Get The App

દિલ્હીની વાત : નિર્મલા પેકેજ જાહેર કરે છે કે ચૂંટણી પ્રચાર ?

Updated: May 15th, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : નિર્મલા પેકેજ જાહેર કરે છે કે ચૂંટણી પ્રચાર ? 1 - image


નિર્મલા પેકેજ જાહેર કરે છે કે ચૂંટણી પ્રચાર ?

નવીદિલ્હી, તા.14 મે 2020, ગુરુવાર

નિર્મલા સીતારામને મોદીના ૨૦ લાખ કરોડ રૂપિયાના પેકેજના બીજા તબક્કાની ગુરૂવારે જાહેરાત કરી. નિર્મલાની  આ જાહેરાતોમાં કશું નક્કર નથી. નિર્મલાએ નાના ખેડૂતો, ફેરીયા, હિજરતી કામદારો માટે પેકેજ જાહેર કરવાની વાતો કરી પણ ખરેખર કશું નક્કર જાહેર કરાયું નહીં. સરકાર શું શું કરશે તેની વાતો તેમણે કરી પણ થોડીક નાની નાની જાહેરાતોને બાદ કરતાં લોકોને સીધો શું લાભ મળશે તેની કોઈ વાત તેમણે કરી નહીં. ગરીબોને વિના મૂલ્યે અનાજ સહિતની પહેલાં થઈ ચૂકેલી જાહેરાતો પણ તેમણે નવા પેકેજમાં સમાવી લીધી.

આ પત્રકાર પરિષદ પછી સોશિયલ મીડિયા પર એવી કોમેન્ટ થઈ રહી છે કે, નિર્મલા આર્થિક પેકેજ જાહેર કરવા આવે છે કે ચૂંટણી સભાને સંબોધવા આવે છે ? નિર્મલા અડધો સમય મોદી સરકારે છેલ્લાં વરસોમાં શું કર્યું તેની વાતો કરવામાં કાઢી નાંખે છે. બાકી રહેલો અડધો સમય ચૂંટણી સમયે અપાતાં વચનો આ કરીશું અને તે કરીશું એવી વાતો કરવામાં કાઢે છે તેના કારણે આ સવાલ પૂછાઈ રહ્યા છે.

કોંગ્રેસી નેતાની નિરવ મોદીની તરફેણમાં જુબાની

નિરવ મોદી મુદ્દે નરેન્દ્ર મોદી પર સતત પ્રહારો કરી રહેલી કોંગ્રેસના નેતા અભય થિપ્સેએ નિરવની તરફેણમાં જુબાની આપતાં કોંગ્રેસ શરમજનક સ્થિતીમાં મૂકાઈ ગઈ છે. નિરવના પ્રત્યાર્પણ માટે લંડનની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં થિપ્સેએ વીડિયો કોન્ફરન્સિંગથી જુબાની આપી કે, સીબીઆઈએ નિરવ સામે મૂકેલો આરોપો ભારતના કાયદા હેઠળ ટકી  શકે તેમ નથી. થિપ્સેના દાવા પ્રમાણે નિરવ મોદીએ કોઈની સાથે છેતરપિંડી જ કરી નથી તેથી તેની સામેના આરોપો ના ટકી શકે.

અભય થિપ્સે અલાહાબાદ અને મુંબઈ હાઈકોર્ટના જજ રહી ચૂક્યા હોવાથી તેમની જુબાની મહત્વની છે.  થિપ્સેની જુબાનીના કારણે નિરવને ભારતને સોંપવાનો ઈન્કાર થવાની શક્યતા છે.  હિટ એન્ડ રન કેસમાં સલમાનને જામીન આપવારા થિપ્સે ૨૦૧૭મા નિવૃત્ત થયા પછી કોંગ્રેસમાં જોડાયા હતા. અભય ચેસ ગ્રાન્ડમાસ્ટર પ્રવિણ થિપ્સેના ભાઈ છે.

થિપ્સેની જુબાની પછી રાહુલ ગાંધી પર પસ્તાળ પડી રહી છે. ભાજપે સવાલ કર્યા છે કે, નિરવ ભારત પાછો ના આવે એવું રાહુલ કેમ ઈચ્છે છે ? ૨૦૧૩ની દિલ્હીની પાર્ટીમાં રાહુલ-નિરવ વચ્ચે શું લેવડદેવડ થઈ હતી ?

