દિલ્હીની વત : સોનિયાએ રાત્રે ફંડ મોકલ્યું, સવારે માસ્ટરસ્ટ્રોક ફટકાર્યો
સોનિયાએ રાત્રે ફંડ મોકલ્યું, સવારે માસ્ટરસ્ટ્રોક ફટકાર્યો
નવી દિલ્હી, તા.04 મે 2020, સોમવાર
સોનિયા ગાંધીએ ગરીબ કામદારોનું ટ્રેનનું ભાડું ચૂકવવાનો માસ્ટર સ્ટ્રોક ફટકારી મોદી સરકારની ઉંઘ ઉડાડી દીધી છે. વતન જતા ગરીબ શ્રમિકોનું ભાડું કોણ ચૂકવે એ મુદ્દે છેલ્લા બે દિવસથી ખેંચતાણ ચાલતી હતી. રેલ્વેએ જાહેરાત કરેલી કે, રાજ્યોએ આ ભાડું ચૂકવવું પડશે. રેલ્વેની 'અસંવેદનશીલ' અભિગમ સામે લોકોમાં આક્રોશ હતો પણ મોદી સરકારે તેને ના ગણકાર્યો.
સોનિયાએ આ સ્થિતીનો રાજકીય લાભ લેવા રવિવારે સાંજે જ કામદારોનું ભાડું ચૂકવવાનો નિર્ણય લઈ લીધો હતો. તેમણે પહેલાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓને આ માટે નાણાંની વ્યવસ્થા કરવા કહ્યું. પછી ખજાનચી અહમદ પટેલને બોલાવીને રાત્રે તમામ પ્રદેશ કોંગ્રેસ એકમોનાં ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યાં. આ વ્યવસ્થા પછી વહેલી સવારે તેમણે જાહેરાત કરીને મોદી સરકારને ઉંઘતી ઝડપી લીધી.
મોદી સરકાર હવે ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરવું તે વિચારી રહી છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરી કે, મારી પિયૂષ ગોયલ સાથે વાત થઈ છે. ૮૫ ટકા ભાડું રેલ્વે મંત્રાલય તથા ૧૫ ટકા રાજ્યો ભોગવશે તેથી કામદારે એક પૈસો નથી આપવાનો. રેલ્વેએ હજુ સત્તાવાર આ જાહેરાત કરી નથી તે જોતાં મોદી સરકાર આબરૂ બચાવવા બીજો રસ્તો કાઢશે એવું લાગે છે.
ભાજપ નેતાનું જૂઠાણું લોકોએ પકડી પાડયું
મોદી સરકારનો બચાવ કરવા માટે જૂઠાણું ચલાવનારા ભાજપ આઈ.ટી. સેલના અમિત માલવિયની સોશિયલ મીડિયા પર બરાબરની ધોલાઈ થઈ ગઈ. રેલ્વેએ કામદારોને વતન પહોંચાડવા માટે ખાસ ટ્રેનો શરૂ કરાવી છે. આ ટ્રેનમાં જનારા ગરીબ કામદારોનું ભાડું ચૂકવવાની કોંગ્રેસની જાહેરાત પછી માલવિયે ટ્વિટ કરી હતી કે, કોંગ્રેસને કામદારોના મુદ્દાને રાજકીય રંગ આપવા બદલ શરમ આપવી જોઈએ.
માલવિયે દાવો કર્યો કે, ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો છે કે કામદારોનું ૮૫ ટકા ભાડું રેલ્વે અને ૧૫ ટકા રાજ્ય સરકારો આપશે. માલવિયે તારીખ વિનાનો એક પત્ર પણ મૂકી દીધો હતો.
આ ટ્વિટ પછી રેલ્વેના મૂળ જાહેરનામાની નકલો મૂકીને લોકોએ માલવિયાની હાલત બગાડી નાંખી. આ પત્રમાં સ્પષ્ટ લખેલું છે કે, રાજ્ય સરકાર કામદારોને ટિકિટ આપશે ને તેમની પાસેથી ્ભાડું વસૂલીને રેલ્વેને આપશે. લોકોએ માલવિયને 'માલવેર'થી માંડીને 'અમિત મિયા' જેવાં નામે સંબોધીને મીમ્સ દ્વારા સલાહ આપી કે, અબ તો સચ બોલ દે...
