For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બંગાળ-બિહારનું નુકસાન રોકવા ભાજપનું મિશન સાઉથ

Updated: Sep 18th, 2022

Article Content Imageબંગાળ-બિહારનું નુકસાન રોકવા ભાજપનું મિશન સાઉથ

નવીદિલ્હી, તા.૧૮

પશ્ચિમ બંગાળ, બિહાર સહિતનાં રાજ્યોમાં લોકસભાની ચૂંટણીમાં ફટકો પડશે એમ માનીને ભાજપે દક્ષિણ ભારતમાં રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વ્યૂહરચના અમલી મૂકીને અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે. શાહે હૈદરાબાદમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમો કરીન તેની શરૂઆત પણ કરી દીધી છે. ૨૦૨૪ની ચૂંટણી જીતવા માટે દક્ષિણનાં ૫ રાજ્યોમાં ભાજપ પૂરું જોર લગાવશે.  કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર અને તમિલનાડુમાં લોકસભાની ૧૨૯ બેઠક છે. ભાજપ તેમાંથી વીસ ટકા એટલે કે ૨૫ બેઠકો જીતવાનું લક્ષ્ય ધરાવે છે કે જેથી પશ્ચિમ બંગાળ અને બિહારમાં નુકસાન થાય તો સરભર થઈ જાય.

આ વ્યૂહરચનાના ભાગરૂપે ભાજપે કેરળમાંથી પી. ટી. ઉષા, આંધ્રથી વિજયેન્દ્ર પ્રસાદ, કર્ણાટકથી વીરેન્દ્ર હેગડે અને તમિલનાડુથી ઇલૈયા રાજાને રાજ્યસભામાં મોકલ્યાં છે. હવે પાંચેય રાજ્યોમાં સંઘમાંથી આવતા ચહેરા, પ્રાદેશિક પક્ષોના અસંતુષ્ટ નેતાઓનો સાથ તેમજ વિવિધ ક્ષેત્રોમાં સક્રિય બિનરાજકીય પ્રતિભાઓની લોકપ્રિયતાનો સહારો લેવાની વ્યૂહરચના અપનાવશે.

ભાજપે બહુ પહેલાં હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં 'મિશન સાઉથ'ની બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી. એ પ્રમાણે ભાજપ એક પછી એક કદમ ઉઠાવી રહ્યો છે.

રાહુલની તરફેણમાં માહોલ બનાવવા ઠરાવનો આદેશ

રાજસ્થાન કોંગ્રેસ એકમે રાહુલ ગાંધીને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માટે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો છે. કોંગ્રેસ પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવવાની ૨૪ સપ્ટેમ્બરથી શરૂઆત થવાની છે. એ પહેલાં અશોક ગેહલોતના ઈશારે આ ઠરાવ પસાર કરાયો છે એ સૂચક છે. દેશમાં આ પ્રકારનો ઠરાવ પસાર કરનારું રાજસ્થાન પહેલું રાજ્ય બન્યું છે. આ બેઠકમાં સોનિયા ગાંધીને નવા પ્રદેશ પ્રમુખ અને એઆઈસીસીના ડેલીગેટ નિમવાની સત્તા આપતો ઠરાવ પણ પસાર કરાયો હતો.

કોંગ્રેેસનાં સૂત્રોનું કહેવું છે કે, દેશભરમાં તમામ રાજ્યોનાં પ્રદેશ કોંગ્રેસ એકમોને રાહુલ ગાંધીને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માટેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવા કહી દેવાયું છે એ જોતાં ઉમેદવારી નોંધાવવાની તારીખ પહેલા જ રાહુલની તરફેણમાં માહોલ ઉભો કરી દેવાશે.

સોનિયા-રાહુલ વિરોધી જૂથનું કહેવું છે કે, આ પ્રકારના ઠરાવો કરીને લોકશાહી ઢબે ચૂંટણી કરવાની પ્રક્રિયાને હાસ્યાસ્પદ બનાવાઈ રહી છે.  સોનિયાને  ડેલીગેટ નિમવાની સત્તા અપાતાં પોતાને અનુકૂળ આવે એવા લોકોને જ નિમવામાં આવશે. ડેલીગેટ્સ પ્રમુખપદની ચૂંટણીમાં મતદાર છે.

