Get The App

દિલ્હીની વાત : મોદી હજુ લોકડાઉન લંબાવવાની ફિરાકમાં

Updated: May 8th, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : મોદી હજુ લોકડાઉન લંબાવવાની ફિરાકમાં 1 - image


મોદી હજુ લોકડાઉન લંબાવવાની ફિરાકમાં

નવીદિલ્હી, તા.07 મે 2020, ગુરુવાર

કોરોનાવાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. તેના કારણે લોકોની ચિંતા વધી રહી છે ત્યારે એઈમ્સના વડા ડો. રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે, ભારતમાં જુન-જુલાઈમાં કોરોનાના કેસો વધશે. ડો. ગુલેરિયાના મતે, ભારતમાં કોરોનાના કેસો જે રીતે વધી રહ્યા છે એ જોતાં જૂન-જુલાઈમાં ભારતમાં કોરોનાના કેસો સર્વોચ્ચ સપાટીએ પહોંચે એવું બને.

ભારતમાં ૨૫ માર્ચે લોકડાઉન શરૂ થયું ત્યારે કેસ ૬૦૦ની આસપાસ હતા જ્યારે ૧૩નાં મોત થયાં હતાં. ૪૩ દિવસના લોકડાઉન પછી કેસો વધીને ૫૩ હજારને પાર થયા છે અને મોતનો આંકડો બે હજારની નજીક પહોંચી ગયો છે. આ આંકડા જોતાં મેડિકલ નિષ્ણાતો ડો. ગુલેરિયાની વાત સાથે સહમત છે.

જો કે રાજકીય વિશ્લેષકોના મતે ડો. ગુલેરિયાનું નિવેદન લોકડાઉન લંબાવવાની મોદીની યોજનાના ભાગરૂપે કરાયું છે. દેશમાં સ્થિતી વણસી રહી છે તેથી મોદીને હજુ વધારે સમય જોઈએ છે. લોકો લોકડાઉનથી થાક્યાં છે તેથી મોદી સીધી રીતે લોકડાઉન લંબાવે તો આક્રોશ પેદા થાય તેથી મોદી મેડિકલ નિષ્ણાતોને આગળ કરીને તખ્તો ઘડી રહ્યા છે.

કોરોના વોરીયર્સ પર આયુર્વેદિક દવાના ટ્રાયલ

મોદી સરકારે ફરી એક વાર કોરોનાવાયરસના ઈલાજ માટે આયુર્વેદિક દવાઓના ટ્રાયલનો તુક્કો રમતો મૂક્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જાહેરાત કરી કે, આયુષ, આરોગ્ય, રમતગમત અને સીએસઆઈઆર સાથે મળીને અશ્વગંધા, યષ્ટિમધુ, ગુડુચી પિપ્પાલી વગેરે દવાઓ કોરોના સામે રક્ષણ કરી શકે છે કે નહીં તે ચકાસશે. આ ટ્રાયલ હાઈ-રિસ્ક એરીયામાં કામ કરી રહેલા હેલ્થ વર્કર્સ તથા કોરોના સામે લડી રહેલા અન્ય વોરીયર્સ પર કરાશે. આ લોકોને કોરોના થવાનો ખતરો સૌથી વધારે છે તેથી આ દવાઓની અસરકારકતા અંગે તરત ખબર પડી જશે.

આયુષ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન શ્રીપદ નાઈકે એકાદ મહિના પહેલાં જાહેરાત કરેલી કે, આયુર્વેદિક તથા અન્ય પરંપરાગત દવા કોરોનાનો ઈલાજ કરી શકે છે કે નહીં તે વૈજ્ઞાાનિક માપદંડના આધારે ચકાસવા મોદીએ ટાસ્ક ફોર્સ બનાવી છે.

ડો. હર્ષવર્ધનની જાહેરાત પછી સવાલ પૂછાઈ રહ્યો છે કે, આ દિશામાં કશું નક્કર થશે કે પછી આ રીતે પ્રચાર જ થયા કરશે ?  

જસ્ટિસ ગુપ્તાને કોઈ સરકારી હોદ્દો નહીં મળે

સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયેલા જસ્ટિસ દીપક ગુપ્તાએ વિદાય સમારોહમાં કરેલી ટીપ્પણીઓએ ખળભળાટ મચાવ્યો છે. જસ્ટિસ ગુપ્તાએ તડ ને ફડ ભાષામાં કહ્યું કે, દેશનો કાયદો અને ન્યાય તંત્ર દેશના મુઠ્ઠીભર ધનિક અને શક્તિશાળી લોકોની મુઠ્ઠીમાં બંધ છે. જસ્ટિસ ગુપ્તાએ તો એવું પણ કહ્યું કે, ધનિક માણસ પૈસાના જોરે કોઈ પણ કેસને લટકાવી શકે છે.

