કેજરીવાલે શાહની ચીમકીને કારણે લોકડાઉન ન લાદ્યું
નવીદિલ્હી, તા.12 જૂન 2020, શુક્રવાર
દિલ્હીમાં કોરોનાના કેસો વધી રહ્યા છે છતાં ફરી લોકડાઉન નહીં લંબાવાય એવી સ્પષ્ટતા દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કરી છે. દિલ્હી સરકારના આ નિર્ણય માટે અમિત શાહ અને અરવિંદ કેજરીવાલની બે દિવસ પહેલાંની બેઠક જવાબદાર હોવાનું કહેવાય છે.
કેજરીવાલ શાહને તેમના નિવાસસ્થાને મળ્યા ત્યારે તેમણે દિલ્હીમાં ફરી લોકડાઉન લાદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શાહે લોકડાઉન લાદવાના બદલે આરોગ્ય સેવાઓ સુધારીને કોરોનાને કાબૂમાં લેવા સલાહ આપી હતી કે જેથી આથક પ્રવૃત્તિઓને અસર ના પહોંચે. આ માટે તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી પણ શાહે આપી.
શાહે કેજરીવાલને ચીમકી પણ આપી હતી કે, કેજરીવાલ લોકડાઉન લાદશે તો દિલ્હીની પોલીસ સહકાર નહીં આપે કેમ કે પોલીસ પાસે બીજાં પણ ઘણાં કામ છે. દિલ્હીમાં પોલીસ કેન્દ્ર સરકારના તાબા હેઠળ છે અને પોલીસના સહકાર વિના લોકડાઉનનો અમલ શક્ય નથી તેથી કેજરીવાલ ઢીલા પડી ગયા. કેજરીવાલ કેન્દ્ર સાથે અત્યારે સંઘર્ષ કરવાના મૂડમાં પણ નથી તેથી તેમણે શાહની સલાહ માનીને લોકડાઉન નહીં લાદવાનો નિર્ણય લઈ લીધો.
પાસવાનનું અનામત મુદ્દે મોદી સરકારને અલ્ટિમેટમ
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે મહત્વનો ચુકાદો આપ્યો હતો કે, અનામત કોઈ વ્યક્તિનો મૂળભૂત અધિકાર નથી. ધારણા પ્રમાણે આ ચુકાદો બદલવા માટે મોદી સરકાર પર દબાણ શરૂ થઈ ગયું છે. મોદી સરકારના પ્રધાન રામવિલાસ પાસવાને તેની આગેવાની લીધી છે. તેમણે મોદી સરકારને આ ચુકાદો બદલવા અલ્ટિમેટમ આપ્યાનું કહેવાય છે. મોદી સરકાર પર દબાણ લાવવા પાસવાને શુક્રવારે ઉપરાછાપરી ટ્વિટ કરીને તમામ પક્ષોને અનામત મુદ્દે એક થવાની અપીલ પણ કરી.
પાસવાને અનામતને લગતા તમામ કાયદાઓને બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરવાની અપીલ કરી છે કે જેથી ભવિષ્યમાં અનામતના કાયદાને કોર્ટમાં પડકારી ના શકાય. પાસવાને અનામતની જોગવાઈ મહાત્મા ગાંધી અને ડો. આંબેડકર વચ્ચેના પૂણે કરારનો ભાગ હોવાનો દાવો કરીને ઈમોશનલ કાર્ડ પણ ખેલી નાંખ્યું છે.
પાસવાનને સંખ્યાબંધ દલિત નેતાઓએ ટેકો આપ્યો છે. વિપક્ષો પણ તકનો લાભ લેવા માટે મોદી સરકાર પર દબાણ લાવશે જ એ જોતાં આ મુદ્દો મોદી સરકાર માટે માથાનો દુઃખાવો બનશે એ સ્પષ્ટ છે.
શ્રીનગરમાં સત્તા કબજે કરવા દિલ્હીથી ઓપરેશન
ભાજપ કાશ્મીર ખીણમાં પોતાનું વર્ચસ્વ જમાવવા વરસોથી મથે છે. આ પ્રયત્નોના ભાગરૂપે ભાજપે શ્રીનગરમાં મેયરપદ કબજે કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભાજપ દેશનાં બીજાં રાજ્યોમાં વિપક્ષી ધારાસભ્યોને તોડીને સત્તા કબજે કરે છે ને શ્રીનગરમાં પણ તેણે એ જ વ્યૂહરચના અપનાવી છે.
