દિલ્હીની વાત : રૂપાણીને હટાવી આનંદીબેનને લાવો, સુબ્રમણ્યમ સ્વામીની ટ્વિટ
રૂપાણીને હટાવી આનંદીબેનને લાવો, સુબ્રમણ્યમ સ્વામીની ટ્વિટ
નવીદિલ્હી, તા.09 મે 2020, શનિવાર
ગુજરાતમાં કોરોનાવાયરસના કેસો અને તેના કારણે થતાં મોત વધી રહ્યાં છે. તેના કારણે વિજય રૂપાણી સરકારની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રૂપાણીને હટાવીને આનંદીબેન પટેલને ફરી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. સ્વામીએ ટ્વિટ કરી છે કે, ગુજરાતમાં કોરોનાના કારણે થતાં મોત રોકવાં હોય તો રૂપાણીને હટાવીને આનંદીબેનને ફરી મુખ્યમંત્રી બનાવી દો.
સુબ્રમણ્યમ સ્વામી આવું ટ્વિટ કરી નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાવવા કટાક્ષમય રીતે આવો વિવાદ જગાવી પક્ષમાં બિનજરૂરી વિવાદો ઉભા કરવા માંગે છે. ભૂતકાળમાં સુબ્રમણ્યમ સ્વામીએ આનંદીબેનને ઉપરાષ્ટ્રપતિ બનાવવાની પણ ભલામણ કરી હતી. સુબ્રમણ્યમ સ્વામી ભાજપમાં ગમે તેવા વિવાદાસ્પદ વિધાનો આપવા માટે જાણીતા છે.
શાહને બોન કેંસર હોવાની નકલી ટ્વિટ કોણે વાયરલ કરી ?
અમિત શાહે સોશિયલ મીડિયા પર પત્ર લખીને પોતે એકદમ સ્વસ્થ હોવાની સ્પષ્ટતા કરી. પોતાને કોઈ બિમારી થઈ હોવાની ચાલી રહેલી વાતોને શાહે સાવ ખોટી ગણાવીને નકારી કાઢી.
શાહેની સ્પષ્ટતાના મૂળમાં બનાવટી ટ્વિટ છે જેમાં લખાણ છે કે, મેરે દેશ કી જનતા. મેરે દ્વારા ઉઠાયા ગયા હર કદમ દેશ હિત મેં રહા હૈ. મેરે કિસી જાતિ યા ધર્મ કી વ્યક્તિ સે કોઈ દુશ્મની નહીં હૈ. કુછ દિનોં સે બિગડે સ્વાસ્થ્ય કે ચલતે દેશ કી જનતા કી સેવા નહીં કર પા રહા હૂં. યહ બતાતે હુએ મુઝે દુઃખ હો રહા હૈ કિ મુઝે ગલે કે પિછલે હિસ્સે મેં બોન કેંસર હુઆ હૈ. મૈં આશા કરતા હૂં કિ, રમઝાન કે ઈસ મુબારક મહીને મેં મુસ્લિમ સમાજ કે લોગ ભી મેરે સ્વાસ્થ્ય કે લિયે દુઆ કરેંગે. જલ્દ હી સ્વસ્થ હોકર આપ કી સેવા કરૂંગા.
શાહના સત્તાવાર ટ્વિટર હેન્ડલના ટિક માર્ક સાથે આ બનાવટી ટ્વિટ ફરતી કરાતાં લોકો સવાલ કરતા હતા કે, આ વાત સાચી છે ? શાહે આ ટ્વિટ ક્યાંથી આવી અને કોણે વાયરલ કરી તેની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. રાજકીય કારણોસર આ બધું થતું હોવાની કેન્દ્રને શંકા છે.
મોદી સરકાર 12 લાખ કરોડનું દેવું કરશે
લોકડાઉનના કારણે આથક ભીડમાં આવી ગયેલી મોદી સરકારે અંતે ઉધારી વધારવાનો નિર્ણય લેવો પડયો છે. નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટમાં ચાલુ વર્ષે કેન્દ્ર ૭.૮૦ લાખ કરોડ રૂપિયા બજારમાંથી ઉધાર લેશે એવો અંદાજ મૂકાયેલો. આ અંદાજ વધારીને ૧૨ લાખ કરોડ કરાયો છે. મતલબ કે, મોદી સરકાર આ વર્ષે ૪.૨૦ લાખ કરોડ રૂપિયાનું બીજું દેવું કરશે.