જસ્ટિસ ગુપ્તા બુધવારે નિવૃત્ત થયા ત્યારે તેમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિદાય અપાઈ હતી. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં પહેલી વાર કોઈ જજને વીડિયો કોન્ફરન્સિંગથી વિદાય અપાઈ. ઝડપથી કેસોનો નિકાલ લાવવા માટે જાણીતા જસ્ટિસ ગુપ્તાને વિદાય આપવા મોટી સંખ્યામાં વકીલો જોડાયા. જસ્ટિસ ગુપ્તાએ એક દિવસમાં ૩૩ કેસોનો નિકાલ કરીને રેકોર્ડ બનાવ્યો હતો.

જસ્ટિસ ગુપ્તાની આ કોમેન્ટ્સને સોશિયલ મીડિયા પર લોકોએ સાચી વાત ગણાવીને વધાવી છે. જો કે કેટલાકે એવી મજાક પણ કરી કે, હવે જસ્ટિસ ગુપ્તાએ નિવૃત્ત જીવન જ ગાળવું પડશે ને તેમને કોઈ સરકારી નિમણૂક નહીં મળે.

પીઓકેના વેધર ન્યુઝ નહીં આખું પીઓકે જોઈએ

હવામાનની આગાહી કરતા કેન્દ્ર સરકારના ઈન્ડિયન મેટરોલોજિકલ ડીપાર્ટમેન્ટ (આઈએમડી)એ હવે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) અને ગિલગિટ-બાલ્તિસ્તાનના હવામાનના સમાચાર પણ આપવા માંડયા છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગિલગિટ-બાલ્તિસ્તાનમાં ચૂંટણીની મંજૂરી આપી છે.

આ વિસ્તારો ભારતના હોવાથી પાકિસ્તાનને ત્યાં ચૂંટણી કરાવવાનો અધિકાર નથી એવું જણાવીને ભારતે તેનો ઉગ્ર વિરોધ કર્યો છે. આ વિસ્તારો ભારતના જ છે એવો પાકિસ્તાનને મેસેજ આપવા માટે આઈએમડીએ આ વિસ્તારના હવામાન સમાચાર રાષ્ટ્રીય અને સ્થાનિક બુલેટિનમાં સમાવી લીધા છે.

રાજકીય વિશ્લેષકોના મતે આ નિર્ણયથી પાકિસ્તાનને બહુ ફરક નહી પડે અને વાસ્તવિક રીતે પણ તેનો અર્થ નથી.  ભારત દેશના હવામાન સમાચારમાં આ વિસ્તારોને સમાવે તેનાથી આ વિસ્તારો પર પાકિસ્તાનનો કબજો છે એ સ્થિતી બદલાવાની નથી. પાકિસ્તાનને આકરો મેસેજ આપવા માટે પીઓકેના વેધર ન્યુઝ નહીં આખું પીઓકે અને ગિલગિત-બાલ્તિસ્તાન ભારતને જોઈએ.

***

પાટનગરમાં ફસાયેલાં મજૂરોનું શું થશે?

પાટનગર દિલ્હીમાં ફસાયેલા મજૂરો માટે સ્પેશિયલ ટ્રેનનું શું થશે તે મુદ્દે હજુય સ્પષ્ટતા થઈ નથી. દિલ્હી સરકારનું કોઈ સ્પષ્ટ વલણ હજુ સુધી જોવા મળ્યું નથી. ૭મી મેએ મોડી રાતે ૧૨૦૦ પ્રવાસીઓને લઈને શ્રમિક સ્પેશિયલ ટ્રેન મધ્યપ્રદેશ રવાના થશે એવી એક ચર્ચા હતી, પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહારના મજૂરોને વતન મોકલવા માટેની પ્રક્રિયા હજુ સુધી પૂરી થઈ નથી. પાટનગરમાં અંદાજે ૧૦,૦૦૦ પરપ્રાંતીય મજૂરો સરકારના આશ્રય ગૃહમાં રહે છે. સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી. સરકારી નોટિફિકેશન પણ બહાર પાડયા હતા, પરંતુ તેનું કામ કાગળ ઉપર જ આગળ વધી રહ્યું છે. મજૂરો ઘરે જવાની ઉતાવળ કરી રહ્યાં છે, પરંતુ રાજ્ય સરકારો આંતરિત પ્રક્રિયા પૂરી કરે પછી જ તેમને પાછા મોકલી શકાશે.

જેડીયુ-ભાજપ વચ્ચે ઘર્ષણ?

બિહારના મુખ્યમંત્રી અને ભાજપના સ્થાનિક નેતાઓ વચ્ચે ઘણી વખત સંઘર્ષ સપાટી ઉપર આવતો રહે છે. આ વખતે કારણ છે - રેલવેની ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટ. ૧૮૮૮માં બનેલી દેશની સૌથી જૂની ઈન્ડિયન રેલવે ઈન્સ્ટિટયૂટ ઓફ મિકેનિકલ એન્ડ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને લખનઉ શિફ્ટ કરવાનો પ્રસ્તાવ રજૂ થયો છે. એ ખબર પછી નીતીશ કુમારે પિયૂષ ગોયલને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે.

