દિલ્હીની વાત : શાહે આખી મીડિયા ટીમની બદલી કરી નાંખી
શાહે આખી મીડિયા ટીમની બદલી કરી નાંખી
નવીદિલ્હી, તા.05 જૂન 2020, શુક્રવાર
અમિત શાહે શુક્રવારે સપાટો બોલાવીને ગૃહ મંત્રાલયની મીડિયા ટીમના તમામ ઉચ્ચ અધિકારીની બદલી કરી નાંખી છે. છેલ્લા એક મહિનામાં જ થયેલી બે મોટી ભૂલોના કારણે આખી ટીમનો ભોગ લેવાઈ ગયો છે.
પશ્ચિમ બંગાળમાં આવેલા એમ્ફાન વાવાઝોડા વખતે ગૃહ મંત્રાલયના સત્તાવાર ફેસબુક પેજ પર એનડીઆરએફ ટીમ રાહત કાર્યો કરે છે એવી તસવીરો સાથે શરાબ-નાસ્તાની તસવીર પણ મૂકાઈ હતી. આ પોસ્ટ વાયરલ થઈ હતી અને ગૃહ મંત્રાલયની આકરી ટીકાઓ થઈ હતી. વ્યક્તિગત રીતે પણ શાહ પર ટીકાનો મારો ચાલ્યો હતો અને ભારે મજાક પણ ઉડાવાઈ હતી.
આ ઓછું હોય તેમ મોદી સરકારને એક વર્ષ થયું ત્યારે ગૃહ મંત્રાલયની સિધ્ધીઓનું સાહિત્ય તૈયાર કરાયું તેમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો ઉલ્લેખ જ નહોતો. તેના કારણે મોદી પણ નારાજ થતાં બગડેલા શાહે આખી મીડિયા ટીમ જ બદલી નાંખી છે. મીડિયા ટીમનાં હેડ વસુધા ગુપ્તાને તો ઉઠાવીને પીઆઈબીના ફેક્ટ ચેક યુનિટમાં મૂકી દેવાયાં છે. તેમના સ્થાને સીબીઆઈ અને સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા રહી ચૂકેલા નીતિન વાકણકરને લવાયા છે.
કેન્દ્રને મહિને પોણા ત્રણ લાખ કરોડની ઘટ
મોદી સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં કોઈ પણ નવી યોજના લાગુ નહીં કરવાનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલય પાસે નાણાં જ નથી તેના કારણે હવે પછીના નવ મહિના દરમિયાન કોઈ પણ મંત્રાલયની નવી યોજનાને મંજૂરી નહીં અપાય. એટલું જ નહીં પણ પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના અને આત્મનિર્ભર ભારત યોજના સિવાયની બાકીની તમામ સરકારી યોજનાઓને હાલ પૂરતી અભરાઈ પર ચડાવી દેવા કહી દેવાયું છે.
સરકાર સૂત્રોના મતે, આ તો પાશેરામાં પહેલી પૂણી છે અને ચાલુ નાણાંકીય વર્ષમાં હજુ તો ઘણાં આકરાં પગલાં માટે લોકોએ તૈયાર રહેવું પડશે. તેનું કારણ એ કે, કેન્દ્રની આવક સાવ જ ઘટી ગઈ છે ને બે છેડા ભેગા થાય એવું પણ નથી. એપ્રિલ મહિનામાં કેન્દ્રને કરવેરામાંથી ૨૭ હજાર કરોડ રૂપિયાની આવક થઈ ને તેની સામે ખર્ચ ૩.૦૭ લાખ કરોડ થતાં ૨.૮૦ લાખ કરોડની ખાધ બોલે છે. દર મહિને આ ખાધ વધશે એ જોતાં સરકારી કર્મચારીઓએ પગાર કાપ ને નોકરીયાતોએ વધારે ટેક્સ ચૂકવવા તૈયાર રહેવું પડશે.
એક કરોડ પગાર લેનારી શિક્ષિકાને કેન્દ્રમાંથી મદદ ?
