દિલ્હીની વાત : લાલુને ત્રીજો દીકરો હોવાના આક્ષેપથી સનસનાટી
લાલુને ત્રીજો દીકરો હોવાના આક્ષેપથી સનસનાટી
નવીદિલ્હી, તા.11 જૂન 2020, ગુરુવાર
લાલુ પ્રસાદ યાદવનો ગુરૂવારે ૭૩મો જન્મદિવસ હતો. આરજેડીએ લાલુના બર્થ ડેને ગરીબ અધિકાર દિન તરીકે ઉજવ્યો તો ભાજપ-જેડીયુએ બિહારની રાજધાની પટણામાં લાલુ પરિવારની ૭૩ સંપત્તિની યાદીનાં પોસ્ટર લગાવીને પ્રહારો કર્યા.
જો કે આ બધા કરતાં વધારે ચર્ચા નીતિશ સરકારના મંત્રી નીરજ કુમારના આક્ષેપોની છે. નીરજે આક્ષેપ કર્યો છે કે, લાલુને તેજપ્રતાપ અને તેજસ્વી ઉપરાંત 'તરૂણ યાદવ' નામે ત્રીજો પુત્ર પણ છે કે જેના નામે તેમણે જમીન ખરીદી છે. જમીનોના દસ્તાવેજમાં 'તરૂણ યાદવ'નો ઉલ્લેખ લાલુના દીકરા તરીકે કરાયો હોવાનો પણ તેમણે દાવો કર્યો. નીરજે લાલુને આ મુદ્દે સ્પષ્ટતા કરવા પડકાર ફેંક્યો છે. નીરજના આક્ષેપોનો આરજેડી તરફથી કોઈ જવાબ ન આવતાં એવી ચર્ચા શરૂ થઈ છે કે, લાલુ પણ મુલાયમના રસ્તે તો નથી ગયા ને ? મુલાયમે પહેલાં પત્ની જીવિત હોવા છતાં સાધના ગુપ્તા સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. આ લગ્ન અને લગ્નથી પ્રતિક નામનો પુત્ર હોવાની વાત વરસો સુધી છૂપાવી હતી.
મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકની વાત છેડતાં આશ્ચર્ય
નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (આઈસીસી)ના સ્થાપના દિવસ નિમિત્તે સંબોધન કર્યું. કોલકાત્તામાં હેડક્વાર્ટર ધરાવતી આ સંસ્થાને સંબોધન વખતે મોદીએ દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાના અભિયાનની વાત છેડીને આશ્ચર્ય સર્જ્યું. મોદીએ દાવો કર્યો કે, દેશમાં આ અભિયાન અત્યારે જોરશોરથી ચાલી રહ્યું છે અને આ અભિયાનમાં પીપલ, પ્લેનેટ અને પ્રોફિટનો સંગમ છે. મોદીના આ દાવા પછી લોકો સવાલ કરી રહ્યાં છે કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાન દેશમાં કોણ ચલાવી રહ્યું છે ? મોદી સરકારે મોટા ઉપાડે ગયા વરસે ૨ ઓક્ટોબરથી દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી પણ પછી સરકાર પાણીમાં બેસી ગઈ હતી. આ પ્રતિબંધનો અમલ કરાયો જ નહીં. મોદી પણ એ પછી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની વાત કરતા નથી. લોકો એવો સવાલ પણ કરી રહ્યા છે કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક ખતરનાક હોય તો તેના પર મોદી સરકાર પ્રતિબંધ કેમ નથી મૂકી દેતી ?
સુપ્રીમના અનામત અંગેના ચુકાદાથી કેન્દ્રની મુશ્કેલી વધી
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે અનામત મુદ્દે આપેલા મોટા ચુકાદાના કારણે મોદી સરકાર અને ભાજપની મુશ્કેલી વધી શકે છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત બંધારણે આપેલ મૂળભૂત અધિકાર નથી. મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી 'નીટ'માં તમિલનાડુની કોલેજોની ૫૦ ટકા બેઠકો તમિલનાડુના ઓબીસી વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની માગણી સાથે અરજી થઈ હતી. સુપ્રીમે આ અરજી ફગાવી દીધી છે.
આ પહેલાં ઉત્તરાખંડ સરકારે સરકારી નોકરીઓમાં એસસી-એસટી માટે અનામતની જોગવાઈ ના કરી તેની સામે થયેલી અરજી પર પણ સુપ્રીમે ફેબ્રુઆરીમાં આ જ ચુકાદો આપ્યો હતો. એ વખતે આ ચુકાદો બદલવા માટે સંસદમાં બિલ લાવવાની ઉગ્ર માગણી એસસી, એસટી સંગઠનોએ કરી હતી. કોરોનાના કારણે લોકડાઉન લદાતાં એ મુદ્દો ભૂલાઈ ગયેલો પણ હવે આ ચુકાદાને કારણે એ મુદ્દો ચગશે. હવે એસસી, એસટી સાથે ઓબીસી સંગઠનો પણ જોડાશે. મોદી સરકાર તેમને ખુશ કરવા બિલ લાવે તો સવર્ણો નારાજ થઈ જાય એવી શક્યતા હોવાથી ભાજપની મુશ્કેલી વધશે.