ભાજપના મુખ્યમંત્રી માટે બેરોજગારી સમસ્યા જ નથી

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે બેરોજગી સમસ્યા જ નથી એવું નિવેદન કરતા તેમના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે. ઠાકુરે કહ્યું કે, કહ્યું કે, બેરોજગારી કોઈ સમસ્યા જ ના કહેવાય કેમ કે કોંગ્રેસના શસાન વખતે પણ બેરોજગારી હતી જ. ભાજપ સરકાર યુવાઓ માટે જે કરી શકતી હતી એ બધું કર્યું છે તેથી બેરોજગારીના મુદ્દાને ના ચગાવવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨મા જન્મદિવસ નિમિત્તે શિમલામાં આયોજીત કાર્યક્રમમાં ઠાકુરે કરેલા દાવાને યુવાનોની ક્ર મજાક ગણાવીને સોશિયલ મીડિયા પર લોકો ટીકા કરી રહ્યાં છે.

આ પહેલાં નિર્મલા સીતારામને પણ વિવાદાસ્પદ નિવેદન કરેલું કે, કેન્દ્ર સરકાર માટે વધતી જતી મોંઘવારીને રોકવી એ પ્રાયોરિટી નથી. લોકો સવાલ કરી રહ્યાં છે કે, બેરોજગારી અને મોંઘવારી જેવી સામાન્ય લોકોને તકલીફ આપતી તકલીફો ભાજપને તકલીફ ના લાગતી હોય તો પછી કંઈ કહેવાનું રહેતું જ નથી. કેટલાંકે લખ્યું છે કે, દેશમાં બેરોજગારીએ ૪૫ વર્ષનો રેકોર્ડ તોડયો છે ત્યારે ભાજપ પલાયનવાદ બતાવી રહ્યો છે.

ચિત્તા માટેના અભયારણ્યની જમીનનો મામલો કોર્ટમાં

નરેન્દ્ર મોદીના જન્મદિને નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા આઠ ચિત્તાને મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા તેમાં અણધાર્યો વિવાદ થઈ ગયો છે.  શ્યોપુરના કુનો નેશનલ પાર્કની પાલપુર રાજવીઓના વંશજોએ સિંહોના અભયારણ માટે આપી હતી પણ તેને બદલે ચિત્તા લવાતાં તેમણે કોર્ટમાં અરજી કરી છે, તેની સુનાવણી ૧૯ સપ્ટેમ્બરે સોમવારે થશે.

રાજવી પરિવારના વંશજોનો દાવો છે કે આ જમીન સિંહોને રાખવા માટે આપવામાં આવી હતી પણ ચિત્તા લાવવામાં આવી રહ્યા છે. વંશજોએ વિડિયો બહાર પાડીને માગણી કરી છે કે, અમને અમારી જમીન પાછી આપવામાં આવે અથવા સિંહોને અભયારણ્યમાં લાવવામાં આવે.

રાજવી પરિવારે વિજયપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ગ્વાલિયર હાઈકોર્ટના આદેશની અવમાનનાના આક્ષેપની અરજી પણ કરી છે. પાલપુર રાજ પરિવારનું કહેવું છે કે, હાઈકોર્ટે જિલ્લા વહીવટીતંત્રને અમારી અરજી અને દાવાઓ અંગે જવાબ આપવા કહ્યું હતું. હાઇકોર્ટનો સીધો આદેશ હોવા છતાં કલેકટરે અમારી અરજીનો ઉલ્લેખ કર્યા વગર રિપોર્ટ રજૂ કરીને જમીન સંપાદનનો હુકમ કર્યો તેથી તેમની સામે અવમાનનાની કાર્યવાહી કરાય.

મોદીએ અર્થતંત્ર પર ચર્ચા માટે બેઠક બોલાવી

ભારત સહિત વિશ્વભરના દેશોમાં મંદીનો માહોલ છે. વર્લ્ડ બેંક અને આઈએમએફ પણ ચેતવણી આપી ચૂક્યાં છે કે,  આગામી વર્ષે દુનિયામાં ભારે મંદી આવી શકે છે. આ રીપોર્ટના પગલે મોદી પણ એલર્ટ  થયા છે અને આર્થિક મુદ્દે ચર્ચા માટે ટોચના મંત્રીઓ અને તમામ સચિવોની બેઠક બોલાવી છે.