શ્રીનગરના મેયરપદે અત્યારે સજ્જાદ ગની લોનની જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના જુનૈદ અઝીમ મટ્ટુ છે. ભાજપે સત્તાધારી પક્ષના કોર્પોરેટર તથા અપક્ષોને આગળ કરીને અવિશ્વાસની દરખાસ્ત મૂકાવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૭૩ કોર્પોરેટર છે. તેમાંથી ૪૩ કોર્પોરેટર પોતાની સાથે હોવાનો ભાજપનો દાવો છે. અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ તથા કોંગ્રેસ પણ સાથે હોવાનો ભાજપનો દાવો છે.
ભાજપના સત્તાપલટાના ઓપરેશનને હાઈકમાન્ડના આશિર્વાદ છે. બલ્કે દિલ્હીથી જ તેનો દોરીસંચાર થઈ રહ્યો છે. મહેબૂબા મુફતીની પાર્ટી છોડનારા અલ્તાફ બુખારીને આગળ કરીને ભાજપે આ દાવ ખેલ્યો છે. શ્રીનગરમાં ભાજપનો મેયર બેસે તો ભાજપ માટે ખીણમાં પગપેસારો કરવાનો રસ્તો ખૂલી જાય. પાકિસ્તાનને પણ જવાબ આપી શકાય એટલે ભાજપ પૂરી તાકાત લગાવી રહ્યો છે.
કાશી-મથુરાનો વિવાદ ચગાવવા ભાજપની વ્યૂહરચના ?
અયોધ્યાના રામમંદિર કેસનો ચુકાદો આવી જતાં નવરાં થઈ ગયેલાં હિંદુવાદી સંગઠનોની નજર હવે કાશી અને મથુરા પર છે. હિંદુવાદી સંગઠનો આ બંને સ્થળે પણ મસ્જિદોના સ્થાને મંદિરો બનાવવાની માંગ વરસોથી કરે છે પણ પ્લેસીસ ઓફ વશપ એક્ટ, ૧૯૯૧ના કારણે કશું કરી શકતાં નથી.
નરસિંહરાવ સરકારે બનાવેલા આ કાયદાની કલમ ૪ હેઠળ દેશમાં ૧૯૪૭માં ધર્મસ્થાનો જે સ્થિતીમાં હતાં તે જ સ્થિતીમાં રાખવાની જોગવાઈ છે. વિશ્વ ભદ્ર પૂજારી પુરોહિત મહાસંઘ દ્વારા આ કાયદાની કલમ ૪ને પડકારાઈ છે. અયોધ્યાના રામમંદિર કેસને આ કાયદો લાગુ નહીં પડે એવી જોગવાઈ આ કાયદામાં હતી.
અચાનક ફૂટી નિકળેલા આ સંગઠનને વિશ્વ હિંદુ પરિષદનું પીઠબળ હોવાનું કહેવાય છે. રાજકીય સૂત્રો આ અરજીને ભાજપનું સમર્થન હોવાની પણ શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે. રામમંદિરનો મુદ્દો સમાપ્ત થઈ ગયો છે ત્યારે ભવિષ્યમાં હિંદુત્વની લહેર ઉભી કરી શકાય એ માટે કાશી-મથુરામાં મંદિર નિર્માણની ઝુંબેશનો વિકલ્પ ખુલ્લો રહે તે માટે ભાજપના જ કેટલાક નેતાઓએ આ અરજી કરી હોવાની શક્યતા નકારી શકાય નહીં.
નડ્ડા વિજયવર્ગીયની પાંખો કાપવા સહપ્રભારી નિમશે
ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ પોતાની નવી ટીમ માટે પ્રદેશ એકમો પાસેથી સલાહ-સૂચન માગ્યાં છે. નડ્ડાએ પ્રદેશ એકમોને નવા સંગઠનમાં કોને કોને સમાવી શકાય એ માટે નામો સૂચવવા કહ્યું છે. સાથે સાથે પશ્ચિમ બંગાળમાં કામ કરવા માટે સંગઠનમાંથી કોણ તૈયાર છે તેની વિગતો પણ માંગી છે.
ભાજપનું હવે પછીનું લક્ષ્ય મમતા બેનરજીને પછાડીને પશ્ચિમ બંગાળમા સત્તા હાંસલ કરવાનું છે. અમિત શાહ પ્રમુખ હતા ત્યારે તેમણે મધ્ય પ્રદેશના કૈલાસ વિજયવર્ગીયને બંગાળના પ્રભારી બનાવ્યા હતા. ભાજપે લોકસભાની ચૂંટણીમાં મમતાને જોરદાર ટક્કર આપીને તેની લગોલગ બેઠકો જીતી હતી તેથી વિજયવર્ગીયને બંગાળમાંથી નહીં હટાવવા મોદી-શાહની સ્પષ્ટ સૂચના છે.