આક્રોશના કારણે ભાજપે જનસંપર્ક અભિયાન સંકેલ્યું
દિલ્હીમાં એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપે મોદી સરકારની સિધ્ધીઓનાં ગુણગાન ગાવા માટે જનસંપર્ક અભિયાન શરૂ કરતાં લોકોમાં આક્રોશ છે. ભારે વિરોધના પગલે ભાજપે હાલ પૂરતું આ અભિયાન બંધ રાખ્યું છે. સત્તાવાર રીતે ભાજપે અભિયાન મોકૂફીની જાહેરાત નથી કરી પણ અભિયાનના બીજા દિવસે ભાજપના નેતા ગાયબ થઈ ગયા.આદેશ ગુપ્તા ભાજપના પ્રદેશ પ્રમુખ બનતાં તેમણે પહેલું કામ જનસંપર્ક અભિયાન શરૂ કરવાનું કર્યું હતું. તેના ભાગરૂપે ગુપ્તા ઉપરાંત મનોજ તિવારી, અનિલ જૈન, શ્યામ જાજુ, દુષ્યંત ગૌતમ, વિજય ગોયલ સહિતના નેતા બુધવારે મોદીનો પત્ર અને સિધ્ધિઓનું સાહિત્ય લઈને ઘરે ઘરે ફરવા નિકળ્યા હતા. મોટા ભાગના વિસ્તારોમાં લોકોએ તેમને સવાલ કર્યા હતા કે, લોકડાઉન વખતે અમે તકલીફમાં હતા ત્યારે તમે ક્યાં ખોવાઈ ગયા હતા ? ભાજપના નેતાઓ કાર્યકરોનાં ટોળાં સાથે નિકળ્યા તેથી ઘણાં સ્થળે તો સોશિયલ ડિસ્ટન્સિંગના કારણોસર તેમને પ્રવેશવા જ નહોતા દેવાયા. લોકોનો મિજાજ જોયા પછી ભાજપે હાલ પુરતો જનસંપર્ક બંધ કરી દીધો છે.
રાહુલના ખાસ વેણુગોપાલને હરાવવા ભાજપનું મિશન
રાજ્યસભાની ૨૪ બેઠકોની ચૂંટણી આડે હવે એક અઠવાડિયું જ બચ્યું છે ત્યારે ભાજપ હાઈકમાન્ડે તેના ટોચના નેતાઓને પૂરી તાકાત રાજસ્થાનમાં લગાવી દેવા ફરમાન કર્યું છે. રાજસ્થાનમાં ત્રણ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી છે અને ભાજપ-કોંગ્રેસ બંનેએ બે-બે ઉમેદવારો ઉભા રાખતાં જોરદાર ટક્કર છે. જો કે ભાજપને વધારે રસ કે.સી.વેણુગોપાલ રાવના કારણે છે.
રાહુલ ગાંધીની નજીક ગણાતા વેણુગોપાલ રાવને હરાવીને ભાજપ કોંગ્રેસને મોટો આંચકો આપવા માગે છે. વેણુગોપાલને હરાવીને અશોક ગેહલોતને પછાડીને રાજસ્થાનમાં સત્તા કબજે કરવાના અભિયાનનો પ્રારંભ કરવાની પણ ભાજપની ઈચ્છા છે. વેણુગોપાલ કોંગ્રેસના પહેલા ઉમેદવાર છે તેથી કોંગ્રેસના ધારાસભ્યોને તેમને મત આપવા કહેવાયું છે જ્યારે નીરજ ડાંગીને કોંગ્રેસના બચેલા ધારાસભ્યો, અપક્ષો તથા અન્ય સમર્થક ધારાસભ્યો મત આપશે. વેણુગોપાલને પછાડવા ભાજપ છેલ્લી ઘડીએ કોંગ્રેસના ધારાસભ્યો પાસે રાજીનામાં અપાવવાની વ્યૂહરચના અપનાવશે.
ભાજપે ૨૦૧૭માં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલને હરાવવા પૂરી તાકાત લગાવી દીધી હતી. આ વખતે ભાજપે એટલી જ તાકાત રાજસ્થાનની ચૂંટણી માટે લગાવી દેશે એવું લાગે છે.
