતો.૨૦૧૪ની લોકસભાની ચૂંટણઈના થોડા સમય પહેલાં જ તેમને રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ૨૫માંથી એક પણ બેઠક પર કોંગ્રેસની જીત થઇ નહતી. આ ધબડકા માટે સચિન અને ગેહલોતે એક બીજા પર દોષારોપણ કરતાં દુશ્મનાવટ શરૂ થઇ હતી.
૨૦૧૮માં જ્યારે કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી જીતી હતી ત્યારે પાયલોેટે મુખ્યમંત્રીપદની માગ કરી હતી.પરંતુ તેમની દાવાને બાજુએ મૂકીને પીઠ અનુભવી એશોક ગેહલોતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.પાયલોટને તેમના નાયબ બનાવવામાં આવ્યો હતો.પરિણામે બંને વચ્ચેની ટસલ વધુ ઉગ્ર બની હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાના કહેવા અનુસાર, પાયલોટો સિંધીયાની સાથે માર્ચમાં જ બળવા કરવોની યોજના બનાવી હતી, પરંતુ લોકડાઉનના કારણે વિલંબ થયો હતો.કોંગ્રેસના ધારાસભ્યો માટે માનસેરમાં હોટલ પણ બુક કરી લેવામાં આવી હતી.પાછળની તારીખમાં બુકિંગ હતી. પરંતુ લોકડાઉનની જાહેરાતે આખી રમત બગાડી નાંખી.ભાજપને આખી ઘટનાની જાણકારી હતી.કોંગ્રેસના જ એ નેતા દ્વારા તેમને માહિતી મળી ગઇ હતી. કોંગ્રેસના એક નેતા કહે છે કે યુવા નેતાઓ કોંગ્રેસનું શોષણ કરી રહ્યા છે અને કેટલાક પોતાના અંગત સ્વાર્થમાટે ગમે તે કરી શકે છે.
અનુપલબ્ધ ગાંધી પરિવારથી કેટલાક કોંગ્રેસીઓ નારાજ
કોંગ્રેસના વિવિધ જુથના કેટલાક લોકો તેમના પ્રથમ પરિવાર અંગે નારાજગી વ્યક્ત કરે છે જેમની સાથે મુલાકાત પણ તેઓ કરી શકતા નથી.તેમના કહેવા અનુસાર ગાંધી પરિવારની કામ કરવાની પધ્ધતીથી માત્ર ત્રણ જ મહિનામાં બે પ્રતિભાશાળી નેતાઓ કોંગ્રેસને છોડીન જતા રહ્યા હતા. પહેલા જ્યોતિરાદિત્ય અને હવે પાયલોટ જેણે રાજસ્થાનમાં પક્ષને બેઠું કર્યું હતું.સોનિયા અને પ્રિયંકા ગાધીએ પાયલોટ સાથે વાત કરી હોવા છતાં તેઓ માન્યા નહતા.ેજયપુરમાં પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ગઇ કાલે કહ્યું હતું કે પાયલોટ અને ગાંધી પરિવારના ગાઢ સબંધો છે. દરમિયાન,પક્ષના વરિષ્ઠ નેતા કપિલ સિબલે પણ કહ્યું હતું કે અસ્તબલમાંથી ઘોડા છુટી જાય તેની પહેલા જાગવું પડશે.
ઘરને લઇને પ્રિયંકા-પુરી વચ્ચે વિવાદ
કેન્દ્ર સરકારે કોંગ્રેસની મહામંત્રી પ્રિયંકા ગાંધીને તેમના ૩૫ લોધી એસ્ટેટ ખાતેના બંગલાને એક મહિનામાં ખાલી કરવાની પહેલી જુલાઇઅ નોટીસ આપી હતી. મંગળવારે ખાલી કરવાની મુદ્દતને લઇને પ્રિયંકા ગાંધી અને કેન્દ્રની મંત્રી હરદીપ સુરી વચ્ચે ટ્વિટર પર યુધ્ધ છોડાયું હતું.બંગલામાં થોડા દિવસો વધુ રહેવા દેવાની તેમની કથિત વિનંતીને લઇને પ્રિયંકાએ માધ્યમોની બરાબરની ઝાટકણી કાઢી હતી તેના જવાબમાં મેત્રીઁ પણ પ્રહાર કર્યા હતા. પ્રિયંકાના દાવાનો જવાબ આપતા પુરી એ ટ્વિટ કર્યું હતું કે'હકીકત પોતે જ બોલે છે.પક્ષમાં એક મજબુત અવાજ મનાતા મોટા નેતાએ મને ચાથી જુલાઇ,૨૦૨૦ના રોજ સાડા બાર વાગે ફોન કર્યો હતો કે ૩૫ લોધી એસ્ટેટનો બંગ્લો કોંગ્રેસના જ એક નેતાને આપજો કે જેથી પ્રિયંકા ત્યાં રહી શકે. આ મુદ્દાને આપણે સંવેદનશીલ ના બનાવવો જોઇએ.જયારે આ વાત મોદી સુધી પહોંચી તો તેમણે ક્હયું હતું કે આપણે તેમની વિનંતીને માન આપવું જોઇએ.
બિહારના મુખ્યમંત્રીના વ્હાલા અધિકારીને ચાર્જશીટ
બિહારના રૂપિયા ૨૦૦૦ કરોડના શ્રીજીન કૌભાંડના સંબધમાં જે ૫૯ અધિકારીઓને નોટીસ મોકલી હતી તેમાં નીતીશ કુમારને ખાસ મનાતા કે.આર.રમૈયાનો પણ સમાવેશ થતો હતો. વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં તેમને મળેલી નોટીસના કારણે શાસક પક્ષમાં થોડી બેચેની ઊભી થઇ હતી. પરંતુ રમૈયા સામેની નોટિસ ના કારણે જ શાસક જદયુમાં બેચેની થવા લાગી હતી.મૂળ આંઘ્રે પ્રદેશના રમૈયા અને નીતીશ કુમાર વચ્ચે કેટલા નજીકના સંબધ હતા તેનો પુરાવા એ વાતથી જ મળે છે કે સ્વૈચ્છીક નિવૃત્તિ પછી તેઓ જદયુમાં જોડાયા હતા અને ૨૦૧૪માં જદયુની ટિકિટ પરથી સાસારામમાંથીલોકસભાના પૂર્વ સ્પીકર મીરા કુમાર સામે ચૂંટણી પણ લડયા હતા, જો કે તેમાં હારી ગયા હતા.રમૈયા સામે સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરતાં વિધાનાસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ભ્રષ્ટ અધિકારીઓને સંરક્ષણ આપવા બદલ કુમારના રાજીનામાની માગ કરી હતી.
- ઇન્દર સાહની