નડ્ડા બંગાળની સફળતાનો જશ વિજયવર્ગીય લઈ જાય એવું ઈચ્છતા નથી તેથી તેમની પાંખો કાપવા વિજયવર્ગીયને મદદ કરવા ત્રણ સહ-પ્રભારી બનાવવાની દરખાસ્ત મૂકી હતી. આ દરખાસ્ત મંજૂર થતાં નડ્ડાએ કોની પસંદગી કરવી તે માટે મનોમંથન શરૂ કર્યું છે ને તેના ભાગરૂપે આ નામો મંગાવાયાં છે.
સુપ્રીમની લાલ આંખ, મધ્યમ વર્ગને રાહતની આશા
સુપ્રીમ કોર્ટે લોનના હપ્તા ભરવામાં અપાયેલી છૂટના મુદ્દે લાલ આંખ કરતાં દેશના કરોડો મધ્યમવર્ગીય લોકોને મોટી રાહત મળવાની આશા જાગી છે. મોદી સરકારે માર્ચમાં લોકડાઉન લાદતાં દેશભરમાં આથક પ્રવૃત્તિઓ ઠપ્પ થઈ ગઈ હતી. રીઝર્વ બેંકે એ વખતે લોકોને રાહત આપવા માટે માર્ચ, એપ્રિલ અને મે મહિનાના લોનના હપ્તા ભરવામાંથી મુક્તિ આપી હતી. આ મુક્તિ વધુ ત્રણ મહિના માટે લંબાવાતાં હવે ઓગસ્ટ સુધી મુક્તિ મળી છે.
બેંકોએ મુક્તિના સમયગાળામાં વ્યાજ તો લીધું જ પણ જે હપ્તા ના ભરાયા તેને મુદ્દલમાં ઉમેરીને વ્યાજનું પણ વ્યાજ વસૂલવા માંડતાં સુપ્રીમ કોર્ટ બગડી છે. સુપ્રીમ કોર્ટે નાણા મંત્રાલય અને રીઝર્વ બેંકને બેઠક કરીને ત્રણ દિવસમાં આ મુદ્દો ઉકેલવાનું અલ્ટિમેટમ આપ્યું છે. કેન્દ્ર સરકારે રીઝર્વ બેંક સાથે તરત બેઠક યોજવાની ખાતરી આપતાં આ અઠવાડિયે જ આ મુદ્દોના ઉકેલ આવી જશે એવું લાગે છે.
***
પ્રવાસી મજુરોએ મોદીની ચિંતા વધારી
વડા પ્રધાન મોદીએ છ વર્ષ પહેલા સત્તાના સૂત્રો સંભાળ્યા પછી પહેલી જ વાર એવા સંકેતો મળી રહ્યા છે કે પ્રવાસી મજુરો એ મોદીને ચિંતામાં નાંખી દીધા છે.મોદીએ રાતોરાત લોકડાઉનની જાહેરાત કર્યા પછી કરોડો લોકોએ નોકરી અને રહેઠાણ ગુમાવવા પડતા છેલ્લા બે મહિનામાં આખા ભારતમાંથી તેમની યોતનાઓ અને રસ્તામાં વેઠવી પડેલી મુશ્કેલીઓના સમાચાર આવતા મોદી ખરેખર ધૃજી ગયા હતા.તેમને લાગે છે કે મજુર વર્ગ મારા હાથમાંથી સરકી રહ્યો છે.
માત્ર એક વર્ષ પહેલાં જ જોરદાર બહુમાતીથી ફરી સત્તામાં આવેલા મોદીને મહત્ત્વના રાજયોમાંથી જે સમાચાર મળી રહ્યા છે તેનાથી તેઓ ડરી ગયા છે.'શા માટે તેમણે અમને તકછોડી દીધા?એમ નોઇડામાં પોતાની નોકરી ગુમાવનાર જામુન ઝાએ બળાપો કાઢતા કહ્યું હતું.૫૦ વર્ષનો આ મજુર બિહારમાં પોતાના ગામે પરત જવા ૨૯મેના રોજ બસ પકડવાનો પ્રયાસ કરતા કરતાં આવુ બોલી રહ્યો હતો.