કોંગ્રેસના નેતા ચિદંબરમે મોદી સરકારના આ નિર્ણયને વખાણ્યો છે પણ અર્થશાસ્ત્રના નિષ્ણાતો આ નિર્ણયને દેશના ખાનગી ક્ષેત્ર માટે ઘાતક ગણાવી રહ્યા છે. તેમના મતે, મોદી સરકાર પાસે ઉછીનાં નાણાં લેવાના મર્યાદિત સ્ત્રોત છે. બેંકો, પેન્શન ફંડ, ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી સરકાર નાણાં લેશે ને મોટા ભાગનાં નાણાં તો બેંકો પાસેથી જ આવશે. ખાનગી કંપનીઓ માટે તો બેંકો એક માત્ર સોર્સ છે. હવે સરકાર જ બેંકો પાસેથી નાણાં લઈ લેશે તો પછી ખાનગી ક્ષેત્રની વકગ કેપિટલની જરૂરીયાતો કોણ પૂરી કરશે ? આ સિવાય નાણાંકીય ખાધમાં વધારો થશે કે જેના કારણે ફુગાવો વધશે ને સરવાળે મોંઘવારી વધશે.
મહારાષ્ટ્રમાં શાસક મોરચામાં ડખોઃ કુરબાની દેગા કૌન ?
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની નવ બેઠકો માટેની ચૂંટણીના કારણે સત્તાધારી ગઠબંધનમાં ડખો પડયો છે. કોંગ્રેસ ઈચ્છે છે કે, સત્તાધારી ગઠબંધનના ત્રણેય પક્ષો બે-બે ઉમેદવારો ઉભા રાખે પણ એનસીપી તૈયાર નથી. શિવસેના અને એનસીપીએ બે-બે અને કોંગ્રેસ એક જ ઉમેદવાર ઉભો રાખે કે જેથી બિનહરીફ ચૂંટણી થાય એવું એનસીપી ઈચ્છે છે. કોંગ્રેસની દલીલ છે કે, છ ઉમેદવારો જીતાડવા બીજા ત્રણ ધારાસભ્યોના મતો જોઈએ છે એ જોતાં સરકારે અપક્ષોને તોડી લાવવા જોઈએ.
ભાજપે ચાર ઉમેદવારો જાહેર કરી દીધા છે. સત્તાધારી ગઠબંધન છ ઉમેદવારો ઉભા રાખે તો મતદાન કરાવવું પડે. એ સંજોગોમાં ભાજપ તોડફોડ કરે અને પવાર એવું ઈચ્છતા નથી. કોંગ્રેસને આ ફોર્મ્યુલા સામે વાંધો નથી પણ એ પોતાને બે બેઠકો તો મળે જ એવું ઈચ્છે છે. શિવસેના અને એનસીપી પણ બે-બે બેઠકો માટે અડયાં છે એ જોતાં 'કુરબાની દેગા કૌન' એ મુદ્દે ડખો પડયો છે.
જેએનયુ જૂનમાં શરૂ કરવાના નિર્ણયથી વિવાદ
દિલ્હીમાં કોરોના પર કાબૂ મેળવાયો નથી ત્યાં જવાહરલાલ નહેરૂ યુનિવસટી ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાતાં વિવાદ થઈ ગયો છે. જેએનયુ મેનેજમેન્ટ ક્લાસ શરૂ કરવાના ચક્કરમાં હજારો વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકી રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
જેએનયુએ જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ૨૫ જૂનથી ૩૦ જૂન વચ્ચે વિદ્યાર્થીઓના ક્લાસ શરૂ થઈ જશે. એ પછી ૩૧ જુલાઈ સુધીમાં પરીક્ષાઓ લેવાઈ જશે અને ૧ ઓગસ્ટથી નવું સેમેસ્ટર શરૂ કરી દેવાશે.
જેએનયુમાં ૮ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણે છે. આ પૈકી મોટા ભાગના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. કોરોનાનો ખતરો વધ્યો પછી આ પૈકી મોટા ભાગના વિદ્યાર્થી ઘરે જતા રહ્યા છે. ક્લાસ શરૂ થતાં આ વિદ્યાર્થીઓ પાછા ફરે ત્યારે તેમના ટેસ્ટ કરાય ને તેમને કોરોનાવાયરસનો ચેપ નથી લાગ્યો તેના ટેસ્ટ કરવાની કોઈ સગવડ અત્યારે યુનિવસટી પાસે નથી. તેના કારણે કોરોનાવાયરસનો ચેપ ફેલાવાનો ખતરો વધશે. આ વિદ્યાર્થીઓ કોરોનાના જીવતા બોમ્બ બની જશે એવો ડર વ્યક્ત થઈ રહ્યો છે.
