સુરતમાં આ માતાજીના મંદિરની આરાધના કરતી મહિલા પૂજારીઓ, નવરાત્રી જ નહીં પરંતુ આખું વર્ષ કરે છે શણગાર અને પૂજા

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
સુરતમાં આ માતાજીના મંદિરની આરાધના કરતી મહિલા પૂજારીઓ, નવરાત્રી જ નહીં પરંતુ આખું વર્ષ કરે છે શણગાર અને પૂજા 1 - image


- સુરતના નવસારી બજાર ખાતે આવેલા જૂના મત અને હિંગળાજ માતાના મંદિરે વર્ષોથી મહિલા પૂજારી માતાજીની સેવા ચાકરી કરે છે : નવરાત્રીમાં માતાજીના દર્શન સાથે મહિલા પુજારી પાસે ભક્તો પૂજા કરાવે છે

સુરત,તા.18 ઓક્ટોબર 2023,બુધવાર


ગત રવિવારથી શરૂ થયેલા નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સુરતના મોટા ભાગના માતાજીના મંદિરમાં પુજારી તરીકે પુરુષ હોય છે પરંતુ સુરતના 150 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક એવા માં હિંગળાજના મંદિરમાં વર્ષોથી માતાજીની સેવા ચાકરી અને પૂજા કરવા સાથે માતાજી ના શણગાર નું કામ મહિલા પુજારીઓ કરી રહ્યાં છે. 

સુરતમાં આ માતાજીના મંદિરની આરાધના કરતી મહિલા પૂજારીઓ, નવરાત્રી જ નહીં પરંતુ આખું વર્ષ કરે છે શણગાર અને પૂજા 2 - image

રાજકારણ સહિત અનેક જગ્યાએ મહિલા અનામતને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે પરંતુ મંદિરોમાં ભગવાનની પૂજા માટે મહિલા પુજારી ઘણી ઓછી જગ્યાએ જોવા મળે છે. સુરતના કેટલાક શિવ મંદિરોમાં મહિલા પુજારી છે પરંતુ માતાજીના મંદિરમાં મહિલા પુજારીઓની સંખ્યા ઘણી જ ઓછી છે. હાલ નવરાત્રી ચાલી રહી હોય માતાજીના મંદિરોમાં ભક્તોની માનવ મહેરામણ ઉમટી પડે છે તેમાં પણ શહેરના કોટ વિસ્તાર એવા નવસારી બજાર અને વાડી ફળિયા જેવા મંદિરોમાં હિંગળાજ માતાના દર્શને જતાં નવા ભક્તો મહિલા પુજારીને જોઈને આશ્ચર્ય પામી રહ્યા છે.

સુરતના કોટ વિસ્તારમાં નવસારી બજાર ગોપી તળાવ સામે તેર ગામ ક્ષત્રિયનો હિંગળાજ માતાજીનો મઠ આવ્યો છે. આ મંદિરમાં છેલ્લા 60 વર્ષથી દક્ષાબેન ગૌસ્વામી માતાજીની પૂજા આરાધના કરી રહ્યાં છે. દક્ષાબેન કહે છે, આ મંદિરમાં માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા અને મારા દાદા-સસરા અને દાદી સાસુ પૂજા કરતા હતા. તે પહેલા તેમના વડવાઓ પૂજા કરતા હતા આ મંદિર લગભગ 250 વર્ષ કરતાં પણ વધુ જૂનુ છે. જ્યારે. હું લગ્ન કરીને આવી ત્યારથી હું પૂજા કરું છું અને મારે કોઈ વખત બહાર જવાનું થાય ત્યારે મારી બે વહુઓ છે વિધિ અને કૃપા તે માતાજીની પુજા અને શણગાર કરે છે. મારા પતિ અરુણભાઈ છે પરંતુ અમારા મંદિરમાં છ માતાજી હોવાથી અમે મહિલાઓ જ માતાજીનો શણગાર કરીએ છીએ અને પુજા અર્ચના પણ કરીએ છીએ.

નવસારી બજારની જેમ જ કોટ વિસ્તારમાં આવેલી વાડી ફળિયા ચોકીની બાજુમાં આવેલા 150 વર્ષ કરતાં પણ વધુ પૌરાષિક હિંગળાજ મંદિરમાં પણ રાગિણીબેન ગોસ્વામી નામની મહિલા માતાજીની પૂજા કરે છે. રાગીણી બેન કહે છે, હું છેલ્લા 60 વર્ષથી અહીં પુજારી તરીકે ફરજ બજાવું છું. શરૂઆતમાં પુરુષની જગ્યાએ મહિલા પુજારી જોઈને કેટલાક લોકોને આશ્ચર્ય થયું હતું. પરંતુ ત્યાર બાદ મહોલ્લાના લોકોને મહિલા પુજારી છે અને અમારી પાસે પૂજા કરવાની આદત પડી ગઈ છે. આમ તો હું 365 દિવસ માતાજીની ભક્તિ કરું છું ભાગ્યે જ બહાર જાવ છું તેમ છતાં જો ક્યારે બહાર જવાનું થાય તો મારી વહુ અર્ચના પૂજા અર્ચના કરે છે. હાલમાં નવરાત્રી ચાલી રહી હોય માતાજીના અનેક ભક્તો માતાજીની પૂજા કરવા સાથે સાથે મહિલા પૂજારી પાસે પૂજા કરવાનું ચૂકતા નથી.


Google NewsGoogle News