દિલ્હીની વાત : મોદી ફરી લોકડાઉન લાદવાની તરફેણમાં નહીં
મોદી ફરી લોકડાઉન લાદવાની તરફેણમાં નહીં
નવીદિલ્હી, તા.11 જુલાઈ 2020, શનિવાર
કોરોનાના વધતા કેસોના કારણે ફરી લોકડાઉનની અટકળો તેજ બની છે. સૂત્રોના મતે, નરેન્દ્ર મોદીએ શનિવારે બોલાવેલી કોરોના સમીક્ષા બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો. અમિત શાહ, રાજનાથસિંહ, ડો. હર્ષવર્ધન સહિતના વરિષ્ઠ પ્રધાનો ઉપરાંત ટોચના અધિકારીઓ તથા નીતિ આયોગના સભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં શનિ-રવિ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન લાદવાનું સૂચન પણ થયું.
સૂત્રોનો દાવો છે કે, મોદી ફરી લોકડાઉન લાદવાની તરફેણમાં નથી. કોરોના સમીક્ષા બેઠકમાં તેમણે લોકડાઉન લાદવું જોઈએ કે નહીં એ મુદ્દે બધાંને સાંભળ્યા. મોદીએ સાફ શબ્દોમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર ફરી દેશવ્યાપી લોકડાઉન નહીં લાદે પણ રાજ્ય સરકારો લોકડાઉન લાદવા માગતી હશે તો કેન્દ્ર તેમને તમામ સહકાર આપશે.
સૂત્રોના મતે, લોકડાઉનના કારણે અર્થતંત્રની હાલત ખરાબ થઈ ગઈ છે. ફરી લોકડાઉન લદાય તો અર્થતંત્ર સાવ પડી ભાંગે અને દોષનો ટોપલો મોદી સરકાર પર ઢોળી દેવાય. મોદી હવે પોતાના પર કોઈ દોષારોપણ નથી ઈચ્છતા તેથી હમણાં તો ફરી લોકડાઉન નહીં જ લાદે.
રીવા સોલાર પ્રોજેક્ટ અંગે મોદીની ફેંકાફેંક
નરેન્દ્ર મોદીએ શુક્રવારે મધ્ય પ્રદેશના રીવામાં ૭૫૦ મેગા વોટના અલ્ટ્રા મેગા સોલર પાવર પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. મોદીએ આ સોલર પ્રોજેક્ટને એશિયાનો સૌથી મોટો સોલર પાવર પ્રોજેક્ટ ગણાવ્યો. મોદીએ દાવો પણ કર્યો કે, આ પ્લાન્ટ વર્ષે ૧૫ લાખ ટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન ઘટાડશે.
મોદીના આ દાવાના કારણે વિવાદ થઈ ગયો છે. મોદીએ માહિતી વિના જ ફેંકાફેંકી કરી દીધી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રાજસ્થાનના જોધપુરમાં આવેલો ભડિયા સોલર પાર્ક ૨૨૪૫ મેગા વોટ વીજળીનું નિર્માણ કરે છે અને વિશ્વમાં સૌથી વધુ સોલર વીજળી પેદા કરતો પાર્ક છે. કર્ણાટકના ટુમકુર જિલ્લાનો પાવાગઢ સોલર પાર્ક પણ ૨૦૦૦ મેગા વોટ વીજળીનું ઉત્પાદન કરે છે અને વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો પાવર પ્લાન્ટ છે ત્યારે રેવા પાવર પ્રોજેક્ટ એશિયાનો સૌથી મોટો સોલર પાવર પ્રોજેક્ટ કઈ રીતે થઈ ગયો ? સોશિયલ મીડિયા પર લોકો મોદીની મજાક કરી રહ્યા છે કે, મોદીએ નવાં ધારાધોરણ શોધ્યાં છે કે શું ?
ઝાએ સોનિયા સામે બાંયો ચડાવતાં હકાલપટ્ટી નક્કી
કોંગ્રેસના પ્રવક્તાપદેથી કાઢી મૂકાયેલા સંજય ઝાએ કોંગ્રેસ વકગ કમિટી (સીડબલ્યુસી)ની ચૂંટણી લડવાની જાહેરાત કરતાં કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. સીડબલ્યુસીની ચૂંટણી ક્યારે યોજાશે તે નક્કી નથી પણ ઝાએ જાહેરાત કરી છે કે, પોતે આ ચૂંટણી ઝડપથી તેમજ ન્યાયી અને મુક્ત રીતે યોજાય તે માટે ઝુંબેશ ચલાવશે.