ચીન પાસે 600 અબજ ડોલર માંગવા અરજી
સુપ્રીમ કોર્ટમાં એક રસપ્રદ અરજી થઈ છે. કોરોનાવાયરસ રોગચાળો ચીને ફેલાવ્યો હોવાનો આક્ષેપ કરીને અરજદારે વિનંતી કરી છે કે, સુપ્રીમ કોર્ટ કોરાનાના કારણે થયેલા નુકસાન પેટે ચીન પાસેથી ૬૦૦ અબજ ડોલર વસૂલવા માટે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે)માં જવાનો ભારત સરકારને આદેશ આપે. તમિલનાડુના મદુરાઈના કે.કે. રમેશે કાયદા, આરોગ્ય, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયોને પક્ષકાર બનાવવા અરજી કરી છે. એક નાગરિક તરીકે પોતે આઈસીજેમાં અરજી કરી શકે તેમ નથી તેથી પોતે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હોવાની રજૂઆત પણ કરાઈ છે.
આ પહેલાં જર્મનીમાં એક અખબારે ચીન સામે વળતરનો દાવો કરવાની જાહેરાત કરી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ પ્રકારની વાત કરી ચૂક્યા છે. ચીને વુહાનની લેબોરેટરીમાં કોરોનાવાયરસ બનાવ્યો હોવાના આક્ષેપ થયા કરે છે પણ ભારતમાં તેની સામે દાવો માંડવાની વાત પહેલી વાર થઈ છે. સુપ્રીમ કોર્ટ હવે શું વલણ લે છે તે જોવાનું રહે છે.
***
રેસ્ટોરન્ટ્સ ક્યારે ખૂલશે તે અનિશ્વિત
જે રીતે સરકાર ગેધરિંગ બાબતે બહુ આકરા નિર્ણયો લે છે એ જોઈને રેસ્ટોરન્ટ્સ માલિકો મૂંઝવણમાં છે. દેશભરમાં રેસ્ટોરન્ટ્સને ક્યારે પરવાનગી મળશે તે નક્કી નથી. કદાચ ખૂલશે પછીય તેમનો બિઝનેસ પહેલાં જેવો ક્યારે થશે એ મુદ્દે પણ રેસ્ટોરન્ટ્સ માલિકો ચિંતિત છે. નેશનલ રેસ્ટોરન્ટ્સ એસોસિએશનના પ્રમુખ અનુરાગ કટિયારે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકારના ધારાધોરણ પ્રમાણે રેસ્ટોરન્ટ્સમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કેવી રીતે થશે તે સૌથી મોટો મુદ્દો છે. ખાસ તો નાની રેસ્ટોરન્ટ્સમાં એક ટેબલની વચ્ચે બે મીટરનું અંતર કેવી રીતે શક્ય બનશે? લોકોનો વિશ્વાસ કેવી રીતે જીતીશું? લોકો માનવા લાગશે કે તેમને જે ફૂડ મળ્યું છે એ સલામત છે - એ સમયગાળો આવતા ઘણો વખત વીતી જશે. રેસ્ટોરન્ટ્સનો બિઝનેસ ધમધોકાળ ચાલતો થશે ત્યાં સુધીમાં બે-એક વર્ષ વીતી જશે એવી રેસ્ટોરન્ટ્સ માલિકોની ધારણા છે.
50 દિવસથી તાજમહેલ સદંતર બંધ
આગ્રાની સ્થિતિ સતત ખરાબ થતી જાય છે. ૭૦૦ કરતા વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે અને હજુય કેસ સતત વધી રહ્યાં છે. તાજમહેલ છેક ૧૭મી માર્ચે બંધ કરાયો હતો. હજુ સુધી બંધ રખાયો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં યુદ્ધ થયું ત્યારે તાજમહેલ થોડો વખત બંધ રખાયો હતો. એ પછી પહેલી વખત એવું બન્યું છે કે તાજમહેલ ૫૩ દિવસથી બંધ છે અને હજુય ક્યારે ખુલશે તે અનિશ્વિત છે. આગ્રા રેડ ઝોનમાં છે. એ બતાવે છે કે હજુ થોડા મહિના આગ્રામાં સ્થિતિ નોર્મબલ થાય એવી શક્યતા ઓછી છે. કદાચ દોઢ-બે મહિના સુધી આગ્રામાં બધુ બંધ રખાશે. કદાચ કોરોનાના કેસ કાબુમાં આવશે પછીય ટૂરિસ્ટને પરવાનગી મળતા સમય લાગશે. આગ્રાનો ટૂરિઝમ બિઝનેસ વર્ષે ૧૫૦૦ કરોડને પાર પહોંચે છે. અંદાજે ૮૦ લાખ લોકો આગ્રાનો તાજમહેલ જોવા આવે છે. એ બધા ઉપર મોટો ફટકો પડશે. લોકલ હોટેલ અને ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીને ૭૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડશે.