આ બેઠકમાં વર્લ્ડ બેંકના રિપોર્ટ  અંગે ચર્ચા કરાશે. આ બેઠક ૨૮ અથવા ૩૦ સપ્ટેમ્બરે મળે એવી શક્યતા છે. આ બેઠકમાં મોદી નવા ટાર્ગેટ અને ટાર્ગેટ પૂરા કરવા માટેની સમયમર્યાદા નક્કી કરશે.  

આ બેઠકમાં ભાગ લેનારા તમામ મંત્રીઓ અને સચિવોને સૂચના આપી દેવાઈ છે કે, પોતપોતાના મંત્રાલયોને લગતી આર્થિક બાબતોનું પ્રેઝન્ટેશન તૈયાર કરી રાખે. હજુ સુધી કોઈ એજન્ડા નક્કી  નથી કરાયો પણ મોટા ભાગે વિકાસ પ્રોજેક્ટ અંગે ચર્ચા થશે. લોકસભા ચૂંટણીને ફક્ત ૨૦ મહિના બાકી છે ત્યારે ભાજપ માટે બેઠક મહત્વની છે. આવતા વરસે મંદી આવે તો તેની અસર ચૂંટણી પર વર્તાય જ તેથી મોદી કોઈ કસર છોડવા માંગતા નથી.

અધિકારીઓને સંપત્તિ જાહેર કરવા ફરજ પડાશે

મોદી સરકાર ભ્રષ્ટ સરકારી અધિકારીઓ પર સકંજો કસવાની તૈયારીમાં છે. લોકપાલ અધિનિયમ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓએ  સંપત્તિ અને દેણાંની વિગતો રજૂ કરવી ફરજિયાત છે પણ મોદી સરાકરે હજુ સુધી તેને લગતા નવા નિયમો જાહેર કર્યા નહોતા. હવે સરકાર નવા નિયમો બનાવી રહી છ કે જેથી અધિકારીઓ છટકી ના શકે.

વિવિધ સેવા નિયમો હેઠળ, કર્મચારીઓ માટે તેમની સંપત્તિ અને દેણાંની વિગતો જાહેર કરવી ફરજિયાત છે. હવે લોકપાલ એક્ટ હેઠળ તેમને આવરી લેવાશે તેથી તેમણે લોકપાલ સમક્ષ પણ આ વિગતો પણ જાહેર કરવાની રહેશે. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, ૨૦૧૩ હેઠળ  દરેક જાહેર સેવકે દર વર્ષે ૩૧ માર્ચ સુધીમાં અથવા ૩૧ જુલાઈ પહેલાં સંપત્તિની વિગતો આપવી ફરજિયાત છે.

૨૦૧૪માં છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર હતી પણ મોદી સરકારે સતત તેની સમયમર્યાદા વધારીને અધિકારીઓને રાહત આપી હતી. મોદી સરકારે ૧ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ સમયમર્યાદા અનિશ્ચિત સમય માટે લંબાવી ત્યારે કહેલું કે, સરકાર આ સંબંધમાં નવા ફોર્મેટ અને નવા નિયમોને આખરી ઓપ આપી રહી છે. હવે પાંચ વર્ષ પછી સરકાર સફાળી જાગી છે.

***

'ભાજપના કાવતરાના ભાગરૂપે PK એના માટે કામ કરે છે'

જેડી(યુ)ના અધ્યક્ષ રાજીવ રંજન સિંઘ ઉર્ફે લાલને આક્ષેપ કર્યો છે કે ચૂંટણી વ્યૂહકારમાંથી-રાજકારણી બનેલા પ્રશાંત કિશોર ભાજપ માટે કામ કરે છે. ભાજપ બિહારમાં પગદંડો જમાવવા કાવતરા કરે છે, જેના ભાગરૂપે પ્રશાંત કિશોર એના માટે સક્રિય છે. સિંઘે કિશોરે બિહારી મુખ્યમંત્રી નીતિશકુમારની ઓફર ફગાવી દીધી હોવાના કરેલા દાવાને વાહિયાત ગણાવતા કહ્યું કે ચૂંટણીના પ્રચાર મેનેજર કિશોર રાજકીય કાર્યકર નહિ, પરંતુ વેપારી છે કે જે માર્કેટિંગની પ્રયુક્તિઓ પર આધાર રાખે છે. અમે જાણીએ છીએ પ્રશાંત કિશોર કેટલાક સમયથી ભાજપ માટે કામ કરે છે. ભાજપનો એક એજન્ટ તાજેતરમાં મેજિસ્ટ્રેટની તપાસ દરમિયાન પકડાયો હતો, એમ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંઘના દેખીતા સંદર્ભ સાથે રાજીવ રંજને ઉમેર્યું.