ઉત્તર પ્રદેશની શિક્ષિકા અનામિકા શુકલાએ ૧૩ જ મહિનામાં એક કરોડ રૂપિયાનો પગાર લીધો એ મુદ્દે રેલો દિલ્હી સુધી પહોંચ્યો છે. આ કૌભાંડ માનવ સંશાધન મંત્રાલયમાંથી થયું હોવાની શક્યતા હોવાથી તપાસ શરૂ કરાઈ છે.
અનામિકાની એક સાથે ૨૫ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી)માં કોન્ટ્રાક્ટ પર નિમણૂક થઈ હતી. ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાની આ દરેક સ્કૂલમાંથી અનામિકાને મહિને ૩૦ હજાર રૂપિયા પગાર મળતો હતો. મહિલા સાડા સાત લાખ રૂપિયા લેખે તેર મહિનામાં તેણે ૯૭ લાખ રૂપિયા પગાર લીધો છે. ઉત્તર પ્રદેશ સરકાર શિક્ષકોનો ડેટા બેઝ બનાવી રહી છે. એ વખતે આ ગરબડની ખબર પડતાં અનામિકા ફરાર થઈ ગઈ છે.
કેજીબીવી ગરીબ વર્ગની છોકરીઓ માટેની રેસિડેન્શિયલ સ્કૂલ છે. તેનું સંચાલન કેન્દ્ર સરકારમાં માનવ સંશાધન મંત્રાલય દ્વારા થાય છે. શિક્ષકોની નિમણૂક રાજ્યના સર્વ શિક્ષા અભિયાન દ્વારા થાય છે પણ તેની વિગતો કેન્દ્રને મોકલાય છે. સરકારી સૂત્રોના મતે, એક જ વ્યક્તિને ૨૫ સ્થળે નિમણૂક માનવ સંશાધન મંત્રાલયમાં બેઠેલા કોઈ મોટા માથાની મદદ વિના શક્ય નથી.
યોગ દિવસની ઉજવણી મુદ્દે મોદી અવઢવમાં
મોદી દર વરસે ૨૧ જૂને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ધામધૂમથી ઉજવણી કરાવે છે પણ આ વખતે મોદી અવઢવમાં છે. કોરોનાના કારણે આ વખતે કોઈ જાહેર કાર્યક્રમ નથી થવાનો એવી સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે પણ મોદીના કાર્યક્રમ વિશે અનિશ્ચિતતા છે. પહેલાં એવું નક્કી થયેલું કે, મોદી લેહમાં યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમ કરશે. આ કાર્યક્રમની તૈયારી પણ કરી દેવાઈ હતી પણ લેહ-લડાખમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવતાં હવે અનિશ્ચિતતા છે.
લડાખમાં કોરોનાના બહુ કેસો નહોતા નોંધાયા. એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ કેન્દ્રશાસિત પ્રદેશ કોરોનામુક્ત થઈ જશે એવું લાગતું હતું. મ મહિનાની શરૂઆતમાં અચાનક ચિત્ર બદલાયું ને વીસેક નવા કેસ આવતાં હવે કશું નક્કી નથી. આ કાર્યક્રમ ના થાય તો મોદી પોતાના સત્તાવાર નિવાસસ્થાને કાર્યક્રમ કરે એવી વૈકલ્પિક તૈયારી શરૂ કરી દેવાઈ છે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય વીડિયો બ્લોગ સ્પર્ધા માયલાઈફમાયયોગા શરૂ કરી છે. તેમાં આવેલા શ્રેષ્ઠ વીડિયો એ વખતે બતાવવાનું આયોજન છે.
જાણીતા બેંકર કામથને મોદી ટિકિટ આપશે
કોંગ્રેસે કર્ણાટકમાં મલ્લિકાર્જુન ખડગેને રાજ્યસભા માટે ઉમેદવાર બનાવ્યા છે ત્યારે ભાજપમાં ધમાસાણ મચ્યું છે. ભાજપમાંથી નિવૃત્ત થતા સાંસદ પ્રભાકર કોરે ઉપરાંત દિગ્ગજ નેતા સ્વ. અનંત કુમારનાં પત્ની તેજસ્વિની, સંઘના પ્રો. એમ. નાગરાજ, મીડિયો બેરન વિજય શંકેશ્વર પ્રબળ દાવેદાર છે. લિંગાયત નેતા ઉમેશ કટ્ટીએ ભાઈ રમેશ કટ્ટીને ટિકિટ ના મળે તો બળવાની ધમકી આપતાં ભાજપ પર ભારે દબાણ છે.