સીડબલ્યુસી કોંગ્રેસમાં નિર્ણયો લેવા માટે સર્વોપરિ ગણાય છે. સીડબલ્યુસીના સભ્યોની ચૂંટણી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી) કરે છે પણ છેલ્લાં વીસ વર્ષથી સીડબલ્યુસીની ચૂંટણી યોજાઈ નથી. સોનિયા ગાંધી ઈચ્છે તેમની સીડલબલ્યુસીમાં નિમણૂક થાય છે તેથી સીડબલ્યુસી નહેરૂ-ગાંધી ખાનદાનની નજીક ગણાતા નેતાઓનો દરબાર બની ગયો છે. ચૂંટણી નહીં જીતી શકતા નેતા સીડબલ્યુસીમાં છે અને કોંગ્રેસના નિર્ણયો આ નેતાઓ લે છે.
રાજકીય વિશ્લેષકોના મતે, ઝાએ સીધી સોનિયા સામે બાંયો ચડાવી છે એ જોતાં એ હવે કોંગ્રેસમાં ટકે એવી શક્યતા ઓછી છે. સીડબલ્યુસીની ચૂંટણી થશે કે નહીં એ નક્કી નથી પણ હવે ઝાની હકાલપટ્ટી નક્કી થઈ ગઈ છે.
ભાજપના નેતાએ મોદી, યોગી, શિવરાજને કલંક ગણાવ્યા
મધ્ય પ્રદેશના મંત્રી તુલસી સિલાવટેનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દુબે એન્કાઉન્ટર અંગેના સવાલના જવાબમાં સિવાલટ કહે છે કે, નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને શિવરાજસિંહ ચોહાણ જેવા લોકો સમાજ માટે કલંક છે. સિલાવટ જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક છે અને થોડા મહિના પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે.
આ વીડિયોએ ભાજપની હાલત ખરાબ કરી નાંખી છે. ભાજપના દબાણ પછી સિલાવટે સ્પષ્ટતા કરી કે, તેમણે વિકાસ દુબે કલંક છે એવું કહેલું. જો કે વીડિયોમાં સિલાવટ સ્પષ્ટ રીતે મોદી, યોગી, શિવરાજને કલંક ગણાવે છે.
ભાજપના નેતાઓ આ સ્પષ્ટતાથી ખુશ નથી. સિલાવટ સામે પગલાં લેવા માટે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત થઈ છે. સિલાવટે છાંટોપાણી કરીને લવારો કર્યો હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયોથી મજા પડી ગઈ છે. યુઝર્સ કટાક્ષ કરી રહ્યા છે કે, સિલાવટ ભાજપના નેતાઓને બહુ જલદી ઓળખી ગયા. કેટલાક એવું કહી રહ્યા છે કે, દિલની વાત જીભ પર આવી જ ગઈ.
વકીલોને ખાવાનાં ફાંફાં, પાંચસો કરોડ માગ્યા
દિલ્હીમાં કોરોનાના વધતા કેસો અને લોકડાઉનના કારણે અદાલતો બંધ રહેતાં વકીલોની હાલત ખરાબ થઈ ગઈ છે. નાની કોર્ટમાં વકીલાત કરતા મોટા ભાગના વકીલો છેલ્લા ચાર મહિનાથી સાવ નવરાધૂપ છે અને તેમને ખાવાનાં પણ ફાંફાં થઈ ગયાં હોવાનો દાવો કરીને બાર કાઉન્સિલ એફ દિલ્હીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સહાય આપવા વિનંતી કરી છે.
બાર કાઉન્સિલે દિલ્હી અને એનસીઆરના વકીલોને કપરા કાળમાં ટકી રહેવા માટે ૫૦૦ કરોડની સહાય પી.એમ.કેર્સ ફંડ અને આકસ્મિક નિધીમાંથી આપવા રજૂઆત કરાઈ છે. દિલ્હીમાં એક લાખ કરતાં વધારે વકીલો છે.
બાર કાઉન્સિલે વકીલાની સ્થિતીને અત્યંત દયનિય ગણાવી છે. તેમની વાત સાચી પણ છે પણ સરકાર માટે તેમને સહાય કરવી શક્ય નથી. મોદી સરકાર દિલ્હીના વકીલોને મદદ કરવા જાય તો અન્ય રાજ્યોમાં પણ એ જ માગ ઉઠે. વકીલો સિવાય અન્ય વ્યવસાયના લોકોની હાલત પણ આ રીતે જ ખરાબ છે તે જોતાં સરકાર માટે તમામને મદદ કરવી શક્ય જ નથી.