'મોદી સરકારે અમારા માટે કંઇ કર્યું નથી'એમ ગયા વર્ષે ભાજપને મત આપનાર ઝાએ કહ્યું હતું. 'મારા જેવા મજુરોએ જે મુશ્કેલીઓ વેઠી હતી તેને જલદીથી ભુલાવી શકાશે નહીં. આવતી ચૂંટણીમાં અમે મત આપવા જઇશું ત્યારે આ યાદ રાખીશું'એમ તેમણે કહ્યું હતું. મોદીની પ્રથમ કસૌટી નવેમ્બરમાં થશે જ્યારે દેશમાં સૌથી વધુ મજુરો આપનાર રાજ્ય બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.દેશના સૌથી ગરીબ અને પછાત મનાતા રાજ્ય બિહારમાં હાલમાં ભાજપ પણ સરકારમાં ભાગીદાર છે.આમ મોદીની ચિંતા પણ બિહાર જ વધારી રહ્યો છે.
નીતીશની વ્યહરચના પ્રવાસી મજુરોના આક્રોશને શાંત કરી શકશે?
બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર હાલમાં કોરોનાવાઇરસના કારણે ઉદ્ભવેલી સ્થિતીને કેવી રીતે પાર પાડવી તેની મથામણમાં પડયા છે. જો કે આ મુદ્દે લોકોના ગુસ્સો કુમારને સહન કરવો પડયો હતો. ગઇ કાલે તેમણે અચાનક જ એવી જાહેરાત કરી દીધી કે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમનો મોટાભાગનો ભાર ખેડુતોને સિંચાઇનું પાણી કેવી રીતે પહોંચાડવું તે હશે.
બિહારના ખેડૂતોને સિંચાઇનું પાણી પુરૂ પાડવાની વાતને જાણકારો અલગ રીતે મહત્ત્વની માની રહ્યા છે. એટલા માટે નહીં કે કુમારને પ્રવાસી મજુરોના ગુસ્સાનો સામનો કરવો પડશે, બલકે પીવાના પાણી અને વીજળીની પણ મોટી સમસ્યા છે.જ્યાં કુલ વસ્તીના ૮૦ ટકા લોકો ખેતી પર જ નિર્ભર હોય એવા રાજ્યમાં પુરતી સિંચાઇના પાણીની વ્યવસ્થા લગભગ સૌનો સવાલ છે.
કોરોના મહામારી અને સરકારી દાવા
ગઇ કાલે ૨૯૩૭૫૪ કોરોના કેસ નાંધાતા ભારતે આ મહામારીમાં ભારતે માત્ર બ્રિટનને જ પાછળ ધકેલ્યો નથી, બલકે આ મહામારીના પિડીતા દેશોની યાદીમાં ભારતનું સ્થાન ચોથું થઇ ગયું હતું. હવે ભારત કરતાં રશિયા, બ્રાઝિલ અને અમેરિકા જ આગળ છે. અમેરિકામાં તો ૨૦ લાખ સંક્રમિત દર્દીઓ છે. સૌથી વધુ ચિંતાજનક વાત તો એ છે કે સૌથી વધુ સંક્રમિતોની યાદીમાં ભારતે માત્ર સ્થાન જ મેળવ્યું નથી, બલકે એ સ્થાને પહોંચવા માટે ભારતને માત્ર ૧૮ દિવસ જ લાગ્યા હતા.ગયા સપ્તાહમાં ૨૪ કલાકમાં ૯૦૦૦ ઉપરાંત નવા કેસો નોંધાયા હતા જે કોઇ પણ એક દિવસમાં સૌથી વધારે હતા.
અયોધ્યાના સાધુઓને વડા પ્રધાનના જવાબની રાહ જોવી પડી રહી છે
અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટે કેન્દ્ર સરકારે જે ટ્રસ્ટની રચના કરી હતી તેના સાધુઓએ બીજી જુલાઇના રોજ મંદિરના શિલાન્યાસ વિધી માટે મોદીને આમંત્રણ આપ્યું હતું. પરંતુ હજુ સુધી પીએમ ઓફિસમાંથી જવાબ આવ્યો નથી, એમ શ્રી રામ જન્મભૂમી તીરિથ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યે કહ્યું હતું. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ ૨.૭૭ એકર જમીન ટ્રસ્ટને સોંપી દીધી હતી. તેમજ મુસ્લિમોને મસ્જીદ બાંધવા માટે પાંચ એકર જમીન આપી હતી.
- ઇન્દર સાહની