ભાજપનાં સૂત્રોની વાત માનીએ તો એક બેઠક માટે કે.વી. કામથ નક્કી છે. આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ ચેરમેન કામથ મોદીની અંગત પસંદગી છે. એશિયન ડેવલપમેન્ટ બેંકમાં પણ કામ કરી ચૂકેલા કામથને મોદીએ ૨૦૧૬માં બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, સાઉથ આફ્રિકા) દેશો દ્વારા બનાવાયેલી ન્યુ ડેવલપમેન્ટ બોર્ડના પહેલા વડા બનાવાયા હતા.
મોદી સરકારને લોકડાઉન પછીની સ્થિતીમાં આર્થિક અને વિશેષ તો બેકિંગ ક્ષેત્રના નિષ્ણાતોની જરૂર છે. મોદી કામથને રાજ્યસભામાં જીતાડીને સરકારમાં લાવે તેવી પણ શક્યતા ભાજપનાં સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. કામથ સંઘની પણ નજીક છે તેથી તેમની ટિકિટ પાકી મનાય છે.
ગોયલના 'ઉસૈન બોલ્ટ'ના વીડિયોને લોકોએ વધાવ્યો
રેલ્વે મંત્રી પિયૂષ ગોયલે રેલ્વે પોલીસ ફોર્સ (આરપીએફ)ના કોન્સ્ટેબલ ઈન્દર યાદવની ઉસૈન બોલ્ટ સાથે સરખામણી કરી તેને સોશિયલ મીડિયાએ વધાવી લીધી છે.
કર્ણાટકથી ઉત્તર પ્રદેશના ગોરખપુર જઈ રહેલી શ્રમિક એક્સપ્રેસમાં બેઠેલી શાફિયા હાશમી પાસે પોતાની નવ મહિનાની બાળકી માટે દૂધ નહોતું. ભોપાલ સ્ટેશને શાફિયા પાણીમાં બિસ્કિટ પલાળીને ખવડાવતી હતી ત્યારે યાદવે આ જોયું. યાદવ તરત બાળકી માટે દૂધ લેવા ગયો. દરમિયાનમાં ટ્રેન ઉપડી ગઈ તેથી યાદવે એક હાથમાં દૂધની થેલી અને બીજા હાથમાં રાઈફલ સાથે દોટ મૂકીને બારીમાંથી શાફિયાને દૂધની થેલી આપી દીધી.
આ વીડિયો સાથે ગોયલે લખ્યું છે કે, એક હાથમાં રાઈફલ અને બીજા હાથમાં દૂધ. ભારતીય રેલ્વેએ કઈ રીતે ઉસૈન બોલ્ટને પાછળ પાડી દીધો એ જુઓ.
આ ટ્વિટને વધાવીને લોકોએ ઈન્દરની માનવતાને વધાવી છે. લોકોએ કોમેન્ટ કરી છે કે, ઈન્દરને બોલ્ટની જેમ ગોલ્ડ મેડલની જરૂર નથી કેમ કે તેની પાસે ગોલ્ડન હાર્ટ છે.
