ઉકાઇ ડેમમાં પાણી 14 ફુટ ઓછુંઃ સોમવારથી નહેરોમાં પાણી છોડવાનું સંપુર્ણ બંધ કરાશે
- ગયા વર્ષ કરતા પાણીનો જથ્થો ઓછો
- જોકે, પીવા માટે પાણીનો જથ્થો ઓગષ્ટ માસ સુધી ચાલે તેટલો છેઃ ૨૦૦૧માં સૌથી ઓછી ૨૭૨.૧૧ ફુટ સપાટી હતી, ૨૦૧૯માં ૨૭૯.૬૪ ફુટ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 17 મે 2019, શનિવાર
ઉકાઇ ડેમના ઇતિહાસમાં આજથી ૧૮ વર્ષ અગાઉ ૨૦૦૧ માં સૌથી ઓછી સપાટી ૨૭૨.૧૧ ફૂટ નોંધાઇ હતી.અને ત્યારબાદ આ વર્ષે ૨૭૯.૬૪ ફૂટ નોંધાઇ છે.આટલી સપાટી ઓછી નોધાઇ હોવાથી સોમવાર સુધીમાં સિંચાઇ વિભાગ દ્વારા આગોતરૂ આયોજન કરીને નહેરમાં પાણી છોડવાનું સંપૂર્ણ બંધ કરાશે.અને માત્ર ને માત્ર પીવાના પાણીની જરૂરિયાત મુજબ જ પાણી આપવાનો નિર્ણય લેવાયો છે.આજની તારીખે ડેમમા ૩૩૫ મિલીયન કયુબીક મીટર (એમસીએમ) જથ્થો સ્ટોર છે. જે પીવાના પાણી માટે ઓગસ્ટ સુધી ચાલી શકે તેમ છે.
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં ગત વર્ષે ઝાઝો વરસાદ ના વરસતા ડેમ ખાલી રહયો હતો.ઉકાઇ ડેમના સતાધીશોએ પાણીનો કરકસર યુકત ઉપયોગ કરીને સિંચાઇ માટે પણ રોટેશન ધટાડી દેવાયા હતા. અને આજની તારીખે ડેમની સપાટી ધટીને ૨૭૯.૬૪ ફૂટ નોંધાઇ છે.ડેમમાં ૩૩૫ એમસીએમ પાણીનો જીવંત જથ્થો છે. જો ગયા વર્ષની સરખામણી કરીએ તો ગત વર્ષ ૨૦૧૮ માં ડેમની આજની તારીખે સપાટી ૨૯૩.૭૦ ફૂટ હતી. અને ડેમમાં ૯૭૪ એમસીએમ પાણી હતી. આમ ગત વર્ષ કરતા આ વર્ષે ૧૪ ફૂટ પાણી ઓછુ છે.અને જીવંત જથ્થો પણ ૬૩૯ એમસીએમ ઓછો છે.
ગત વર્ષ કરતા વિપરીત પરિસ્થિતિ છે. તેમ છતા ઉકાઇ ડેમના સતાધીશોએ રવિવાર અને સોમવાર એમ બે દિવસમાં તબક્કાવાર ઉકાઇ ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનું સંપૂર્ણ બંધ કરી દેશે. અને ફકત પીવાનું પાણી જરૂરિયાત મુજબ જ આપવામાં આવશે.
ઉકાઇ ડેમના સતાધીશો જણાવે છે કે આવી પરિસ્થિતિનું નિર્માણ આ વર્ષે જ થયુ નથી. ૧૮ વર્ષ અગાઉ ૨૦૦૧ માં સપાટી ૨૭૨.૧૧ ફૂટ સુધી પહોંચી ગઇ હતી. આ ઉપરાંત ૨૦૧૬ માં ૨૮૩.૫૫ ફૂટ અને ૨૦૧૮ માં ૨૮૪.૯૯ ફૂટસુધી પહોંચી હતી. તેમ છતા પણ પાણીની તકલીફ પડી નહોતી. આ વર્ષે પણ જુલાઇ- ઓગસ્ટ સુધી પીવાના પાણીની તકલીફ ન પડે તેટલુ પાણી ડેમમાં સ્ટોરેજ છે. અને જુલાઇ સુધીમાં તો મેઘરાજાની મહેર થતા જ ડેમમાં પાણીની આવક આવવા માડશે.
ઉકાઇ ડેમમાં નોંધાયેલી ઓછી સપાટીની માહિતી
વર્ષ |
સપાટી (ફૂટ) |
૨૦૦૧ |
૨૭૨.૧૧ |
૨૦૦૨ |
૨૮૦.૯૫ |
૨૦૦૫ |
૨૭૯.૬૭ |
૨૦૧૬ |
૨૮૩.૫૫ |
૨૦૧૮ |
૨૮૪.૯૯ |
૨૦૧૯ |
૨૭૯.૬૪ |
નોંધ:વર્ષની સૌથી છેલ્લી સપાટી છે.