બાળકને ખભે ઊંચકીને મા 13 કિ.મી. ચાલી
પશ્વિમ બંગાળના માલ્દામાં આવેલા બનિયાપુકુર ગામની મહિલા છ મહિનાના બાળકને ખભે ઊંચકીને રાશન માટે ૧૩ કિમી પગપાળા ચાલવા મજબૂર બની હતી. માર્ગારેટ હંસદા નામની આ આદિવાસી મા છ મહિનાના પુત્રને આકરા તાપમાં તપાવીને જ સસ્તા અનાજની દુકાને પહોંચી હતી. તેનો પતિ બેંગ્લુગુમાં મજૂરી કરે છે. લોકડાઉનના કારણે ત્યાં જ ફસાયો છે. બીજો કોઈ ઉપાય ન રહેતા એ મહિલા ખુદ ચાલીને ભર તડકે રાશન લેવા પહોંચી હતી. ઘરમાં ત્રણ સંતાનો છે. જો પોતે રાશન લેવા ન જાય તો ત્રણ સંતાનો સહિત તેને ભૂખ્યા મરવાનો વારો આવે એવી સ્થિતિ સર્જાઈ હતી. એમાં વળી વચ્ચે વચ્ચે પોલીસ પૂછપરછનો સામનો કરવો પડયો એ અલગ.
9300 મિલિટરી એન્જિનિયરની જગ્યા રદ્ થશે
મિલિટરી એન્જિનિયરની ૯૩૦૦ રદ્ કરવાનો પ્રસ્તાવ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સમક્ષ રજૂ થયો હતો. એને મંજૂરી મળી ગઈ છે. સૈન્યની ક્ષમતા અને ખર્ચને સમતોલ રાખવા માટે આ નિર્ણય લેવાયો છે. લેફ્ટનન્ટ જનરલ શેખટકરની સમિતિએ સંરક્ષણ મંત્રાલયને ભલામણ કરી હતી, એને સંરક્ષણ મંત્રીએ મંજૂરી આપી છે. આ કામ હવે આઉટસોર્સ કરાશે. કાયમી ધોરણે સેવા લેવાને બદલે જરૂરિયાત પ્રમાણે કામનું આઉટસોર્સિંગ થાય તે વધારે સલાહભર્યું હોવાથી આ નિર્ણય લેવાયાનું સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું.
સુપ્રીમ બાર એસોસિએશનના સચિવની હકાલપટ્ટી
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની સમિતિએ સચિવ અશોક અરોરાને હટાવી દીધી છે. તેમણે બાર એસોસિએશનના પ્રમુખ દુષ્યંત દવેને હટાવવા માટે ૧૧મી મેએ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની બેઠક બોલાવી હતી. જજ અરૂણ મિશ્રાએ ગત ફેબુ્રઆરી માસમાં એક કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. એ પછી બાર એસોસિએશનના પ્રમુખ દુષ્યંત દવે અને કાર્યકારી સમિતિએ જજ અરૂણ મિશ્રાની એ બાબતે ટીકા કરી હતી. એ પછી સચિવ અશોક અરોરાએ આરોપ મૂક્યો હતો કે દુષ્યંત દવે રાજનૈતિક મહાત્વાકાંક્ષાના કારણે કાર્યાલયનો દુરુપયોગ કરે છે. અશોક અરોરાએ દુષ્યંત દવેના હટાવવા માટે બેઠક બોલાવવાની જાહેરાત કરી હતી. એ પછી બાર એસોસિએશનની સમિતિએ શ્રી દુષ્યંત દવેએ કરેલી ટીકાને અનુમોદન આપી સચિવ અરોરાની હકાલપટ્ટી કરી હતી.
- ઈન્દર સાહની