યુપીમાં ભાજપની સરકાર છે એટલે બિહાર ભાજપ ખૂલીને વિરોધ કરી શકે તેમ પણ નથી. આવી સ્થિતિમાં આંતરિક સંઘર્ષ થવા લાગ્યો છે. ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ ધીમા સૂરમાં આ વાતને નકારીને કહ્યું હતું કે ઈન્સ્ટિટયૂટ ક્યાંય જશે નહીં. બીજી તરફ કોંગ્રેસ અને આરજેડીએ આ મુદ્દો બિહારમાં ઉઠાવ્યો છે. એક સમયના નીતીશ કુમારના સાથી પ્રશાંત કિશોર પણ ટીકાની તક જતી કરતા નથી. આવી સ્થિતિમાં નીતીશ માટે ચોમેરથી ઘેરાયાની સ્થિતિ છે.

પ્રિન્ટ મીડિયાને માર્ચ-એપ્રિલમાં રૂ. 4500 કરોડનું નુકસાન

ઈન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટીના પ્રમુખ શૈલેષ ગુપ્તાએ કહ્યું હતું કે લૉકડાઉનના કારણે માર્ચ-એપ્રિલમાં ભારતના પ્રિન્ટ મીડિયાને ૪૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નિવેદનમાં કહેવાયું હતું કે પ્રિન્ટ મીડિયાએ કેન્દ્ર સરકાર પાસે રાહત પેકેજ માગ્યું છે. તેમણે રાજ્ય સરકારોને પણ સહાયતા કરવાની વિનંતી કરી હતી. આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરાય એ જરૂરી છે. સરકારી એજન્સી બ્યૂરો ઓફ આઉટરેચ એન્ડ કોમ્યુનિકેશન તાકીદે યોગ્ય નિર્ણય લે તેના ઉપર ઈન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટીના પ્રમુખે ભાર મૂક્યો હતો. ખાસ તો સરકારી જાહેરાતોની એપ્રિલ સુધીની જે બાકી રકમ નીકળે છે તે તાત્કાલિક ચૂકવવાની માગણી તેમણે કરી હતી.

દિલ્હી-હરિયાણાના રસ્તા લોકોએ ખોદી નાખ્યા!

દિલ્હીથી હરિયાણામાં કોઈનો પ્રવેશ ન થાય તે માટે હરિયાણાના સરહદી વિસ્તારના ગામડાંના રસ્તા ખોદી નાખવામાં આવ્યાં છે. હરિયાણાએ દિલ્હી જવા-આવવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. વેપારીઓ પણ આઝાદપુરાની મંડીમાં આવી શકતા નથી. હવે કોઈ ઘૂસણખોરી ન કરે તે માટે સરહદી વિસ્તારના ગામડાંના રસ્તાં ખોદી નાખવામાં આવ્યાં છે. ગામના લોકોએ જ દિલ્હીથી કોઈ રોડ ક્રોસ ન કરે તે માટે રસ્તા ખોદી નાખ્યા છે.

ગુરુગ્રામ જિલ્લાના રસ્તા કે જે દિલ્હી સાથે જોડે છે, તેને પણ ઊંડા ખાડા પાડીને બંધ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસના ઈશારે ગ્રામ પંચાયતોએ ૧૪ સરહદી ગામના અંદાજે ૩૪ રસ્તા આ રીતે બંધ કરી દીધા છે. હરિયાણા અને દિલ્હી વચ્ચે બે પાડોશી દેશો વચ્ચે હોય એવો સંઘર્ષ જામ્યો છે.

શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ટરનેટ યુઝર્સ વધ્યાં

પહેલી વખત શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી ગઈ છે. ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે પહેલી વખત ગામડાંમાં શહેરોની તુલનાએ ઈન્ટરનેટ યુઝર્સ વધારે નોંધાયા છે. આંકડા પ્રમાણે ભારતના ગ્રામ્ય વિસ્તારમાં ૨૨.૭ કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે. અર્બન વિસ્તારમાં ૨૨.૬ કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે. ૨૦૧૯ના આંકડા પ્રમાણે દેશના છથી લઈને ૧૭ વર્ષના ૭ કરોડ બાળકો પણ ઓનલાઈન થાય છે. જોકે, એ આંકડો ઈન્ટરનેટ યુઝર્સના આંકડામાં સામેલ છે. કારણ કે આ બાળકો પરિવારના સભ્યોના મોબાઈલમાંથી ઓનલાઈન થાય છે.

- ઈન્દર સાહની

Tags :