Get The App

દિલ્હીની વાત : મોદી સરકારના ટીકટોક એકાઉન્ટથી લોકો ભડક્યાં

Updated: Jun 11th, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : મોદી સરકારના ટીકટોક એકાઉન્ટથી લોકો ભડક્યાં 1 - image


મોદી સરકારના ટીકટોક એકાઉન્ટથી લોકો ભડક્યાં

નવીદિલ્હી, તા.10 જૂન 2020, બુધવાર

નરેન્દ્ર મોદીએ લોકોને 'આત્મનિર્ભર' બનવા હાકલ કરી તેના પગલે દેશમાં ચાઈનીઝ માલનો બહિષ્કાર કરીને સ્વદેશી અપનાવવાની ઝુંબેશ શરૂ થઈ છે. ચાઈનીઝ એપ ટીકટોક સામે સૌથી વધારે રોષ છે. બાનટીકટોકઈનઈન્ડિયા હેશ ટેગ હેઠળ સોશિયલ મીડિયા પર અભિયાન પણ શરૂ થયું છે ત્યારે બીજી તરફ મોદી સરકારે ટીકટોક પર માયગવઈન્ડિયા નામે ભારત સરકારનું સત્તાવાર એકાઉન્ટ બનાવ્યું છે.

આ એકાઉન્ટ બ્લુ ટીક બેજ સાથે છે તેથી ભારત સરકારનું જ એકાઉન્ટ છે. આ એકાઉન્ટને ૬૮ લાખ લાઈક્સ મળી છે ને ૧૦ લાખ કરતાં વધારે ફોલોઅર્સ છે. અત્યારે તેમાં યોગ, કોરોનાવાયરસ અંગે જાગૃતિ વગેરેના વીડિયો મૂકાયેલા છે.

ભરાત સરકારનું ટીકટોક એકાઉન્ટ જોયા પછી લોકોનો આક્રોશ ભડક્યો છે. મોદી સરકારના ચાવવાના ને બતાવવાના જુદા જુદા છે એવી ટીકાઓ લોકો કરી રહ્યા છે. લોકોને સ્વદેશી અપનાવવાની સલાહ આપીને મોદી સરકાર ચાઈનીઝ એપનો ઉપયોગ કરી રહી છે એવી ટીકાઓનો મારો ચાલ્યો છે.

ભાજપ યેદુરપ્પાને ખસેડી સંતોષને ગાદી સોંપશે

કર્ણાટકમાં ભાજપ વિધાનસભાની આગામી ચૂંટણી યેદુરપ્પાના નેતૃત્વમા નહી લડે એ સ્પષ્ટ છે. ભાજપનાં સૂત્રોના મતે, યેદુરપ્પાને હાઈકમાન્ડે આ સંદેશો પહોંચાડી દીધો છે. યેદુરપ્પા કોઈ ભ્રમમાં ના રહે એટલા માટે અમિત શાહે રાજ્યસભાની ચૂંટણીમાં યેદુરપ્પાએ સૂચવેલાં ત્રણેય નામો પર ચોકડી મારીને સાવ અજાણ્યા ઉમેદવારો જ પસંદ કર્યા.

આ સૂત્રોના મતે, ભાજપે યેદુરપ્પાની જગાએ રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષને આગળ કરવાનું પણ નક્કી કરી લીધું છે. સંતોષને ૨૦૨૩ની ચૂંટણીને અનુલક્ષીને કામ શરૂ કરી દેવા પણ કહેવાયું છે. ભાજપનાં સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે, યેદુરપ્પા મનમાની કરતા રહેશે તો ચૂંટણી પહેલાં પણ તેમને બાજુ પર મૂકીને સંતોષને ગાદી પર બેસાડી દેવાય એવું બને. સંતોષ શાહની અત્યંત નજીક છે અને સંઘના પણ પ્રિય છે.