વર્ક ફ્રોમ હોમ સામે ગૃહ મંત્રાલયને વાંધો

કોરોનાના કારણે બદલાયેલી સ્થિતીમાં કેન્દ્રીય કર્મચારીઓમાં 'વર્ક ફોર્મ હોમ' કલ્ચર વિકસે તે માટે મોદી સરકાર આતુર છે. મોદીએ પર્સોનેલ મંત્રાલયને દરખાસ્ત તૈયાર કરવા કહ્યું હતું. મંત્રાલયે દરેક કર્મચારી વરસમાં ઓછામાં ઓછા ૧૫ દિવસ માટે ઘરેથી કામ કરે અને દરેક મંત્રાલય ઈ-ઓફિસ ઉભી કરી એવી દરખાસ્ત મૂકી છે.

આ દરખાસ્ત સામે ગૃહ મંત્રાલયે વાંધો લીધો છે. ગૃહ મંત્રાલયની દલીલ છે કે, ઘરેથી કામ કરનાર કર્મચારી પોતાના ઘરના કોમ્પ્યુટર કે લેપટોપ પર સરકારી ફાઈલ ખોલીને તેના પર કામ કરે એ જોખમી છે. સરકારી ફાઈલોની વિગતો ગુપ્ત હોય છે. ઘણી ફાઈલો તો ક્લાસિફાઈડ એટલે કે જેની વિગતો અત્યંત ગુપ્ત રાખવાની હોય એ પ્રકારની હોય છે. કર્મચારીના લેપટોપ કે કોમ્પ્યુરને કોઈ હેકર હેક કરીને આ ફાઈલો જુએ તેન કારણે દેશની સલામતી સામે પણ ખતરો ઉભો થઈ શકે. કર્મચાર પણ તેનો દુરૂપયોગ કરી શકે અને હેકર્સ સરકારી સિસ્ટમમાં ઘૂસી જાય એવું પણ બને. આ વાંધા વ્યાજબી છે તેથી પર્સોનલ મંત્રાલયને ચુસ્ત સીક્યુરિટીનાં પગલાં અંગે પ્રેઝન્ટેશન તૈયાર કરવા કહેવાયું છે.   

મંદિરોનું અબજોનું સોનું લઈ લેવા મોદીને સૂચન

કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવાણના એક સૂચને રાજકીય વર્તુળો અને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. ચવાણનું સૂચન છે કે, મોદી સરકારે દેશનાં ધાર્મિક ટ્રસ્ટો પાસે પડેલું સોનું ઉધાર લેવું જોઈએ. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રીપોર્ટ પ્રમાણે મંદિરો પાસે ૧ ટ્રિલિયન ડોલરનું સોનું છે છે તેથી કેન્દ્ર ઓછામાં ઓછી ૭૬ લાખ કરોડ રૂપિયાની રકમ ઉભી કરી શકશે.  આ રકમનો ઉપયોગ કોરોના સામે લડવા કરી શકાશે. ગરીબ અને મધ્યમ વર્ગને ભારે રાહતો આપી શકાશે.  ચવાણના કહેવા પ્રમાણે, આ સોનું ગોલ્ડ બોન્ડ્સના રૂપમાં રોકવામાં આવે.  સરકાર ધાર્મિક સંસ્થાઓને પોતાના આર્થિક હિતો માટે ખલાસ કરશે તો દેશ ક્યાં જઈ અટકશે ? 

'વિન્ડોઝ ઓફ હોપ' માટે ગોયલ ટ્રોલ થયા

રેલ્વે મંત્રી પિયૂષ ગોયલ પોતાના મંત્રાલયની કામગીરીનાં ગુણગાન ગાવા જતાં ટ્રોલ થઈ ગયા. ગોયલે 'વિન્ડોઝ ઓફ હોપ' નામે એક તસવીર મૂકી હતી. કામદારોને બંગાળના હુબલી રેલ્વે સ્ટેશનથી રાજસ્થાનના જોધપુર લઈ જતી શ્રમિક એક્સપ્રેસ ટ્રેનની બારીમાંથી કામદારો હાથ હલાવીને વિદાય લે છે તેની આ તસવીર હતી.

ગોયલની આ ટ્વિટના જવાબમાં લોકોએ હિજરતી કામદારો પગપાળા ચાલીને જતા હોય એવા વીડિયો મૂકી દીધા. મહિલાઓ પોતાનાં સંતાનોને બેગ પર બેસાડીને રોડ પર ખેંચીને જાય છે એવો વીડિયો તો સૌથી વધારે મૂકાયો. આવા અલગ અલગ વીડિયો મૂકીને લોકોએ સવાલ કર્યો કે, આ લોકો માટે કોઈ વિન્ડોઝ ઓફ હોપ છે કે નહીં ?