ઓછાં બાળકો હોય તેમને કર રાહતની વિચારણા
મોદી સરકાર વસતી વધારાને રોકવા માટે નિયમ બનાવશે એવી અટકળો ફરી તેજ બની છે. શનિવારે વિશ્વ વસતી દિવસ હતો. આ નિમિત્તે મોદી સરકારના પ્રધાન ગિરિરાજ સિંહે દેશની વસતી વધારાને બહુ મોટી સમસ્યા ગણાવીને વસતી વધારાને રોકવા માટે કાયદાની તરફેણ કરી તેના કારણે આ અટકળો તેજ બની છે. ગિરિરાજ સમયાંતરે આ મુદ્દો ઉઠાવતા જ રહે છે. મોદીએ પણ ગયા વરસે સ્વાતંત્ર્ય દિનના સંબોધનમાં આ મુદ્દો છેડયો હતો પણ છેલ્લા એક વર્ષમાં કશું થયું નહીં.
સૂત્રોના મતે, મોદી સરકાર આ મુદે લાંબા સમયથી મનોમંથન કરી રહી છે પણ વસતી વધારાને રોકવા કાયદો લવાય તો તેનાં માઠાં પરિણામ રાજકીય રીતે ભોગવવાં પડે એ ડરે કશું કરતી નહોતી. કોરોના કટોકટીએ વધારે વસતીના કારણે થતી સમસ્યાઓનો અહેસાસ સરકારને કરાવ્યો છે. આ કારણે મોદી પણ આ દિશામાં ગંભીરતાથી વિચારતા થયા છે ને ટૂંક સમયમાં કોઈ જાહેરાત થવાની શક્યતા છે. સરકાર કોઈ કાયદો નહીં બનાવે પણ બે કે ઓછા બાળકો હોય તેમને કરવેરામાં અને ખાસ તો ઈન્કમટેક્સમાં રાહત આપવા વિચારી રહી છે.
***
યોગીની 'ઠોક દો'પોલીસીનો વિવાદ
ગેંગસ્ટર વિકાસ દુબેની હત્યાએ માત્ર ઉત્તર પ્રદેશ પોલીસની મોડસ ઓપરેન્ડી પર જ સવાલ ઊભા કર્યા નથી, બલકે મુખ્ય મંત્રી યોગીના વિવાદાસ્પદ વિધાન 'ઠોક દો' પર પણ લોકોનું ધ્યાન ગયું હતું.૨૦૧૭માં મુખ્યમંત્રી બન્યા પછી યોગીએ એક ઇન્ટવ્યુમાં કહ્યું હતું કે 'અગર અપરાધ કરોગે તો ઠોક દિયે જાઓગે'.તેમની ઠોક દો પોલીસના કારણે પ્રદેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ૫૧૦૦ એન્કાઉન્ટરમાં કથિત ગુન્ડાઓને મારી નાંખવામાં આવ્યા હતા. ડિસેમ્બર,૨૦૧૯માં ઉત્તર પ્રદેશ પોલીસી ટ્વિટ કર્યું હતું કે રાજ્યમાં ૫૧૭૮ એન્કાઉન્ટર કરાયા હતા જેમાં ૧૦૩ અપરાધીઓને મારી નાંખવામાં આવ્યા હતા અને ૧૮૫૯ ગુન્ડાઓ ઘાયલ થયા હતા.૧૭૭૪૫ અપરાધીઓ શરણે આવ્યા હતા અથવા તો જામીન રદ કરાયા હતા.જો કે સરકારી આંકડાઓ અનુસાર,રાજ્ય પોલીસે ૩૮૯૬ એન્કાઉન્ટર કર્યા હતા અને૮૯૦૪ ગુનેગારો એ આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે ૭૬ અપરાધીઓ માર્યા ગયા હતા જ્યારે ૧૧૫૪ ઘાયલ થયા હતા.