હાઈકમાન્ડે યેદુરપ્પાને કોરાણે મૂકવા માટે તેમની વધતી વયનું કારણ આપ્યું છે પણ વાસ્તવમાં હાઈકમાન્ડ તેમની કામ કરવાની સ્ટાઈલ અને સરકારની કામગીરીમાં તેમના પરિવારની વધતી જતી દખલથી નારાજ છે. કર્ણાટકના ઘણા ધારાસભ્યો અને ટોચના નેતાઓ આ અંગે હાઈકમાન્ડને ફરિયાદ કરી ચૂક્યા છે. 

કોંગ્રેસ-આરજેડીમાં બેઠકો મુદ્દે પ્રથમ ગ્રાસે મક્ષિકા

અમિત શાહે વર્ચ્યુઅલ રેલી કરીને બિહારની જનતાને સંબોધતાં બિહારમાં નવેમ્બરમાં ચૂંટણી થશે એ નક્કી થઈ ગયું છે. શાહની રેલી સાથે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો તો વિરોધ પક્ષોને પણ સક્રિય કરી દીધા છે.

બિહારમાં ભાજપ-જેડીયુ ગઠબંધન સામે આરજેડી-કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે. બંનેએ બેઠકોની વહેંચણી માટેની ક્વાયત શરૂ કરી દીધી છે પણ તેમાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થયો છે. કોંગ્રેસે વિધાનસભાની ૨૪૩માંથી ૧૦૦ બેઠકોની માગણી કરી છે જ્યારે તેજસ્વી યાદવ ૬૦ કરતાં વધારે એક પણ બેઠક આપવા તૈયાર નથી તેથી મામલો સોનિયા પાસે પહોંચ્યો છે. 

તેજસ્વીએ લાલુ પ્રસાદને રાંચીની એઈમ્સમાં મળ્યા પછી કોંગ્રેસને આ મેસેજ આપી દીધો છે.  છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ, આરજેડી અને જેડીયુ સાથે હતાં ત્યારે કોંગ્રેસને ૪૨ બેઠકો ફાળવાઈ હતી. આ વખતે જેડીયુ નથી તેથી વધારે બેઠકોની કોંગ્રેસની માગ છે. તેજસ્વી ઉપેન્દ્ર કુશવાહા, જીતનરામ માંઝી અને જેએમએમને પણ સાથે લઈને ચાલવા માગે છે તેથી કોગ્રેસને વધારે બેઠકો આપવાના મૂડમાં નથી.

દિલ્હીની રેલી માટે સ્મૃતિની પસંદગીથી નારાજગી

ભાજપ દેશભરમાં વર્ચ્યુઅલ રેલીઓના રવાડે ચડયો છે. અમિત શાહે બિહારથી તેની શરૂઆત કરી પછી હવે ભાજપના બધા નેતા વર્ચ્યુઅલ રેલીઓ કરવા માંડયા છે. ભાજપ દિલ્હીમાં પણ ૧૩ જૂને વર્ચ્યુઅલ રેલી કરશે અને આ રેલીને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સંબોધવાનાં છે. સ્મૃતિ આ રેલીમાં મોદી સરકારની બીજી ઈનિંગ્સની એક વર્ષની સિધ્ધિઓનાં ગુણગાન ગાશે. ભાજપનો દાવો છે કે, આ રેલી સોશિયલ મીડિયા અને કેબલ ઓપરેટરોની મદદથી ૨૫ લાખ લોકો સુધી પહોંચશે.