પીએમ ફંડને મળેલા દાનની પીએમઓ પાસે જ માહિતી નથી
કોરોના સામે લડવા માટે મોદીએ બનાવેલા પીએમ કેયર્સ ફંડના નામે વધુ એક વિવાદ ઉભો થયો છે. મોદીએ ૨૮ માર્ચે આ ફંડની જાહેરાત કરી ત્યારથી અત્યાર સુધી કેટલી રકમનું દાન આવ્યું એ અંગે કોઈ માહિતી જ ઉપલબ્ધ નથી. ફંડની વેબસાઈટ પર કેટલું દાન મળ્યું અને કોણે તે આપ્યું તેની વિગતો નથી. મીડિયાએ આ અંગે પીએમઓમાં તપાસ કરી તો પીએમઓના એક અધિકારીએ 'કોઈ જાનકારી નહીં' એવો જવાબ આપતાં આ ફંડના વહીવટમાં પારદશતા અંગે ફરી સવાલો ઉભા થયા છે.
સરકારી સૂત્રો બિનસત્તાવાર રીતે એવું કહે છે કે, મોદીએ જાહેરાત કરી તેના એક અઠવાડિયામાં જ લોકોએ ૬૦૦૦ કરોડ રૂપિયાનું દાન કરી દીધું હતું. આ વાત એક મહિનો જૂની છે એ જોતાં અત્યાર સુધીમાં તો તેના કરતાં અનેક ગણી રકમ આવી ચૂકી હશે. જો કે મોદી સરકાર દ્વારા ચોક્કસ કેટલી રકમ આવી અને આ રકમ ક્યાં વપરાઈ તેની કોઈ માહિતી જ નથી અપાતી એ આશ્ચર્યજનક છે.
યોગીના પિતાના નામે ધારાસભ્ય કાશ્મીર ફરી આવ્યા
ઉત્તર પ્રદેશના અપક્ષ ધારાસભ્ય અમન મણિ ત્રિપાઠીએ યોગી આદિત્યનાથના પિતાના મૃત્યુના નામે ચરી ખાવા બદલ જેલભેગા થઈ ગયા છે. યોગી પોતાના પિતાનાં અંતિમ દર્શન નહોતા કરી શક્યા કે તેમની અંતિમવિધીમાં પણ હાજરી આપી નહોતા શક્યા ત્યારે ત્રિપાઠીએ મુખ્યમંત્રીના પિતાની અંતિમવિધીમાં હાજરી આપવાના નામે ખોટો પાસ બનાવડાવી લીધો હતો. પોતાની પત્નીની હત્યાના કેસમાં જેલમાં જઈ ચૂકેલા ત્રિપાઠીના પિતા અમરમણિ પણ ગેંગસ્ટર-રાજકારણી છે.
યોગીનો પરિવાર ઉત્તરાખંડમાં હોવાથી ત્રિપાઠી ત્રણ કારના કાફલા સાથે અંતિમવિધીમાં હાજરી આપવાના બહાને ફરવા નિકળી ગયા હતા. ઉત્તર પ્રદેશથી એ દહેરાદૂન થઈને શ્રીનગર ગયા. શ્રીનગરથી કોટદ્વારના રસ્તે ઉત્તરાખંડમાં પ્રવેશ્યા પછી પૌડી, રૂદ્રપ્રયાગ થઈ ચમોલી જિલ્લામાં પ્રવેશ્યા ત્યારે તેમની પોલ પકડાતાં કલેક્ટરે તેમને પાછા મોકલ્યા હતા. કલેક્ટરે મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતને જાણ કરતાં તેમણે આપેલા આદેશને પગલે રીશીકેશથી ત્રિપાઠીને ઝડપી લેવાયા. ત્રિપાઠીને તરત જામીન મળી ગયા પણ આ ઘટનાએ રાજકારણીઓ કોઈ પણ હદે જઈ શકે એ સાબિત કરી દીધું.