કેટલાક લોકોએ લોકડાઉન લદાયું તેના બે-ત્રણ દિવસ પછી લાખો કામદારોએ હિજરત કરવા માંડેલી તેની તસવીરો તારીખ સાથે મૂકીને કટાક્ષ કર્યો કે, વિન્ડોઝ ઓફ હોપ બહુ મોડી ખૂલી. 

***

સુરક્ષાદળોની કેન્ટીનમાં સ્વદેશી પ્રોડક્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની અપીલ કરી તે પછી ગૃહ મંત્રી અમિત શાહે સુરક્ષાદળોની કેન્ટીનમાં સ્વદેશી પ્રોડક્ટ જ મળશે એવી જાહેરાત ટ્વીટરમાં કરી હતી. ૧લી જૂનથી સુરક્ષાદળોની કેન્ટીનમાં માત્ર સ્વદેશી ઉત્પાદનો જ વેંચાશે. દેશમાં ૫૦ લાખ પરિવારો આ કેન્ટીન સાથે જોડાયેલા હોવાથી તેનું ટર્નઓવર ૨૮૦૦ કરોડ રૂપિયાનું છે, પરંતુ એ મુદ્દે હવે મૂંઝવણ સર્જાઈ છે. સ્વદેશી ઉત્પાદન ગણવું કોને? ભારતમાં જેનું યૂનિટ હોય એવી વિદેશી બ્રાન્ડને સ્વદેશી ગણવું કે કેમ તે મુદ્દે હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા થઈ નથી. આર્મી અધિકારીઓએ કહ્યું હતું કે હજુ સુધી એ બાબતે ગૃહ મંત્રાલયનું કોઈ નોટિફિકેશન આવ્યું નથી. કારણ કે સ્વદેશી બ્રાન્ડ એટલે માત્ર ભારતમાં ઉત્પાદન થતી હોય એવી વ્યાખ્યા ગણીએ તો વિદેશી કંપનીઓના પ્રોડક્શન યૂનિટ પણ ભારતમાં ધમેધમે છે. એને સ્વદેશી ગણી પણ શકાય અને ન પણ ગણી શકાય. એ મુદ્દે સરકારની સ્પષ્ટતા થાય તે જરૂરી છે.

'સ્વદેશી'થી બાબા રામદેવને ફાયદો થશે

સ્વદેશી પ્રોડક્ટનો સૌથી વધારે પ્રચાર અને વેંચાણ બાબા રામદેવ કરે છે એ જાણીતી વાત છે. સરકારની સ્વદેશીની અપીલથી પણ સવિશેષ લાભ બાબા રામદેવને જ થશે એવો તર્ક રજૂ થવા લાગ્યો છે. લોકસભાની ચૂંટણીમાં બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવ્યા હતા. કદાચ સરકારે તેમને આ કેમ્પેઈનથી વળતર આપ્યું છે - એવી દલીલ પેરામિલિટરી ફોર્સ વેલ્ફેર એસોસિએશનના કોઓર્ડિનેટર રણબીર સિંહે કરી હતી. સુરક્ષાદળોની કેન્ટીનમાં સ્વદેશી પ્રોડક્ટની જાહેરાત થઈ પછી તેમણે કહ્યું હતું કે આ મુદ્દે થોડુંક ઊંડાણથી વિચારવું જરૂરી છે. પતંજલી સૌથી વધુ સ્વદેશી અને આયુર્વૈદિક પ્રોડક્ટ માર્કેટમાં મૂકે છે. બીજી બધી કંપનીઓ કરતા સૌથી વધુ ફાયદો અત્યારે તો પતંજલીને જ થશે. બાબા રામદેવનું એમ્પાયર જેટલું છે એનાથી અનેક ગણું વધશે. પતંજલીની પ્રોડક્ટ આગામી દિવસોમાં વધારે વેંચાશે અને બાબા રામદેવ વધારે મજબૂત થશે એવો મત રણબીર સિંહે વ્યક્ત કર્યો હતો.

રજામાં મહેરબાની કરીને ગોવા ન આવતા!