ભાજપમાં આ રેલી  મુદ્દે નારાજગી છે. દિલ્હી ભાજપના મોટા મોટા નેતાઓને બાજુ પર મૂકીને સ્મૃતિને વર્ચ્યુઅલ રેલી માટે પસંદ કરાયાં તેનાથી નેતાઓ અને કાર્યકરો નારાજ છે. સ્મૃતિને દિલ્હી સાથે કંઈ લેવાદેવા નથી ને સ્મૃતિ રાષ્ટ્રીય કક્ષાનાં નેતા પણ નથી એ સંજોગોમાં તેમની પસંદગી ક્યા આધારે કરાઈ એ સવાલ કાર્યકરો કરી રહ્યા છે.  ભાજપમાં એવી ઘૂસપૂસ પણ શરૂ થઈ છે કે, ભાજપ હવે પછીની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલ સામે ઉતારવા સ્મૃતિનો તૈયાર કરવા માંગે છે ને તેના ભાગરૂપે આ રેલી યોજાઈ રહી છે.

જામા મસ્જિદ બંધ કરવા બુખારીએ લોકમત માંગ્યો

દિલ્હીમાં કોરોનાના વધતા કેસોના કારણે જામા મસ્જિદ ફરી બંધ કરી દેવાય તેવી શક્યતા છે. મોદી સરકારે સોમવારથી દેશભરમાં ધર્મસ્થાનોને ખોલવાની મંજૂરી આપી પછી જામા મસ્જિદ પણ ખૂલી છે પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેથી શાહી ઈમામ બુખારી કોઈ જોખમ લેવા માગતા નથી. શાહી ઈમામના સેક્રેટરી અમાનુલ્લાહનું કોરોનાના કારણે મોત થયું તેના કારણે પણ બુખારીએ સામેથી મસ્જિદ બંધ કરવાની દરખાસ્ત મૂકી છે. અમાનુલ્લાહ ત્રીજી જૂનથી હોસ્પિટલમાં ભરતી હતા. મંગળવારે રાત્રે તેમનું નિધન થઈ ગયું.

બુખારીએ સોશિયલ મીડિયા પર લોકોના અભિપ્રાય માંગ્યા છે અને બહુમતી લોકો મસ્જિદ બંધ કરવાની તરફેણમાં હશે તો શુક્રવારે સવારે જ મસ્જિદ બંધ કરી દેવાશે. સૂત્રોના મતે, બુખારીએ મસ્જિદ બંધ કરવાનો નિર્ણય  લઈ જ લીધો છે પણ વિરોધ ના થાય એટલે તેમણે અભિપ્રાય માંગ્યા છે. બુખારીએ લોકોને ઘરે રહીને જ નમાઝ કરવાની અને અન્ય મસ્જિદોને પણ બંધ રાખવાની અપીલ કરી છે.  સોશિયલ મીડિયા પર બુખારીના આ વલણનાં વખાણ થઈ રહ્યાં છે.

કેજરીવાલે કેન્દ્રને શરણે થઈ સાઈડ સેફ કરી  

દિલ્હી સરકારની હોસ્પિટલોમાં દિલ્હીવાસીઓની જ સારવાર કરવાના મુદ્દે કેજરીવાલે કેન્દ્ર સામે શરણાગતિ સ્વીકારીને આશ્ચર્ય સર્જ્યું છે. લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે આ નિર્ણયને રદ કરી દીધો હતો. કેજરીવાલે કોઈ પણ વિખવાદ વિના આ નિર્ણય માથે ચડાવીને જાહેર કર્યું કે, આ સમય લડવાનો નથી પણ એક થઈને કોરોના સામે લડવાનો છે.

કેજરીવાલના શાણપણથી ભાજપના નેતા પણ આશ્ચર્યમાં પડી ગયા છે પણ રાજકીય વિશ્લેષકોના મતે કેજરીવાલે પોતાની સાઈડ સેફ કરી લીધી છે. દિલ્હીમાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. આ દર્દીઓની સારવાર કરવી અશક્ય છે ત્યારે  નિષ્ફળતા માટે પોતાને દોષ ના દેવાય એવો બંદોબસ્ત કેજરીવાલે કરી લીધો છે. ભવિષ્યમાં કેજરીવાલ એવું કહી શકશે કે, હું તો દિલ્હીવાસીઓની સારવારને પ્રાથમિકતા આપવા માગતો જ હતો પણ કેન્દ્રે એ ના કરવા દીધું.

કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે દોઢ લાખ બેડની માગણી કરીને નવો પાસો પણ ફેંક્યો છે. કેન્દ્ર આ વ્યવસ્થા કરી શકે તેમ જ નથી તેથી કેજરીવાલ પાસે બચાવનું વધુ એક બહાનું હશે.

***

ભારતમાં ફરી લોકડાઉ નંખાશે?

ખુબ જોખમી મનાતા પંદર દેશોમાં હવે ભારત પણ સામેલ થયું છે જ્યાં લોકડાઉન ખોલતાં કેસોમાં ઉછાળો આવી શકે છે.પરિણામે એત્યંત ખરાબ સ્થિતી સર્જાઇ શકે છે જેમાં ફરીથી અત્યંત કડક નિયમો અને લોકડાઉન કરવાની સરકારને ફરજ પડશે, એમ એક સુરક્ષા સંધોશન સાથે જોડાયેલી એક કંપનીએ ઘટસ્ફોટ કર્યો હતો.૪૫ મોટા અર્થતંત્રને સામેલ કરનાર અભ્યાસમાં કેસોની સંખ્યા અને નવા કેસ પર જેની વધારે અસર પડી શકે છે તેવા મોબિલીટી પ્રહારને સામેલ કરવામાં આવ્યા હતા.'અમારા વિજ્યુઅલ સાધનમાં મિશ્ર પરિણામ મળ્યા હતા. ૧૭ દેશોમાં અર્થતંત્ર સુધારા દેખાય તેવા અને બીજી વખત લોકડાઉન લાદવાની ફરજ ના પડે તેવા સંકેતો મળ્યા હતા.

૧૩ દેશોએ ચેતવણીના હળવા સંકેતો કર્યા હતા. જ્યારે ભારત સહિતના પંદર દેશો અતિજોખમી દેશોમાં સામેલ કરાયા હતા જ્યાં હજુ વધુ કડક નિયમો અને પ્રતિબંધ લાગુ કરવા પડશે, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.જાણકારો અનુસાર, લોકડાઉન ઉઠાવી લેંતા બે સંભવિત ઘટનાઓ બની શકે છે.'પહેલું એ કે લોકોની અવરજવરમાં કોઇ એક દેશ અથવા અમેરિકાના રાજ્ય ઝડપથી રિકવરી મેળવી શકે છે.લોકડાઉનના પગલાં હળવા કરાય અને દરરોજના નવા કેસોની સંખ્યામાં મહત્તમ વધારા સાથે વેપાર ધંધા શરૂ કરાય જેના પરિણામે લોકોમાં ડર ઓછો થાય અને લોકોની અવરજવર વધે. નવા કેસ ઘટતા જતાં, હકારાત્મકતા ફીડ બેકમાં વધારો થાય'એમ તેઓ કહે છે. તો બીજી તરફ એવું પણ બને કે કેસોમાં જરાય વણાંક ના આવે. જો કેસો વધતા જશે તો લોકોના મનમાંથી ડરને દૂર કરી શકાશે નહીં.

બાળકો પર કોરોનાની ગંભીર અસર

ભારતમાં ૪૭.૨ કરોડ બાળકોની સંખ્યા  છે અને તે પૈકીના મોટાભાગના પર મહામારીની અત્યંત ગંભીર અસર પડી છે.તેઓ વંચિત વર્ગમાંથી આવતા હોઇ સગવડોના અભાવે પણ ઘણું ઘુમાવે છે. તેમના માટે તેમના ઘરો પણ સુરક્ષિત નથી, ખાસ તો બાળકો જેઓ પહેલાંથી જ બિન સલામત ઘરોમાં રહેતા હોવાથી તેમના પર જોખમ વધુ હોય છે. પ્રથમ લોકડાઉન દરમિયાન બાળકો માટેની સરકારી હેલ્પલાઇન(૧૦૯૮)ને૪.૬ લાખ કોલ મળ્યા હતા.