સમિતિના નેતૃત્વ માટે કોંગ્રેસે ઝઝૂમવું પડે

સંસદીય સ્થાયી સમિતિઓની પુનર્રચના વેળા કોંગ્રેસે એની પાસેની એક મહત્ત્વપૂર્ણ સંસદીય સમિતિ એવી ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિનું અધ્યક્ષપદ જાળવી રાખવા માટે મથવું પડે એવી શક્યતા છે. દેશના મુખ્ય વિપક્ષ (કોંગ્રેસ)એ વિદેશ મંત્રાલય અને નાણા મંત્રાલયસંબંધી સંસદીય સ્થાયી સમિતિઓનું વડપણ તો ક્યારનું ગુમાવી દીધું છે. સંસદમાં બીજા નંબરના સૌથી મોટા વિપક્ષ એવા તૃણમૂલ કોંગ્રેસ પણ અન્ન અને ગ્રાહક બાબતોના મંત્રાલયની સંસદીય સમિતિનું નેતૃત્વ ગુમાવે એવી શક્યતા છે. હાલમાં કોંગ્રેસ પાસે ત્રણ સંસદીય સમિતિઓનું અધ્યક્ષપદ છે. આ પૈકી અભિષેક સિંઘવી ગૃહ બાબતોની સમિતિ શશી થરૂર ઇન્ફર્મેશન ટેકનોલોજી સંબંધિ સમિતિ જ્યારે રાજ્યસભાના સભ્ય જયરામ રમેશ પર્યાવરણ, વિજ્ઞાાન અને ટેકનોલોજી સંબંધી સ્થાયી સમિતિના અધ્યક્ષ છે.

પક્ષ પ્રમુખ તરીકે રાહુલના નામની દરખાસ્ત

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિએ શનિવારે મૌખિક મતદાન દ્વારા તેમજ હાથ ઊંચા કરીને, રાહુલ ગાંધીને નવા કોંગ્રેસ પ્રમુખ બનાવવા માટે પક્ષના મોવડી મંડળને અપીલ કરતો ઠરાવ પસાર કર્યો. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અત્રે યોજાયેલી ૩૫૦થી વધુ સભ્યો અને પ્રતિનિધિઓની હાજરીવાળી પ્રદેશ કોંગ્રેસની સંગઠન બેઠકમાં રાહુલ ગાંધીના નામની કરેલી દરખાસ્તને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગોવિંદસિંઘ દોતાસરા તથા કોંગ્રેસ કારોબારી સમિતિના સભ્ય રઘુવીરસિંઘ મીનાએ ટેકો આપ્યો. આ તકે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અજય માકેન અને કોંગ્રેસના ચૂંટણી અધિકારી રાજેન્દ્રસિંઘ કુંપાવત ઉપસ્થિત હતા. રાજીવ ગાંધીનું પક્ષ પ્રમુખ તરીકે નામ સૂચવતી ઉપરોક્ત દરખાસ્તને ટૂંકમાં જ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિને મોકલી અપાશે, એમ રાજસ્થાન કોંગ્રેસના પ્રવકતાએ જણાવ્યું.

કેરળ સરકાર રાજ્યપાલના પદની અવહેલના કરે છે : આરિફ

કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને શુક્રવારે રાજ્યના રાજ્યપાલ આરિફ મહંમદ ખાનની ટીકા કરી  તેઓ અર્થહીન બોલતા હોવાનો આક્ષેપ કર્યો. એટલું જ નહિ, આરિફ એમના ઉચ્ચ પદને છાજે એવી ભાષામાં વાત કરે એવી સલાહ પણ વિજયને આપી. આથી બેચેન બનેલા આરિફ મહંમદ ખાને કોચિમાં પત્રકારોને કહ્યું કે રાજ્ય સરકાર રાજ્યપાલના પદનું નીચાજોણું થાય એવી હરકતો કરી રહી છે. 'હું મુખ્યમંત્રીના નિવેદનને આવકારૂં છું. કારણ કે હવે ઓછામાં ઓછુ તેઓ પડદા પાછળથી રમવાનો પ્રયત્ન કરી રહ્યા નથી,' એમ રાજ્યપાલે ઉમેર્યું.