***
નોન કોવિડ બિમારીઓમાં દર વર્ષે 97 લાખ લોકો મરે છે
હાલમાં નિતી નિર્ધારકો અને પ્રજાનું ધ્યાન માત્ર કોવિડ-૧૯ કેસ ઉપર જ છે જે ખુબ ઝડપથી પ્રસરી રહ્યા છે.પરંતુ તેના કરતાં પણ મોટી ચિંતા છે. તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાયલ દ્વારા કરાયેલા એક અહેવાલ નેશનલ બર્ડન ઓફ એસ્ટીમેટ સર્વે મુજબ, ભારતમાં દર વર્ષે બિન કોવિડ બિમારીઓમાં આશરે ૯૭ લાખ લોકો મરી જાય છે જે આખી દુનિયાના મૃત્ય કેસનો પાંચમો ભાગ છે. ૬.૫૬ લાખ મોત બ્રેન સ્ટ્રોકના કારણે,૫.૧૯ લાખ ડાયેરિયાના કારણે, ૩.૭૫ ટીબીના કારણે,૨.૭૫ લાખ માર્ગ અકસ્માતના કારણે અને ૧.૯૯ લાખ આત્મહત્યાના કારણે મોત થાય છે.આ માત્ર જૂજ ઉદાહરણો છે. આ ઉપરાંત પણ અન્ય બિમારીઓના કારણે લોકો મરે છે.આનો અર્થ એ થયો કે કોવિડ મહામારી ઉપરાંત પણ જંગી સંખ્યામાં લોકો મરે છે, એમ આરોગ્યના નિષ્ણાતો કહે છે.જે આંકડા રજૂ કરાયા છે તે પોતે જ પોતાની વાત કહી જાય છે જે પોલીસી મેકર્સને સંદેશો આપે છે.
કોવિડના કારણેે પ્લાસ્ટીક માસ્ક પ્રદુષણ વધે છે
નાશ પાત્ર પીપીઇ કિટ્સ,ચહેરા માટેના માસ્ક અને હાથના મોજા ઉપર વધુ ભાર મૂકતાં આ મહામારી પછી વાતાવરણમાં પ્રદુષણની એક અન્ય સમસ્યા ઊભી થશે, એમ પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા નિષ્ણાતો માને છે. વિશ્વ પર્યાવરણ દિવસે તેમણે આ ચેતવણી ઉચ્ચારી હતી.એક વાર ઉપયોગમાં લીધા પછી આ સાધનો રસ્તામાં ગમે ત્યાં પડેલા જોવા મળે છે.રસ્તા થી લઇ દરિયા કિનારા સુધી આ સમસ્યા દેખાય છે.'વાપરેલા માસ્ક એન્ટી સેપ્ટીક પ્રવાહી સાબુમાં ધોવા જોઇએ અને તેને ૭૨ કલાક સુધી રાખી મૂકયા પછી જ તેનો નાશ કરવો જોઇએ'એમ દિલ્હીના પર્યાવરણવાદી રાકેશ ખત્રીએ કહ્યું હતું.ઉપરાંત ફિલ્મ અભિનેત્રીઓ દિયા મિર્ઝા અને ભૂમિ પેડણેકરે પણ વધતી જતી આ સમસ્યા અંગે વાત કહી હતી.'મહામારીમાં લોકો એક વાર ઉપયોગમાં લેવાય એવા પ્લાલ્ટીકના માસ્ક સુરક્ષિત લાગે છે.પરંતુ આપણે એક વાર ઉપયોગમાં લેવાયેલા આવા સાધનોના નિકાલ અંગે પણ વિચાર કરવો જોઇએ.'જો આપણે પણ જાપાનની જેમ રિસાયકલિંગ કરવાનું શરૂ કરીએ જ્યાં ૮૫ ટકા પ્લાસ્ટીક રિસાયકલ થાય છે તો આપણે પણસુરક્ષિત રહી શકીશું'એમ ભૂમિએ કહ્યું હતું.
હમ કબ તક ફસેં રહેગેં, મેડમજી
હજુ પણ પ્રવાસી મજુરોને તેમના ઘર જવા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.લુધિયાણાથી બિહારના કટિહાર જવાની રાહ જોઇ રહેલા મૌલાના હિલાલ અને તેમના જેવા અન્ય અન્ય ૩૫ જણાએ મમતા બેનર્જીનેને કહ્યું હતું કે 'મેડમજી, હમ કબ તક યહાં ફસેં રેહેગેં. હમે ઘર જાના હૈ, આપ કુછ કિજીયે'તેમણે બિહાર જવા માટે અન્ય વિકલ્પો પણ અજમાવ્યા હતા જેમકે જરૂરી ફોર્મ ભરેલા અને ટ્રેનમાં ક્યાં જવા જવાનું છે વગેરે વિગતો લખી હતી. તેમ છતાં દિવસો સુધી તેમને જવાબની રાહ જોવી પડી હતી. તેમણે પોતાના ઘર છોડી દીધા હતા, ટિકિટો બુક કરી લીધી હતી અને શેલ્ટર હોમમાં પણ જતા રહ્યા હતા. પરંતુ તેમની આશા ઠગરી નીવડી હતી. છેલ્લા બે દિવસોમાં કેટલીક ટ્રેનો ચલાવવામાં આવી હતી પરંતુ તેમનો નંબર આવ્યો જ નહતો.હવે તો ખાસ શ્રમિક ટ્રેનો પણ બંધ કરી દેવાઇ છે. પ્રવાસી મજુરોને તેમના ઘરે પહોંચાડવા માટે ટ્રેનો દોડાવવાની સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ સુચના છતાં તેનો અમલ કરાયો નથી.