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પ્રર્યટકોને અપીલ કરી હતી કે આગામી દિવસોમાં સ્પેશિયલ ટ્રેનની મદદથી ગોવામાં ન પધારશો. તેમણે કહ્યું હતું કે ગોવા આવવાની સ્પેશિયલ ટ્રેન શરૂ થઈ છે, તેનો અર્થ એવો નથી કે પ્રવાસન માટે રાજ્ય સરકાર લાલ ઝાઝમ બીછાવી રહી છે. લોકડાઉન-૪ પછી જે ગાઈડલાઈન આવશે તેના આધારે ગોવા સરકાર પ્રવાસન માટે પ્લાન કરશે. હાલ પૂરતું પર્યટકોને આવવા દેવાનો ગોવા સરકારનો કોઈ જ ઈરાદો નથી એવી સ્પષ્ટતા પ્રમોદ સાવંતે કરી હતી. તેમણે એવું ય કહ્યું હતું કે જે પ્રવાસીઓ ગોવામાં આવશે તેમણે ૧૪ દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન થવું પડશે. ૧૪ દિવસ ક્વોરન્ટાઈન થવાની તૈયારી સાથે જ પ્રવાસીઓ આવે એવું મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. ગોવામાં જેમનું ઘર નથી, ગોવાની હોટેલનું બુકિંગ નથી થયું એ લોકો ન આવે. બીચ બંધ રખાયા છે અને હમણાં ખૂલે એવી શક્યતા પણ નથી.

મજૂર પરિવારનો અમૃતસરથી બિહારનો દુઃખદાયક પ્રવાસ

બિહારનો રવી પાસવાન નામનો યુવાન અમૃતસરની ફેક્ટરીમાં કામ કરતો હતો. તેની પત્ની અને છ વર્ષની દીકરી સાથે એ અમૃતસરમાં જ રહેતો હતો. લોકડાઉનના કારણે રોજગારી ગુમાવ્યા પછી આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો હોવાથી પરિવારે વતનની વાટ પકડી હતી. દરભંગા સુધી જવા માટે તેમણે હિંમત તો કરી નાખી, પરંતુ ખીસ્સામાં ટિકિટના રૂપિયા ન હોવાથી આખા પરિવારનો ૧૬૦૦ કિલોમીટરનો પ્રવાસ ખૂબ દુઃખદાયક કર્યો હતો. પરિવારે અમૃતસરથી ચાલવાનું શરૂ કર્યું હતું. ૫૦૦ કિલોમીટરનો પ્રવાસ પગપાળા પૂરો કર્યો હતો. હજુ તેનો પ્રવાસ ૧૧૦૦ કિલોમીટર લાંબો છે. છ વર્ષની બાળકી સાથે ભૂખ્યા પેટે ઘરે કેમ પહોંચાશે તેની ચિંતા પતિ-પત્નીને થતી હતી. મદદ માટે કોને કહેવાય એની પણ તેમને જાણ ન હતી. સ્થાનિક લોકો રહેમ કરીને પરિવારને ખાવાનું આપે છે એટલે પાંચ દિવસમાં ૫૦૦ કિલોમીટરનો પ્રવાસ તો માંડ માંડ પૂરો થયો છે.

12 રાજયોની મહિલાઓએ 10 કરોડ માસ્ક બનાવ્યાં

અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલી ૧૨ રાજ્યોની ૪૦૦૦ મહિલાઓએ લોકડાઉનના સમયગાળામાં ૧૦ કરોડ માસ્ક બનાવ્યા હતા. દેશના બે લાખ ગામડાંની મહિલાને આ કાર્યમાં જોડવામાં આવી હતી. સેલ્ફ-હેલ્પ ગુ્રપની મદદથી માસ્ક ઉપરાંત મહિલાઓએ હેન્ડ સેનિટાઈઝર્સ પણ બનાવ્યા હતા. ત્રણ લાખ લીટર હેન્ડ સેનિટાઈઝર્સનું ઉત્પાદન થયું હતું. કોરોના વોરિયર્સ માટે આ મહિલાઓએ બે લાખ પીપીઈ પ્રકારની કિટ પણ બનાવી આપી હતી. રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના ડેટામાં આ દાવો થયો હતો. ગ્રામ્ય વિકાસ મંત્રાલયના કહેવા પ્રમાણે અલગ અલગ સંસ્થાઓએ મહિલાઓને કામ શીખવ્યું હતું અને માસ્ક-સેનિટાઈઝર્સનું ઉત્પાદન કરાવ્યું હતું. આ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર્સ સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા હતા.

- ઇન્દર સાહની

Tags :