સુરત, તા.28 માર્ચ 2020, શનિવાર
જીવલેણ કોરાના વાયરસના હાહાકાર વચ્ચે શહેરના ડીંડોલી વિસ્તારમાં એક યુવાનને શ્વાસ લેવાની તકલીફ થવાની સાથે તડફડયા ખાતો હોય તેવો વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થતા સ્થાનિક વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આજ રોજ બપોરના 1.45 કલાકના અરસામાં સુરતમાં સોશીયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. વિડીયો સાથે ડીંડોલી બસ સ્ટેન્ડ વિસ્તાર લખેલું છે. આ વિડીયો જોતા નજરે પડે છે કે એક યુવાન સ્ટ્રેચર પર સુતેલો છે અને તડફડયા ખાઇ રહ્યો છે. નજીકમાં પેરા મેડિકલ સ્ટાફ એમ્બ્યુલન્સ સાથે ત્યાં હાજર છે. ઉપરાંત સુરત મનપાનો એક કર્મચારી પણ નજરે પડે છે જે ત્યાં હાજર લોકોને સ્ટ્રેચર પર સુતેલા યુવાનની નજીક જવાનું ના પાડે છે.
ઉલ્લેખનીય છે કે, હાહાકાર મચાવનાર જીવલેણ કોરોના વાયરસના સક્રમણમાં આવે તે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. તેવા સંજોગોમાં સ્ટ્રેચર પર સુતેલા યુવાન પોતાના ગળામાં કંઇક થઇ રહ્યું છે અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય છે તેવો ઇશારો પેરા મેડિકલ સ્ટાફ તરફ કરે છે. જેથી એવી આશંકા છે કે સ્ટ્રેચર પુર સુતેલા યુવાન સંભવત કોરોના વાયરસની ઝપટમાં આવ્યો હોય શકે છે. જેની જાણ સ્થાનિક વિસ્તારમાં થતા ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસેને તુરંત જ ડીંડોલી વિસ્તારમાં ખડકી દેવામાં આવી છે.
સંભવત યુવાન માનસિક બિમાર હોય તેવી શકયતા નકારી શકાય એમ નથી. જેથી આરોગ્ય વિભાગે યુવાનને સારવાર આપવાની સાથે પુછપરછ પણ શરૂ કરી છે.