રાહુલ ગાંધી પત્રકાર છે કે રાજકારણી?
કોવિડ-૧૯ના પરિણામો અંગે અર્થતંત્ર પર પડનારી તેની અસર અંગે ઉદ્યોગપતિ રાહુલ બજાજ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કરેલી વાતચીત પર અનેક લોકો ટ્વિટરમાં તેમની મજાક ઉડાવે છે.રાહુલ ગાંધીનો આ કંઇ પહેલો ઇન્ટવ્યુ ન હતો. અગાઉ રાહુલ ગાંધીએ નોબલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી ઉપરાંત રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રધુરામ રાજન સાથે પણ લોકડાઉનની અર્થતંત્ર પણ કેવી અસર પડશે તે અંગે ચર્ચા કરી હતી. આ ઇન્ટરવ્યુ કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે પ્રસારિત કરાય છે. પરંતુ અનેક લોકો હજુ પણ સવાલ કરે છે કે રાહુલ રાજકારણી છે કે પત્રકાર? શું તેઓ પત્રકાર બનવા વિચારી રહ્યા છે. શા માટે તેઓ ઇન્ટરવ્યુમાં ભાગ લે છે?કોઇ રાજકારણી નોબેલ પુરસ્કાર વિજેતા અથવા તો કોઇ ઉદ્યોગપતિનો ઇન્ટરવ્યુ લે આવું તો ભાગ્યે જ બને છે. કેટલાકના માટે આ નકામી કસરત છે અને સમયની બરબાદી. આટલો સમય દેશમાં લોકોની મદદ માટે ફાળવવો જોઇતો હતો. અન્યો માટે, રાષટ્રીય માધ્યમોના તેમના અભિપ્રાયો પર પ્રહાર કરવાની તક હતી. કારણ કે નેશનલ મીડિયા એ દેશના અતિ મહત્તવના મુદ્દાઓ પર ક્યારે પણ ચર્ચા કરી જ નથી.જો રાષટ્રીય માધ્યમો આવા મુદ્દાઓ અંગે ચર્ચા ના કરતા હોય તો રાજકારણી પોતે જ આવા મુદ્દાઓ ઉઠાવશે.
મંદિરમાં પ્રસાદી નહીં અપાય
હજુ પણ દેશમાં કોરોનાવાઇરસના સંક્રમિતોની સંખ્યા વધતી જતાં ધાર્મિક સ્થળોએ જવાના ઉપાયો પણ બદલાઇ જશે.મંદિરોમાં ભીડ નહીં કરવાની અને મૂર્તિને સ્પર્શ નહીં કરવાનું તેમજ પ્રસાદી પણ નહીં માંગવાની, એમ નવા આદેશોમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું. ભજન પણ ગાવાનું બંધ. માત્ર રેકોર્ડ કરેલા ભજનો જ વગાડવાના અને કોઇ પણ જાતનો અવાજ નહીં કરવાનો.નવી માર્ગદર્શિકા અનુસાર મંદિરમાં આવવા અને જવાના રસ્તાઓ અલગ અલગ બનાવવા પડશે. ઓછામાં ઓછું છ ફુટનું અંતર રાખવું પડશે. કોઇ મૂર્તિની સ્પર્શ કરવાનું નહીં કે તેની પર જળાભિષેક કરવાનું પણ નહીં.
- ઇન્દર સાહની