કોંગ્રેસના નેતૃત્વ સામે પ્રવક્તાએ જ સવાલ ઉઠાવ્યા
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય ઝાએ પક્ષના નેતૃત્વ સામે સવાલો ઉઠાવતાં કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. ઝાએ ત્રણ દિવસ પહેલાં એક ટોચના અખબારમાં લખ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરિક રીતે મજબૂત તંત્ર નથી અને પક્ષમાં સભ્યોની વાત સાંભળવામાં જ નથી આવતી. ઝાએ એવી ટીકા પણ કરી કે, મોદી સરકાર નિષ્ફળ ગઈ છે ત્યારે કોંગ્રેસ સરકારે શું કરવું જોઈએ એ વિશે બોલવામાં નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસ વતી અજય માકન અને મનિષ તિવારીએ તરત જ ઝાની વાતોનું ખંડન કર્યું હતું. ઝાએ તરત તેનો જવાબ આપ્યો કે, પક્ષમાં કોઈ સાંભળતું નથી એટલે જાહેર મંચ પરથી આ વાત કહેવી પડી. ઝાએ ગુરૂવારે ફરી ટ્વિટ કરી કે, કોંગ્રેસમાં સંગઠનની પુનર્રચનાની જરૂર છે અને આપણા હાથમાંથી સમય સરકી રહ્યો છે. ઝાના સમર્થનમાં સંદીપ દિક્ષીતે પણ કહ્યું કે, કોંગ્રેસ રાજકારણ રમે છે ખરી પણ ક્યારેક ક્યારેક. વરિષ્ઠ નેતાઓ નિષ્ક્રિય જ હોય છે ને અમે તેમને માફ ના કરી શકીએ.
***
સરપ્ટેમ્બરના અંતે ભારતમાં કોરોના મહામારી દૂર થશે?
આરોગ્ય મંત્રાલયના ટોચના બે અધિકારીઓ અનુસાર આગામી સપ્ટેમ્બર સુધી દેશમાંથી કોરોનાને ભગાડી શકશે. તેમણે અંક ગણીતના આઘારે આ અંદાજ મૂક્યો હતો.તેમના અભિયાસમાંથી જાણવા મળ્યું હતું કે જ્યારે ચેપગ્રસ્તોની સંખ્યા રિકવરી અને મૃત્યના આંકની બરાબર થઇ જાય તો કોએફિસિએન્ટ એક સો ટકા થઇ જશે અને અંતે આ મહામારીનો અંત આવશે.એપીડેમિલોજી ઇન્ટરનેશનલ સામયીકમાં પ્રકાશિત આ સંશોધનના લેખકો હતા ડીજીએચએસ (લેપ્રોસી)ના ડેપ્યુટી ડાયરેકટક એનિલ કુમાર અને એ જ સંસ્થાના રૂપાની રોય.તેમણે પોતાના પ્રોજેકશન માટે બેઇલીની ગણીતની પધ્ધતી અપનાવી હતી.આ પધ્ધતીમાં સાજા થયેલા અને ચેપગ્રસ્તોનો સમાવેશ થાય છે. તેમણે 'કન્ટુન્યુઅસ ઇન્ફેકશન'ટાઇપનો ઉપયોગ કર્યો હતો.
70 દિવસો પછી નિઝામુદ્દીનમાંથી આડશ દૂર કરાઇ
સરકારે લાદેલા અત્યંત કડક નિયમોના કારણએ સુની બની ગયેલા હઝરત નિઝામુદ્દિન બસ્તી ફરીથી માણસોથી ધમધમતી થઇ છે.જો કે કોરોનાવાઇરસનું જોખમ તો હજુ પણ છે જ. જોકે મોટાભાગની રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના સ્ટોલ બંધ જ રહ્યા હતા.લોકોની અવરજવર પણ ઓછી હતી.જો કે હજુ પણ વહીવટી તંત્રની બાજ નજર આ વિસ્તાર પર છે જ.'હવે તો વિસ્તારમાંથી આડશો દૂર કરાયા છે.અમને આશા છે કે ટુંક સમયમાં લોકોની અવરજવર પણ થશે.રસ્ટોરન્ટ અને અન્ય સ્ટોલ ચલાવનારાઓ ભાડું ન ભરી શકતા તેમણે બંધ રાખ્યા હતા.
સંક્રમણ દૂર કરવા છોડી દેવાયેલા કેદીઓ ફરી અપરાધ જગતમાં સક્રિય
કોવિડ મહામારી પર અંકુશ મેળવવા માટે બે મહિના પહેલાં તિહાર જેલની સંક્રામણ દૂર કરવા દિલ્હી સરકારે ૨૮૦૦ કેદીઓને છોડી મૂક્યા હતા.છોડી દેવાયેલાઓમાં ૧૦૦૦ કાચા કામના કેદીઓ જામીન અને પેરોલ પર છોડાયા હતા. પરંતુ છોડાયેલા કેદીઓનો છેલ્લા એક મહિનાનો રેકોર્ડ બતાવે છે કે તેઓ ફરી અપરાધ જગતમાં સક્રિય થયા હતા. દિલ્હી પોલીસે આવા ૨૧૯ અપરાધીઓની ફરી ધરપકડ કરી લીધી હતી. આ લોકો ચોરી, લૂટ, ચેન સ્નેચીંગ વગેરેમાં સંડોવાયેલા હતા, એમ પોલીસે કહ્યું હતું.
- ઇન્દર સાહની