રિજિજુએ દોડવીરોના મુદ્દે દબાણમાં ભૂલ કર્યાનું કબૂલ્યું
રાજકારણીઓ પોતાની ભૂલ સ્વીકારતા નથી હોતા. આ માહોલમાં રમતગમત પ્રધાન કિરેન રિજિજુએ મધ્ય પ્રદેશના રામેશ્વર ગુર્જર અને કર્ણાટકના શ્રીનિવાસ ગૌડાને ટ્રાયલ માટે દબાણમાં આવીને બોલાવીને ભૂલ કરી હોવાનું નિખાલસતાથી સ્વીકાર્યું.
ગુર્જર અને ગૌડા બંનેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. બંને દસ સેકન્ડથી ઓછા સમયમાં સો મીટર દોડે છે અને ઉસૈન બોલ્ટને ટક્કર મારી ઓલિમ્પિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવી શકે છે એવી વાતો થતી હતી. ગુર્જર માટે તો શિવરાજસિંહ ચૌહાણે પણ ભલામણ કરી હતી.
રિજિજુના કહેવા પ્રમાણે, આ બધી વાતોના કારણે પોતે દબાણમાં આવી ગયેલા. તેમને લાગવા માંડેલું કે, સ્પોર્ટ્સ મિનિસ્ટર કંઈ નથી કરતા એવી ટીકાઓ લોકો કરશે તેથી તેમણે બંનેને તાત્કાલિક ટ્રાયલ માટે બોલાવ્યા હતા પણ બંને નિષ્ફળ ગયા. બંને ૧૩ સેકન્ડમાં સો મીટરની દોડ પૂરી કરી શક્યા હતા. બંને જુનિયર ખેલાડીઓને પણ દોડમાં પાછળ નહોતા છોડી શક્યા તેથી બંનેનાં પ્રકરણ ત્યાં જ પૂરાં કરી દેવા પડેલાં.
સિંઘવીને સંઘ પર હેત ઉભરાતાં આશ્ચર્ય
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તરફેણ કરીને આશ્ચર્ય સર્જ્યું છે. સોશિયલ મીડિયા પર સંઘ પર પ્રતિબંધની માગ સાથેનું હેશટેગ રવિવારે ટ્રેન્ડ કરતું હતું. સિંઘવીએ ટ્વિટ કરીને સંઘ પર પ્રતિબંધની ઝુંબેશનો વિરોધ કર્યો. સિંઘવીનું કહેવું છે કે, સંઘના ઘણા વિચારો સાથે પોતે સહમત નથી પણ સંઘ પર પ્રતિબંધની તરફેણમાં પણ નથી કેમ કે ભારતમાં ભિન્ન ભિન્ન મત જરૂરી છે ને આથક મુદ્દે એકદમ ડાબેરી ને જમણેરી બંને વિચારધારા જરૂરી છે.
કોંગ્રેસ ડાબેરી ને જમણેરી બંને વિચારધારાની વિરૂધ્ધ છે. કોંગ્રેસ સંઘને કોમવાદી ગણાવીને તેના પર પ્રતિબંધની તરફેણ કરે છે ત્યારે સિંઘવીએ સાવ અલગ મત દર્શાવ્યો છે. આ પહેલાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે પણ સિંઘવીએ એવી કોમેન્ટ કરી હતી કે, કોંગ્રેસને ફરી બેઠા થવા માટે નવા ચહેરાની જરૂર છે.
સિંઘવીની સંઘ અંગેની કોમેન્ટ પછી એવી મજાક થઈ રહી છે કે, સિંઘવીનું મન પણ કોંગ્રેસથી ભરાઈ ગયું છે કે શું ?