બ્રાહ્મણ ગૌરવ અને બ્રહ્મણનો ભોગ
જે કંઇ બન્યું તે યોગ્ય હતું, એમ કહીને માર્યા ગયેલા ઉત્તર પ્રદેશના ગુન્ડા વિકાસ દુબેની પત્ની રિચા દુબેએ પોતાનો બળાપો કાઢ્યો હતો. ગ્રામીણો પણ તેની હત્યાથી ખુશ હતા. પરંતુ તેમ છતાં તેની હત્યાને બ્રાહ્મણનું ગૌરવ અને બ્રાહ્મણનો ભોગ તરીકે ગણવામાં આવી રહ્યું છે.રસપ્રદ વાત એ છે કે અનેક સોશિયલ મીડિયાના ઉપયોગ કરનારાઓએ લખ્યું હતું કે વિકાસ માત્ર ગુન્ડો નહતો, બલકે તે તો સૌથી પહેલો અને સૌથી અગ્રણી બ્રાહ્મણ હતો. તે ટાયગર હતો જેને આખો સમાજ માનની દ્રષ્ટીએ જોતો હતો. આમ તેની હત્યાએ બ્રહ્મણ વિરૂધ્ધ ઠાકુરનો નવો મોરચો ખોલ્યો હતો. યોગી એક ઠાકુર છે.'તમે માત્ર દુબેને જ માર્યા નથી, બલકે તમે તો બ્રહ્મણોનો વિશ્વાસ તોડયો હતો.તમે અમારા વિશ્વાસની હત્યા કરી છે, વિકાસની નહીં. તમામ મિશ્રાઓ,પાંડે,ચૌબે, તિવારીઓ, ભૂમિહારો અને તમે યાદ રાખો કે ભગવાન પરશુરામ કોણ હતા અને તેઓ કોની સામે લડયા હતા, એમ શિવમ બ્રાહ્મણ દાદા ભાઇ નામના એક યુઝરે પોસ્ટમાં લખ્યું હતું.તેમણે આગળ લખ્યું હતું કે જો તમારામાં હિંમત હોય તો એની ફિલ્મ બનાવ અમે થિએટર સળગાવી નાંખીશું.
પ્રિયંકાનું મકાન ક્યાં હશે, ગુરૂગ્રામમાં, લખનઉમાં કે પછી દિલ્હીમાં..
દિલ્હીના લોધી રોડ પર આવેલા કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધીના મકાનને ખાલી કરવાની તારીખ પહેલી ઓગસ્ટ નજીક આવી રહી છે ત્યારે તેના સામાને પેક કરવામાં આવી રહ્યું હોવાનું સૂત્રે કહ્યું હતું.અગાઉ તેમનો કેટલો સામાન ૧૦, જનપથ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે તેમની માતા સોનિયા ગાંધીનું નિવાસસ્થાન છે. પરંતુ કોઇને ખબર નથી કે અંતે પ્રિયંકા ક્યા રહેવા જશે.પરંતુ સૂત્રો કહે છે કે તેઓ પોતાના મોટા થઇ ગયેલા બાળકો અને પતિ તેમની સાથે જોડાય એવું દેખાતું નથી. પ્રિયંકા પાસે અનેક મોઘાં કળાના નમુના છે જે તેમને તેમના દાદી ઇન્દિરા ગાંધીએ ભેટ આપ્યા હતા.ઉપરાંત તેમના પિતાના અનેક ફોટા પણ છે જેને તેઓ પોતાની કસ્ટીમાં જ રાખવા ઇચ્છે છે. લખનઉમાં તેમના ઘરને ફાઇનલ કરી દેવામાં આવ્યું હતું. તેઓ ઇન્દિરા ગાંધીની ફોઇ શીલા કૌલના મકાનમાં રહેશે, એવું મનાય છે.જો કે દિલ્હીમાં પણ નવા ઘરની શોધ જારી છે. વાડરાની સુખદેવ વિહારમાં એક ઓફિસ છે અને પ્રિયંકા અનેક વખતે ત્યાં જતા જોવા મળ્યા હતા. એવી પણ અટકળો કરવામાં આવે છે કે તેઓ ગુરૂગ્રામ રહેવા જશે.પણ તે દરમિયાન સોનિયા ગાંધીનું નિવાસસ્થાન જ તેમનું મકાન હશે, એ નક્કી.
કોમ્યુનિટી ટ્રાન્સમિશન અંગે હજુ પણ અવઢવ
તબીબી ક્ષેત્રના નિષ્ણાતોના મતે ભારતમાં કોમ્યુનિટા ટ્રાન્સમિશનની શરૂઆત એપ્રિલ મહિનામાં જ થઇ ચૂકી હતી, પરંતુ કેન્દ્ર સરકાર આનો ઇનકાર કરે છે.હવે કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને પણ આની સંભાવનાઓનો ઇનકાર કર્યો હતો.તેમણે કહ્યું હતું કે ભારતમાં હવે વધુ ટેસ્ટ કરવાના પ્રયાસ કરાશે.'ભારત કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજમાં પહોંચ્યું નથી. હા, કેટલાક નાના પોેકેટ જરૂર છે જ્યાં ટ્રાન્સમિશન થયું હશે.
- ઇન્દર સાહની