તે પૈકીના ૩૦ ટકાનો કોવિડ-૧૯ સબંધીત મધ્યસ્થી જોઇતી હતી.મોટા ભાગના માંગણીઓ ખાદ્ય પધાર્થોને લગતી હતી. તે પૈકીના ૯૩૮૫ કોલ બાળકો તરફથી મદદ માગવા સબંધીત હતા જેમની પર અત્યાચાર ગુજારાય હતા, તેમના બળાત્કાર થતા હતા અને જેમને  છોડી દેવામાં આવ્યા હતા અથવા તો જેમની તસ્કરી કરવામાં આવી હતી. શાળાઓ બંધ રહેતા અનેક બાળકો તેમના મિત્રા અને શિક્ષકો સાથે સંવાદ પણ કરી શક્યા નહતા. બાળકોને સહન કરવા પડતા અત્યાચરોની લાગણી સૌ પહેલાં શિક્ષકોને જ થાય છે.અનેક સ્વૈચ્છીક સંસ્થાઓને માત્ર ખોરાક માટે જ બાળકો ફોન કરતા હતા.

લોકડાઉના બીજા દિવસે પણ મોલમાં ગ્રાહકોની સંખ્યા ઓછી

કેન્દ્ર સરકારના ત્રણ તબક્કાના અનલોક પ્લાનના પ્રથમ દિવસે કેટલાક રાજ્યોમાં શોપિંગ મોલ્સ અને રેસ્ટોરન્ટ ખુલ્યા હતા.પરંતુ દેશમા કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતાં બીજા દિવસે પણ જુજ ગ્રાહકો જ દેખાયા હતા.દિલ્હીના કોનોટ પ્લેસમાં આવેલી દક્ષિણ ભારતીય વાનગીઓ માટેની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં માંડ કેટલાક ગ્રાહકો દેખાયા હતા. એવી જ રીતે વસંતકુંજના એક હોલમાં પણ થોડા પરિવારો જ દેખાયા હતા. તો કેટલાક મોલ્સ એટલા માટે ખુલ્યા નહતા કે તેઓ સરકારી નિયમો પાળવાની વ્યવસ્થામાં પડયા હતા.

ભાજપની સામે મમતાએ પણ વર્ચ્યુઅલ  રેલી કરી પ્રશાંત કિશોરની ટીમની મદદથી ખુબ જ સારી રીતે તૈયાર કરાયેલી મમતા બેનર્જીએ ભાજપના અમીત શાહની રેલીને નિષ્ફળ બનાવવા સોશિયલ મીડિયા પર ખુબ મહેનત કરી અને રાજ્યના નાણા પ્રધાન અમીત મિત્રાને મેદાનમાં ઉતાર્યા હતા.મિત્રોએ ભાજપના જુમાલા આંકડાઓને ખોટા ગણાવ્યા હતા.શાહની રેલીની શરૂઆત થાય તે પહેંલા જ તૃણમુલ કોંગ્રેસે ભાજપ અને કેન્દ્રીય ગૃહ મંત્રી પર પ્રહારો શરૂ કરી દીધા હતા.ટીએમસીએ  બાંગ્લારિજેક્ટ્સ અમીતશાહ હેશટેન્ગ સાથે લાખો એકાઉન્ટ દ્વારા હેશટેન્ગ દ્વારા ભાજપને હંફાવી હતી. પરંતુ મમતાનો માસ્ટર સ્ટ્રોક તો રાજ્યના નાણા મંત્રીને મેદાનમાં ઉતાર્યા તે હતો.'અમારા અમીતે ભાજપના અમીતની હવા કાઢી નાંખી હતી'એમ એક મંત્રીએ કહ્યું હતું.

- ઇન્દર સાહની

Tags :