* * *
પરપ્રાંતીય મજૂરોની ઘરવાપસી મુદ્દે વિવાદ યથાવત
પરપ્રાંતીય મજૂરોની ઘરવાપસી મુદ્દે સરકાર ઘેરાઈ ગઈ છે. રેલવેએ ૧૬ શ્રમિક ટ્રેન રવાના કરી, પરંતુ એના પેસેન્જર્સની ટિકિટ બાબતે સરકાર ભીંસમાં આવી ગઈ છે. રેલવેએ એક નોટિફિકેશન બહાર પાડીને મજૂરો પાસેથી ટિકિટ વસૂલવાનું જણાવ્યું હતું. સ્થાનિક સરકારો ટિકિટની રકમ વસૂલીને રેલવેને આપશે પછી ટ્રેન ઉપડશે એવા અર્થની નોટિસ પછી વિપક્ષોએ સરકારને નિશાન બનાવી છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ જાહેરાત કરી હતી કે મજૂરોના પૈસા કોંગ્રેસ પક્ષ ચૂકવશે. અખિલેશ યાદવ, સીતારામ યેચૂરી, હેમેન શોરેન સહિતના તમામ વિપક્ષના નેતાઓએ સરકારની ઝાટકણી કાઢી હતી. ભાજપના જ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ ટ્વીટરમાં લખ્યું હતું કે વિદેશથી આવેલા ભારતીયો પાસેથી એર ઈન્ડિયાએ એક રૂપિયો પણ વસૂલ્યો ન હતો. એ જ રીતે રેલવે પણ મજૂરો પાસેથી ટિકિટ ન લેવી જોઈએ. જો રેલવે પાસે બજેટ ન હોય તો પીએમ કેર્સ ફંડમાંથી આ રકમ આપવી જોઈએ. એ પછી સરકાર સફાળી જાગી હતી. સરકારે બધા મોરચે બચાવ શરૂ કર્યો હતો. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે ટિકિટના પૈસા મજૂરો પાસેથી વસૂલાશે નહીં, પરંતુ ૮૫ ટકા રકમ કેન્દ્ર સરકાર આપશે અને ૧૫ ટકા રકમ રાજ્યો સરકારે ચૂકવશે.
સગર્ભાઓની દયનીય સ્થિતિ
સગર્ભાઓ માટે સ્થિતિ દિવસે દિવસે લોકડાઉનના કારણે વધારે મુશ્કેલ બનતી જાય છે. તેમની ડિલિવરીની તારીખ સાવ નજીક આવી જાય છે, તેમના માટે બે મુશ્કેલી સર્જાય છે. એક, હોસ્પિટલ સુધી કેવી રીતે પહોંચવું? બીજું, હોસ્પિટલોમાં કોરોના સંક્રમણનો ખતરો. ત્રીજા પ્રકારની સમસ્યા આ બંનેથી સાવ અલગ છે. ઘણી સગર્ભાઓને ઘરમાં જ બાળકને જન્મ આપવો પડે છે. ઘણી હોસ્પિટલો સુરક્ષાના કારણોસર જોખમ લેવાનું ટાળે છે. સર્ગભાઓને દાખલ કરતા નથી. એ કારણે પ્રસુતિની પીડા ઉપડે પછી ઘણી મહિલા પાંચ-પાંચ, સાત-સાત હોસ્પિટલોમાં સારવાર માટે જાય છે છતાં તેમને સારવાર મળતી નથી એવીય ફરિયાદ ઉઠે છે. છેવાડાના જિલ્લાના ટાઉનમાં વધુ મુશ્કેલી થઈ રહી છે. ગણી-ગાંઠી હોસ્પિટલો હોવાથી એમાં સારવાર શક્ય ન બને તો મહિલાઓ ખરા સમયે જ મુશ્કેલીમાં મૂકાય છે.
રાજ્યો વચ્ચે બે દેશ જેવો સરહદી પહેરો!