જાતીય સતામણીના આક્ષેપોથી યુનિવર્સિટીઓ ખળભળી

જમ્મુની બે મુખ્ય યુનિવર્સિટીઓમાં જાતીય સતામણીની પહેલી-પહેલી ફરિયાદોના પગલે ત્યાંનું શૈક્ષણિક વાતાવરણ ડહોળાઇ ગયું છે. આ પૈકીની એક ફરિયાદ જેમના સામે હતી એ જમ્મુ યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના એસોસિએટ પ્રાધ્યાપક ચંદ્રશેખરે આપઘાત કરી લીધો છે! એમના સાથી-પ્રાધ્યાપકોના મતે શેખરને આક્ષેપો મુદ્દે એમની સ્થિતિ સ્પષ્ટ કરવાની તક પણ અપાઇ નહિ. હવે આ સાથી-પ્રાધ્યાપકો સ્વ.ચંદ્રશેખરના આપઘાત-કેસની સીબીઆઇ તપાસની માગ સાથે હડતાળ પર ઊતરી ગયા છે. જમ્મુ યુનિવર્સિટીમાં જાતીય સતામણીના મુદ્દે ચરૂ ઉકળી રહ્યો છે ત્યારે રાજ્યની અન્ય શ્રી માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટીના એક અધ્યાપકે ત્યાંના એક વિદ્વાનની જાતીય સતામણી કરી હોવાની ઘટના બની છે. આથી વિદ્યાર્થીઓએ કરેલા વિરોધના પગલે યુનિવર્સિટીના સત્તાવાળાઓએ એક ઝડપી પગલું લઇને જાતીય સતામણી કરનાર અધ્યાપકને રજા ઉપર ઊતારી દઇ, એમની સામેના આક્ષેપોની તપાસ પૂરી થાય નહિ ત્યાં સુધી એમને સત્તાવાર ફરજના કામમાંથી હટાવી દીધા છે. શ્રી માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટી કટરા નજીક વૈષ્ણોદેવી મંદિર પાસે આવેલી છે. રાજ્યના લેફટેનન્ટ ગવર્નર મનોજ સિંહા ઉપરોક્ત બંને યુનિવર્સિટીઓના કુલપતિ છે.

વિદેશમાં જયપુરના રાજાની વગોવણી,TRS નેતાની જાગૃતિ

મધ્ય એશિયામાં આવેલા દેશ ઉઝબેકિસ્તાનની રાજધાની સમરકંદના મ્યુઝિયમની બહાર મૂકાયેલા એક બોર્ડમાં ભારતના એક રાજપૂત રાજા મહારાજા સવાઇ જયસિંઘ - દ્વિતીયનો ઉલ્લેખ બોબુરિ સુલતાન મુખમ્મદશોહ અથવા ૧૩મા મોગલ  સમ્રાટ મિરઝા નસિર - ઉદ્દ-દિન મહંમદ શાહના રાજમહેલના નોકર તરીકે કરાયો છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિના, વિધાન પરિષદના સભ્ય કે. કવિતાએ આ ઉલ્લેખ સામે વિરોધ નોંધાવી વિદેશમંત્રી એસ. જયશંકરને આ ભૂલ બાબત ઉઝબેકિસ્તાની નેતાઓ સાથે ચર્ચા કરવા જણાવ્યું છે. કવિતાએ રાજા જયસિંઘ વિષેનું ઉપરોક્ત લખાણ  ભારતની મહત્તા ઘટાડતું હોવાનું જણાવીને વિદેશમંત્રી ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ એના ઉઝબેકિસ્તાનના સમકક્ષ સમક્ષ ઉપરોક્ત ક્ષતિની ચર્ચા કરવા વિનંતી કરી છે.

- ઇન્દર સાહની

Gujarat