સરહદી દેશો વચ્ચે જેવી તંગ સ્થિતિ હોય છે. એવી સ્થિતિ હવે ભારતના રાજ્યો વચ્ચે પણ સર્જાઈ ગઈ છે. ભારત-પાકિસ્તાન જેવા દેશોમાં એક જ પરિવારના સભ્યો એક-મેકને મળી શકતા નથી, એવી જ સ્થિતિ દિલ્હી અને સરહદી રાજ્યો વચ્ચે સર્જાઈ ગઈ છે. કોરોનાએ જાણે મિનિટોનું અંતર જોજનો જેટલું કરી દીધું છે. દિલ્હી-ગુરુગ્રામ રોડમાં એવા દૃશ્યો સર્જાયા છે કે એક જ પરિવારના લોકો દૂર ઉભા રહીને એક-બીજાને જોઈ શકે છે, મળી શકતા નથી. માતા-પિતા તેમનાં સંતાનોને દૂરથી જોઈને સંતોષ માને છે. સંતાનો માતા-પિતાની દૂરથી જ ભાળ મેળવે છે. ઘણાં દૂરથી એક-બીજાને દવા અને દસ્તાવેજો મોકલી આપે છે, પરંતુ મળી શકતા નથી. દિલ્હી સાથેની સરહદો હરિયાણા અને ઉત્તર પ્રદેશે સાવ બંધ કરી દીધી છે ત્યારથી દિલ્હીવાસીઓ માટે વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે.
પ. બંગાળમાં મુખ્યમંત્રી-રાજ્યપાલ વચ્ચે શાબ્દિક યુદ્ધ
પશ્વિમ બંગાળમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે કોરોનાની સમાંતરે શાબ્દિક યુદ્ધ પણ ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યપાલને ભાજપના પ્રવક્તા જેવું વર્તન ન કરવાની સલાહ આપી તે પછી રાજ્યપાલ જગદીપ ધનખડે પણ મમતા દીદીને તાનાશાહ જેવું વર્તન કરતા હોવાનો ટોણો માર્યો હતો. કોરોના મુદ્દે રાજ્ય સરકાર રાજ્યપાલને અહેવાલ આપતી નથી અને રાજ્ય સરકાર બરાબર કામ કરતી નથી એવું રાજ્યપાલે અગાઉ કહ્યું હતું. તે પછી મમતા દીદીએ કહ્યું હતું કે રાજ્યપાલે ચૂંટાયેલા જનપ્રતિનિધિનું સન્માન કરવું જોઈએ. મમતા દીદીએ રાજ્યપાલને રોકડું પરખાવ્યું હતું કે રાજ્યપાલનું પદ નિયુક્ત કરવામાં આવે છે, જ્યારે મુખ્યમંત્રી ચૂંટાઈને આવે છે. આ ટોણા પછી રાજ્યપાલે મુખ્યમત્રીને પત્ર લખીને કહ્યું હતું ઃ બંધારણના માપદંડો બાબતે તમારું વલણ તાનાશાહી દર્શાવે છે, જેનું લોકશાહીમાં કોઈ સ્થાન ન હોઈ શકે.
8 લાખ લીટર બીયર બર્બાદ થશે
ઘણાં રાજ્યોએ દારૂ ઉત્પાદિત કરતાં એકમોને છૂટછાટ આપી છે, પરંતુ બીયરબારને હજુ પરવાનગી મળી નથી. એ કારણે લોકડાઉનમાં દિલ્હીમાં અંદાજે આઠ લાખ લીટર બીયરનો જથ્થો ખરાબ થઈ ગયાનો અંદાજ છે અને તેને ગટરમાં નાખવા સિવાયનો કોઈ વિકલ્પ બચ્યો નથી એવી ચિંતા એ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોએ વ્યક્ત કરી હતી. લગભગ ૨૦૦ જેટલાં નાના-મોટા એકમો બીયરનું ઉત્પાદન કરે છે, પરંતુ ત્રીજા તબક્કામાં બીયરને પરવાનગી ન મળતા તેમને નુકસાન થશે. આ ક્ષેત્રના જાણકારોએ કહ્યું હતું કે બોટલબંધ બીયર તરત ખરાબ થતો નથી, પરંતુ તાજો બીયર બગડી જાય છે. લોકડાઉનના ત્રીજા તબક્કામાં દારુના વેંચાણને છૂટ મળતાં તેનું ઉત્પાદન ફરી શરૂ થશે, જોકે, એમાંય નુકસાની વેઠવી પડશે. ૭૦૦ કરોડ રૂપિયાનો અંગ્રેજી દારુ કે જે ભારતમાં બન્યો હતો, એની નિકાસ અટકી ગઈ છે.
- ઈન્દર સાહની